કોરોનાના 81,484 નવા કેસઃ વિનામૂલ્યે કોરોના વાઇરસની રસી

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 64 લાખની નજીક પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 81,484 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1095 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 63,94,068 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 99,773 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 53,52,078 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 78,877 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,42,217 પહોંચી છે. રિકવરી રેટ વધીને 83.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.56 ટકા થયો છે.

તમામ નાગરિકોને વિના મૂલ્યે કોરોના વાઇરસની રસી

જાપાનીઝ સરકાર એના તમામ નાગરિકોને વિના મૂલ્યે કોરોના વાઇરસની રસી આપવા માટે આયોજન કરી રહી છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયાની સરકારે પણ જાહેર કર્યું હતું કે એ એના નાગરિકો માટે વેક્સિનની કોઈ કિંમત રાખશે નહીં. અત્યારે જાપાન અને દુનિયાભરમાં વિકસાવવામાં આવી રહેલી કોરોનાની રસીના પૂરતા પુરવઠા માટે જાપાનીઝ સરકાર આવતા વર્ષે જૂનના અંત સુધીમાં ખર્ચ માટેનું ભંડોળ ઊભું કરશે.

જાપાન એના અનામત ભંડોળમાંથી ૬૭૦ અબજ જાપાનીઝ યેન ખર્ચ કરશે. આવતા સપ્તાહની શરૂઆતમાં આરોગ્ય મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં ફ્રીમાં કોરોનાની રસી પૂરા પાડવાની નીતિ જાહેર કરાશે. કોવિડ-૧૯ની રસી તૈયાર થયા બાદ તરત જ એ નાગરિકોને ઉપલબ્ધ કરાવી શકાય એવા ઉદ્દેશની સાથે ફ્રીમાં રસી પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.