અંબાપુરની આ વાવમાં બિરાજમાન છે અખંડ જ્યોતિ અંબાજી

રજવાડાંના સમયમાં પાણીના સંગ્રહ માટે અને વટેમાર્ગુ માટે વાવો બનાવવામાં આવતી એ બધા જાણે છે. ગુજરાતમાં પણ કેટલીક ભવ્ય અને કળાત્મક વાવ બનાવવામાં આવી છે. કેટલીક વાવ પાસે ભવ્ય દેવસ્થાનો પણ છે. એમાંની એક વાવ ગાંધીનગર જિલ્લાના અંબાપુર ગામમાં આવેલી છે. આ વાવની વિશેષતા એ છે કે એમાં અખંડ જ્યોતિ અંબાજીનું મંદિર આવેલું છે.

અંબાપુરની અંબાજીના મંદિરની આ વાવ રક્ષિત સ્મારક છે. ૧૫મી સદીમાં રુડાબાઇ વાઘેલાએ રાણજીતસિંહ વાઘેલાની સ્મૃતિમાં બંધાવેલી હતી. આ વાવ વ્યવસ્થિત રીતે બાંધકામ કરાયેલી અને પાંચ માળ ધરાવે છે. વાવની રચનામાં કમળોની એકદમ કળાત્મક ભાત કોતરવામાં આવેલી છે. વાવની દિવાલો પર આડા અને ઉભા ભારવાહક સુરેખ ખૂણિયાં છે. અંબાપુરને વાવમાં ઇવિકા ભાત સાથેના કલાત્મક ગવાક્ષથી સુશોભિત કરવામાં આવી છે. જે દરેક માળે કળાત્મક ઝરુખા જેવું દેખાય છે.

અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલી અડાલજની વાવથી આ વાવ એકદમ નજીક છે. ઐતિહાસિક સ્થળોમાં રસ ધરાવતા અસંખ્ય પ્રવાસીઓ, અંબાજીના ભક્તો અને સ્થાપત્યની ફોટોગ્રાફી કરતાં લોકો આ વાવની મુલાકાત અવશ્ય લેતા હોય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)