Home Blog Page 4601

પંચાંગ 29/10/2020

(મયંક રાવલ)

નવેમ્બરથી બેન્કમાં પૈસા જમા-ઉપાડ પર ચાર્જ લાગશે

મુંબઈઃ હાલના સમયમાં કેટલાય પ્રકારની બેન્કિંગ સુવિધાઓ છે, જેના ઉપયોગ મોટા ભાગે દરેક ગ્રાહક કરે છે અને એના માટે ગ્રાહકોથી પૈસા વસૂલવામાં આવે છે. જોકે એના વિશે બહુ ઓછા લોકોને માલૂમ હશે, SMS સુવિધા, મિનિમમ બેલેન્સ, ATM અને ચેકનો ઉપયોગ સુધી- બેન્ક તમારી પાસેથી પૈસા વસૂલે છે, પણ હવે ગ્રાહકોને પોતાના પૈસા જમા કરવા અને ઉપાડ કરવા માટે પણ ફી ચૂકવવી પડશે.

બેન્ક ઓફ બરોડાએ એની શરૂઆત કરી દીધી છે. બેન્ક ઓફ ઇન્ડિયા, PNB, એક્સિસ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક આના પર ટૂંક સમયમાં નિર્ણય કરશે. આગામી મહિને એટલે કે નવેમ્બર, 2020થી નક્કી કરેલી મર્યાદાથી વધુ બેન્કિંગ કરવા પર ગ્રાહકોએ અલગથી ચાર્જ ચૂકવવો પડશે.

બેન્ક ઓફ બરોડાએ ચાલુ ખાતા, કેશ ક્રેડિટ લિમિટ અને ઓવરડ્રાફ્ટ અકાઉન્ટમાં જમા-ઉપાડના અલગ અને બચત ખાતાથી જમા-ઉપાડના અલગ-અલગ ચાર્જ નિર્ધારિત કર્યા છે. લોન અકાઉન્ટ માટે મહિનામાં ત્રણ વાર પછી જેટલી વાર ખાતામાં પૈસા ઉપાડવામાં આવશે તેની પર દરેક વખતે રૂ. 150 આપવા પડશે. બચત ખાતામાં ત્રણ વાર સુધી જમા કરાવવાનું મફત છે, પણ ચોથી વાર જમા કરવા પર રૂ. 40 આપવા પડશે. સિનિયર સિટિઝનોને પણ બેન્કોએ કોઈ રાહત નથી આપી.

આ રીતે ખિસ્સાં ખાલી

CC, ચાલુ અને ઓવરડ્રાફ્ટ ખાતાઓ માટે

1 એક દિવસમાં રૂ. એક લાખ સુધી જમા કરવા પર નિઃશુલ્ક

2રૂ. એક લાખથી વધુ હોવા પર રૂ. 1000 દીઠ એક રૂપિયો ચાર્જ (ન્યૂનતમ રૂ. 50 અને મહત્તમ રૂ. 20,000)

3 એક મહિનામાં ત્રણ વાર પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ નહીં

4 ચોથી વાર રૂ. 150 પ્રત્યેક ઉપાડ પર

બચત ખાતાના ગ્રાહકો માટે

1 ત્રણ વાર સુધી જમા કરવા પર કોઈ ચાર્જ નહીં

2 ચોથી વારથી પ્રત્યેક વખતે રૂ. 40 ચાર્જ

3 મહિનામાં ત્રણ વાર ખાતામાંથી પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ નહીં

4 ચોથી વારથી પૈસા ઉપાડવા પર પ્રત્યેક વખતે રૂ. 100નો ચાર્જ

5 સિનિયર સિટિઝનોને કોઈ રાહત નહીં, તેમણે પણ ચાર્જ ચૂકવવો પડશે.

6 જનધન ખાતાધારકોને જમા કરવા પર કોકઈ ચાર્જ નહીં આપવો પડે, પણ ઉપાડ પર રૂ. 100 આપવા પડશે.

