દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાશે; 11 ફેબ્રુઆરીએ પરિણામ

નવી દિલ્હી – 70 સભ્યોની દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન આવતી 8 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. મતગણતરી અને પરિણામ માટે 11 ફેબ્રુઆરીનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આ જાહેરાત વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ આજે અહીં ચૂંટણી પંચ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં કરી હતી.

આજે ચૂંટણીની તારીખ જાહેર થવા સાથે જ દિલ્હીમાં ચૂંટણી સંબંધિત આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

દિલ્હીમાં હાલ આમ આદમી પાર્ટીની સરકાર છે, જેનું નેતૃત્ત્વ અરવિંદ કેજરીવાલ લઈ રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી આ વખતની ચૂંટણી જીતવા માટે જોરદાર રીતે કમર કસી રહી છે. તો કેજરીવાલ અને એમની પાર્ટી પોતાની સત્તા ટકાવી રાખવા માટે કટિબદ્ધ છે.

દિલ્હીમાં કુલ 1 કરોડ 46 લાખ મતદારો છે.

દિલ્હીમાં તમામ 70 બેઠકો માટે 2,689 સ્થળો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 13,797 પોલિંગ બૂથ ઊભા કરવામાં આવશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી સરળતાપૂર્વક પાર પડે એ માટે ચૂંટણી પંચ કુલ 90 હજાર અધિકારીઓને તહેનાત કરશે, એમ પણ સુનીલ અરોરાએ જણાવ્યું.

દિલ્હીમાં વર્તમાન વિધાનસભાની મુદત 22 ફેબ્રુઆરીએ પૂરી થાય છે. 70-સભ્યોની વિધાનસભાની ચૂંટણી તે પહેલાં યોજાઈ જવી જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]