નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 85 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 45,903 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 490 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 85,53,657 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,26,611 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 79,17,373 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 48,405 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,09,673એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.32 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.
દિલ્હીમાં કોરોનાનો કેર
દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 7745 નવા કેસ સામે આવ્યા છે આથી કુલ કેસની સંખ્યા વધીને 4,38,529 સુધી પહોંચી ગઈ છે. આ દરમ્યાન 6069 દર્દી સાજા પણ થયા. અત્યાર સુધી કુલ 3,89,683 દર્દી સાજા થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 77 દર્દીનાં મોત થયા છે આથી અત્યાર સુધીમાં કુલ 6989 લોકોના મોત થઈ ગયાં છે.
છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 50,754 ટેસ્ટ કરાવ્યા, જેથી કરીને અત્યાર સુધીમાં કુલ 50,99,774 ટેસ્ટ કરાવી ચૂકયા છે
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
લંડનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં રાજકીય મોરચે ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડનથી હારનો સામનો કરી રહેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘરમાં પણ મુશ્કેલીઓનો સામનો કરે એવી શક્યતા છે. આવનારા દિવસોમાં ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયા ટ્રમ્પની વચ્ચે છૂટાછેડા થાય એવી શક્યતા છે. વ્હાઇટ હાઉસ છોડવાની સાથે મેલાનિયાની યોજના ટ્રમ્પનો સાથ છોડવાની છે.
ડેલી મેઇલના ભૂતપૂર્વ સહયોગીએ દાવો કર્યો
ડેલી મેઇલે મેલાનિયાના એક ભૂતપૂર્વ સહયોગીના હવાલેથી આ દાવો કર્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મેલાનિયા ટ્રમ્પ પોતાની હાર સ્વીકાર કરવાની અને વ્હાઇટ હાઉસ છોડવાની રાહ જોઈ રહી છે. બાઇડનથી હાર્યા પછી ટ્રમ્પે સત્તાવાર રીતે પોતાની હારનો સ્વીકાર નથી કર્યો. બલકે ડેમોક્રેટ ઉમેદવાર ચૂંટણીમાં ગેરરીતિ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટ્રમ્પના ભૂતપૂર્વ સહયોગી ઓમારોસા મેનીગોલ્ટ ન્યુમેને કહ્યું હતું કે મેલાનિયા માત્ર ટ્રમ્પના વ્હાઇટ હાઉસથી નીકળવાની ઘડીની રાહ જોઈ રહી છે. ટ્રમ્પના બહાર જવાની સાથે બંને વચ્ચે ડિવોર્સ થવાની શક્યતા છે.
બંને વચ્ચે તાલમેલ નથી
ભૂતપૂર્વ સહયોગીનું કહેવું છે કે ટ્રમ્પ અને મેલાનિયાની વચ્ચે લગ્ન ટ્રાન્ઝેક્શનલ છે અને બંનેની વચ્ચે બધું સમુસૂતરું નથી. ટ્રમ્પ અને મેલાનિયાની વચ્ચે જો ડિવોર્સ થશે તો બંનેના 15 વર્ષ જૂના લગ્નનો સંબંધ પૂરો થઈ જશે. ન્યુમેને વધુમાં કહ્યું હતું વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પના રહેતાં મેલાનિયા જો તેમને છોડીને ચાલી જાય છે તો એવામાં ટ્રમ્પ તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરે એવી સંભાવના છે.
લગ્ન તૂટ્યા પછી એગ્રીમેન્ટ પર કામ કરી રહી છે મેલાનિયા
ભૂતપૂર્વ સ્લોવની-અમેરિકી મોડલ લગ્ન તૂટ્યા પછી એગ્રીમેન્ટ પર કામ કરી રહી છે, એમ ટ્રમ્પના ભૂતપૂર્વ સહયોગી સ્ટેફની વોલકોફના હવાલેથી અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. એ ઇચ્છે છે કે તેમણે ટ્રમ્પના પુત્ર બેરનને મિલકતમાં સમાન હિસ્સો મળે. રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ આવી ગયા હતા, પણ મેલાનિયા આશરો પાંચ મહિના પછી ન્યુ યોર્કથી વોશિંગ્ટન પહોંચી હતી. અહેવાલો મુજબ મેલાનિયા પોતાના પુત્રનું શિક્ષણ પૂરું કરવા માટે ન્યુ યોર્ક રોકાયાં હતાં.
