Home Blog Page 4586

૧૦ નવેમ્બર ૨૦૨૦

૧૦ નવેમ્બર ૨૦૨૦

તેરી યાદ સતાયે… : ફારુખ કૈસર

ઉર્દૂ-હિન્દીના કવિ અને જાણીતા ગીતકાર ફારુખ કૈસરની આજે ૪૩મી પુણ્યતિથિ. ૧૦ નવેમ્બર, ૧૯૮૭ના રોજ એમનું ૬૮ વર્ષની વયે નિધન થયું હતું. એમના ગીતોએ અનેક ફિલ્મોને સફળ બનાવી હતી. પચાસથી એંશીના દાયકા દરમિયાન એમણે ૧૧૫ ફિલ્મો માટે ૩૯૦ ગીતો લખ્યા હતા.

૬ જૂન, ૧૯૧૮ના રોજ ઝવેરી પરિવારમાં એમનો જન્મ થયો. બાર સંતાનમાં એ બીજા નંબરના પુત્ર. બાળપણથી જ લખવા વાંચવાનો શોખ. યુવાનીમાં કાવ્ય લેખન તરફ વળ્યા. સાહિત્યિક, શૈક્ષણિક વિષયક અખબાર-સામાયિકો માટે લખતા થયા. ઉર્દૂ ઉપરાંત અન્ય ભાષાઓ પણ શીખ્યા.

ફરાહ ખાન અને સાજીદ ખાનના પિતા કામરાન ખાન ફારુખ કૈસરના પડોશી હતા. એમણે જ ફારુખને હિંદી ફિલ્મોમાં સર્જનશીલ લેખન તરફ વાળ્યા. કામરાને ફારુખને પોતાની ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર બનાવ્યા. ફારુખ અમુક દૃશ્યો અને સંવાદો સુધારતા. આમ, ગીતકાર બનતાં પહેલાં ફારુખ કૈસરે ઘણી ફિલ્મોનું સહાયક-નિર્દેશન પણ કર્યું હતું.

અભિનેતા કમલ મોહનની દીકરી આઇશા સાથે લગ્ન માટે વાત આગળ વધતા ફારુખે ‘અજી બસ શુક્રિયા’ માટે ‘સારી સારી રાત.. તેરી યાદ સતાયે’ ગીત લખ્યું. મુંબઈની હોસ્પિટલમાં એક વર્ષ ટી.બી.ની સારવાર પણ લીધી.

૧૯૫૯માં લગ્ન કરીને બાંદ્રામાં રહેતાં ફારુખ ફિલ્મો માટે ખૂબ પ્રવાસ કરતા અને પ્રવાસ દરમિયાન પત્ની માટે જે ગીતો લખતા એ ફિલ્મોમાં પણ વપરાયા. ‘પારસમણી’નું ‘ઉઈમા.. ઉઈમા…’ આ જ રીતે લખાયું હતું. ગીતકાર તરીકે જાણીતા બનેલા ફારુખ ઇન્ડિયન પરફોર્મિંગ રાઈટર સોસાયટીના સભ્ય પણ બન્યા. એમના ‘કુરબાની’, ‘ખુદગર્ઝ’ (૧૯૮૭), ‘કુદરત કા કાનૂન’ કે ‘ભગવાન દાદા’ ના ગીતો ખૂબ લોકપ્રિય થયાં હતાં. ‘ઇન્સાફ’ અને ‘લવર’ સુધી તેમના ગીતોની પ્લેટીનમ ડિસ્ક બનતી રહી હતી.

(નરેશ કાપડીઆ-સુરત)

હલાવ્યા વગર દાઝે…

હલાવ્યા વગર દાઝે

 

કોઇ પણ વસ્તુ પછી તે ખેતી હોય કે તાવડીમાં સેકવા માટે નાખેલો રોટલો, નિયમિત અને નિરંતર ધ્યાન માંગી લે છે. ખિચડી ચઢવા મૂકી હોય અને એનું યોગ્ય ધ્યાન ન રખાય તો દાઝે. દૂધ ઉકળવા મૂક્યું હોય અને એને હલાવતા ન રહો તો દૂણાઇ જાય.

ટૂંકમાં કોઇ પણ કામ કરો એની પૂરતી માવજત નહીં કરો તો એમાં ભલીવાર નહીં આવે.

