Home Blog Page 4632

ટ્રમ્પનો H-1B વિઝા કામચલાઉ પ્રતિબંધ યૂએસ જજે ફગાવી દીધો

વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી કામદારો માટેના H-1B વિઝા પર પ્રતિબંધ મૂકતા આપેલા ઓર્ડરને આજે દેશના એક ન્યાયાધીશે બ્લોક કરી દીધો છે. ફેડરલ જજ જેફ્રી વ્હાઈટે કહ્યું કે પ્રમુખે એમની બંધારણીય સત્તાનો દુરુપયોગ કર્યો હતો. કેલિફોર્નિયાના ડિસ્ટ્રીક્ટ જજ વ્હાઈટે એમ પણ કહ્યું કે ઈમિગ્રેશન નીતિ અંગે પ્રમુખ કોઈ અવરોધવિહોણો નિર્ણય લઈ ન શકે.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે અમેરિકાનાં લોકોની નોકરીઓને રક્ષણ પૂરું પાડવા માટે ગયા જૂન મહિનામાં H-1B વિઝા પર ટેમ્પરરી પ્રતિબંધ જાહેર કર્યો હતો.

અમેરિકાના વાણિજ્ય અને ગૃહ વિભાગ સામે કેટલીક કંપનીઓએ કેસ કર્યો હતો, જેમનું પ્રતિનિધિત્વ નેશનલ એસોસિએશન ઓફ મેન્યૂફેક્ચરર્સ, યૂએસ ચેમ્બર ઓફ કોમર્સ, નેશનલ રીટેલ ફેડરેશન અને ટેકનેટ કરે છે.

H-1B વિઝા પર ટ્રમ્પના ઓર્ડરે મૂકેલા શ્રેણીબદ્ધ નિયંત્રણોને જજે તાત્કાલિક અમલમાં આવે એ રીતે ઉઠાવી લીધા છે. ટ્રમ્પના ઓર્ડરે ઉત્પાદકોને મહત્ત્વની નોકરીઓમાં વસાહતી લોકોને ભરતી કરતા અટકાવી દીધા હતા. નેશનલ એસોસિએશન ઓફ મેન્યૂફેક્ચરર્સની દલીલ હતી કે દેશના અર્થતંત્રને પુનઃ સ્વસ્થ કરવા, આર્થિક વિકાસ વધારવા માટે સહાયરૂપ થવા તેમજ નવીનતા લાવવા માટે H-1B વિઝા યોજના હેઠળ ખાસ જરૂરિયાતના સમયે વસાહતી કામદારોની ભરતી કરવામાં આવે છે.

ગયા જૂનમાં ટ્રમ્પે એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર ઈસ્યૂ કર્યો હતો જેને પગલે H-2B, J અને L વિઝા સહિત નવા H-1B વિઝા તેમજ અન્ય ફોરેન વિઝા ઈસ્યૂ કરવા પર કામચલાઉ (આ વર્ષના અંત સુધી) પ્રતિબંધ મૂકી દીધો હતો.

ટ્રમ્પે એવી દલીલ કરી હતી કે હાલ કોરોના વાઈરસ રોગચાળાને કારણે લાખો સ્થાનિક અમેરિકનોની નોકરીઓ જતી રહી છે તેથી એમની નોકરીઓને બચાવવા અને રક્ષણ આપવાની જરૂર છે.

ટ્રમ્પના આ કામચલાઉ પ્રતિબંધનો અમેરિકાની અનેક ઈન્ફોર્મેશન ટેક્નોલોજી તથા અન્ય ક્ષેત્રોની કંપનીઓએ વિરોધ કર્યો હતો.

ટ્રમ્પ વહીવટીતંત્રના ઓર્ડરને ઉત્પાદકોએ કોર્ટમાં પડકાર્યો હતો. એમણે એવી દલીલ કરી હતી કે આપણે દુનિયાના દેશો સાથે હરીફાઈ કરવા માટે આપણા ઉદ્યોગક્ષેત્રમાં નવીનતા લાવવા માટે શ્રેષ્ઠતમ ટેલેન્ટને શોધી રહ્યા છીએ, ડેવલપ કરી રહ્યા છીએ ત્યારે આવો ઓર્ડર હાનિકારક છે. આજનો કોર્ટનો નિર્ણય ઉત્પાદકો માટે કામચલાઉ જીત સમાન છે.

