ટ્રમ્પ, પત્ની કોરોનાગ્રસ્ત; મોદીએ જલદી સાજા થવાની શુભેચ્છા દર્શાવી

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પનો કોરોનાવાઈરસ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આની જાણકારી ખુદ ટ્રમ્પે જ ટ્વિટરના માધ્યમથી આપી છે.

એમણે ટ્વીટમાં જણાવ્યું છે કે આજે (ગુરુવારે) રાતે ફર્સ્ટ લેડી અને હું કોવિડ-19 માટે પોઝિટીવ ઘોષિત કરાયાં છીએ. અમે અમારો ક્વોરન્ટાઈન તથા સાજા થવા માટેનો સમયગાળો શરૂ કરીએ છીએ. અમે સાથે મળીને આમાંથી પાર નીકળીશું.

ટ્રમ્પના ટ્વીટ બાદ એમના પત્ની મેલાનિયાએ પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ વર્ષે ઘણા બધા અમેરિકાવાસીઓને તકલીફ પડ્યા બાદ અમેરિકાના પ્રમુખ અને હું કોવિડ-19 માટે પોઝિટીવ જાહેર થયાં બાદ ક્વોરન્ટાઈન સ્થિતિ વીતાવી રહ્યાં છીએ. અમારી તબિયત સારી છે અને મેં મારી તમામ આગામી મુલાકાતોને મુલતવી રાખી દીધી છે.

મેલાનિયા ટ્રમ્પે અમેરિકાની જનતાને ઉદ્દેશીને વધુમાં લખ્યું છે કે, કૃપા કરીને તમે ધ્યાન રાખીને સુરક્ષિત રહેજો અને અમે સાથે મળીને આ તકલીફને પાર કરી દઈશું.

વડા પ્રધાન મોદીની શુભેચ્છા

ટ્રમ્પ અને એમના પત્ની, બંને જણ કોરોનાગ્રસ્ત થયાના સમાચાર જાણ્યા બાદ નવી દિલ્હીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી કે ટ્રમ્પ દંપતી જલદી સાજા થઈ જાય.
મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે મારા મિત્ર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાનાં ફર્સ્ટ લેડી જલદી સાજાં થઈ જાય અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એવી હું શુભેચ્છા વ્યક્ત કરું છું.