મુંબઈ – સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિ., કોટક મહિન્દ્રા પ્રાઈમ લિ., મન્નપુરમ ફાઈનાન્સ લિ. અને જેએમ ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સ લિ.એ તેમનાં કમર્શિયલ પેપરના અનુક્રમે રૂ.5,200 કરોડ, રૂ.4,050 કરોડ, રૂ.100 કરોડ અને રૂ.50 કરોડના ઈશ્યુને લિસ્ટ કરવા માટેની અરજી કરી છે. બીએસઈમાં આ ઈશ્યુઓનાં કમર્શિયલ પેપર્સ 9 જાન્યુઆરી, 2020થી લિસ્ટ થશે.
અત્યાર સુધીમાં 68 ઈશ્યુઅરોના રૂ.1,52,090 કરોડના કમર્શિયલ પેપર્સના 474 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 144 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 6.12 ટકા રહ્યું છે.
બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી (8 જાન્યુઆરી, 2020)માં ભારતીય કંપનીઓના રૂ.4,79,057 કરોડ (66.81 અબજ યુએસ ડોલર)ના ડેટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાંથી બીએસઈએ સફળતાપૂર્વક રૂ.2,30,592 કરોડનું ભંડોળ (32.10 અબજ ડોલર) એકત્ર કરી આશરે 60 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. છે. નાણાકીય વર્ષ 2019-20માં (8 જાન્યુઆરી, 2020) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક રૂ.9,37,074 કરોડ (130.45 અબજ ડોલર) એકત્ર કર્યા છે.
અમદાવાદઃ શહેર ટ્રાફિક પોલીસે એક લક્ઝુરિયસ કારના માલિકને દેશનો અત્યારસુધીનો સૌથી મોટો દંડ ફટકાર્યો છે. નવા ટ્રાફિક નિયમો હેઠળ બુધવારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં વિવિધ લક્ઝુરિયસ કારો ડિટેન કરવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત નંબર પ્લેટ, ગાડીના દસ્તાવેજ રજૂ ના કરી શકનારા લોકોની ગાડીઓને ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી છે.
ત્યારે હવે એવા સમાચાર મળ્યા છે કે આ ડ્રાઇવ હેઠળ ટ્રાફિક પોલીસે એક લક્ઝુરિયસ કારના માલિકને દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો 27.68 લાખ રૂપિયાનો મસમોટો દંડ ફટકાર્યો છે. મળતી માહિતી મુજબ ટ્રાફિક ડ્રાઇવ હેઠળ લાખો રૂપિયાની કિંમતની પોર્ષ ગાડી પોલીસે જપ્ત કરી હતી. પોલીસે ટ્વીટર પર પણ આ અંગે માહિતી શેર કરી છે. કાર ચાલક જ્યારે ભરવાપાત્ર દંડની રકમ જાણવા માટે ગયો હતો તો કાર માલિકની આંખો પણ ફાટી ગઇ હતી.
માહિતી મુજબ બે વર્ષથી ગાડી ટેક્ષ ભર્યા વગર ફરી રહી હતી. રૂ.16 લાખ આજીવન રોડ ટેક્ષ, અન્ય રૂ.7.68 લાખ વ્યાજ અને 4 લાખ રૂપિયા પેનલ્ટી સાથે દંડ વસૂલ કરવામાં આવ્યો છે. કાર ચાલક દ્વારા અમદાવાદ RTOમાં ટેક્ષ ભરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ટ્રાફિક પોલીસે ડ્રાઇવામાં લક્ઝુરિયસ કાર પોર્શે, મર્સિડીઝ, રેંજ રોવર, તેમજ ફોર્ચ્યુનર જેવી કારને ડિટેન કરી હતી. અમદાવાદ પોલીસે આ કાર્યવાહીની માહિતી તેના ટ્વીટર એકાઉન્ટ પર આપી હતી.
તેહરાન – ઈરાનના આ પાટનગર શહેરમાં આજે તૂટી પડેલા યુક્રેનના એક બોઈંગ 737 વિમાનના તમામ 176 પ્રવાસીઓનાં મરણ નિપજ્યા છે. કોઈક ટેક્નિકલ સમસ્યાને કારણે વિમાન તૂટી પડ્યું હોવાનું કહેવાય છે.