વર્ષ 2005માં મેલાનિયા અને ટ્રમ્પનાં લગ્ન થયાં હતાં
મેલાનિયા અને ટ્રમ્પના લગ્ન 2005માં થયાં હતાં. લગ્નના એક વર્ષ પછી 2006માં બેરનનો જન્મ થયો હતો. મેલાનિયા માર્ચ, 2001થી અમેરિકી નાગરિક છે. મેલાનિયાના હવાઇટ પહોચ્યા પછી બંનેના સંબંધો સામાન્ય નહોતા રહ્યા. ટ્રમ્પ અને મેલાનિયાની વચ્ચે મનભેદ પહેલાં પણ આવી ચૂક્યા છે. મેલાનિયા હંમેશાં ટ્રમ્પની સાથે ઊભેલા નજરે ચઢ્યાં છે. 2016ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં તેમણે જોરશોરથી પ્રચાર કર્યો હતો અને સભાઓમાં ટ્રમ્પની સાથે હતાં, પણ 2020માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં તેઓ ટ્રમ્પની સામે ઓછા દેખાયાં હતાં. વળી, ચૂંટણીના અંતિમ તબક્કામાં મેલાનિયા એક રીતે ગાયબ જ હતાં.
અબુ ધાબીઃ દિલ્હી કેપિટલ્સને આખરે પહેલી જ વાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચાડવામાં કેપ્ટન શ્રેયસ ઐયરને સફળતા મળી છે. ગઈ કાલે અહીં આઈપીએલ-13ની ક્વાલિફાયર-2 મેચમાં દિલ્હી ટીમે ડેવિડ વોર્નરના નેતૃત્ત્વવાળી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમને 17-રનથી પરાજય આપ્યો હતો.
દિલ્હી કેપિટલ્સે પોતાના હિસ્સાની 20 ઓવરમાં 3 વિકેટે 189 રન કર્યા હતા. જેમાં શિખર ધવને 78, હેટમેયરે અણનમ 42, સ્ટોઈનીસે 38 રનનું યોગદાન આપ્યું હતું.
તેના જવાબમાં, સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 172 રન જ કરી શકી હતી. કેન વિલિયમ્સનનો 67- રનનો લડાયક સામનો ફોગટ ગયો હતો. દિલ્હીના ફાસ્ટ બોલર કેગીસો રબાડાએ 29 રનમાં 4 વિકેટ લીધી હતી, પણ સ્ટોઈનીસ બોલિંગમાં પણ ઝળક્યો હતો અને 26 રનમાં 3 વિકેટ લઈને મેન ઓફ ધ મેચ બન્યો હતો.
હવે 10 નવેમ્બરે દુબઈમાં રમાનાર આઈપીએલ-13 ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ગયા વર્ષના ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. આ જ ટીમ સામે ક્વાલિફાયર-1 મેચમાં દિલ્હીનો પરાજય થયો હતો. બંને ટીમ ફરી આમનેસામને આવી છે.
ગઈ કાલની મેચ બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું કે, ટીમ પહેલી વાર આઈપીએલ ફાઈનલમાં પહોંચી છે એનાથી ખૂબ જ આનંદની લાગણીનો અનુભવ થાય છે.
ફાઈનલ સુધીની અમારી સફર રોલર-કોસ્ટર જેવી રહી. ઘણા ઉતાર-ચડાવ આવ્યા, પણ અમારી ટીમ એક પરિવારની જેમ સંગઠિત બનીને રહી. ફાઈનલ મેચ પણ આવી જ રોમાંચક હશે એવી આશા રાખું છું. મુંબઈ ઈન્ડિયન્સ સૌથી બળવાન ટીમ છે. અમે એની સામે મુક્તપણે રમીશું.
હૈદરાબાદ ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરે કહ્યું હતું કે, દિલ્હી સામેની મેચમાં અમારી ફિલ્ડિંગ બહુ નબળી હતી. આવી ફિલ્ડિંગ સાથે ટુર્નામેન્ટ જીતી શકાય નહીં.
