Home Blog Page 2431

તહેવારો પહેલાં સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 5.02 ટકા

નવી દિલ્હીઃ રિટેલ મોંઘવારી દર સપ્ટેમ્બરમાં ઘટીને 5.02 ટકાના સ્તરે આવી ગયો છે, જે ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તરે છે. ઓગસ્ટમાં એ 6.83 ટકા હતો. જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી દર 7.41 ટકા રહ્યો હતો. આ પહેલાં જુલાઈમાં રિટેલ મોંઘવારી દર 15 મહિનાના ઊંચા 7.44 ટકા સ્તરે પહોંચ્યો હતો. જૂનમાં રિટેલ મોંઘવારી દર 4.87 ટકા હતો.

સપ્ટેમ્બરમાં ખાદ્ય મોંઘવારી દર 6.5 ટકાના સ્તરે આવી ગયો હતો. એક વર્ષ પહેલાં સમાન સમયગાળામાં એ 9.94 ટકા હતો.રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર 5.4 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. બીજા ત્રિમાસિક ગાળામાં એ 6.2 ટકા, ત્રીજા ત્રિમાસિક ગાળામાં 5.7 ટકા તથા ચોથા ત્રિમાસિક ગાળામાં 5.2 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. માસિક આધારે સપ્ટેમ્બરમાં શહેરી મોંઘવારી દર 6.59 ટકાથી ઘટીને 4.65 ટકા રહ્યો હતો. માસિક ધોરણે સપ્ટેમ્બરમાં શાકભાજીનો મોંઘવારી દર 26.14 ટકાથી ઘટીને 3.39 ટકા રહ્યો હતો.

સપ્ટેમ્બરમાં ફ્યુઅલ અને વીજળીનો મોંઘવારી દર 4.31 ટકાથી ઘટીને (-) 0.11 ટકા રહ્યો છે. સપ્ટેમ્બરમાં હાઉસિંગ દર 4.38 ટકાથી ઘટીને 3.95 ટકા રહ્યો છે.

ઓદ્યૌગિક ઉત્પાદન ઓગસ્ટમાં 10.3 ટકા વધ્યું

દેશમાં ઓદ્યૌગિક ઉત્પાદન (IIP) ઓગસ્ટમાં 10.3 ટકા વધ્યું છે, જેમાં ગયા વર્ષે આ મહિનામાં 0.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ચાલુ નાણાકીય વર્ષના પહેલા પાંચ મહિનામાં એપ્રિલ-ઓગસ્ટમાં ઓદ્યૌગિક ઉત્પાદન 6.1 ટકાનો વધારો થયો છે.

 

 

 

 

 

 

નવરાત્રીઃ આયોજકોએ ભાવિકો, સહભાગીઓનાં આરોગ્યની ફરજિયાત કાળજી લેવી પડશે

મુંબઈઃ આગામી નવરાત્રી મહોત્સવ પૂર્વે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કેટલાક નવા આદેશ બહાર પાડ્યા છે અને જિલ્લા અધિકારીઓને સૂચના આપી છે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ગરબા-દાંડિયા રાસ કાર્યક્રમોનું આયોજન કરનારાઓએ સહભાગી થનાર ભાવિકો અને લોકોનાં આરોગ્યની કાળજી લેવાની રહેશે. તમામ દાંડિયા-ગરબા આયોજકો માટે કાર્યક્રમ સ્થળોએ પ્રાથમિક આરોગ્ય સુવિધા અને એમ્બ્યુલન્સ તૈનાત કરવાનું ફરજિયાત રહેશે.

શિંદે-ફડણવીસ સરકારે નવરાત્રીના તહેવારના નવ દિવસો દરમિયાન ભાવિકોના આરોગ્યને પ્રાધાન્ય આપ્યું છે. નવરાત્રી કાર્યક્રમોનું ઘણી વાર રાજકીય પક્ષો તરફથી પણ આયોજન કરવામાં આવતું હોય છે. મહાનગરપાલિકા, નગરપાલિકા તરફથી આયોજકોને પ્રાથમિક આરોગ્ય સુવિધા ઉપલબ્ધ તો કરવામાં આવે છે, પરંતુ તે છતાં ઘણી વાર આયોજકો તેની બેપરવા બનીને તેની અવગણના કરતા હોય છે. પરંતુ હવે રાજ્ય સરકાર કડક બની છે અને આયોજકો માટે કાર્યક્રમ સ્થળે પ્રાથમિક ઉપચાર સુવિધા અને તમામ તબીબી સુવિધાઓથી સુસજ્જ એમ્બ્યુલન્સ તૈનાત કરવાનું ફરજિયાત બનાવ્યું છે. ગરબા-દાંડિયા રાસ વખતે ઘણા ભાવિકો ભાન ભૂલીને નાચતા હોય છે, એને કારણે કેટલીક વાર એમના હૃદય પર અતિરિક્ત તાણ ઊભી થવાથી હૃદયરોગનો હુમલો આવવા જેવી ઘટના બનતી હોય છે. કોરોનાવાઈરસ રોગચાળા બાદ ઘણા લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોવાથી જુદી જુદી શારીરિક તકલીફોથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. તે બાબતને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન શિંદેએ તમામ જિલ્લા અધિકારીઓને સ્પષ્ટ અને કડક સૂચના આપી છે.