તેહરાનના ઈમામ ખોમેની એરપોર્ટથી ઉપડ્યાની અમુક જ મિનિટમાં જેટ વિમાન તૂટી પડ્યું હતું.
વિમાનમાં 167 પ્રવાસીઓ અને 9 ક્રૂ મેમ્બર્સ હતા.
મૃતકોમાં 82 ઈરાની, 63 કેનેડિયનનો સમાવેશ થાય છે.
વિમાન તૂટી પડ્યું એની પહેલાં મોટો ધડાકો થયો હતો અને વિમાન આકાશમાં આગના ગોળા જેવું બની ગયું હતું.
વિમાને તેહરાનના સમય મુજબ સવારે 6.12 વાગ્યે ટેક ઓફ્ફ કર્યું હતું. એ યુક્રેનના કાઈવ શહેર તરફ જવા ઉપડ્યું હતું, પરંતુ ટેક ઓફ્ફ કર્યાની 8 મિનિટમાં જ એ તૂટી પડ્યું હતું.
નવી દિલ્હી: દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં હિંસા મામલે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા માટે અભિનેત્રી દીપિકા પાદુકોણ પહોંચી હતી. અહીં વિદ્યાર્થીઓ નારા લગાવી રહ્યા હતા ત્યારે દીપીકા ત્યાં તેમને સપોર્ટ કરવા સાથે ઉભી રહી હતી. જેએનયુમાં દીપિકાની હાજરીને લઈને વિશ્વ હિન્દુ પરિષદના એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યું કે દીપિકાએ સ્પષ્ટતા કરવી જોઈએ કે તે ત્યાં કોને સમર્થન આપવા ગઈ હતી. વિહિપના કેન્દ્રીય મહામંત્રી મિલિંદ પરાંડે કહ્યું કે, મહત્વપૂર્ણ વાત એ છે કે, દીપિકા જેએનયુના કયા વિદ્યાર્થી જૂથને સમર્થન કરી રહી છે? તાજેતરમાં જ થયેલી હિંસાના સમયે ત્યાં બે અલગ અલગ વિદ્યાર્થી જૂથો હતો. એક જૂથ વિદ્યાર્થીઓ પર હુમલો કરી રહ્યું હતું, જ્યારે બીજુ જૂથ હુમલાખોરોથી એ લોકોની સુરક્ષાનો પ્રયત્ન કરી રહ્યું હતું. તેમણે પુછયું કે, શું દીપિકા એ લોકોનો સાથ આપી રહી છે જેએનયુમાં ખોટા કામો કરી રહ્યા છે?
પરાંડેએ ભારપુર્વક કહ્યું કે, દેશની લોકતાંત્રિક વ્યવસ્થામાં હિંસાને કોઈ સ્થાન નથી અને 34 વર્ષીય અભિનેત્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ કે, તે જેએનયુ વિદ્યાર્થીઓના કયા જૂથ સાથે છે. પારાંડેએ વધુમાં કહ્યું કે, હાલના સમયમાં જે રીતે દેશ વિરોધી શક્તિઓ દ્વારા એક ષડયંત્ર હેઠળ જેએનયુ અને જામિયા મિલિયા ઈસ્લામિયા જેવા ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં હિંસા કરવામાં આવી રહી છે તેને હું અત્યંત ખતરનાક માનું છું. આ પરિસરોમાં હિંસક આંદોલનનું આહવાન કરનારા લોકોને સજા મળવી જ જોઈએ.
નાગરિકતા બિલનું સમર્થન કરતા વિહિપ મહામંત્રીએ કહ્યું કે, ભારતમાં કેટલાક રાજકીય પક્ષો અને સામ્યવાદી શક્તિઓ સીએએની આડમાં હિંસા ભડકાવીને મુસ્લિમ તુષ્ટીકરણનો પ્રયાસ કરી રહી છે, હકીકતમાં દેશના મુસલમાનોને આ કાયદા સાથે કોઈ લેવાદેવા નથી.
