તેહરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા યુક્રેનના વિમાનના તમામ 176 પ્રવાસીઓનાં મરણ

તેહરાન – ઈરાનના આ પાટનગર શહેરમાં આજે તૂટી પડેલા યુક્રેનના એક બોઈંગ 737 વિમાનના તમામ 176 પ્રવાસીઓનાં મરણ નિપજ્યા છે. કોઈક ટેક્નિકલ સમસ્યાને કારણે વિમાન તૂટી પડ્યું હોવાનું કહેવાય છે.

તેહરાનના ઈમામ ખોમેની એરપોર્ટથી ઉપડ્યાની અમુક જ મિનિટમાં જેટ વિમાન તૂટી પડ્યું હતું.

વિમાનમાં 167 પ્રવાસીઓ અને 9 ક્રૂ મેમ્બર્સ હતા.

મૃતકોમાં 82 ઈરાની, 63 કેનેડિયનનો સમાવેશ થાય છે.

વિમાન તૂટી પડ્યું એની પહેલાં મોટો ધડાકો થયો હતો અને વિમાન આકાશમાં આગના ગોળા જેવું બની ગયું હતું.

વિમાને તેહરાનના સમય મુજબ સવારે 6.12 વાગ્યે ટેક ઓફ્ફ કર્યું હતું. એ યુક્રેનના કાઈવ શહેર તરફ જવા ઉપડ્યું હતું, પરંતુ ટેક ઓફ્ફ કર્યાની 8 મિનિટમાં જ એ તૂટી પડ્યું હતું.