 

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

પંચાંગ 10/11/2020

ફાઇઝરની કોરોના વેક્સિન ફેઝ-3 ટ્રાયલમાં 90 ટકા અસરકારક

નવી દિલ્હીઃ કોરોના વાઇરસની વેક્સિન બનાવવામાં વ્યસ્ત ફાઇઝરે જણાવ્યું હતું કે ત્રીજા તબક્કામાં કોવિડ-19 વેક્સિન 90 ટકા અસરકારક છે. કંપનીએ જણાવ્યું હતું કે વેક્સિન ડેટા પર પ્રારંભિક નજર રાખવાથી માલૂમ પડે છે વેક્સિન કોવિડ-19ને અટકાવવા માટે 90 ટકા અસરકારક છે. કંપનીએ કહ્યું હતું કે કંપની આ મહિનના અંત સુધીમાં અમેરિકી નિયામકોની સાથે વેક્સિનને ઇમર્જન્સીમાં ઉપયોગમાં લેવા માટે અરજી કરવા માટે ટ્રેક પર છે.

વિશ્વમાં કોરોનાના કેસો પાંચ કરોડને પાર

વિશ્વભરમાં કોવિડ-19 વૈશ્વિક રોગચાળાના મામલા પાંચ કરોડને પાર થઈ ગયા છે. કોવિડ-19ના મામલા પર નજર રાખતી અમેરિકી યુનિવર્સિટી જોન હોપકિન્સના જણાવ્યાનુસાર રવિવારે વિશ્વમાં કોરોના વાઇરસના કેસો વધીને 5.2 કરોડને પાર થયા છે.

વિશ્વભરમાં વાઇરસથી 12 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર કોવિડ-19થી સૌથી પ્રભાવિત અમેરિકામાં સંક્રમણના 98 લાખથી વધુ કેસો નોંધાયા છે અને 2,37,000થી વધુ લોકોનાં મોત થયાં છે.

યુનિવર્સિટીના અનુસાર અમેરિકામાં કોવિડ-19નો કેર હજી પણ જારી છે. શનિવારે 1.26 લાખથી વધુ કેસો સામલે આવ્યા છે અને 1000થી વધુ લોકોનાં મોત થયાં છે.

 

 

 

‘કોમ્પ્યુટર પ્રોગ્રામર’ તરીકે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ

અમદાવાદઃ અમદાવાદ સ્થિત ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના બીજા ધોરણના એક વિદ્યાર્થી અર્હમ ઓમ તલસાણિયાએ છ વર્ષની ઉંમરે શક્તિશાળી પાયથન પ્રોગ્રામિંગ લેન્ગવેજની પરીક્ષા પાસ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પરીક્ષા 23 જાન્યુઆરી, 2020એ માઇક્રોસોફ્ટ દ્વારા પ્રમાણિત પિયર્સન વુ ટેસ્ટ સેન્ટરમાં યોજવામાં આવી હતી. અનેક એન્જિનિયરો માટે અઘરી ગણાતી આ પરીક્ષાને આ તેજસ્વી વિદ્યાર્થીએ પાસ કરીને વિશ્વના સૌથી નાની વયના કોમ્પ્યુટર પ્રોગ્રામનું બિરુદ મેળવ્યું છે.

‘માઇક્રોસોફ્ટ ટેક્નોલોજી એસોસિયેટ’ તરીકે ઓળખ

અર્હમે પાકિસ્તાન મૂળના અને હાલ બ્રિટનમાં રહેતા સાત વર્ષના મુહમ્મદ હમજા શહેજાદનો અગાઉનો ગિનિસ રેકોર્ડ તોડ્યો હતો. આ પરીક્ષામાં 1000માંથી 700 માર્ક્સ મેળવવાના રહે છે. અર્હમ હાલ સાત વર્ષનો છે, પણ જ્યારે તેણે પરીક્ષા આપી ત્યાતે તે છ વર્ષનો હતો. તેણે પરીક્ષામાં 1000માંથી 900 માર્ક્સ મેળવીને માઇક્રોસોફ્ટ ટેક્નોલોજી એસોસિયેટ તરીકે ઓળખ મેળવી હતી.

પોતાની સ્કૂલના વિદ્યાર્થીએ મેળવેલી સફળતા વિશે સ્કૂલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોકસીએ જણાવ્યું હતું કે અમારા માટે આ ગૌરવની ક્ષણ છે. છ વર્ષની ઉમરે અર્હમ જે લોજિકલ સ્ટ્રક્ચર અને કોડિંગ એક્સપર્ટાઇઝ ધરાવે છે એ અભૂતપૂર્વ છે. અમે એક તેજસ્વી પ્રતિભાને ઊભરતી જોઈ રહ્યા છીએ અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

અર્હમના માતાપિતા બંને સોફ્ટવેર એન્જિનિયર છે. તેને વિડિયો ગેમ્સ રમવાનો ખૂબ શોખ હતો અને તે પોતાની વિડિયો ગેમ બનાવવા માગતો હતો, જેથી તેણે પાયથન શીખવાનું શરૂ કર્યું હતું. આ નાનકડો કોમ્પ્યુટર પ્રોગ્રામર તેના પિતાને આદર્શ માને છે. હાલ અર્હમ પોતાની વિડિયો ગેમ બનાવી રહ્યો છે.

