IPL-2020માં ‘બાયો-બબલ’ નિયમોનો ભંગ કરવાનું ખેલાડીઓ, ટીમોને ભારે પડશે

દુબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝન હાલ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં રમાઈ રહી છે. એ દરમ્યાન ‘બાયો-બબલ’ નિયમોનું ઉલ્લંઘન કરવા પર જે-તે ક્રિકેટરને ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડે એવી શક્યતા છે અને એની ટીમને એક કરોડ રૂપિયાનો દંડ ભોગવવો પડશે તેમજ પોઈન્ટ્સ ટેબલમાં એનો એક પોઇન્ટ પણ કાપી લેવામાં આવશે. BCCIએ IPLમાં ભાગ લેનારી બધી આઠ ફ્રેન્ચાઇઝી ટીમોને નોટિફિકેશન આપ્યું છે કે ‘બાયો-બબલ’માંથી ગેરકાયદેસર રીતે બહાર જનાર ક્રિકેટરે છ દિવસ સુધી ક્વોરન્ટીનમાં રહેવું પડશે.

‘બાયો-બબલ’ એટલે આઈપીએલ-2020માં રમતી આઠેય ટીમોના ખેલાડીઓ, મેચ ઓફિસરો અને ટીમ ઓફિસરોને કોરોના વાઈરસ બીમારીના ચેપ સામે રક્ષણ આપવા સુરક્ષિત (બાયો-સિક્યોર) વાતાવરણની વ્યવસ્થા. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. ટૂંકમાં, આઈપીએલ સાથે સંકળાયેલી આ તમામ વ્યક્તિઓની અવરજવર પર કડક નિયંત્રણ મૂકી દેવામાં આવ્યું છે. તેઓ ક્યાંય ફરવા જઈ ન શકે, મુલાકાતીઓને કે પરિવારજનોને પણ મળી શકે નહીં.

જો આવું બીજી વાર થયું તો એક મેચનો બેન લગાવવામાં આવશે અને ત્રીજી વાર ઉલ્લંઘન થવા પર એને ટુર્નામેન્ટથી બહાર કરી દેવામાં આવશે અને એની જગ્યાએ ટીમને કઈ નવો ક્રિકેટર પણ નહીં મળે.

ક્રિકેટરને દૈનિક આરોગ્ય પાસપોર્ટ પૂરો નહીં કરવા પર, GPS ટ્રેકર નહીં પહેરનાર અને નિર્ધારિત કોવિડ-19ની તપાસ સમય પર નહીં કરાવવા માટે આશરે 60,000 રૂપિયા સુધીનો દંડ આપવો પડી શકે છે. આ નિયમ પરિવારના સભ્યો અને ટીમના અધિકારીઓ માટે પણ છે.

સંયુક્ત આરબ અમિરાત (UAE)માં ચાલી રહેલી ટુર્નામેન્ટના દરેક પાંચમા દિવસે બધા ક્રિકેટરો અને સહયોગી સ્ટાફની કોવિડ-19ની તપાસ કરવામાં આવી રહી છે. ટીમ અધિકારીઓએ સર્તક રહેવા સાથે એ પણ ખાતરી કરવાની રહેશે કે સખત ‘બાયો-બબલ’નું ઉલ્લંઘન ના થાય.

જો કોઈ ફ્રેન્ચાઇઝી કોઈ વ્યક્તિને ‘બાયો-બબલ’માં ક્રિકેટર-સહયોગી સ્ટાફથી વાતચીત કરવાની મંજૂરી આપે છે તો તેણે પહેલાં ઉલ્લંઘન પર એક કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી વાર આવું કરવા બદલ પોઇન્ટ કાપી લેવામાં આવશે અને ત્રીજી વારના ઉલ્લંઘન બદલ બે પોઇન્ટ (એક જીત બરાબર) કાપવામાં આવશે. શું CSKના ક્રિકેટરે ‘બાયો-બબલ’ને તોડ્યો? CEOએ સ્પષ્ટતા કરી

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે CSKના ઝડપી બોલર કેએમ આસિફે ‘બાયો-બબલ’ તોડ્યો છે, પરંતુ CSKના CEO કાશી વિશ્વનાથને આ ન્યૂઝને ખોટા ગણાવ્યા હતા. તેમનું કહેવું હતું કે તેમના કોઈ ક્રિકેટરે ‘બાયો-બબલ’ નથી તોડ્યો અને આવો દાવા કરવાવાળી વાતો ખોટી છે. CEOએ હોટેલના ક્રિકેટરો માટે અલગથી લોબી હોવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે મને નથી ખબર કે આ મામલે ફેક્ટ ચેક કરવામાં આવ્યા છે કે નહીં. લોબીમાં ક્રિકેટરોના અલગથી રિસેપ્શન છે અને ત્યાં હાજર સ્ટાફને માત્ર ક્રિકેટરો માટે રાખવામાં આવ્યો છે.

જોકે કાશી વિશ્વનાથને ચાવી ખોવાઈ જવાની વાતનો સ્વીકાર કર્યો હતો. તેમણે ક્હ્યું હતું કે ચાવી ખોવાવાની વાત સાચી છે, પણ આસિફ રેગ્યલર સ્ટાફ પાસે નહોતો ગયો, તે માત્ર ક્રિકેટરો માટે અલગથી રાખવામાં આવેલા સ્ટાફની પાસે બીજી ચાવી લેવા પહોંચ્યો હતો.