બેન્કોએ નુકસાનની ભરપાઈ કરવા માટે ગ્રાહકો પર એવા-એવા ચાર્જ લગાવી દીધા છે, જે પહેલાં ક્યારેય નહોતા લેવામાં આવ્યા. ફોલિયો ચાર્જને નામે બેન્કોને મોટી કમાણી થાય છે. 25-30 વર્ષ પહેલાં ગ્રાહકોની લેવડદેવડની વિગતો બેન્ક રજિસ્ટર્ડમાં નોંધતી હતી, જેને ફોલિયો કહેવામાં આવતો હતો. એ વખતે હાથથી ફોલિયો પર એક-એક રકમ નોંધવામાં આવતી હતી. ત્યારે બેન્ક ગ્રાહકોથી ફોલિયો ચાર્જ વસૂલતી હતી. પછી ચેક રિજેક્ટ થાય તો પણ બેન્ક પ્રોસેસિંગ ચાર્જને નામે કેટલીક રકમ વસૂલતી હતી.

1 લેજર ફોલિયો ચાર્જઃ 200 પ્રતિ પેજ ( કોઈ પણ પ્રકારની લોન પર સીસી અથવા ઓડી પર વસૂલવામાં આવતો હતો.

2 ચેકબુક ચાર્જઃ રૂ. ત્રણથી રૂ. પાંચ પ્રતિ ચેકબુક (બીજી ચેકબુક પર)

3 કોઈ પણ કારણથી ચેક રિટર્ન  થાય તો રૂ. 225.

4 ચાર્જ નાની લોન પરઃ મહત્તમ રૂ. 15,000 સુધી

 

 

 

ભારત-અમેરિકા લશ્કરી સમજૂતીથી ચીન લાલઘૂમ

બીજિંગઃ ભારત અને અમેરિકા વચ્ચે ત્રીજી બે+બે પ્રધાન સ્તરીય બેઠક દરમ્યાન બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ (BECA) સહિત કેટલાક મહત્ત્વની સમજૂતી થઈ છે. એ સમજૂતી હેઠળ એકબીજાને અત્યાધુનિક સૈનિક ટેક્નોલોજી, ઉપકરણો અને ભૌગોલિક નકશાઓ એકમેક સાથે શેર કરશે. ભારત અને અમેરિકાથી પહેલેથી જ વણસેલા સંબંધોને લઈને ચર્ચામાં રહેલા ચીને તાજી સમજૂતીને લઈને તીખી પ્રતિક્રિયા આપી હતી.  

ચીનના સરકારી ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સ મુજબ ચીની વિશ્લેષકોનું માનવું છે કે સમજૂતીએ ભારતની રક્ષાત્મક નબળાઈને અમેરિકાની સામે લાવી દીધી છે અને કમ્પેટિબિલિટીના મુદ્દા પર અમેરિકાની સેવાઓ ભારતની આશાએ ખરી નહીં ઊતરે.

આ ન્યૂઝપેપરનું કહેવું છે કે અમેરિકી ચૂંટણીના ઠીક એક સપ્તાહ પહેલાં આ સમજૂતી પર હસ્તાક્ષર એટલા માટે થયા છે કે ડોનાલ્ડ ટ્રમ્પની જીતની સંભાવનાઓમાં વધારો થાય. ચીની વિશ્લેષકોના હવાલેથી ન્યૂઝપેપરે એ પણ કહ્યું છે કે ભારત અને અમેરિકાના ગાઢ સંબંધો હજી પણ અનિશ્ચિત છે.

ગ્લોબલ ટાઇમ્સે કહ્યું હતું કે અમેરિકા મીઠી-મીઠી વાતો કરીને ભારતને ફોસલાવી રહ્યું છે અને ચીન અને ભારતની વચ્ચે સંબંધો ખરાબ કરી રહ્યું છે. જોકે ભારતે જાહેર કર્યું છે કે વોશિંગ્ટનના સંરક્ષણનો સ્વીકાર કરીને એ ખુશ છે, કેમ કે એ માને છે એનાથી ચીનની સાથી લાંબા સમય સુધી ચાલી રહેલા અવરોધમાં જીત માટે એનો આત્મવિશ્વાસ વધશે.

 

 

 

મહિલાની મારપીટનો ભોગ બનનાર ટ્રાફિક કોન્સ્ટેબલનું સમ્માન કરાયું

મુંબઈઃ ત્રણેક દિવસ પહેલાં દક્ષિણ મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં હેલ્મેટ પહેર્યાં વિના સ્કૂટર હંકારતી એક મહિલા સ્કૂટરચાલકે એને રોકનાર એક ટ્રાફિક કોન્સ્ટેબલની મારપીટ કરી હતી. સમગ્ર ઘટનામાં પોતાનું મગજ શાંત રાખ્યું એ બદલ એકનાથ પાર્થે નામના તે ટ્રાફિક કોન્સ્ટેબલનું આજે જાહેર રસ્તા પર સમ્માન કરવામાં આવ્યું હતું.