ઘણા લોકોને આધ્યાત્મિક માર્ગ સંઘર્ષપૂર્ણ લાગતો હોય છે તે માટેનું કારણ એ છે કે તેમની સંસ્કૃતિ અને સામાજિક પરિસ્થિતિઓએ કાયમ તેમને વિશિષ્ટ બનવાનું શીખવ્યું હોય છે. વ્યક્તિના સમગ્ર જીવનનો પ્રયત્ન તેના પર જ કેન્દ્રીત હોય છે. વિશિષ્ટ હોવું એટલે પોતાની પાસે એવું કશુંક ધરાવવું, જે અન્ય પાસે ન હોય. પણ તે વિશિષ્ટતા નથી, બલ્કે તે સુખાકારીની જટિલ સમજ છે. જો તમને કેવળ એ વાતથી જ આનંદ મળતો હોય કે તમારી પાસે જે છે, તે અન્ય વ્યક્તિ પાસે નથી – જો તમારા જીવનની આ એકમાત્ર ખુશી હોય, તો અમે તેને વિશિષ્ટતા નહીં, બલ્કે વિકૃતિ કહીએ છીએ.
લોકો દરેક પ્રકારની બાબતોમાં ખુશી શોધી શકે છે. એક વખત બે વ્યક્તિઓને નજીકના કબીલાના બે ક્રૂર નરભક્ષીઓ ઉઠાવીને લઈ ગયા. તેમના સરદાર ને મળ્યા પછી કબીલાએ તે બંને પુરુષોને જીવતા રાંધી નાંખવાનું નક્કી કર્યું. બંનેને પાણી ભરેલા મોટા તપેલામાં મૂકવામાં આવ્યા અને આગ પેટાવવામાં આવી. પાણી વધુને વધુ ગરમ થવા માંડ્યું, ત્યારે બંનેમાં જેની વય વધુ હતી તે માણસ હસવા માંડ્યો, ખરેખર હસવા માંડ્યો. તેનાથી નાની વયનો માણસ બોલ્યો, “શું તમે પાગલ છો? શું તમે જાણો છો કે આપણી સાથે શું થઈ રહ્યું છે? શા માટે તમે હસી રહ્યા છો?” મોટી વયનો પુરુષ બોલ્યો, “મેં સૂપમાં પેશાબ કરી દીધો!” આમ, લોકો તમામ પ્રકારની વિકૃતિઓમાં આનંદ શોધી લે છે.
આધ્યાત્મિકતા વિશિષ્ટ બનવા અંગે નથી. તે દરેક વસ્તુ સાથે એક થઈ જવા સંદર્ભે છે. વિશિષ્ટ બનવાની ઈચ્છા રાખવાની આ બિમારી લોકોમાં વ્યાપી છે, કારણ કે તેઓ તેમના અસ્તિત્વના આગવાપણાનું મૂલ્ય જાણતા નથી.
દિમાગ હંમેશા ઘણી બધી રીતે વિશિષ્ટ બનવા ઈચ્છે છે. અહમ ભરેલા દિમાગની આ પ્રકૃતિ છે. તે કેવળ તાર્કિક રીતે સરખામણી કરી શકે છે. જે ક્ષણે આ સરખામણી આવે છે તે સાથે જ સ્પર્ધા શરૂ થઈ જાય છે. જે ક્ષણે સ્પર્ધા શરૂ થાય છે, તે ક્ષણે જીવન અંગેની તમારી સમજ હવામાં ઓગળી જશે કારણ કે ત્યાર પછી તે ફક્ત અન્ય કરતાં બહેતર બનવા સંદર્ભે જ હોય છે. આ મૂર્ખતાભર્યા પ્રયાસને કારણે અમે આવી વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ ગયા છીએ અને લોકોને તેમની પોતાની પ્રકૃતિ વિશે સમજાવવું પડે છે. અમારે લોકોને તેમની મૂળ પ્રકૃતિ વિશે યાદ દેવડાવવું પડે છે, કારણ કે તેઓ અમુક વ્યક્તિ અથવા તો તેમની આસપાસની તમામ વ્યક્તિઓ કરતાં ચઢિયાતા પુરવાર થવામાં જ ખોવાઈ ગયા છે.
