હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ પુત્ર અગસ્ત્યની તસવીરો શેર કરી

વડોદરાઃ સર્બિયાની અભિનેત્રી, મોડેલ અને ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેન્કોવિચે એનાં બે મહિનાનાં થયેલા પુત્ર અગસ્ત્યની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એણે આ તસવીરો પોસ્ટ કરી કે તરત જ નેટયૂઝર્સે પ્રતિસાદ આપવાનું શરૂ કરી દીધું હતું અને કહ્યું કે છોકરો અને ડેડી હાર્દિક પંડ્યા ઘણા સરખા દેખાય છે.

હાર્દિક પંડ્યા હાલ આઈપીએલ-2020માં રમવા માટે યૂએઈ ગયો છે.

હાર્દિક અને નતાશાને ત્યાં ગઈ 30 જુલાઈએ પુત્રનો જન્મ થયો હતો. એનું નામ તેમણે અગસ્ત્ય પાડ્યું છે.

નતાશાને ગુજરાતના આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં પ્રસૂતિ થઈ હતી.

હાર્દિકે આ વર્ષના જાન્યુઆરીના આરંભમાં દુબઈમાં એક યોટ પર લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને એને વીંટી પહેરાવી હતી. એની તસવીરો અને વિડિયો ઓનલાઈન પર છવાઈ ગયા હતા. બંનેએ બાદમાં કોરોના વાઈરસ રોગચાળાના ક્વોરન્ટાઈન સમયગાળા દરમિયાન લગ્ન કર્યાં હતાં.

નતાશા સર્બિયાની મોડેલ છે અને પ્રકાશ ઝાની હિન્દી ફિલ્મ સત્યાગ્રહમાં ચમકી હતી. એણે 2014-15માં રિયાલિટી શો બિગ બોસ 8માં પણ ભાગ લીધો હતો. હિન્દી ફિલ્મ ફૂકરે રિટર્ન્સના મેહબૂબા ગીત, ઝિંદગી મેરી ડાન્સ ડાન્સ જેવા ગીતોમાં પણ ચમકી હતી. એણે અમુક તામિલ તથા કન્નડ ફિલ્મોમાં પણ અમુક ડાન્સ ગીતોમાં ભાગ લીધો હતો.

એ છેલ્લે ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 9માં એક સ્પર્ધક તરીકે જોવા મળી હતી. એમાં તેણે ટીવી એક્ટર અને મિત્ર અલી ગોની સાથે પરફોર્મ કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]