ઈલેક્ટ્રિક કારઉત્પાદક ટેસ્લાનો આવતા વર્ષે ભારતપ્રવેશઃ મસ્કનો સંકેત

નવી દિલ્હીઃ અમેરિકી ઇલેક્ટ્રિક કારઉત્પાદક ટેસ્લા ભારતીય માર્કેટમાં પ્રવેશવાની તૈયારીમાં છે. કંપની વર્ષ 2021માં ભારતના બજારમાં પ્રવેશશે, એમ ટેસ્લાના CEO એલોન મસ્કે કહ્યું છે. તેમણે ટેસ્લા કારોને ભારતમાં લાવવાની યોજનાનો સંકેત એક ટ્વિટર પોસ્ટના જવાબમાં કર્યો છે, જેમાં ભારતમાં ટેસ્લાના યોજનાબદ્ધ પ્રવેશ વિશે પૂછવામાં આવ્યું હતું.

‘આવતા વર્ષે શ્યોર’, એમ મસ્કે એક ટ્વીટના જવાબમાં કહ્યું હતું. એ ટ્વીટમાં ‘ભારત ટેસ્લાને ઇચ્છે છે’ અને ભારત ટેસ્લાને પસંદ કરે છે એવી ટેગલાઈન છાપેલા ટી-શર્ટ્સની તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી. ‘રાહ જોવા બદલ આભાર’, એમ મસ્કે કહ્યું હતું.

મસ્ક ભૂતકાળમાં અનેક પ્રસંગે સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે તેઓ ટેસ્લાને ભારતમાં લાવવા ઇચ્છે છે, પરંતુ 2018ના ટ્વિટર પોસ્ટમાં તેમણે કેટલાક પડકારજનક સરકારી નિયમોને એક અડચણરૂપ ગણાવ્યા હતા. આ ઉપરાંત તેમણે ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકના પ્રવેશમાં વિલંબ બદલ સીધા વિદેશી મૂડીરોકાણના માપદંડોની પણ તીખી આલોચના કરી હતી.

મને ભારતમાં આવવું ગમશે, પણ કેટલાક પડકારજનક સરકારી નિયમો દુર્ભાગ્યપૂર્ણ છે, એમ મસ્કે એક ટ્વિટર વપરાશકર્તાઓના જવાબમાં ટ્વીટ કરતાં કહ્યું હતું, જેણે પોતાના ટવિટર હેન્ડલ પર ભારતમાં કોઈ ટેસ્લા નથી લખ્યું હતું.

આ વર્ષે જુલાઈમાં તેમણે ટેસ્લાના ભારતીય પ્રશંસકોને ઇલેક્ટ્રિક મોડલ ત્રણ- ‘આશા છે ટૂંક સમયમાં’ ચલાવવાની મંજૂરી આપવાના સંકેત આપ્યા હતા.

ચાર વર્ષ પહેલાં કાર બુક કરનારા ફોલોઅર દ્વારા પૂછવામાં આવેલા જવાબમાં મસ્કે કહ્યું હતું કે ટૂંક સમયમાં લોન્ચ થવી જોઈએ. જોકે શુક્રવારનું ટ્વીટ ટેસ્લાની સંભવિત પ્રવેશની ટાઇમલાઇન બતાવે છે.

2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેલિફોર્નિયાના પાલો અલ્ટોમાં ટેસ્લાના હેડક્વાર્ટર્સની મુલાકાત લીધી હતી અને મસ્કથી બેઠક યોજી હતી, જેમાં મોદીએ કંપનીના ઇલેક્ટ્રિક કાર પ્લાન્ટની ટુર કરી હતી. ટેસ્લાએ જોકે અત્યાર સુધી ભારત અથવા દક્ષિણ એશિયાના કોઈ અન્ય દેશમાં કોઈ ઇલેક્ટ્રિક કાર લોન્ચ નથી કરી. એકમાત્ર એશિયનાં બજારમાં- ટેસ્લાની હાજરી ચીનમાં છે.