મુંબઈ – ભારતમાં અને દુનિયાના ઘણા દેશોમાં ઘણી છોકરીઓ અને મહિલાઓ એસિડ હુમલા જેવી ભયાનક ઘટનાઓનો શિકાર બની ચૂકી છે. ઘણીય સ્ત્રીઓનાં જાન ગયા છે તો ઘણી સ્ત્રીઓનું જીવન બરબાદ થઈ ગયું છે. આવા હુમલાનો ભોગ બન્યા બાદ એમાંથી જે મહિલાઓ બચી જવા પામી છે એમનું જીવન દયાજનક બની જાય છે. તે છતાં એવી ઘણી એસિડ હુમલાપીડિત સ્ત્રીઓ છે જેઓ કદરૂપા થઈ ગયેલા ચહેરા અને શરીર સાથે જીવી રહી છે.
એવી જ એક કમનસીબ છોકરી લક્ષ્મી અગ્રવાલનાં જીવન પરથી નિર્દેશિકા મેઘના ગુલઝારે હિન્દી ફિલ્મ બનાવી છે – ‘છપાક’. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં લક્ષ્મીનો રોલ અદા કર્યો છે દીપિકા પદુકોણે.
એસિડ હુમલાને કારણે કદરૂપા ચહેરા સાથે જો કોઈ છોકરી કે સ્ત્રી રસ્તા પર કે જાહેર સ્થળે દેખાય તો લોકોનાં ચહેરા પર જુદા જુદા પ્રકારના હાવભાવ જોવા મળે છે. કોઈકના પ્રત્યાઘાત આઘાતજનક હોય, તો કોઈકની નજરમાં સહાનુભૂતિ હોય તો કોઈક ઘૃણા બતાવે.
આવી કમનસીબ સ્ત્રીઓને જોઈને મુંબઈમાં લોકો કેવા પ્રત્યાઘાત બતાવે છે એ જોવા માટે દીપિકા પદુકોણે એક સામાજિક પ્રયોગ કર્યો હતો. એ છપાક ફિલ્મમાં જેનો રોલ કરી રહી છે એ માલતીના જ મેકઅપ સાથે સ્ટોર્સ અને બજારમાં નીકળી હતી. એની સાથે બીજી છોકરીઓ પણ હતી, જેઓ વાસ્તવિક જીવનમાં એસિડ હુમલાનો ભોગ બની ચૂકી છે.
દીપિકા (માલતી) અને એની ટીમની સાથીઓ ગ્રાહકનાં સ્વાંગમાં મુંબઈમાં અમુક ખાસ સ્ટોર્સ અને ભીડવાળી બજારની મુલાકાતે ગઈ હતી. તેઓ જ્યાં ગઈ હતી એ સ્ટોર્સમાં તેની અગાઉ છૂપાં કેમેરા ગોઠવી દેવામાં આવ્યા હતા તથા અમુક કેમેરા દીપિકા તથા તેની સાથીઓની બેગ્સમાં સંતાડવામાં આવ્યા હતા. જેથી અન્ય ગ્રાહકોનાં પ્રત્યાઘાત જાણી શકાય.
આ અજમાયશનો વિડિયો દીપિકાએ રિલીઝ કર્યો છે. જે ખરેખર જોવા જેવો છે.
પહેલાં દીપિકા તથા એની સાથીઓ એક સેલ ફોન સ્ટોરમાં જાય છે જ્યાં શોપકીપર એનું સ્વાગત કરે છે. ત્યાં તે એક મહિલાને એક સેલ્ફી લેવાની વિનંતી કરે છે જેને તે સ્ત્રી ખુશીથી લેવા દે છે. અમુક પુરુષો આ છોકરીઓ સામે જુએ છે, પરંતુ કોઈ ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા નથી.
ત્યારબાદ છોકરીઓ એક કરિયાણા સ્ટોરમાં જાય છે જ્યાં અમુક લોકો છોકરીઓને મદદ કરવાની ચોખ્ખી ના પાડી દે છે અને એમની સામે ઘૃણાપૂર્વક જુએ પણ છે, ચહેરા પર ચીડનાં અમુક લોકો જોકે છોકરીઓ પ્રતિ સદ્દવ્યવહાર બતાવે છે અને સ્મિત પણ કરે છે.
