નવી દિલ્હીઃ અમેરિકી કોંગ્રેસ (સંસદ)ના ઉચ્ચ ગૃહ સેનેટમાં 60થી વધુ સભ્યોના સમર્થન સાથે એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં રશિયન તેલ ખરીદતા ભારત અને ચીન સહિત પાંચ દેશો પર 100 ટકા આયાત શૂલ્ક લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે આ બિલમાં રશિયન પ્રાકૃતિક ગેસ ખરીદતા કેટલાક યુરોપિયન દેશોને રાહત આપવામાં આવી છે. ગુરુવારે સેનેટમાં રજૂ થયેલા આ બિલને મુસદ્દો ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય રિચર્ડ બ્લુમેન્થલ અને રિપબ્લિકન પાર્ટીના સ્વર્ગસ્થ સેનેટર લિન્ડસી ગ્રાહમે સંયુક્ત રીતે તૈયાર કર્યો હતો.
ભારત, ચીન સહિત પાંચ મોટા ખરીદદારો પર શૂલ્કનો પ્રસ્તાવ
આ બિલનો હેતુ રશિયાના રાજકીય નેતૃત્વ, નાણાકીય સંસ્થાઓ, ઊર્જા ક્ષેત્ર અને પ્રતિબંધોને ટાળવામાં મદદરૂપ નેટવર્ક પર ફરજિયાત પ્રતિબંધો લાદીને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને યુક્રેન સામેના યુદ્ધ માટે ઉપયોગમાં લેવાતી આવકથી વંચિત કરવાનો છે. બ્લુમેન્થલે મંગળવારે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત બિલનો ઉદ્દેશ રશિયન તેલના પાંચ સૌથી મોટા ખરીદદારો — ચીન, ભારત, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાન — પર 100 ટકા શૂલ્ક લગાવવાનો છે.
કેટલાક યુરોપીય દેશોને પણ રાહત
આ બિલમાં મોટા ભાગના યુરોપીય દેશોને છૂટ આપવામાં આવી છે, જો તેઓ રશિયાના કુલ પ્રાકૃતિક ગેસ નિકાસમાંથી 15 ટકા કરતાં ઓછો હિસ્સો આયાત કરતા હોય અને આ આયાત ઘટાડવા માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહ્યાં હોય.
STORY | US Senate bill seeks 100% tariffs on India, 4 other nations for buying Russian oil
A bill seeking to impose 100 per cent tariffs on five countries, including India and China, for buying Russian oil, while exempting European nations purchasing gas from Moscow, was… pic.twitter.com/oIirPQsuEh
— Press Trust of India (@PTI_News) July 17, 2026
રશિયન યુરેનિયમની ખરીદી માટે છૂટ
જોકે બિલમાં એ પણ જોગવાઈ કરવામાં આવી છે કે અમેરિકાના વેપાર પ્રતિનિધિ દર 180 દિવસે સૌથી વધુ ખરીદી કરતા ટોચના પાંચ ખરીદદારોની સમીક્ષા કરશે અને ખરીદીના વલણમાં આવેલા ફેરફારોને આધારે શૂલ્કના દરોમાં ફેરફાર કરી શકશે. પ્રસ્તાવિત કાયદામાં અમેરિકાના પરમાણુ રિએક્ટરો અને તબીબી જરૂરિયાતો માટે રશિયન યુરેનિયમની ખરીદી પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. એ ઉપરાંત, પરમાણુ અને અવકાશ ક્ષેત્રમાં અમેરિકા-રશિયા સહયોગ હેઠળ કરવામાં આવતી પ્રવૃત્તિઓને પણ આ કાયદાની જોગવાઈઓમાંથી બહાર રાખવામાં આવી છે. ‘લિન્ડસી ઓ. ગ્રાહમ સેન્ક્શન્સ ઓન રશિયા એક્ટ 2026’ નામના આ બિલને સ્વર્ગસ્થ લિન્ડસી ગ્રાહમને શ્રદ્ધાંજલિ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ બિલના અગાઉના મુસદ્દામાં રશિયાથી તેલ અને ગેસ ખરીદતા દેશો પર 500 ટકા શૂલ્ક લગાવવાનો પ્રસ્તાવ હતો.