 

151મી ગાંધીજયંતિની ઉજવણી, બાપુને અપાઈ શ્રદ્ધાંજલિ…

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિની 2 ઓક્ટોબર, શુક્રવારે દેશભરમાં આદરપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. રાજકીય નેતાઓ તથા આમજનતાએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નવી દિલ્હીમાં, ગાંધીજીના સમાધીસ્થળ રાજઘાટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સત્ય, અહિંસા, શાંતિ અને સદ્દભાવનાના ઉપાસક ગાંધીબાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તસવીર અમદાવાદના ગાંધી આશ્રમની છે જ્યાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરીને સર્વધર્મ પ્રાર્થનાસભામાં બેઠાં છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ

લખનઉમાં ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગાંધીજયંતિ ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થયાં છે.

મુંબઈમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ગાંધીજી તથા ભૂતપૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની છબી સમક્ષ ઊભીને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. દેશે આજે શાસ્ત્રીજીની 116મી જન્મજયંતિની પણ ઉજવણી કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિજયઘાટ સ્મારક ખાતે લાલબહાદુર શાસ્ત્રીજીને જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

 

નવી મુંબઈઃ બ્રેન-ડેડ મહિલાએ ચાર જણને નવું જીવન આપ્યું

મુંબઈઃ કોરોના વાઈરસનો રોગચાળો ફેલાયો છે ત્યારથી રોજ દર્દીઓ અને મૃત્યુને લગતા નિરાશાજનક સમાચારો આવતા રહ્યા છે ત્યારે હાલ એક રાહતના સમાચાર એ આવ્યા છે કે પડોશના નવી મુંબઈમાં એક બ્રેન-ડેડ મહિલાનાં શરીરનાં અવયવોનાં દાનથી ચાર દર્દીને નવું જીવન પ્રાપ્ત થયું છે.

પડોશના રાયગડ જિલ્લાના અને મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR)ના એક હિસ્સા, પનવેલ શહેરની વતની 62-વર્ષીય મહિલાને ગઈ 26 સપ્ટેમ્બરે ગંભીર હાલતમાં નવી મુંબઈના સીબીડી-બેલાપુરની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એને તપાસ્યા બાદ એને ઈન્ટ્રા-ક્રેનિઅલ હેમરેજ થયું હોવાનું નિદાન કરાયું હતું. તમામ પ્રકારની સારવાર અને પ્રયાસો છતાં એ મહિલા સાજી થઈ શકી નહોતી અને આખરે 29 સપ્ટેમ્બરે એને બ્રેન-ડેડ ઘોષિત કરવામાં આવી હતી.

ડોક્ટરોએ ત્યારબાદ એનાં પરિવારજનો સાથે મસલત કરી હતી, જ્યારબાદ તેઓ મહિલાનાં અંગોનું દાન કરવા સહમત થયાં હતાં. પરિવારે મંજૂરી આપ્યા બાદ હોસ્પિટલના ડોક્ટરોએ મૃત ઘોષિત મહિલાનાં શરીરનું લિવર, કિડનીઓ અને એક ફેફસું કાઢી લીધાં હતાં અને સંગ્રહ કર્યો હતો.

મહિલાનાં લિવરને ત્યારબાદ કોલ્હાપુરના 39 વર્ષીય પુરુષમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું અને બે કિડની નવી મુંબઈના બે દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.

ફેફસા માટે કોઈ ઉચિત ગ્રહણ કરનાર નહોતું. પરંતુ ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેશન સેન્ટર મારફત ચેન્નાઈમાં એક જણને ફેફસાની જરૂર હોવાનું માલૂમ પડ્યું હતું. તેથી ગ્રીન કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને મહિલાનાં ફેફસાંને એપોલો હોસ્પિટલથી મુંબઈ એરપોર્ટ સુધી 38 કિ.મી.નું અંતર 30 મિનિટમાં કાપીને પહોંચતું કરવામાં આવ્યું હતું અને ત્યાંથી વિમાન દ્વારા ફેફસાને ચેન્નાઈની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

આમ, એક મહિલાનાં અંગદાનથી ચાર વ્યક્તિને નવજીવન પ્રાપ્ત થયું છે. હોસ્પિટલનાં ડોક્ટરોએ આ માટે મૃત મહિલાનાં પરિવારજનોનો આભાર માન્યો છે.