થોડા સમય પહેલાં, અમારા યોગ કાર્યક્રમનાં બ્રોશર્સમાં કહેવામાં આવતું: “સામાન્યમાંથી અસામાન્ય (ફ્રોમ ઓર્ડિનરી ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી).” લોકો વિચારતા કે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લઈને વિશિષ્ટ કે ખાસ બની જશે અને તેઓ મને પૂછતા, “સદગુરુ, અમે ખાસ શી રીતે બનીશું?” હું કાયમ તેમને કહેતો, “તમે ‘એક્સ્ટ્રા’ ઓર્ડિનરી (અસામાન્ય) બનવાના છો – અન્ય લોકો કરતાં વધુ ઓર્ડિનરી (સામાન્ય).”
તમે વિશિષ્ટ બનવા માટે જેટલા વધુ પ્રયત્નો કરશો, તેટલા જ સત્યથી વધુ દૂર થશો. ખાસ બનવાની આ મહેચ્છામાંથી ઘણી જ પીડા અને માનસિક બિમારી ઉદ્ભવે છે. તમારી પાસે જે છે, તે અન્ય વ્યક્તિ પાસે નથી – તેવા વિકૃત આનંદમાં રચ્યાપચ્યા રહેવાને બદલે જો તમે સાચા અર્થમાં સૌમાંના એક બનવાનો પ્રયત્ન કરશો, તો આ આંતરિક સંઘર્ષ પૂર્ણપણે ગાયબ થઈ જશે. જો તમે તમારૂં અને સાથે જ અન્ય લોકોનું આગવાપણું પિછાણી લેશો, તો તમે અન્યો કરતાં ઊણા પણ નહીં ઉતરો, કે તેમનાથી ચઢિયાતા પણ નહીં થાઓ.
(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને‘પદ્મવિભૂષણ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)
જૂના જમાનાના સંગીતકાર ગુલામ હૈદર સાહેબનું ૯ નવેમ્બર, ૧૯૫૩ના રોજ માત્ર ૪૪ વર્ષની વયે નિધન થયું હતું. બોલતી ફિલ્મોની શરૂઆત થઇ ત્યારથી, ૧૯૩૨ થી ૧૯૫૩ સુધી, એ પ્રવૃત્ત હતા. એમણે શરૂઆતી ફિલ્મ સંગીતનું સ્વરૂપ બદલ્યું હતું. શાસ્ત્રીય રાગ અને બોલમાંથી ફિલ્મ સંગીતને સરળ-સુગમ બનાવી તથા પંજાબી લોકસંગીતના તાલનો ઉપયોગ કરીને એ ખૂબ સફળ થયા.
લતા મંગેશકરને પહેલીવાર પાશ્વગાયન કરાવવાનું માન પણ એમને આપવું જોઈએ. ૨૦૧૩માં પોતાના ૮૪મા જન્મદિને ખુદ લતાજીએ ‘ગુલામ હૈદર ખરેખર મારા ગોડફાધર હતા’, એમ એક મુલાકાતમાં કહ્યું હતું. એમણે લતાજીને ‘મજબુર’ (૧૯૪૮)માં ફિલ્મ માટે પહેલી વાર ગવડાવ્યું હતું.
૧૯૦૮માં હાલ પાકિસ્તાનના પંજાબમાં આવેલા નારોવાલમાં ગુલામજીનો જન્મ. શાળાકીય શિક્ષણ પૂરું કરીને દાંતના ડોક્ટર બન્યા. સંગીતના પ્રેમે એમને પરિવારના વિરોધ છતાં ડેન્ટીસ્ટની કરિયર છોડાવી. એમની પહેલી રજૂ થયેલી ફિલ્મ પંચોલીની પંજાબી ફિલ્મ ‘ગુલ-એ-બકાવલી’ હતી. ‘ખજાનચી’ (૧૯૪૧) એમની પહેલી સફળ ફિલ્મ. નૂરજહાંની પહેલી ફિલ્મ ‘ખાનદાન’ (૧૯૪૨)માં એમનું સંગીત પણ લોકપ્રિય થયું.