કોન્સ્ટેબરનું આ સમ્માન આસિસ્ટન્ટ પોલીસ કમિશનર લતા ધોંડેએ કર્યું છે. એનો વિડિયો માહિતી અને જનસંપર્ક વિભાગ, મહારાષ્ટ્ર સરકારના ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ દયાનંદ કાંબળેએ ટ્વિટર પર શેર કર્યો છે.

તે ઘટના ગઈ 23 ઓક્ટોબરે બપોરે કાલબાદેવી વિસ્તારમાં કોટન એક્સચેન્જ નાકા પાસે બની હતી. એ વખતે એકનાથ પાર્થેએ હેલ્મેટ વગર સ્કૂટર પર જતી મહિલાનો પીછો કરીને એને રોકી હતી. તે મહિલાની પાછળની સીટ પર એક પુરુષ પણ બેઠો હતો. દંડ ભરવાની વાતે મહિલા અને કોન્સ્ટેબલ પાર્થે વચ્ચે દલીલ થઈ હતી. એ પછી તે મહિલાએ રાહદારીઓની નજર સામે એ કોન્સ્ટેબલની મારપીટ શરૂ કરી હતી. તે છતાં પાર્થેએ એનો પ્રતિકાર કર્યો નહોતો કે સામી ગાળો દીધી નહોતી. એ મહિલાએ પાર્થેને કોલર પકડ્યા હતા અને વારંવાર તમાચા ઝીંકતી રહી હતી. મહિલાના સાથીએ તેમજ રસ્તા પરના અન્ય ટ્રાફિક જવાનોએ સમગ્ર ઘટનાનો મોબાઈલ ફોન પર વિડિયો ઉતાર્યો હતો.

તે વિડિયોમાં મહિલા એવું બોલતી સંભળાઈ હતી કે કોન્સ્ટેબલે એને ગાળ દીધી હતી. કોન્સ્ટેબલ તે આક્ષેપને નકારતા જોવા મળ્યો હતો.

થોડાક સમય બાદ, એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઘટનાસ્થળે પહોંચી હતી અને સાદવિકા તિવારી (30) નામની તે સ્કૂટરચાલક મહિલા તથા મોહસીન ખાન (26) નામના એનાં બોયફ્રેન્ડને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. ત્યાં સાદવિકા અને મોહસીન સામે ભારતીય ફોજદારી કાયદાની કલમ 353 (જાહેર સેવક પર હુમલો કરવો) તથા અન્ય સંબંધિત જોગવાઈઓ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો. સાદવિકા અને ખાન, બંનેની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.

ટ્રાફિક પોલીસે બહાર પાડેલી સત્તાવાર યાદીમાં જણાવાયું હતું કે કોન્સ્ટેબલ પાર્થેએ ગંદી ભાષાનો ઉપયોગ કર્યો નહોતો અને મહિલા તથા પુરુષ, બંને સાથે નમ્રતાથી ‘સર’ અને ‘મેડમ’ કહીને જ વાત કરી હતી, પરંતુ આરોપી મહિલા ખોટું બોલી હતી કે કોન્સ્ટેબલે એને ગાળ દીધી હતી.

ગિરનાર રોપવેઃ વિરોધ બાદ માત્ર નામપૂરતો ભાવઘટાડો કરાયો

જૂનાગઢઃ અત્રે ગિરનાર રોપવે, જે એશિયાનો સૌથી મોટો રોપવે છે, તેના ભાડાને લઈને વિવાદ ઊભો થયો છે. એને પગલે ગિરનાર રોપવેના ભાડામાં આંશિક રીતે ઘટાડો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ ભાડું તો એટલું જ રહેશે, પણ ટિકિટ સાથે અલગથી લેવામાં આવતા GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. નવા ભાડાની જાહેરાત મુજબ ટિકિટનો ભાવ રૂ. 700 જ રહેશે, પણ જે 18 ટકા GST વસૂલવામાં આવતો હતો, એ હવે ટિકિટિના ભાવની અંદર ઉમેરવામાં આવ્યો છે.