એક જ્વેલરી સ્ટોરમાં, છોકરીઓ સાથે એક મહિલા હસીને વાત કરે છે, પરંતુ રોડ પરની માર્કેટમાં છોકરીઓને સાવ જુદો જ અનુભવ થયો હતો. ત્યાં એક મહિલા એસિડહુમલાને કારણે કદરૂપી દેખાતી છોકરીઓથી પોતાના પુત્રને સંતાડવાની કોશિશ કરતી જોવા મળી.
વિડિયોની આખરમાં, દીપિકા કહે છે, હું આખા દિવસ દરમિયાન એટલું શીખી કે ઘણું બધું તમારી આંખોની સામે જ હોય છે, પરંતુ તમે એને સમજી શકતા નથી. તમે તમારો દ્રષ્ટિકોણ બદલો એ મહત્ત્વનું છે.
‘છપાક’ ફિલ્મ લક્ષ્મી અગ્રવાલનાં જીવનમાં બનેલી સત્યઘટના પર આધારિત છે. એ જ્યારે 15 વર્ષની હતી ત્યારે એની પર એસિડ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
(આ છે એ વિડિયો, જેમાં દીપિકા માલતી બનીને નીકળે છે…)
સુરત: રાજદ્રોહ કેસ મામલે અલ્પેશ કથીરિયાની ડીસ્ચાર્જ અરજી નામંજૂર કરવામાં આવી છે. રાજદ્રોહ કેસમાં ચાર્જ ફ્રેમ દાખલ કરવાની હોવાથી ડીસ્ચાર્જ અરજી નામંજૂર કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.કે.દેસાઈએ અરજી નામંજૂર કરવાની સાથે આગામી 18મી જાન્યુઆરી ના રોજ ચાર્જફ્રેમની કાર્યવાહી માટે કોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ આપ્યો છે.
પાટીદાર અનામત આંદોલ દરમ્યાન પાસના આરોપી નેતાઓ હાર્દિક પટેલ,ચિરાગ તથા વિપુલ દેસાઈ સહિત પાછળથી પોલીસે ઝડપેલા અલ્પેશ કથીરિયા વિરુધ્ધ અમરોલી પોલીસ મથકમાં રાજદ્રોહના ગુનાઈત કારસા અંગે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં સંડોવાયેલા પાસના આરોપી નેતા હાર્દિક પટેલ, વિપુલ તથા ચિરાગ દેસાઈએ ચાર્જશીટ રજુ થયા બાદ આરોપોમાંથી દોષમુક્ત સમ્માનભેર છોડવા માગ કરી હતી. જેને કોર્ટે નકારી કાઢી હતી.
અગાઉ ચાર્જફ્રેમની કાર્યવાહી પૂર્વે પુરવણી ચાર્જશીટમાં અલ્પેશ કથીરીયાએ પણ પોતાની સામે આક્ષેપિત ગુનાના અગાઉ દર્શનીય કેસ ન હોઈ આરોપોમાંથી ડીસ્ચાર્જ કરવા માંગ કરી હતી. જેના વિરોધમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ વોટ્સએપ મેસેજીસ, વિડિયો ક્લિપ સહિતના પુરાવા ચાર્જ ઘડવા માટે પુરતા છે. જેથી હાલના તબક્કે આરોપીને બિનતહોમત છોડવા માટેના કોઈ ચોક્કસ કારણ કે અરજીને કાનુની પીઠબળ મળે તેમ ન હોય ડીસ્ચાર્જ અરજી રદ કરવા માગ કરી હતી. જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા સરકાર પક્ષની રજૂઆતોને માન્ય રાખી આરોપી અલ્પેશ કથીરિયાની ડીસ્ચાર્જ અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. કોર્ટે આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ રાજદ્રોહના કેસમાં ચાર્જફ્રેમની પેન્ડીંગ કાર્યવાહી માટે આરોપી અલ્પેશ કથીરિયાને કોર્ટ સમક્ષ હાજર રહેવા નિર્દેશ આપ્યો છે.