IPL-2020માં ‘બાયો-બબલ’ નિયમોનો ભંગ કરવાનું ખેલાડીઓ, ટીમોને ભારે પડશે

દુબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝન હાલ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં રમાઈ રહી છે. એ દરમ્યાન ‘બાયો-બબલ’ નિયમોનું ઉલ્લંઘન કરવા પર જે-તે ક્રિકેટરને ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડે એવી શક્યતા છે અને એની ટીમને એક કરોડ રૂપિયાનો દંડ ભોગવવો પડશે તેમજ પોઈન્ટ્સ ટેબલમાં એનો એક પોઇન્ટ પણ કાપી લેવામાં આવશે. BCCIએ IPLમાં ભાગ લેનારી બધી આઠ ફ્રેન્ચાઇઝી ટીમોને નોટિફિકેશન આપ્યું છે કે ‘બાયો-બબલ’માંથી ગેરકાયદેસર રીતે બહાર જનાર ક્રિકેટરે છ દિવસ સુધી ક્વોરન્ટીનમાં રહેવું પડશે.

‘બાયો-બબલ’ એટલે આઈપીએલ-2020માં રમતી આઠેય ટીમોના ખેલાડીઓ, મેચ ઓફિસરો અને ટીમ ઓફિસરોને કોરોના વાઈરસ બીમારીના ચેપ સામે રક્ષણ આપવા સુરક્ષિત (બાયો-સિક્યોર) વાતાવરણની વ્યવસ્થા. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. ટૂંકમાં, આઈપીએલ સાથે સંકળાયેલી આ તમામ વ્યક્તિઓની અવરજવર પર કડક નિયંત્રણ મૂકી દેવામાં આવ્યું છે. તેઓ ક્યાંય ફરવા જઈ ન શકે, મુલાકાતીઓને કે પરિવારજનોને પણ મળી શકે નહીં.

જો આવું બીજી વાર થયું તો એક મેચનો બેન લગાવવામાં આવશે અને ત્રીજી વાર ઉલ્લંઘન થવા પર એને ટુર્નામેન્ટથી બહાર કરી દેવામાં આવશે અને એની જગ્યાએ ટીમને કઈ નવો ક્રિકેટર પણ નહીં મળે.

ક્રિકેટરને દૈનિક આરોગ્ય પાસપોર્ટ પૂરો નહીં કરવા પર, GPS ટ્રેકર નહીં પહેરનાર અને નિર્ધારિત કોવિડ-19ની તપાસ સમય પર નહીં કરાવવા માટે આશરે 60,000 રૂપિયા સુધીનો દંડ આપવો પડી શકે છે. આ નિયમ પરિવારના સભ્યો અને ટીમના અધિકારીઓ માટે પણ છે.

સંયુક્ત આરબ અમિરાત (UAE)માં ચાલી રહેલી ટુર્નામેન્ટના દરેક પાંચમા દિવસે બધા ક્રિકેટરો અને સહયોગી સ્ટાફની કોવિડ-19ની તપાસ કરવામાં આવી રહી છે. ટીમ અધિકારીઓએ સર્તક રહેવા સાથે એ પણ ખાતરી કરવાની રહેશે કે સખત ‘બાયો-બબલ’નું ઉલ્લંઘન ના થાય.

જો કોઈ ફ્રેન્ચાઇઝી કોઈ વ્યક્તિને ‘બાયો-બબલ’માં ક્રિકેટર-સહયોગી સ્ટાફથી વાતચીત કરવાની મંજૂરી આપે છે તો તેણે પહેલાં ઉલ્લંઘન પર એક કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી વાર આવું કરવા બદલ પોઇન્ટ કાપી લેવામાં આવશે અને ત્રીજી વારના ઉલ્લંઘન બદલ બે પોઇન્ટ (એક જીત બરાબર) કાપવામાં આવશે. શું CSKના ક્રિકેટરે ‘બાયો-બબલ’ને તોડ્યો? CEOએ સ્પષ્ટતા કરી