એ વર્ષે ત્રણ-ચાર ફિલ્મો કરતા. મુંબઇ આવ્યા પછી ‘હુમાયું’ (૧૯૪૫)નું સંગીત હીટ થયું. પછી ‘શહીદ’ અને ‘કનીઝ’ પણ સફળ થઇ.
આઝાદી પછી ગુલામ હૈદર લાહોર પાછા ગયા. એમની પહેલી પાકિસ્તાની ફિલ્મ ‘શાહિદા’ આવી. પછી ‘બેકરાર’, ‘અકેલી’ અને ‘ભીગી પલકેં’ સહિત ઘણી ફિલ્મો આવી, પણ બહુ સફળ ન થઇ. છેલ્લી ફિલ્મ ‘ગુલનાર’ (૧૯૫૩) રજૂ થવાના થોડા દિવસ પહેલાં જ હૈદર મૃત્યુ પામ્યા.
ભારતીય મૂળનાં અમેરિકન અને ડેમોક્રેટિક પાર્ટીનાં સેનેટર કમલા હેરિસ અમેરિકામાં નવા ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યાં છે એની ખુશીમાં તામિલનાડુના તિરુવારુર જિલ્લામાં એમનાં નાનાના ગામ તુલાસેન્દ્રપુરમ ખાતે તેમજ પડોશના ગામ પૈંગાનાદુમાં ગામવાસીઓએ પોતપોતાની રીતે ઉજવણી કરી હતી. ક્યાંક ફટાકડા ફોડવામાં આવ્યા હતા, તો ક્યાંક સરઘસ કાઢવામાં આવ્યું હતું, તો ક્યાંક પૂજા કરવામાં આવી હતી. ઉપરની તસવીર પૈંગાનાદુ ગામની છે જ્યાં લોકો ફટાકડા ફોડીને કમલા હેરિસની જીતનો આનંદ માણે છે.
તુલાસેન્દ્રપુરમ ગામના એક ઘરનાં સભ્યોએ કમલા હેરિસને શુભેચ્છા આપતી રંગોળી બનાવી છે.
તામિલનાડુના અન્નપૂરવઠા પ્રધાન કામરાજે તુલાસેન્દ્રપુરમ ગામના મંદિરમાં પૂજા કરી હતી.
નવી દિલ્હીઃ દેશભરમાં નોટબંધી નિર્ણય લાગુ કરાયો હતો તેને આજે, 8 નવેમ્બરે બરાબર ચાર વર્ષ પૂરા થયા. રૂ. 500 અને રૂ. 1000ની કરન્સી નોટને 8 નવેમ્બરની મધરાતથી જ ચલણમાંથી પાછી ખેંચી લેવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાતે 8 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધનમાં જાહેરાત કરીને દેશવાસીઓને ચોંકાવી દીધા હતા.
આજે એ ઘટનાની ચાર વર્ષની સમાપ્તિએ વિરોધપક્ષોએ મોદી સરકારની ફરી ટીકા કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષની ઝાટકણી કાઢી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે નોટબંધી એ વાસ્તવમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણાં પર પ્રહાર હતો. કોંગ્રેસની આગેવાની હેઠળની યૂપીએ સરકારના દાયકા દરમિયાન આ ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના દૂષણે માઝા મૂકી હતી.
રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે નોટબંધી નિર્ણય દેશના હિત માટે લેવાયો હતો.
નોટબંધીથી અર્થતંત્રમાં સાફસૂફી થઈ હતી, અનૌપચારિક ક્ષેત્ર ઔપચારિક બન્યા હતા, એમ રાજીવ ચંદ્રશેખરે અહીં ભાજપના મુખ્યાલયમાં બોલાવેલી પત્રકાર પરિષદમાં કહ્યું હતું.
એમણે કહ્યું કે નોટબંધીએ પ્રણાલીગત નાણાકીય ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના દૂષણને મોટો ફટકો માર્યો હતો. એ નિર્ણય લેવાયા બાદ અર્થતંત્રને ફાયદો થયો છે અને સમાજના તમામ વર્ગોને અભૂતપૂર્વ નાણાકીય લાભો પ્રાપ્ત થયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના એ નિર્ણયનો બચાવ કર્યો હતો અને કહ્યું કે એનાથી ભ્રષ્ટાચાર ઘટી ગયો છે અને પારદર્શકતા વધી ગઈ છે.
