પાકિસ્તાનમાં ક્વેટાની મસ્જિદમાં વિસ્ફોટઃ 16 લોકોના મોત, 20 ઘાયલ

ઈસ્લામાબાદઃ ક્વેટાના ઘૌસાબાદ વિસ્તારમાં આજે થયેલા વિસ્ફોટમાં પોલીસ અધિકારી સહિત 16 લોકોના મોત થયા છે જ્યારે 20 ઘાયલ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર. વિસ્ફોટ સાંજની નમાજના સમયે થયો હતો. મૃતકોમાં ક્વેટાના ડીએસપી અમાનુલ્લાનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્ફોટ ડીએસપીને નિશાન બનાવવા માટે જ કરવામાં આવ્યો હતો. ગત મહિને ક્વેટામાં જ ડીએસપીના દિકરાની ગોળઈ મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને બલૂચિસ્તાનના મુખ્યમંત્રી જે. કમાલ ખાને ઘટનાની નિંદા કરી છે. તેમણે ઓફિસરોને જલ્દી જ તપાસ પૂરી કરીને રિપોર્ટ સોંપવાના આદેશ આપ્યા છે. ક્વેટામાં તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે.

બલૂચિસ્તાનના ગૃહમંત્રી જિયા લંગોવે ઘટના પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મૃતકોની સંખ્યા હજી વધી શકે છે, કારણ કે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જો કે, ઘાયલોની સારવારમાં કોઈપણ પ્રકારની લાપરવાહી નહી ચલાવી લેવાય. ગૃહમંત્રીએ કહ્યું કે, આતંકીઓ પાકિસ્તાનના વિકાસથી ડરી ગયા છે. હારી ગયેલા અને ડરી ગયેલા આતંકીઓને ક્યારે સફળ થવા દેવામાં નહી આવે.

ક્વેટા પાકિસ્તાનનું હિંસા પ્રભાવિત ક્ષેત્ર માનવામાં આવે છે. ગત મંગળવારના રોજ પણ અહીંયા ફ્રંટિયર કોર્પ્સ સુરક્ષા દળની ગાડી પાસે રહેલા બાઈકમાં વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા. તહરીક-એ-ઈન્સાફ નામના આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી હતી અને ક્વેટામાં ગત સપ્તાહે, ઓગસ્ટ અને નવેમ્બરમાં પણ વિસ્ફોટ થયા હતા.