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે CSKના ઝડપી બોલર કેએમ આસિફે ‘બાયો-બબલ’ તોડ્યો છે, પરંતુ CSKના CEO કાશી વિશ્વનાથને આ ન્યૂઝને ખોટા ગણાવ્યા હતા. તેમનું કહેવું હતું કે તેમના કોઈ ક્રિકેટરે ‘બાયો-બબલ’ નથી તોડ્યો અને આવો દાવા કરવાવાળી વાતો ખોટી છે. CEOએ હોટેલના ક્રિકેટરો માટે અલગથી લોબી હોવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે મને નથી ખબર કે આ મામલે ફેક્ટ ચેક કરવામાં આવ્યા છે કે નહીં. લોબીમાં ક્રિકેટરોના અલગથી રિસેપ્શન છે અને ત્યાં હાજર સ્ટાફને માત્ર ક્રિકેટરો માટે રાખવામાં આવ્યો છે.

જોકે કાશી વિશ્વનાથને ચાવી ખોવાઈ જવાની વાતનો સ્વીકાર કર્યો હતો. તેમણે ક્હ્યું હતું કે ચાવી ખોવાવાની વાત સાચી છે, પણ આસિફ રેગ્યલર સ્ટાફ પાસે નહોતો ગયો, તે માત્ર ક્રિકેટરો માટે અલગથી રાખવામાં આવેલા સ્ટાફની પાસે બીજી ચાવી લેવા પહોંચ્યો હતો.

ટ્રમ્પ, પત્ની કોરોનાગ્રસ્ત; મોદીએ જલદી સાજા થવાની શુભેચ્છા દર્શાવી

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પનો કોરોનાવાઈરસ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આની જાણકારી ખુદ ટ્રમ્પે જ ટ્વિટરના માધ્યમથી આપી છે.

એમણે ટ્વીટમાં જણાવ્યું છે કે આજે (ગુરુવારે) રાતે ફર્સ્ટ લેડી અને હું કોવિડ-19 માટે પોઝિટીવ ઘોષિત કરાયાં છીએ. અમે અમારો ક્વોરન્ટાઈન તથા સાજા થવા માટેનો સમયગાળો શરૂ કરીએ છીએ. અમે સાથે મળીને આમાંથી પાર નીકળીશું.

ટ્રમ્પના ટ્વીટ બાદ એમના પત્ની મેલાનિયાએ પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ વર્ષે ઘણા બધા અમેરિકાવાસીઓને તકલીફ પડ્યા બાદ અમેરિકાના પ્રમુખ અને હું કોવિડ-19 માટે પોઝિટીવ જાહેર થયાં બાદ ક્વોરન્ટાઈન સ્થિતિ વીતાવી રહ્યાં છીએ. અમારી તબિયત સારી છે અને મેં મારી તમામ આગામી મુલાકાતોને મુલતવી રાખી દીધી છે.

મેલાનિયા ટ્રમ્પે અમેરિકાની જનતાને ઉદ્દેશીને વધુમાં લખ્યું છે કે, કૃપા કરીને તમે ધ્યાન રાખીને સુરક્ષિત રહેજો અને અમે સાથે મળીને આ તકલીફને પાર કરી દઈશું.

વડા પ્રધાન મોદીની શુભેચ્છા

ટ્રમ્પ અને એમના પત્ની, બંને જણ કોરોનાગ્રસ્ત થયાના સમાચાર જાણ્યા બાદ નવી દિલ્હીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી કે ટ્રમ્પ દંપતી જલદી સાજા થઈ જાય.
મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે મારા મિત્ર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાનાં ફર્સ્ટ લેડી જલદી સાજાં થઈ જાય અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એવી હું શુભેચ્છા વ્યક્ત કરું છું.

ગાંધીને પ્રિય ‘વૈષ્ણવ જન’ હવે કશ્મીરી ભાષામાં…

ગાંધીજીએ એક વાર કહેલુંઃ આઇ સી લાઇટ ઓન્લી ઇન કશ્મીર… એ સમયમાં જ્યારે દેશ આખો કોમી દાવાનળથી ભભૂકતો હતો ત્યારે કદાચ કશ્મીર એક માત્ર એવો પ્રદેશ હતો જ્યાં શાંતિ પ્રવર્તતી હતી અને ગાંધીએ એટલે જ કદાચ કશ્મીરમાં અમનની આશાનું કિરણ જોયું હશે…