 

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનાં અસ્થિઓનું વિસર્જન

વેરાવળઃ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના અસ્થિ વિસર્જન આજે ત્રિવેણી સંગમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ. કેશુભાઈ પટેલના પરિવારજનો-સ્વજનો, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર, સાથે ટ્રસ્ટના અધિકારી-કર્મચારીઓ, પ્રભાસપાટણના અગ્રણીઓ,તીર્થ પુરોહિતો સહિત લોકો જોડાયા હતા.

સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે અસ્થિ વિસર્જન વિધિ દરમિયાન કેશુભાઈ પટેલના ત્રણે પુત્રો ભરતભાઈ, અશોકભાઈ અને મહેશભાઈ હાજર રહ્યા હતા. આ સાથે જ તેમના દીકરી સોનલબહેન અને જમાઈ મયૂરભાઈ પણ હાજર રહ્યા હતા. તેમના અસ્થિ વિસર્જન વિધિ સ્વ. કેશુભાઈ પટેલના 50 જેટલા પરિવારના સભ્યો જોડાયા હતા.

29 ઓક્ટોબર જ ગુજરાતના 10મા મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનું નિધન થયું હતું. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલને  શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં અચાનક તેમનું નિધન થયું હતું.

 

 

 

 

PM મોદીએ વારાણસીને રૂ. 700 કરોડની દિવાળી ગિફ્ટ આપી

વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીને સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીને દિવાળીએ કરોડો રૂપિયાની ભેટ આપી છે. વડા પ્રધાને વર્ચ્યુઅલ કોન્ફરન્સ દ્વારા આશરે રૂ. 700 કરોડથી વધુની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે કાશીમાં જે પણ કંઈ થઈ રહ્યું છે, એ બાબા વિશ્વનાથની કૃપાથી થઈ રહ્યું છે. હવે કાશી આરોગ્ય સુવિધાનું હબ બની રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું. વોકલ માટે લોકલ બનવા અપીલ

હવે કાશી આરોગ્ય સુવિધાનું હબ બની રહ્યું છે. કાશીએ મેં જે માગ્યું છે, મને મન ભરીને આપ્યું છે, પણ મેં મારા માટે કંઈ નથી માગ્યું. હું અપીલ કરું છું કે તમે લોકલ સામાનનો જ પ્રયોગ કરો. માત્ર દીવા ખરીદવા એ જ લોકલ નથી,એમ તેમણે કહ્યું હતું.

કોરોના કાળમાં પણ કાશી અટકી નથી, સતત કામ જારી છે, યુપીમાં કોરોના કાળમાં પણ વિકાસ કાર્ય અટક્યું નથી. એટલા માટે યોગીજીની ટીમને બહુ અભિનંદન. વારાણસીમાં શહેર-દેહાતની વિકાસ યોજનાઓમાં સંસ્કૃતિ-આધુનિકતાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

સ્થાનિક રોજગાર વધશે

કાશીમાં હવે ઘાટોની તસવીર બદલાઈ રહી છે, જે યોજનાઓનો પ્રારંભ થઈ રહ્યો છે, એનાથી સ્થાનિક રોજગાર વધશે, ગામ, ગરીબ અને ખેડૂત આત્મનિર્ભર ઝુંબેશના સૌથી મોટા સ્તંભ અને લાભાર્થી છે. હાલમાં જે કૃષિ સુધારો થયો છે, એનાથી ખેડૂતોને સીધો લાભ થવાનો છે. ખેડૂતોના નામ પર ખેડૂતોની મહેનત હડપ કરનારા વચેટિયાઓની સિસ્ટમને દૂર કરવામાં આવી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

કાશીમાં મોટી સમસ્યા લટકતા વીજળીના તારોની છે, પણ આજે કાશીનું એક મોટું ક્ષેત્ર એનાથી મુક્ત થયું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે પહેલાં અહીં 12 ફ્લાઇટ ચાલતી હતી, પણ હવે ચાર ગણ ફ્લાઇટ ચાલે છે. કાશીના ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચરના વિકાસમાં અહીં રહેતા અને બહારથી આવતા લોકોને લાભ થઈ રહ્યો છે.