ગિરનાર રોપવેનો પ્રવાસ સૌથી મોંઘો

એક પુખ્ત વ્યક્તિને રોપ-વેમાં બેસવા માટે રૂ. 700ની સાથે 18 ટકા અલગથી GST લેવાતો હતો, પણ હવે નવા ભાવ રૂ. 700 GST સાથે લેવામાં આવશે. બાળકોની ટિકિટમાં પણ GST ઉમેરી દેવામાં આવ્યો છે. ટિકિટના દરને લઈને વિરોધ થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાપુતારા, અંબાજી, પાવાગઢ કરતાં પણ ગિરનાર રોપવેનો પ્રવાસ સૌથી મોંઘો છે. રાજ્યમાં રોપવેના સાપુતારામાં રૂ. 62, અંબાજીમાં રૂ. 118, પાવાગઢમાં રૂ. 141 અને ગિરનારમાં રૂ. 826 ભાવ (હવે રૂ. 700) છે.

લોકો માટે નામપૂરતોનો ઘટાડો

જોકે ગિરનાર રોપવેમાં એક તરફની મુસાફરી માટે GST સાથે રૂ. 400 નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ આ ભાવ અને લોકાર્પણથી આજે ત્રણ દિવસ સુધી લેવાયેલા ભાવમાં માત્ર રૂ. આઠનો જ લાભ ચોખ્ખો જોવા મળ્યો છે. પહેલાં પુખ્ય વયના લોકોના રૂ. 708 અને બાળકોના રૂ. 354 ટિકિટદીઠ લેવામાં આવતા હતા, હવે તેમાં માત્ર આઠ રૂપિયા અને ચાર રૂપિયાનો ઘટાડો જાહેર કરીને લોકોને માટે નામનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ટિકિટના દર રૂ. 400 રાખવા જોઈએ : મેયર

જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલે આજે મુખ્ય પ્રધાનને લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યું છે કે રોપવેની ટિકિટના ભાવ ઊંચા હોવાના કારણે અનેક લોકો ભવનાથ સુધી જાય તો છે, પરંતુ ભાવ સાંભળીને પરત ફરે છે, ગુજરાતના અન્ય રોપ-વે ની સરખામણીમાં અથવા તેની લંબાઈના પ્રમાણમાં એવરેજ ટિકિટના દર ઘણો ઊંચો છે. સામાન્ય ગરીબ વર્ગને પરવડે તેમ નથી. તો ટિકિટના દર ઘટાડવા લોકોની લાગણીઅને માગણી છે, આ અંગે કંપની સાથે પરામર્શ કરી ટિકિટના દર વ્યક્તિદીઠ 400 રૂપિયા આસપાસ રહે તેવી માગ કરી છે.

 

 

 

 

 

નિકિતાની હત્યા કરવાનું આરોપી તૌસીફે કારણ જણાવ્યું

ફરિદાબાદ (હરિયાણા): રાજ્યના બલ્લભગઢ નગરમાં ‘લવ જિહાદ’ની ઘટનામાં 21 વર્ષની કોલેજિયન વિદ્યાર્થિનીને ઠાર મારવાની ગયા સોમવારે બનેલી ઘટનાએ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. નિકિતા તોમર નામની છોકરીએ એક કારમાં બેસવાની ના પાડી દીધા બાદ એનાં એકતરફી પ્રેમીએ એને ધોળે દિવસે ઠાર મારી હતી. એના હત્યારાનું નામ તૌસીફ છે. પોલીસે તૌસીફ અને એના સાથીની ધરપકડ કરી લીધી છે.

હવે પૂછપરછ દરમિયાન તૌસીફે પોતે નિકિતાને શા માટે ઠાર મારી એનું કારણ જણાવ્યું હોવાનો અહેવાલ છે.

પોલીસે મેવાત વિસ્તારમાંથી તૌસીફ અને એના સાગરિત રેહાનની ધરપકડ કરી છે.

પૂછપરછ દરમિયાન તૌસીફે જણાવ્યું હતું કે નિકિતા કોઈક બીજાને પરણવાની યોજના કરતી હતી એટલે તેણે એને ઠાર મારવાનું નક્કી કર્યું હતું અને ગયા સોમવારે ઠાર મારી દીધી હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, નિકિતા અને તૌસીફે રવિવારે ચર્ચા કરી હતી.

