ગાંધીને પ્રિય ‘વૈષ્ણવ જન’ હવે કશ્મીરી ભાષામાં…

ગાંધીજીએ એક વાર કહેલુંઃ આઇ સી લાઇટ ઓન્લી ઇન કશ્મીર… એ સમયમાં જ્યારે દેશ આખો કોમી દાવાનળથી ભભૂકતો હતો ત્યારે કદાચ કશ્મીર એક માત્ર એવો પ્રદેશ હતો જ્યાં શાંતિ પ્રવર્તતી હતી અને ગાંધીએ એટલે જ કદાચ કશ્મીરમાં અમનની આશાનું કિરણ જોયું હશે…

ખેર, ગાંધીની આ સદભાવના કે ગાંધી વિચારોની એ પછી કશ્મીર વેલીમાં કેટલી અસર થઈ એ કહેવું મુશ્કેલ છે, પણ ધારી લો કે આજે એ જ ગાંધીની સદભાવનાને સંગીત સ્વરૂપે કશ્મીરની ખૂબસૂરત વાદીઓમાં પ્રસરાવવામાં આવે તો? કદાચ, કાંઇક સારું થાય પણ ખરું એવા વિચાર સાથે અમદાવાદના કુસુમ કૌલે ગાંધી જયંતિના દિવસે જ ગાંધીને પ્રિય એવું ભજન ‘વૈષ્ણવ જન તો એને રે કહીએ, જે પીડ પરાઇ જાણે રે…’ ને કશ્મીરી ભાષામાં અનુવાદિત કરીને સ્વરબધ્ધ કરાવ્યું છે. કશ્મીરી કવિ શાહબાઝ હાકબરીએ અમુવાદિત કરેલું અને વિખ્યાત કશ્મીરી ગાયક ગુલઝાર ગનઇએ ગાયેલું આ ભજન યુટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું હતું.

કુસુમ કૌલ પોતે પણ કશ્મીરી પંડિત પરિવારમાંથી આવે છે. ૧૯૯૦માં જે રીતે અહીંના પંડિતોએ રાતોરાત ખીણ છોડીને ભાગવું પડ્યું એમાં એમના પરિવારનો પણ સમાવેશ થતો હતો. કશ્મીરી પંડિત પરિવારોની એ વ્યથા અને દર્દ એમણે જાતે અનુભવ્યાં છે, સહન કર્યા છે. કશ્મીર યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનું ભણનાર કુસુમ કૌલ એ પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયસ્તરે વિવિધ મંચ પર કશ્મીરમાં શાંતિનું વાતાવરણ કેવી રીતે સ્થાપિત કરી શકાય એ માટે પ્રયત્ન કરતા રહયા છે. એવામાં થોડાક સમય પહેલાં એમનો પરિચય અમેરિકાસ્થિત લેખક મયંક છાયા સાથે થયો. મયંકભાઇ ત્યારે નરસિંહ મહેતા પર ફિલ્મ બનાવતા હતા અને એ માટે તૈયાર કરાયેલું નરસિંહ મહેતા રચિત આ વૈષ્ણવ જન ભજન સાંભળ્યા પછી એમને વિચાર આવ્યો કે, ગાંધીને પ્રિય એવા આ ભજનમાં જે સંદેશ છે એ જ માનવતા અને શાંતિનો સંદેશ બની શકે એમ છે.

કુસુમબહેન chitralekha.com ને કહે છે, ‘વર્ષોથી મને મનમાં થયા કરતું કે હું કશ્મીર માટે કંઈક કરી શકું તો સારું. ખૂબ વિચાર્યા પછી મને એવું લાગ્યું કે અત્યાર સુધી કશ્મીરમાં જે પ્રયત્નો થયા છે તેમાં ક્યાંક ગાંધી અને ગાંધીનો સ્પર્શ હજુ ખૂટે છે. એમાંથી આ વિચાર આવ્યો.’
એ પછી કુસુમબહેને કશ્મીરના વિખ્યાત ગાયક ગુલઝાર ગનઇનો સંપર્ક કર્યો. એમણે આ ગીત ગાવાની તૈયારી બતાવી. કુસુમબહેનના પિતા બ્રિજકિશન કૌલે આ ભજનને પહેલા ઉર્દુમાં રૂપાંતરીત કર્યું. એ પછી કશ્મીરી કવિ શાહબાઝ હાકબરીએ એને કાશ્મીરી ભાષામાં ઢાળ્યુંઃ વૈષ્ણવ જન ગાવ સુયે યુરૂ દેશે, કાંસી દુખસ મંજ દાહેસ તન… 

અલબત્ત, અનુવાદ કરવો સહેલો નહોતો. સૌ પ્રથમ તો વૈષ્ણવ જનને કશ્મીરી ભાષામાં શું કહેવાય એ જ નક્કી થઇ શકતું નહોતું. છેવટે વૈષ્ણવ જન તો માનવજાતની વાત કરે છે, એમાં ભેદ કેવા એમ વિચારીને પછી એ શબ્દને કશ્મીરીમાં પણ યથાવત રહેવા દીધો. કાશ્મીરની ખૂબસૂરત વાદીઓમાં જ્યાં પ્રકૃતિ સાથે પવિત્ર સ્પંદનો જાગે છે એવા માહોલમાં આ ગીતનું શૂટિંગ થયું અને ગાંધી જયંતિના ઉપક્રમે એને રિલીઝ કરવામાં આવ્યું. કુસુમબહેનનો વિચાર પહેલાં તો જ્યાં બેસીને દારાશિકોહે આપણી ગ્રંથોને પર્શિયનમાં રૂપાંતરિત કર્યા હતા એ પ્રાચીન પરીમહેલમાં શૂટ કરવાનો હતો, પણ વર્તમાન પરિસ્થિતિના કારણે કોઇ કારણસર એ શક્ય ન બન્યું.
કુસુમબહેન કહે છે, કશ્મીર ઘાટીમાં ગાંધીના આ પ્રિય ગીતથી હકારાત્મક સંદેશ ફેલાય એવી આશા સાથે મેં આ કામ કર્યું છે. મેં બીજું કાંઇ નથી કર્યું, પણ રામસેતુ બાંધવામાં એક નાનકડી ખિસકોલી જે કરી શકે એ રીતે મારી ફરજ બજાવી છે.

એક સમયે ગાંધીને કશ્મીરમાં આશાનું કિરણ દેખાતું હતું, આજે કશ્મીર માટે નરસિંહ અને ગાંધીનો વૈષ્ણવ જન આશાનું નવું કિરણ બની શકે.

આ ગીત માટે ક્લીક કરોઃ https://youtu.be/A7hF6nOM8Is