નવી દિલ્હીઃ ભારતનો ઈતિહાસ સાક્ષી પૂરે છે કે 2012 ડિસેમ્બરમાં જમાનાને ભયભિત કરી દેનારી એ ઘટના કે દિલ્હીની એક દિકરી સાથે ઘટી તે ઘટના કોઈ સામાન્ય ઘટના નહોતી. આ મામલે ગઈકાલે દિલ્હીની કોર્ટે નિર્ભયાના જીવનને બરબાદ કરનારા ચારેય બદમાશોનું ફાંસીનું વોરન્ટ જાહેર કરી દીધું છે. ફાંસી પર લટકાવાની તારીખ 22 જાન્યુઆરી છે. જગ્યા છે દિલ્હીની તિહાડ જેલ નંબર-3 માં ઉપસ્થિત ફાંસી ઘર. આવા સમયે સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે શું આઝાદ ભારતમાં આ પહેલા પણ ક્યાંય કોઈ ચાર ગુનેગારોને એક સાથે ફાંસી પર લગાવવાનો હુકમ આપવામાં આવ્યો હતો? તો જવાબ છે ના.
પૂર્વ આઈપીએસ અધિકારી અને યૂપી પોલીસના રિટાયર્ડ મહાનિરીક્ષક આરકે ચતુર્વેદીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મેં તો મારા જીવનમાં ક્યારેય એવું સાંભળ્યુ નથી કે જ્યારે આઝાદ ભારતમાં એક સાથે ચાર ગુનેગારોને ફાંસી પર લટકાવવામાં આવ્યા હોય. નિર્ભયા કાંડના ગુનેગારોને એક સાથે ફાંસીના તખ્તા પર લટકાવવામાં આવશે તો દેશમાં ફાંસીનો ઈતિહાસ બદલાઈ જશે.
આરકે ચતુર્વેદી વર્ષ 1984 થી 1987 વચ્ચેના સમયમાં અલ્હાબાદ સ્થિત નૈની સેન્ટ્રલ જેલમાં એડિશનલ જેલ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. વર્ષ 2018 માં યૂપી પોલીસમાં આઈજી-ઈન્ટેલિજન્સના પદથી રિટાયર થયેલા ચતુર્વેદીએ આગળ કહ્યું કે, મેં નૈની જેલમાં બે ગુનેગારોની ફાંસી જોઈ છે. વર્ષ 1980 ના સમયમાં ક્યારેય નહોતું વિચાર્યું કે 4-4 ગુનેગારોને પણ એક જેલમાં એક સાથે ફાંસી પર લટકાવવાનો હુકમ થશે.
આઈપીએસ ચતુર્વેદી જેલની નોકરી દરમિયાન, ભારતીય સેનાના ભાગેડુ જવાનથી બાદમાં ભાગેડુ ડાકુ બન્યા 35 વર્ષના બેંક લૂંટનારા અને હત્યારા વિક્રમ સિંહ અને પાંચ લોકોની હત્યાના જવાબદાર 45 વર્ષના એક શિક્ષકથી ગુનેગાર માનવામાં આવેલા કેદીને ફાંસી આપવાના સાક્ષી બન્યા હતા. એ બંન્નેને અલ્હાબાદ નૈની જેલમાં ફાંસી પર ચતુર્વેદીની હાજરીમાં જ લટકાવવામાં આવ્યા હતા, જ્યારે સુનીલ ગુપ્તાએ તિહાડ જેલની નોકરીમાં સતવંત-કહેર સિંહ (ઈન્દિરા ગાંધીના હત્યારા), સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુ, કાશ્મીરી આતંકવાદી મકબૂલ બટ્ટ સહિતના ગુનેગારોને તેમની ઉપસ્થિતીમાં ફાંસીએ લકાવાયા હતા.
આ બંન્ને અધિકારીઓએ જ્યારે ભારતમાં ફાંસીના ઈતિહાસ પર નજર નાંખી તો આ બંન્ને પૂર્વ જેલના અધિકારી છેલ્લા સાત દશક સુધીના સમયમાં પહોંચ્યા. ચતુર્વેદી અને અને ગુપ્તાએ કહ્યું કે, અત્યારથી આશરે 89 વર્ષ પહેલા જ્યારે દેશ અંગ્રેજોની પકડથી આઝાદ થવા માટે ઝઝુમી રહ્યો હતો, ત્યારે આવું કંઈ થયું હોય તો કદાચ કોઈને યાદ પણ નહી હોય.
