વિવાદાસ્પદ બનેલો નાગરિકતા સુધારિત કાયદો (CAA) અમલમાં

નવી દિલ્હી – કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેરાત કરી છે કે નાગરિકતા (સુધારિત) કાયદો અથવા CAA 10 જાન્યુઆરી, 2020ની તારીખથી દેશમાં અમલમાં આવી ગયો છે.

ગેઝેટ નોટિફિકેશનમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે આ કાયદો 10 જાન્યુઆરીથી અમલમાં આવી ગયો છે, જે અંતર્ગત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ભારતમાં આવેલા બિન-મુસ્લિમ નિરાશ્રીતોને નાગરિકત્વ આપવામાં આવશે.

નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે આ કાયદાની તમામ જોગવાઈઓ 10 જાન્યુઆરીથી અમલમાં આવી ગઈ છે.

CAA કાયદાને સંસદે 2019ની 11 ડિસેંબરે મંજૂરી આપી દીધી હતી.

આ કાયદા અનુસાર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારોનો ભોગ બનેલા અને 2014ની 31 ડિસેંબર સુધીમાં ભારતમાં આશરો લેવા આવી પહોંચેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી લોકોને ગેરકાયદેસર વસાહતીઓ તરીકે ગણવામાં નહીં આવે અને એમને ભારતનું નાગરિકત્વ આપવામાં આવશે.

આ કાયદા સામે જોકે દેશના અનેક ભાગોમાં વિરોધ થયો છે.

આ કાયદાનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે ભારતમાં આ પહેલી જ વાર ધર્મના આધારે નાગરિકતા આપવામાં આવી રહી છે. આ પ્રથા દેશના બંધારણના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. ભારતનું બંધારણ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકેનું છે.

તે છતાં સરકાર અને શાસક ભારતીય જનતા પાર્ટી આ કાયદાનો જોરદાર રીતે બચાવ કરે છે અને કહ્યું છે કે ઉક્ત ત્રણ દેશમાં ધાર્મિક ભેદભાવને કારણે અત્યાચારોનો ભોગ બનેલા લઘુમતી સમુદાયોનાં લોકોને ભારતમાં આવ્યા સિવાય બીજો કોઈ છૂટકો રહ્યો નહોતો.

ગૃહ મંત્રાલયે જોકે આ કાયદા માટે નિયમો ઘડવાના હજી બાકી છે.