ખેર, ગાંધીની આ સદભાવના કે ગાંધી વિચારોની એ પછી કશ્મીર વેલીમાં કેટલી અસર થઈ એ કહેવું મુશ્કેલ છે, પણ ધારી લો કે આજે એ જ ગાંધીની સદભાવનાને સંગીત સ્વરૂપે કશ્મીરની ખૂબસૂરત વાદીઓમાં પ્રસરાવવામાં આવે તો? કદાચ, કાંઇક સારું થાય પણ ખરું એવા વિચાર સાથે અમદાવાદના કુસુમ કૌલે ગાંધી જયંતિના દિવસે જ ગાંધીને પ્રિય એવું ભજન ‘વૈષ્ણવ જન તો એને રે કહીએ, જે પીડ પરાઇ જાણે રે…’ ને કશ્મીરી ભાષામાં અનુવાદિત કરીને સ્વરબધ્ધ કરાવ્યું છે. કશ્મીરી કવિ શાહબાઝ હાકબરીએ અમુવાદિત કરેલું અને વિખ્યાત કશ્મીરી ગાયક ગુલઝાર ગનઇએ ગાયેલું આ ભજન યુટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું હતું.

કુસુમ કૌલ પોતે પણ કશ્મીરી પંડિત પરિવારમાંથી આવે છે. ૧૯૯૦માં જે રીતે અહીંના પંડિતોએ રાતોરાત ખીણ છોડીને ભાગવું પડ્યું એમાં એમના પરિવારનો પણ સમાવેશ થતો હતો. કશ્મીરી પંડિત પરિવારોની એ વ્યથા અને દર્દ એમણે જાતે અનુભવ્યાં છે, સહન કર્યા છે. કશ્મીર યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનું ભણનાર કુસુમ કૌલ એ પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયસ્તરે વિવિધ મંચ પર કશ્મીરમાં શાંતિનું વાતાવરણ કેવી રીતે સ્થાપિત કરી શકાય એ માટે પ્રયત્ન કરતા રહયા છે. એવામાં થોડાક સમય પહેલાં એમનો પરિચય અમેરિકાસ્થિત લેખક મયંક છાયા સાથે થયો. મયંકભાઇ ત્યારે નરસિંહ મહેતા પર ફિલ્મ બનાવતા હતા અને એ માટે તૈયાર કરાયેલું નરસિંહ મહેતા રચિત આ વૈષ્ણવ જન ભજન સાંભળ્યા પછી એમને વિચાર આવ્યો કે, ગાંધીને પ્રિય એવા આ ભજનમાં જે સંદેશ છે એ જ માનવતા અને શાંતિનો સંદેશ બની શકે એમ છે.

કુસુમબહેન chitralekha.com ને કહે છે, ‘વર્ષોથી મને મનમાં થયા કરતું કે હું કશ્મીર માટે કંઈક કરી શકું તો સારું. ખૂબ વિચાર્યા પછી મને એવું લાગ્યું કે અત્યાર સુધી કશ્મીરમાં જે પ્રયત્નો થયા છે તેમાં ક્યાંક ગાંધી અને ગાંધીનો સ્પર્શ હજુ ખૂટે છે. એમાંથી આ વિચાર આવ્યો.’
એ પછી કુસુમબહેને કશ્મીરના વિખ્યાત ગાયક ગુલઝાર ગનઇનો સંપર્ક કર્યો. એમણે આ ગીત ગાવાની તૈયારી બતાવી. કુસુમબહેનના પિતા બ્રિજકિશન કૌલે આ ભજનને પહેલા ઉર્દુમાં રૂપાંતરીત કર્યું. એ પછી કશ્મીરી કવિ શાહબાઝ હાકબરીએ એને કાશ્મીરી ભાષામાં ઢાળ્યુંઃ વૈષ્ણવ જન ગાવ સુયે યુરૂ દેશે, કાંસી દુખસ મંજ દાહેસ તન… 