ગામમાં રહેતા લોકોને ગામની જમીન, ગામનું ઘર, કાનૂની અધિકાર આપવા માટે સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે. ગામોમાં ઘર-મકાનને લઈને જે વિવાદ થતા હતા, આ યોજનાથી મળેલા પ્રોપર્ટી કાર્ડ પછી એની ગુંજાઇશ નહીં રહે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

BSEનો ત્રિમાસિક કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 28 ટકા વધ્યો

મુંબઈઃ દેશના અગ્રણી શેરબજાર BSEએ તેની 30 સપ્ટેમ્બર, 2020એ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની કામગીરી જાહેર કરી છે, જે મુજબ BSEનો શેરહોલ્ડર્સને વહેંચણીપાત્ર કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ. 36.69 કરોડથી 28 ટકા વધીને રૂ. 46.81 કરોડ થયો છે. વ્યાજ, વેરા અને ઘસારા પૂર્વેનો કોન્સોલિડેટેડ કાર્યકારી નફો રૂ. 22.34 કરોડ થયો છે. આગલા વર્ષના સમાન ગાળાના રૂ.8.39 કરોડની કાર્યકારી ખોટ હતી, એ જોતાં આ વર્ષે કાર્યકારી નફામાં રૂ.30.73 કરોડનો વધારો થયો છે.

 

એક્સચેન્જના સ્ટાર MF પ્લેટફોર્મ પર ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા આગલા વર્ષના સમાન ગાળાના 2.50 કરોડથી 60 ટકા વધીને ચાર કરોડની થઈ છે.

ઈક્વિટી સેગમેન્ટમાં દૈનિક સરાસરી ટર્નઓવર આગલા વર્ષના 30 સપ્ટેમ્બર પૂરા થતા છ મહિનાના રૂ. 2563 કરોડથી 44 ટકા વધીને સપ્ટેમ્બર, 2020ના અંતે રૂ.3,703 કરોડ થયું છે.

30 સપ્ટેમ્બર, 2020ના અંતે પૂરા થયેલા છ મહિનામાં SIPની સંખ્યામાં 195 ટકાનો વધારો થયો છે. 30 સપ્ટેમ્બર, 2020ના અંતે પૂરા થયેલા છ મહિનામાં 6.19 લાખ SIP રજિસ્ટર થઈ હતી, જે આગલા વર્ષના સમાન ગાળામાં 2.10 લાખ નોંધવામાં આવી હતી.

 

 

ફાધર વાલેસ સાથે એક સંસ્કૃતિની ય વિદાય

કેટલાક લોકો એવી પ્રતિજ્ઞા લે છે કે રોજ કોઇ એક સુકૃત્ય કરવું જેથી કંઇ નહીં તો એટલું સારું સ્મરણ દિવસમાં રહે અને એક શુભ કાર્યના પૂણ્યથી આખો દિવસ સારો ગયો એમ કહી શકાય. દિવસ ગમે તેવો ગયો હોય પણ તેને માથે એક સુકૃત્યનો ચાંલ્લો આવ્યો એટલે આખો દિવસ પવિત્ર બન્યો…..કોઇ વિશિષ્ટ કૃત્યની જરુર નથી, કોઇ સોનાની ઇંટની જરુર નથી. હોય તો સારું છે…પણ એ ન હોય તોય દિવસને મંગળ કહીશું. દરેક કાર્ય હોવું જોઇએ તેવું હોય, એટલું જ જરુરી છે. ખાવાનું તો ખાવાનું અને વાંચવાનું તો વાંચવાનું. વાતચીત તો વાતચીત અને પ્રાર્થના તો પ્રાર્થના. દરેક પોતાના સમયે થાય, પોતાની રીતે થાય, આનંદથી થાય…….દરેકમાં ધ્યાન દરેકથી સંતોષ…એ રીતે સારો દિવસ થાય. એ રીતે સારું જીવન જીવાય. આજનો દિવસ એવો જીવીએ…

આ ગદ્યાંશ છે ‘આજનો દિવસ’ નામના એક નિબંધનો. અને એ લખ્યો હતો ફાધર વાલેસે. આવી રીતે, પોતે જેવું લખ્યું એવું ફ્કત દિવસો જ નહીં પરંતુ પૂરા 95 વર્ષ જીવનારા ફાધર વાલેસનું આજે અવસાન થયું. એક એવું વ્યક્તિત્વ, જેને કોઇ પરિચયની જરુર નથી. ગુજરાતીઓ એમને સવાયા ગુજરાતી તરીકે ઓળખે છે. એમણે ગુજરાતી ભાષા અને ગુજરાતને પ્રેમ કર્યો છે, તો ગુજરાતીઓએ એમને હંમેશા પોતીકાં ગુજરાતી જ ગણ્યા છે.

