જેએનયુમાં કયા જૂથને સમર્થન કરવા ગઈ હતી દીપિકા? : વિશ્વ હિન્દુ પરિષદ

નવી દિલ્હી: દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં હિંસા મામલે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા માટે અભિનેત્રી દીપિકા પાદુકોણ પહોંચી હતી. અહીં વિદ્યાર્થીઓ નારા લગાવી રહ્યા હતા ત્યારે દીપીકા ત્યાં તેમને સપોર્ટ કરવા સાથે ઉભી રહી હતી. જેએનયુમાં દીપિકાની હાજરીને લઈને વિશ્વ હિન્દુ પરિષદના એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યું કે દીપિકાએ સ્પષ્ટતા કરવી જોઈએ કે તે ત્યાં કોને સમર્થન આપવા ગઈ હતી. વિહિપના કેન્દ્રીય મહામંત્રી મિલિંદ પરાંડે કહ્યું કે, મહત્વપૂર્ણ વાત એ છે કે, દીપિકા જેએનયુના કયા વિદ્યાર્થી જૂથને સમર્થન કરી રહી છે? તાજેતરમાં જ થયેલી હિંસાના સમયે ત્યાં બે અલગ અલગ વિદ્યાર્થી જૂથો હતો. એક જૂથ વિદ્યાર્થીઓ પર હુમલો કરી રહ્યું હતું, જ્યારે બીજુ જૂથ હુમલાખોરોથી એ લોકોની સુરક્ષાનો પ્રયત્ન કરી રહ્યું હતું. તેમણે પુછયું કે, શું દીપિકા એ લોકોનો સાથ આપી રહી છે જેએનયુમાં ખોટા કામો કરી રહ્યા છે?

પરાંડેએ ભારપુર્વક કહ્યું કે, દેશની લોકતાંત્રિક વ્યવસ્થામાં હિંસાને કોઈ સ્થાન નથી અને 34 વર્ષીય અભિનેત્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ કે, તે જેએનયુ વિદ્યાર્થીઓના કયા જૂથ સાથે છે. પારાંડેએ વધુમાં કહ્યું કે, હાલના સમયમાં જે રીતે દેશ વિરોધી શક્તિઓ દ્વારા એક ષડયંત્ર હેઠળ જેએનયુ અને જામિયા મિલિયા ઈસ્લામિયા જેવા ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં હિંસા કરવામાં આવી રહી છે તેને હું અત્યંત ખતરનાક માનું છું. આ પરિસરોમાં હિંસક આંદોલનનું આહવાન કરનારા લોકોને સજા મળવી જ જોઈએ.

નાગરિકતા બિલનું સમર્થન કરતા વિહિપ મહામંત્રીએ કહ્યું કે, ભારતમાં કેટલાક રાજકીય પક્ષો અને સામ્યવાદી શક્તિઓ સીએએની આડમાં હિંસા ભડકાવીને મુસ્લિમ તુષ્ટીકરણનો પ્રયાસ કરી રહી છે, હકીકતમાં દેશના મુસલમાનોને આ કાયદા સાથે કોઈ લેવાદેવા નથી.