અલબત્ત, અનુવાદ કરવો સહેલો નહોતો. સૌ પ્રથમ તો વૈષ્ણવ જનને કશ્મીરી ભાષામાં શું કહેવાય એ જ નક્કી થઇ શકતું નહોતું. છેવટે વૈષ્ણવ જન તો માનવજાતની વાત કરે છે, એમાં ભેદ કેવા એમ વિચારીને પછી એ શબ્દને કશ્મીરીમાં પણ યથાવત રહેવા દીધો. કાશ્મીરની ખૂબસૂરત વાદીઓમાં જ્યાં પ્રકૃતિ સાથે પવિત્ર સ્પંદનો જાગે છે એવા માહોલમાં આ ગીતનું શૂટિંગ થયું અને ગાંધી જયંતિના ઉપક્રમે એને રિલીઝ કરવામાં આવ્યું. કુસુમબહેનનો વિચાર પહેલાં તો જ્યાં બેસીને દારાશિકોહે આપણી ગ્રંથોને પર્શિયનમાં રૂપાંતરિત કર્યા હતા એ પ્રાચીન પરીમહેલમાં શૂટ કરવાનો હતો, પણ વર્તમાન પરિસ્થિતિના કારણે કોઇ કારણસર એ શક્ય ન બન્યું.
કુસુમબહેન કહે છે, કશ્મીર ઘાટીમાં ગાંધીના આ પ્રિય ગીતથી હકારાત્મક સંદેશ ફેલાય એવી આશા સાથે મેં આ કામ કર્યું છે. મેં બીજું કાંઇ નથી કર્યું, પણ રામસેતુ બાંધવામાં એક નાનકડી ખિસકોલી જે કરી શકે એ રીતે મારી ફરજ બજાવી છે.

એક સમયે ગાંધીને કશ્મીરમાં આશાનું કિરણ દેખાતું હતું, આજે કશ્મીર માટે નરસિંહ અને ગાંધીનો વૈષ્ણવ જન આશાનું નવું કિરણ બની શકે.

આ ગીત માટે ક્લીક કરોઃ https://youtu.be/A7hF6nOM8Is

 

 

કોરોનાના 81,484 નવા કેસઃ વિનામૂલ્યે કોરોના વાઇરસની રસી

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 64 લાખની નજીક પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 81,484 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1095 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 63,94,068 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 99,773 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 53,52,078 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 78,877 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,42,217 પહોંચી છે. રિકવરી રેટ વધીને 83.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.56 ટકા થયો છે.

તમામ નાગરિકોને વિના મૂલ્યે કોરોના વાઇરસની રસી

જાપાનીઝ સરકાર એના તમામ નાગરિકોને વિના મૂલ્યે કોરોના વાઇરસની રસી આપવા માટે આયોજન કરી રહી છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયાની સરકારે પણ જાહેર કર્યું હતું કે એ એના નાગરિકો માટે વેક્સિનની કોઈ કિંમત રાખશે નહીં. અત્યારે જાપાન અને દુનિયાભરમાં વિકસાવવામાં આવી રહેલી કોરોનાની રસીના પૂરતા પુરવઠા માટે જાપાનીઝ સરકાર આવતા વર્ષે જૂનના અંત સુધીમાં ખર્ચ માટેનું ભંડોળ ઊભું કરશે.

જાપાન એના અનામત ભંડોળમાંથી ૬૭૦ અબજ જાપાનીઝ યેન ખર્ચ કરશે. આવતા સપ્તાહની શરૂઆતમાં આરોગ્ય મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં ફ્રીમાં કોરોનાની રસી પૂરા પાડવાની નીતિ જાહેર કરાશે. કોવિડ-૧૯ની રસી તૈયાર થયા બાદ તરત જ એ નાગરિકોને ઉપલબ્ધ કરાવી શકાય એવા ઉદ્દેશની સાથે ફ્રીમાં રસી પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

સુરત એરપોર્ટનો કાયાકલ્પઃ પેસેન્જરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મળશે

નવી દિલ્હીઃ રાજ્યની આર્થિક રાજધાની સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની સૂરત બદલવાની તૈયારી ઝડપથી થઈ રહી છે. ડાયમંડ અને ટેક્સટાઇલ હબવાળા આ શહેરમાં દેશ-દુનિયામાંથી લાખ્ખો પેસેન્જરો આવ-જા કરે છે. દેશના સુરત એરપોર્ટ  પર પિક અવરમાં પેસેન્જરની ક્ષમતાના વિસ્તરણ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) 353 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરી રહી છે, જે આવતા વર્ષે ડિસેમ્બર સુધી 1800 પેસેન્જરો માટે ત્રણ ગણી કરવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 30 જાન્યુઆરીએ સુરત એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગ માટે પાયાનો પથ્થર મૂક્યો હતો. AAI અનુસાર રાજ્યના હીરા અને ટેક્સટાઇલ્સ શહેરમાં AAI દ્વારા સંચાલિત એરપોર્ટ પર પૂરા થતા નાણાકીય વર્ષ 31 માર્ચ, 2020માં 15 લાખ પેસેન્જરોએ આવ-જા કરી હતી.

