આખરે ઈરાને સ્વીકાર્યુંઃ હા ભૂલથી અમે જ યુક્રેનનું વિમાન તોડી પાડ્યું હતું

તેહરાન: તેહરાનથી ઉડાણ ભર્યા બાદ ગણતરીની પળોમાં ક્રેશ થયેલા યુક્રેનના વિમાનને તોડી પાડવાની જવાબદારી આખરે ઈરાને લીધી છે. ઈરાન સરકાર તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે ઈરાની મિસાઈલોએ જ વિમાનને ભૂલથી નિશાન બનાવ્યું હતું. આ વિમાન અકસ્માતમાં 176 લોકોના મોત થયા હતાં. જેમાં ઈરાનના 82, અને કેનેડાના 63 મુસાફરો હતા. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશો પહેલેથી જ ભૂલથી વિમાન ઈરાનની મિસાઈલોનો શિકાર બન્યું હોવાની વાત કરતા હતાં.

ઈરાનની નાગરિક ઉડ્ડયન વિભાગ સાથે બેઠક બાદ પહેલેથી જ આ અંગેની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. હવે ઈરાન પ્રશાસને નિવેદન બહાર પાડીને કહ્યું કે યુક્રેનનું વિમાન માનવીય ભૂલના કારણે નિશાન બન્યું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતાં. યુક્રેન ઈન્ટરનેશનલનું વિમાન બોઈંગ 737-800 ટેક ઓફની ગણતરીની મિનિટોમાં ક્રેશ થયું હતું. પ્રાથમિક તપાસમાં આ વિમાન ટેક્નિકલ ખામીના કારણે ક્રેશ થયું હોવાનું કહેવાયું  હતું.

ઈરાને ઓસ્ટ્રેલિયા અને કેનેડાના દાવા વચ્ચે શુક્રવારે કહ્યું હતું કે યુક્રેનનું વિમાન ઈરાનની મિસાઈલનો ભોગ બન્યું નથી. અત્રે જણાવવાનું કે કમાન્ડર કાસિમ સુલેમાની અમેરિકાની એર સ્ટ્રાઈકમાં માર્યો ગયો તેનો બદલો લેવા માટે ઈરાને ઈરાકમાં રહેલા અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે મિસાઈલો છોડી હતી. આ દરમિયાન જ યુક્રેનનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. હવે ઈરાને સ્વીકાર્યું કે આ એક માનવીય ભૂલના કારણે થયું અને ઈરાનની મિસાઈલથી જ વિમાન ક્રેશ થયું.