પોલીસે તૌસીફ અને રેહાનને ફરિદાબાદમાં એક કોર્ટમાં હાજર કર્યા હતા અને કોર્ટે બંનેને બે-દિવસ માટે પોલીસ રીમાન્ડ પર મોકલી દીધા છે.

તૌસીફના પરિવારના બહુ મજબૂત રાજકીય સંપર્કો છે. એટલે જ તે નિકિતાને ઠાર મારીને ભાગી ગયો હતો.

નિકિતાનાં પિતાનું કહેવું છે કે તૌસીફનો પરિવાર ઘણી રાજકીય વગ ધરાવે છે. એના દાદા ખુર્શીદ એહમદ કોંગ્રેસના મેવાદમાંના ભૂતપૂર્વ વિધાનસભ્ય છે. જ્યારે ખુર્શીદ એહમદના ભાઈ હરિયાણામાં નાણાં પ્રધાન છે. તૌસીફના કાકા આફતાબ એહમદ નુહ શહેરમાં કોંગ્રેસના વિધાનસભ્ય છે.

નિકિતાનાં પરિવારના એક સભ્યે કહ્યું કે 2018માં તૌસીફે નિકિતાનું અપહરણ કર્યું હતું. એને પગલે નિકિતાનાં પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તૌસીફની ધરપડ કરી હતી. પરંતુ તૌસીફના પરિવારે ત્યારે માફી માગી હતી અને સમાધાન કરી લીધું હતું.

કોરોનાના 43,893 નવા કેસો, 509નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 79 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 43,893 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 509 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 79,90,322 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,20,010 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 72,59,509 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 63,842 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,10,803એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 90 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.50 ટકા થયો છે.

કોરોના વાઇરસનો હવે પ્રોટીનની મદદથી શરીરમાં પ્રવેશ

ભારત  સહિત દુનિયામાં કોરોના ધીમો પડ્યો છે. પરંતુ અનેક વાર પોતાનું સ્વરૂપ બદલનારા કોરોના વાઇરસે સંક્રમણની પણ નવી રીત શોધી લીધી છે. કોરોનાની માનવ શરીરમાં પ્રવેશવાની નવી રીત જાણવા મળી છે.

વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં શોધી કાઢ્યું છે કે કોરોના વાઇરસ હવે પ્રોટીનની મદદથી શરીરમાં પ્રવેશ કરી રહ્યો છે. આ ખાસ પ્રોટીન આ માટે કોરોના વાઇરસને રસ્તો આપે છે. આ સંશોધન સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

પ્રિયંકા ચોપરાએ હાંસલ કરી એક વધુ હોલીવૂડ-ફિલ્મ

ન્યૂયોર્કઃ બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અમેરિકન ગાયક નિક જોનસને પરણીને અમેરિકામાં સ્થાયી થયાં બાદ હોલીવૂડમાં પોતાનું નસીબ વધુ ચમકાવવામાં વ્યસ્ત છે. એને એક વધુ હોલીવૂડ ફિલ્મ મળી છે – ‘ટેક્સ્ટ ફોર યૂ’. નવી ફિલ્મમાં એ સેમ હ્યૂગન અને જાણીતી ગાયિકા સેલિન ડિયોન સાથે ચમકશે. નવી ફિલ્મ રોમેન્ટિક હશે.

પ્રિયંકા પાસે હાલ બે નેટફ્લિક્સ ફિલ્મ પણ છે – ‘વી કેન બી હિરોઝ’ અને ‘વ્હાઈટ ટાઈગર’.

પ્રિયંકા હાલ જર્મનીમાં ‘ધ મેટ્રિક્સ-4’નું શૂટિંગ કરી રહી છે.

નવી ફિલ્મ વિશેની જાહેરાત પ્રિયંકાએ એનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરી છે.

