બીએસઈના સ્ટાર્ટઅપ મંચ પર ત્રીજી કંપની લિસ્ટેડ થઈ 

મુંબઈ – બીએસઈ (બોમ્બે સ્ટોક એકસચેંજ) ના સ્ટાર્ટઅપ મંચ પર સોમવારે ત્રીજી કંપની લિસ્ટેડ થઈ હતી. વેલનેસીયા ન્યુટ્રીશન્સ લિ. નામની આ કંપની 723 લાખ રૂપિયાનો પબ્લિક ઈસ્યૂ લાવી હતી, જેમાં તેણે 10 રૂપિયાનો એક એવા 15.71 લાખ શેરો ઈસ્યૂ કર્યા હતા. જેના પર શેરદીઠ 36 રૂપિયાનું પ્રિમિયમ હોવાથી શેરદીઠ ઓફર રૂ.46 ની થઈ હતી. આ ઈસ્યૂ 27 ડિસેમ્બરે  સફળતાપુર્વક પાર પડયો હતો.

વેલનેસીયા  કર્ણાટક સ્થિત કંપની છે, જેની હેડ ઓફિસ બેંગલુરુ માં છે. કંપની હેલ્થ સંબંધી ન્યુટ્રીશન્ટ  પ્રોડકટસ બનાવે છે અને આ ક્ષેત્રે માગ અને પુરવઠા વચ્ચેના અભાવને દુર કરવાનો પ્રયાસ કરે છે. કંપની ચાર વરસથી આ ક્ષેત્રે કાર્યરત છે.

સેબીએ ડિસેમ્બર 2018 બીએસઈને સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ શરૂ કરવા મંજુરી આપી હતી. અત્યારસુધીમાં  સ્ટાર્ટઅપ માટે આ એક માત્ર મંચ છે, જેના  પર ત્રણ કંપની લિસ્ટેડ થઈ છે. અગાઉની બે કંપનીમાં આલ્ફાલોજિક  ટેકસિસ અને ટ્રાન્સપેકટ એન્ટરપ્રાઈસિસનો સમાવેશ થાય છે. આ ત્રણેય કંપનીઓએ  આ મંચ પરથી 14.76 કરોડ રૂપિયા ઊભા કર્યા છે,જેનું માર્કેટ કેપ હાલ રૂ.54.64 કરોડ જેટલું છે.