25 નવેમ્બર, 1920ના રોજ જન્મેલા ફાધર ગુજરાતી ભાષાને હંમેશા માતૃતૂલ્ય ગણતા. જે લોકો ગુજરાતી લખી-વાંચી શકે છે એ લોકોની આંખે આ નામ ન ચડ્યું હોય તો જ નવાઇ. ગુજરાતી પ્રજાની એક નહીં, કદાચ બે બે જનરેશન એમને વાંચીને મોટી થઇ છે. એમના નિબંધો, કેળવણી વિશેના લેખો, શિક્ષણ પ્રથા માટેનું ચિંતન એવું ઘણું ઘણું છે, જે આજે પણ એટલું જ મૂલ્યવાન છે. વાંચવાની બહુ ટેવ ન હોય તો પણ સ્કૂલમાં ગયેલા વિદ્યાર્થીને ‘ભાષા જાય તો સંસ્કૃતિ જાય’ એવો એમનો નિબંધ યાદ જ હોય….

 

કાર્લોસ જી. વાલેસ એમનું મૂળ નામ, પણ જગત ઓળખે એમને ફાધર વાલેસના નામે. વતની એ સ્પેનના, પરંતુ રહ્યા ગુજરાતમાં. અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણાવ્યું. આમ તો એ સ્પેનના કે ગુજરાતના એવું કહેવું જ ખોટું. એ ખરા અર્થમાં વિશ્વ નાગરિક હતા. ગ્લોબલ પર્સન. 1949માં ચોવીસ વર્ષની ઉંમરે એ ભારત આવ્યા. ગ્રીક લિટરેચર અને ફિલોસોફીની ડીગ્રી એમની પાસે હતી. શબ્દોનો આ માણસ ચેન્નઇમાં આંકડા ભણ્યો એટલે કે ગણિતની ડીગ્રી લીધી. 1 મે 1960ના દિવસથી અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત વિષયનું અધ્યાપન શરુ કર્યું. ગુજરાત અને ગુજરાતી ભાષા સાથેના એક યાદગાર સંબંધના મંડાણ થયા એ દિવસથી.

ગુજરાતી ભાષા, વિવિધ ધર્મોના પણ અભ્યાસુ જીવ. ફાધર વાલેસે ગણિત વિષયની સમજૂતી સરળતાથી મળે એવા પુસ્તકો ગુજરાતીમાં લખ્યા. અંગ્રેજી ભાષાના અનેક શબ્દો આપણને એમની પાસેથી ગુજરાતી રુપે મળ્યા. આપણે એમને નિબંધકાર તરીકે, ભાષાકર્મી તરીકે ઓળખીએ છીએ, પરંતુ ગણિત એમનો મુખ્ય અને રસનો વિષય હતો અને સંશોધન તથા અનુવાદનો પણ. અમદાવાદમાં સાઇકલ પર એમને ફરતા જોનાર લોકો આજે પણ મોજુદ છે.

ઝેવિયર્સ કોલેજે ફાધર વાલેસને એમના નેવુંમા જન્મદિવસની શુભેચ્છા પાઠવવા આજથી પાંચેક વર્ષ પહેલાં ઓનલાઇન સેલિબ્રેશન કર્યું હતું. વિદ્યાર્થીઓએ એમને સ્પેનિશમાં શુભેચ્છા પાઠવી તો એમણે જવાબ ગુજરાતીમાં આપેલા!

ગુજરાતના મોટા ગજાના સાહિત્યકાર, ગદ્યકારની સાથે, સમકક્ષ એમનું નામ પૂરા આદરથી લેવાતું આવ્યું છે. 1966 માં એમને કુમાર ચંદ્રક અને 1978 માં ગજુરાતી સાહિત્યનો સર્વોચ્ચ ગણાતો રણજિરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. ગુજરાતી વ્યાકરણ પર પણ એમણે સરસ પુસ્તક લખ્યું છે. એમનું ‘લગ્ન સાગર’ નામનું પ્રચલિત પુસ્તક હિન્દુ સંસ્કૃતિ, લગ્ન સંસ્કારની એક શ્રેષ્ઠ કહી શકાય એવી રેફરન્સ બુક છે.

(જ્વલંત છાયા-રાજકોટ)