ગુપ્તા અને ચતુર્વેદી અનુસાર, હવે 7 જાન્યુઆરી 2020 ના રોજ જે ચાર ગુનેગારોને એક સાથે ફાંસીના માચડે લટકાવવાનો કોર્ટે હુકમ આપ્યો છે તે લોકો ક્રૂર હત્યારા બળાત્કારીઓ છે. તેમને આપવામાં આવેલી આ સજા યોગ્ય છે. આઝાદ ભારતમાં અત્યાર સુધીમાં આપવામાં આવેલી ફાંસીના ઈતિહાસમાં એક આવું પાનું ઉમેરાયું છે, જેના પર કોઈપણ ચાર ગુનેગારોને એક સાથે ફાંસી પર લટકાવવાની રુવાડા ઉભા કરી નાંખતી કંપાવી દે તેવી વાત લખવામાં આવી રહી છે. જે ખરેખર યોગ્ય છે.
શિયાળાની ઋતુમાં લીલી હળદર મોટે ભાગે દરેક ઘરમાં સલાડમાં ખવાતી હોય છે, જે હેલ્થ માટે બહુ ગુણકારી છે. જેમને હળદરનો સ્વાદ પસંદ નથી, તેમને પણ હળદરનું શાક તો ભાવશે જ!
લીલી હળદરની પ્રકૃતિ ગરમ છે. તેથી તેનું શાક દેશી ઘીમાં જ બનાવવું. ઘીમાં બનાવેલું શાક જ વધુ સ્વાદિષ્ટ લાગે છે!
સામગ્રીઃ
250 ગ્રા. લીલી હળદર
1 વાટકી લીલાં વટાણા
1 વાટકી દેશી ઘી
1 વાટકી ઝીણાં ચોરસ સમારેલાં કાંદા
1 વાટકી સમારેલાં ટમેટાં
1 વાટકી લીલું લસણ (લીલું લસણ ના મળે તો 10-12 કળી સૂકું લસણ ચાલશે)
એક કઢાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે છીણેલી હળદર નાખીને 5 મિનિટ સાંતળો. ત્યારબાદ એમાં લીલું લસણ ઉમેરીને સાંતળો. 2-3 મિનિટ બાદ કાંદા તેમજ આદુ-મરચાંની પેસ્ટ ઉમેરી દો. કાંદા થોડાં નરમ થાય એટલે વટાણા ઉમેરીને સાંતળો. ગેસની આંચ ધીમી કરી દો. વચ્ચે વચ્ચે શાકને તવેથા વડે હલાવતાં રહો, જેથી હળદર નીચે ચોંટે નહીં.
વટાણા ચઢી જાય એટલે એમાં લાલ મરચું પાવડર તેમજ મીઠું ઉમેરી દો. 5 મિનિટ બાદ એમાં ટમેટાં નાખો, ટમેટાં ચઢી જાય એટલે એમાં દહીંને વલોવીને ઉમેરી દો. શાકને સરખું મિક્સ કરીને એમાં ગોળ ઉમેરી દો. (ગોળ ન જોઈતો હોય તો નહીં નાખવો). ગેસને ધીમો કરીને કઢાઈ ઢાંકીને 5 મિનિટ માટે થવા દો. ગેસ બંધ કરીને ઉપર કોથમીર ભભરાવી દો.
નવી દિલ્હીઃ કેન્દ્રીય સામાજિક અને ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ જેએનયૂ મામલે નિવેદન આપતા જણાવ્યું કે, જેએનયૂ હવે ગુંડાગર્દીનો અડ્ડો બની ગયું છે. બીજીવાર આવી ઘટના ન થાય તેના માટે જેએનયૂમાં કોડ ઓફ કન્ડક્ટ લાગૂ કરવાની જરુર છે. આના માટે તેઓ કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ સાથે પણ વાત કરશે. અઠાવલેએ જેએનયૂમાં ગત રવિવારના રોજ નકાબધારી લોકોએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો તે ઘટનાની નિંદા કરી. તેમણે જેએનયૂ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષની ભૂમિકાની પણ તપસા કરાવવાની માંગ કરી અને કહ્યું કે એક વીડિયોમાં તે નકાબમાં દેખાઈ રહી છે.
