કોરોના સામે સાવચેતીઃ દિલીપ કુમારે પોતાને આઈસોલેશનમાં મૂકી દીધા

મુંબઈ : હિન્દી ફિલ્મોના પીઢ વયોવૃદ્ધ અભિનેતા દિલીપ કુમારે કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં લઈને પોતાને સેલ્ફ-ક્વોરન્ટીન અને સંપૂર્ણપણે આઈસોલેશન કરી દીધા છે.

આ જાણકારી દિલીપ કુમારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે.

એમણે તેમ પણ જણાવ્યું છે કે એમના પત્ની અને પીઢ અભિનેત્રી સાયરા બાનો એમના સ્વાસ્થ્યની સંભાળ લઈ રહ્યા છે.

દિલીપ કુમારે ટ્વીટ કર્યું છે કે, કોરોના વાઈરસના પ્રકોપને ધ્યાનમાં લઈને મેં સ્વયંને સંપૂર્ણપણે આઈસોલેશન અને સેલ્ફ-ક્વોરન્ટીન કરી દીધો છે. મને કોઈ પણ રીતે કોરોનાનો ચેપ ન લાગે એ માટે સાયરાએ કોઈ કચાશ રહેવા દીધી નથી.

દિલીપ કુમાર છેલ્લે 1998માં રૂપેરી પડદા પર જોવા મળ્યા હતા. એ વખતે તેઓ ‘કિલા’ ફિલ્મમાં જોવા મળ્યા હતા.

1994માં એમને ‘દાદાસાહેબ ફાળકે’ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. બાદમાં, 2015માં એમને ‘પદ્મવિભૂષણ’ ખિતાબ આપવામાં આવ્યો હતો.

દિલીપ કુમાર ‘દેવદાસ’, ‘મુગલ-એ-આઝમ’, ‘પૈગામ’, ‘રામ ઔર શ્યામ’, ‘ક્રાંતિ’, ‘કર્મા’ જેવી ફિલ્મોમાં કરેલા અભિનય માટે જાણીતા છે. એમણે 1966માં સાયરા બાનો સાથે લગ્ન કર્યા હતા. સાયરા બાનો ઉંમરમાં એમના કરતાં 20 વર્ષ નાનાં છે.