ગીરના આ નેહડે જયારે અંધારા ઉલેચાયાં ને પથરાયાં અજવાળાં

જુનાગઢઃ ગીરમાં એટલે સાવજની ધરતી સાથે જ અહીંયા અદ્ભૂત નેસની સંસ્કૃતિ પણ છે. જંગલમાં નેસડામાં રહેતા લોકોના જીવનમાં ડોકિયું કરવા જેવું છે. ત્યાં સ્ટ્રીટ-લાઈટ તો સ્વાભાવિકપણે જ હોય નહીં અને નેસમાં પણ વીજળીની મંજૂરી ન હોય. પરિણામે વર્ષોથી નેસવાસીઓનું જીવન અંધારામાં જ વીત્યું છે. પરંતુ હવે સોલાર એનર્જીનો પ્રભાવ વધતાં અને તેનાથી ચાલતા બલ્બ, પંખા, ટ્યૂબલાઇટ ઉપલબ્ધ થતાં સોલર લાઈટે અંધારા ઉલેચ્યા છે અને અત્યારે ગીરમાં ઠેરઠેર સોલાર પેનલના દ્રશ્યો સાંપડે છે.

75 થી 100 જેટલાં નેસ હાલમાં આ રીતે સોલાર પેનલથી પ્રકાશિત થયા છે. આંબાગાળા નેસના રહેવાસી મનસુખ વાઘેલાએ જણાવ્યું કે, વીજળીના અભાવે અત્યાર સુધી રાતના અંધારામાં તકલીફ પડતી હતી. એ ઉપરાંત ગરમીની સિઝનમાં પંખા વગર, મોબાઈલ ચાર્જ માટે વગેરે પણ તકલીફ હતી. જો કે સૌરઊર્જાથી હવે ઘણો લાભ મળતો થયો છે.

જંગલમાં ઇલેક્ટ્રિસિટીના દોરડા તો હોય નહી એટલે લાઈટ ઉપરાંત વીજળી વિનાની મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ છે. ચાંચઈના માલધારી રાજ ભરવાડે કહ્યું કે, મનોરંજનના સાધનો પણ સોલાર પેનલથી ચાર્જ થાય છે. પરિણામે ગીત – સંગીત સાંભળવાથી માંડી ફિલ્મો જોવાનું સુગમ અને સરળ બન્યું છે. જો કે તેનાથી મોબાઈલનો ઉપયોગ હવે અમારા નેસડામાં વધી ગયો છે. કારણકે ચાર્જિંગ એકદમ હાથવગુ બની ગયું છે. યુવાનો તો મોટાભાગે સાથે નાની સોલર પેનલ લઈને જ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે.

અગાઉના સમયે દીવા, ફાનસનો રાત્રે ઉપયોગ થતો હતો, તે દ્રશ્યો પણ ‘સાવજના ઘરમાં’ બદલાયા છે. ગીરમાં નેસના ખોરડા કાચી માટીના, લીંપી-ગુંપીને તૈયાર કરેલા છે. છત ઉપર નળિયા, ઘાસના પૂળા વચ્ચે સોલાર પેનલથી નેસ સંસ્કૃતિ કંઈક અલગ જ જોવા મળે છે. જે ભૂતકાળમાં ક્યારેય જોવા મળ્યું નથી.  21મી સદીની આધુનિકતાની અસર બધે થતી હોય, તો પછી તેમાંથી સોહામણું ગીર કેવી રીતે બાદ રહી શકે?!

(જિજ્ઞેશ ઠાકર-ભાવનગર)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]