શશિ થરુરે કેજરીવાલ પર કર્યા પ્રહારોઃ કહ્યું તેઓ લાચાર મુખ્યમંત્રી છે

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ શશિ થરુરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લાચાર મુખ્યમંત્રી ગણાવ્યા છે. થરુરે કહ્યું કે, જવાહર લાલ નહેરુ યૂનિવર્સિટીમાં થયેલી હિંસા બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ ઘાયલ વિદ્યાર્થીઓને મળવાનું પણ જરુરી ન સમજ્યું. કોંગ્રેસ સાંસદે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદાને લઈને હજી સુધી આમ આદમી પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.

થરુરે કહ્યું- કેજરીવાલ કદાચ ઈચ્છે છે કે, નાગરિકતા સંશોધન કાયદાના વિરોધી અને સમર્થક બંને તેમના તરફ હતા. તેથી તેઓ આ મુદ્દે કોઈ મજબૂત સ્ટેન્ડ ન લઈ શક્યા. જો તેઓ આ મામલે કઈ બોલી જ નથી શકતા તો લોકોએ કયા આધારે કેજરીવાલને વોટ આપવા જોઈએ.

થરુરે દાવો કર્યો છે કે, કેજરીવાલે એક સમયે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતને લાચાર મુખ્યમંત્રી ગણાવ્યા હતા. હવે તેમણે જાતે પોતાનું એ ટ્વિટ વાંચવુ જોઈએ. શું લોકો આવા મજબૂર મુખ્યમંત્રી ઈચ્છે છે કે તેમના બાળકો સાથે લાઠીચાર્જ થાય અને મુખ્યમંત્રી તેમને મળવા પણ ન જઈ શકે.

થરુરે કહ્યું- હું નથી જાણતો કે કેજરીવાલ કોનો આદેશ સાંભળી રહ્યા છે. પણ તમને કોણે કહ્યું કે, વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસા સામે ન બોલશો, તેમને ન મળશો અથવા પછી નાગરિકતા સંશોધન કાયદા મામલે સ્પષ્ટ સ્ટેન્ડ ન લેશો? તમે તો મુખ્યમંત્રી છો. બીજુ કોઈ નથી જે તમને આદેશ આપે.

5 જાન્યુઆરીએ JNUના કેમ્પસમાં બુકાનીધારીઓએ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર રૉડ અને પથ્થરથી હુમલો કર્યો હતો. જેમાં 30થી વધારે લોકો ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં આ મામલે JNUSU અધ્યક્ષ આઈશી ઘોષ સહિત 9 વિદ્યાર્થીઓની ઓળખ જાહેર કરી હતી. કેજરીવાલે JNU હિંસા વિશે કહ્યું હતું કે, પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી કારણકે તેમને કેન્દ્ર તરફથી આદેશ હતો કે હસ્તક્ષેપ ન કરવો.