રાતે 8 વાગ્યે કરેલા રાષ્ટ્રીય સંબોધનમાં મોદીએ 500 અને 1000ના મૂલ્યવાળી નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાતમાં જનતાને વિનંતી કરી હતી કે તેઓ 50 દિવસ માટે આ તકલીફ સહન કરી લે. જો ત્યારબાદ પરિસ્થિતિ નહીં સુધરે તો પોતે કોઈ પણ સજા ભોગવવા તૈયાર થશે.
મોદીની જાહેરાતને પગલે લોકોને એમના એકાઉન્ટમાંથી રોકડ ઉપાડવા પર કડક નિયંત્રણો લગાવી દેવામાં આવ્યા હતા. એને કારણે એટીએમ ખાતે તેમજ બેન્કોમાં અઠવાડિયાઓ સુધી લોકોની લાંબી લાઈનો લાગી રહેતી હતી.
દુબઈઃ કેપ્ટન વિરાટ કોહલી અને તેના સાથીઓ મહિના લાંબા પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા પહોંચે તે પછી એમને થોડાક દિવસો સુધી પ્રેક્ટિસ કરવા મળશે કે કેમ એ અટકળનો ઉકેલ આવી ગયો છે. સૂત્રોનો દાવો છે કે ઓસ્ટ્રેલિયામાં કોરોના વાઈરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમનો ક્વોરન્ટાઈન સમયગાળો ઘટાડી શકાશે નહીં, પણ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ એમનો કોવિડ-19 ટેસ્ટનો પહેલો રાઉન્ડ પૂરો થયા બાદ તેઓ મેદાનમાં પ્રેક્ટિસ શરૂ કરી શકશે. આમ, કોહલી અને તેના સાથીઓ માટે આ સારા સમાચાર છે.
ભારતીય ટીમ 12 નવેમ્બરે સવારે સિડની પહોંચશે. તરત જ એમનો કોરોના ટેસ્ટ લેવામાં આવશે અને જેવો એમનો રિપોર્ટ નેગેટિવ આવશે કે તરત જ તેઓ ટ્રેનિંગ-પ્રેક્ટિસ શરૂ કરી શકશે. મતલબ કે 13 નવેમ્બરથી તેઓ ટ્રેનિંગ શરૂ કરી શકશે.
કોરોનાવાઈરસ બાદના સમયગાળામાં બાયો-બબલ પગલાં લેવામાં આવ્યા છે. ભારતીય ખેલાડીઓ હાલ યુએઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ-13) સ્પર્ધામાં રમી રહ્યા છે. ત્યાંના ગરમ વાતાવરણમાંથી તેઓ ઓસ્ટ્રેલિયામાં એકદમ વિપરીત, ઠંડા વાતાવરણમાં આવશે. આંતરરાષ્ટ્રીય શ્રેણીનો આરંભ થાય એ પૂર્વે ત્યાંની પિચ અને આબોહવાથી અનુકૂળ થવા માટે એમને અમુક મેચો પ્રેક્ટિસ માટે રમવાની જરૂર પડશે.
અબુ ધાબીમાં આઈપીએલની એલિમિનેટર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારી ગયા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમનો કેપ્ટન અને તેની સાથેના ભારતીય ખેલાડીઓ ગયા શુક્રવારે રાતે જ દુબઈમાં બાયો-બબલમાં શિફ્ટ થઈ ગયા હતા.
ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના એડીલેડમાં ઓસ્ટ્રેલિયા સામે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવાના છે. એ માટે તેમણે ગયા શુક્રવારે સાંજથી જ ગુલાબી બોલથી રમવાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો, ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો અને ચાર ટેસ્ટ મેચો રમશે. ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો હશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા હાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સ્ટેન્ડિંગ્સમાં અનુક્રમે પહેલા અને બીજા નંબર પર છે.
કોહલીના જ નેતૃત્ત્વ હેઠળ ભારતીય ટીમ છેલ્લે જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવી હતી ત્યારે આ ધરતી પર પહેલી જ વાર શ્રેણી જીતવામાં સફળ થઈ હતી.