મંત્રીએ કહ્યું કે જેએનયૂમાં જે થયું તે ખોટુ છે. ત્યાં કોમ્યુનિસ્ટ વિધારધારાનો વધારે પ્રભાવ છે. ત્યાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવે છે. સંસદ પર હુમલાના દોષીત અફઝલ ગુરુની ફાંસીના દિવસે રેલી કાઢવામાં આવે છે. ગુંડાગર્દીઓ અડ્ડો બની ચૂક્યું છે. વિધારધારા અલગ હોઈ શકે છે પરંતુ આપણે બાબા સાહેબને માનનારા લોકો છીએ. આ પ્રકારની ઘટનાઓની નિંદા કરીએ છીએ. જેએનયૂમાં હુમલાની ઘટનાની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા 26/11 ના હુમલાથી તુલના કરવાની વાતને આઠવલેએ ખોટી ગણાવી. તેમણે કહ્યું કે, 26/11 નો હુમલો પાકિસ્તાનના આતંકીઓએ કર્યો હતો. આવામાં જેએનયૂમાં ઘટેલી ઘટનાની તુલના તે હુમલા સાથે ન કરી શકાય.
બગદાદઃ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધી ગયો છે. આજે સવારે ઈરાને ઈરાક સ્થિત અમેરિકી સૈનિકોની ટુકડીઓ પર એક ડઝનથી વધુ મિસાઈલ છોડી હુમલો કર્યો છે. ઈરાકના અબરિલ અને અલ અસદ સૈન્ય બેઝ પર ઈરાને બેલેસ્ટિક મિસાઈલ છોડી હુમલો કર્યો છે. જમીનથી જમીન પર હુમલો કરનારી મિસાઈલ ઈરાનના દ્વારા છોડવામાં આવી છે.
હુમલો કર્યા બાદ ઈરાને અમેરિકા અને અમેરિકી સૈનિકને જવાબી કાર્યવાહી ન કરવાની પણ ચેતવણી આપી છે. અમેરિકાએ પોતે પણ ઈરાન દ્વારા મિસાઈલ છોડી સૈનિક ટ્રેનિંગ બેઝ પર હુમલો થયા હોવાની પુષ્ટી કરવામાં આવી છે.
ઈરાન તરફથી થયેલાં હુમલામાં કેટલાં અમેરિકી સૈનિકો ઘાયલ થયા છે, તેની કોઈ જાણકારી મળી નથી. અમેરિકા પર થયેલા હુમલા બાદ ઈરાને એક ટીવી ચેનલમાં જણાવ્યું કે આ હુમલો જનરલ કાસિમ સુલેમાનીની મોતનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે.
ઈરાન દ્વારા ઈરાકમાં અમેરિકાની બેઝ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલા પછી ઓઈલની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ઈરાનના હુમલા પછી ઓઈલની કિંમતમાં લગભગ 4.5 ટકાનો ઉછાળો આવ્યો છે. ડબલ્યૂ ટી આઈ ઈન્ડેક્સમાં ઓઈલના ભાવમાં 4.53 ટકાનો ઉછળીને 65.54 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યા છે.
ક્રુડ ઓઈલની કિંમતમાં ભલે ઉછાળો નોંધાયો હોય પરંતુ પેટ્રોલ-ડીઝલની કિંમત પર તેની કોઈ અસર જોવા નથી મળી. છ દિવસ સુધી સતત કિંમતમાં વધારો જોવા મળ્યા બાદ પેટ્રેલ અને ડીઝલના ભાવ આજે સ્થિર રહ્યાં છે. છ દિવસમાં પેટ્રોલમાં 60 પૈસ અન ડીઝલ 83 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. જો કે આજે ક્રુડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે ત્યારે આગામી દિવસોમાં તેની અસર પેટ્રોલ-ડીઝલના ભાવ પર જરૂર જોવા મળી શકે છે.