અમદાવાદ પછી ગુજરાતના આ બીજા સૌથી વ્યસ્ત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનો ત્રણ ગણો વધુ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. હાલ 8474 સ્ક્વેર મીટર ક્ષેત્રફળવાળા ટર્મિનલ બિલ્ડિંગ વધારીને 25,520 સ્ક્વેર મીટર કરવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, પાર્કિંગ ક્ષમતા 23 બેઝ સુધી વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.  આ સિવાય 2905 x 39 મીટર ક્ષેત્રફળમાં ટેક્સી ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટ પૂરો થતાં પિક અવરમાં આ એરપોર્ટની ક્ષમતા વધીને સ્થાનિકમાં 1200 અને 600 આંતરરાષ્ટ્રીય પેસેન્જરોને હેન્ડલ કરવાની થશે. વર્ષમાં 26 લાખ પેસેન્જરોને હેન્ડલ કરવાની ક્ષમતાવાળા આ એરપોર્ટના વિસ્તરણનું કામ ડિસેમ્બર, 2021 સુધીમાં પૂરું થશે. સુરત એરપોર્ટની વર્તમાન પિક અવરની પેસેન્જર ક્ષમતા આશરે 600 પેસેન્જરોની છે, એમ એરપોર્ટના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.

આ પ્રોજેક્ટ પૂરો થવા પર ટર્મિનલ બિલ્ડિંગમાં 20 ચેઇન કાઉન્ટર્સ, પાંચ એરો બ્રિજ, ઇનલાઇન લગેજ હેન્ડલિંગ સિસ્ટમ, દેશ-દુનિયાથી આ એરપોર્ટ પર પહોંચનારા પેસેન્જરો માટે પાંચ કન્વેયર બેલ્ટ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે. આ સિવાય 475 કારોની પાર્કિંગ ક્ષમતાવાળું કાર પાર્કિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે, એમ AAIએ કહ્યું હતું.

 

 

 

 

રાશિ ભવિષ્ય 02/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમા વ્યસતા વધુ રહે તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમા જવાના યોગ છે તેમા જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમા ના આવી જવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમા મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારુ સારુ પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનુ આયોજન થઈ શકે ,મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતીસૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમા રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ અગત્યનુ છે, ખટપટથી દુર રહેવુ ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચન ના આપવી, વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામા આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કોઈ કામ કરોતો તેમા તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવુ બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમા નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિકકામકાજ અર્થે પ્રવાસનુ આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારો ઉત્સાહ જોવા મળે, વેપારમા નાનુ કામકાજ કરવુ યોગ્ય છે,


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, ઘરકે ઓફીસમા વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી,કોઈની સાથે વધુ દલીલબાજી ના કરવી, વેપારમા જોખમ ભર્યા કામ ન કરવા, જીવનસાથી સાથે ઉગ્રતા ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયવ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે અને તેને કારણે થોડી માનસિકઅશાંતિ જેવુ રહે, વાણીવર્તણુકમા ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવુ પડે તેનુ ધ્યાન રાખવુ, વેપારમા નાનુ કામ અનુભવના આધારેજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરતુ કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમા પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમા થોડો અસતોષ રહે, વેપારમા જોખમભર્યા કામ ન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવુ બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમા સારુ પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે, કામમા ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવુ શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવુ, આરોગ્યબાબતે થોડુ સાચવવુ, વેપારમા જોખમ ન કરવુ, માર્કેટિંગક્ષેત્રમા થોડી મહેનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ વધુ સારુ.


આજનો દિવસ સારો છે, તમારામા ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવુ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામકાજ કરવાથી  સારુ ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે.