JNU હિંસા મામલે બોલીવુડ એક્ટર્સ આકરા પાણીએઃ કોણે શું કહ્યું?

નવી દિલ્હીઃ ગઈકાલે રાત્રે દિલ્હીની જેએનયૂ યુનિવર્સિટીમાં કેટલાક અસામાજીક તત્વોએ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પર હુમલો કરી દીધો છે. આ હુમલાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને હુમલામાં ઘણા વિદ્યાર્થીઓ અને ટીચર્સ ઘાયલ થયા છે. આ હુમલા પર માત્ર સામાન્ય લોકોએ જ નહી પરંતુ બોલીવુડ સ્ટાર્સે પણ રોષ વ્યક્ત કર્યો છે. બોલીવુડના ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને આ ઘટનાની નિંદા કરી છે.

જેએનયૂ હિંસાની આ ઘટના પર સ્વરા ભાસ્કર, તાપસી પન્નૂ, અનુરાગ કશ્યપ, શબાના આઝમી, રિતેશ દેશમુખ, કૃતિ સેનન, અનુભવ સિન્હા, અપર્ણા સેન, વિશાલ દદલાની, વિશાલ ભારદ્વાજ, નેહા ધૂપિયા, કોંકણા સેન શર્મા અને આર માધવન જેવા બોલિવૂડ સ્ટાર્સે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

કૃતિ સેનને લખ્યું છે કે, જેએનયૂમાં જે થયું તેને જોઈને મને ઠેસ પહોંચી છે. ભારતમાં અત્યારે જે થઈ રહ્યું છે તે ખૂબ બીહામણું છે. વિદ્યાર્થીઓ અને ટીચર્સ પર હુમલા કરવામાં આવી રહ્યા છે અને ડરપોક નકાબધારીઓ દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો છે. સતત એક-બીજા પર આરોપો લગાવાઈ રહ્યા છે. પોલિટિકલ એજન્ડાઓ એટલા નીમ્ન સ્તરે પહોંચી ગયા છે. હિંસાથી ક્યારેય કોઈ સમાધાન આવતું નથી. આપણે લોકો આટલા અમાનવીય કેમ બની ગયા છીએ?

તાપસી પન્નૂએ હિંસાનો એક વિડીયો શેર કરતા કહ્યું છે કે, અંદર આવી સ્થિતિ છે ત્યારે શું આપણે એક આવી જગ્યાએ કહી શકીએ કે અહીંયા અમારું ભવિષ્ય ઉજ્વળ બનશે. આ અત્યંત બિહામણું છે અને આ નુકસાનની ભરપાઈ ન થઈ શકે. આ શું કરવામાં આવી રહ્યું છે અને આપણે આ શું જોવું પડી રહ્યું છે? દુઃખદ…

સોશિયલ મુદ્દાઓ પર હંમેશા વાત કરનારા ડાયરેક્ટર અનુરાગ કશ્યપે લખ્યું કે, હિંદુત્વ આતંકવાદ ખુલીને સામે આવ્યો છે.

એક્ટ્રેસ શબાના આઝમીએ સ્વરા ભાસ્કરનો વિડીયો શેર કરતા લખ્યું કે, આ ચોંકાવનારું છે. માત્ર આ મામલે નિંદા જ ન કરવી જોઈએ પરંતુ તરત જ એક્શન લેવાની જરુર છે.