નવી ફિલ્મ ‘ટેક્સ્ટ ફોર યૂ’ નામની એક જર્મન ફિલ્મની રીમેક હશે. આ ફિલ્મ સોફી ક્રેમરની નવલકથા પર આધારિત છે. ફિલ્મમાં પ્રિયંકા એક વિધવાનો રોલ ભજવશે, જે એનાં મૃત્યુ પામેલા ફિયાન્સનાં ફોન પર સંદેશા મોકલે છે. એને ખબર નથી હોતી કે આ નંબર કોઈ અન્યને ફાળવી દેવામાં આવ્યો છે. આ નંબર સેમ હ્યૂગનને મળેલો હોય છે, જે પણ પ્યારમાં ઠોકર ખાઈ ચૂક્યો હોય છે. બંને જણ એકબીજાની જેવા જ છે. આ પ્યારને સેલિન ડિયોન સ્વર આપશે. ‘ટેક્સ્ટ ફોર યૂ’ ફિલ્મને જિમ સ્ટ્રાઉસ ડાયરેક્ટ કરવાના છે.

પ્રિયંકાએ ‘ડેડલાઈન’માં પ્રકાશિત તેની નવી ફિલ્મ વિશેના એક અહેવાલનો સ્ક્રીનશોટ લઈને પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે અને લખ્યું છે કે, ‘મારે મન આ મોટા ગૌરવની વાત છે.’

બિહારમાં પહેલા તબક્કામાં 71 બેઠકો પર મતદાન શરૂ

પટનાઃ બિહાર ચૂંટણીમાં પહેલા તબક્કામાં મતદાન સવારે સાત કલાકથી શરૂ થઈ ગયું છે. વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં 71 બેઠકો માટે મતદાન જારી છે. બિહારમાં ચૂંટણી દરમ્યાન 2,14,696 મતદાતાઓ 1066 ઉમેદવારોના ચૂંટણી ભાવિનો ફેંસલો કરશે. આમાં 952 પુરુષ ઉમેદવારો અને 114 મહિલા ઉમેદવારો છે. ઔરંગાબાદના ઢિબરા વિસ્તારમાં બે IED બોમ્બ જપ્ત કરવામાં આવ્યા છે. CRPFની બોમ્બવિરોધી ટીમ દ્વારા બંને બોમ્બને ડિફ્યુઝ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે મતદાન કર્યું છે.

સૌથી મોટો જંગ ઇમામગંજ સીટ પર

પહેલા તબક્કામાં કેટલાય દિગ્ગજોના નસીબનો ફેંસલો થશે. આમાં સૌથી મોટો જંગ ઇમામગંજ સીટ પર છે, જ્યાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આ વખતે NDAની સાથે ચૂંટણી લડી રહેલા જીતનરામ માંઝી ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને RJDના નેતા ઉદયનારાયણ ચૌધરીની સામે મેદાનમાં છે. મોકામા સીટ પર RJDના અનંત સિંહ, જમુઈથી ભાજપ માટે આંતરરાષ્ટ્રીય શૂટર શ્રેયસી સિંહ અને ગયા શહેરથી ભાજપ માટે પ્રેમકુમારની કિસ્મતનો ફેંસલો પણ આ તબક્કામાં થશે.

કોરોના મતદાતાઓને છેલ્લા કલાકમાં મતદાન કરવાની તક

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતાં આરોગ્ય વિભાગે દિશા-નિર્દેશનું સખતાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. પહેલા તબક્કામાં 31,380 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. જે સીટો પર 16થી વધુ ઉમેદવારો છે, ત્યાં બે-બે બેલેટ યુનિટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તબક્કામાં 41,689 બેલેટ યુનિટનો ઉપયોગ થશે. કોરોના સંક્રમિત અથવા વધુ ટેમ્પરેચરવાળા મતદાતાઓને છેલ્લા કલાકમાં મતદાન કરવાની તક મળશે. જિલ્લા ચૂંટણી પદાધિકારી સહિત જિલ્લા પદાધિકારીએ બક્સરમાં મતદાન કર્યું છે અને બક્સર જિલ્લાના મતદાતાઓથી મતદાન કરવાની અપીલ પણ કરી છે.

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં લખીસરાયના એક મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મશીન ખરાબ થયું હતું. તેમણે રાહ જોવી પડી હતી, પરંતુ તેમણે નિશ્ચય કર્યો હતો કે મતદાન કર્યા વગર અહીંથી નહીં જાઉં.

 

 

 

૨૮ ઓક્ટોબર ૨૦૨૦

૨૮ ઓક્ટોબર ૨૦૨૦