Ind vs Pak: ટીમ ઈન્ડિયા પહોંચી અમદાવાદ

વર્લ્ડ કપ શરૂ થયાને એક અઠવાડિયું થઈ ગયું છે. ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ 2 મેચ પણ જીતી લીધી છે. તેણે પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે અને બીજી અફઘાનિસ્તાન સામે જીતી હતી. ભારતીય ટીમ હવે વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી મેચ રમવા અમદાવાદ પહોંચી છે. 12 ઓક્ટોબરે તેઓ દિલ્હીથી અમદાવાદ માટે ઉડાન ભરી હતી. થોડા કલાકોમાં આખી ટીમ ગુજરાત પહોંચી ગઈ. ભારત અને પાકિસ્તાનની ટીમો 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે.

પાકિસ્તાન સામેની મેચ માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી ગઈ છે. એક ક્રિકેટ ચાહકે તેની ટ્વિટર પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનની ટીમ કરતા આગળ છે. ભારતે અત્યાર સુધીની બંને મેચમાં જીત મેળવી છે. જ્યારે પાકિસ્તાન માત્ર એક મેચ જીત્યું છે. પાકિસ્તાને શ્રીલંકા સામે રોમાંચક જીત નોંધાવી હતી.

ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો અત્યાર સુધી 7 વખત ટકરાયા છે. પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડ કપમાં એક પણ વખત ભારતને હરાવી શકી નથી. 14મી ઓક્ટોબરે યોજાનારી મેચમાં પરિણામ કોના પક્ષમાં આવશે? તે જોવું રસપ્રદ રહેશે. બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. બંને ટીમના ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે.

વર્લ્ડ કપ માટે ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જાસુલ બુમરાહ., મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ

વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ ઉલ હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન, સલમાન આગા, સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, સલમાન મીર, હરિસ. રઉફ., મોહમ્મદ વસીમ જુનિયર, હસન અલી અને શાહીન આફ્રિદી.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૨ ઓક્ટોબર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૨ ઓક્ટોબર, ૨૦૨૩

ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયો માટે ઓપરેશન ‘અજય’

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસના આતંકવાદીઓની વચ્ચે જારી લડાઈમાં બંને જગ્યાએ મૃતકોની સંખ્યાનો આંકડો 2400ને પાર થયો છે. હજારો લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલની સરકાર પર દબાણ છે કે એ હમાસને ગાઝામાંથી ઉખાડીને ફેંકી દે. હવે ભારતે પણ ઇઝરાયેલમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે એક ઓપરેશન શરૂ કર્યું છે.

હમાસના આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલી શહેરો પર હુમલા પછી કેટલીય એરલાઇન કંપનીઓએ પોતાની ઉડાનો રદ કરી છે. આમાં એર ઇન્ડિયા પણ સામેલ છે. ઉડાન રદ થવાથી ભારતીય વિદ્યાર્થીઓ, પરિવાર અને ધાર્મિક યાત્રા પર ગયેલા લોકો ફસાઈ ગયા છે. પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલા બાદ છઠ્ઠા દિવસે યુદ્ધ સતત આક્રમક બની રહ્યું છે  ભારતે ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને દેશમાં પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કરવાની જાહેરાત કરી છે.

ઓપરેશન અજય મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મિડિયા X પર લખ્યું, “ઇઝરાયેલથી ભારત આવવા ઇચ્છતા લોકો માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવી રહ્યું છે. વિશેષ ચાર્ટર ફ્લાઇટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં રહેતા અમારા નાગરિકોની સલામતી અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

એસ જયશંકરની પોસ્ટ પર ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે જે ભારતીય નાગરિકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તેમને વિશેષ ફ્લાઇટ માટે મેઇલ કરવામાં આવ્યા છે. લગભગ 18,000 ભારતીય નાગરિકો કામ અથવા અભ્યાસ માટે ઇઝરાયેલમાં રહે છે. અહીં રહેતા ભારતીયોનો મોટો હિસ્સો કેરગીવર તરીકે કામ કરે છે, પરંતુ લગભગ 1000 વિદ્યાર્થીઓ, ઘણા IT પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓ પણ છે.

 

 

 

 

 

વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષામાં વધારો કરાયો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષાને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષા વધારી દીધી છે અને હવે આ રીતે વિદેશ મંત્રી એસ જયશંકરને હવે Y ના બદલે Z શ્રેણીની સુરક્ષા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આઈબીના ધમકીના અહેવાલના આધારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિદેશ મંત્રી જયશંકરની સુરક્ષા વધારી દીધી છે. અગાઉ, વિદેશ મંત્રીને દિલ્હી પોલીસ કમાન્ડો દ્વારા Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.

સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર જો સૂત્રોનું માનીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ને એસ જયશંકરની સુરક્ષાની જવાબદારી લેવાનું કહ્યું છે, જે હાલમાં દિલ્હી પોલીસ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. 68 વર્ષીય વિદેશ મંત્રી એસ જયશંકરને દિલ્હી પોલીસની સશસ્ત્ર ટીમ દ્વારા ‘વાય’ શ્રેણીના સુરક્ષા ઘેરામાં રાખવામાં આવી રહી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે વિદેશ પ્રધાન એસ જયશંકરને હવે CRPF દ્વારા મોટા ‘Z’ શ્રેણીના સુરક્ષા કવચ હેઠળ સુરક્ષિત કરવામાં આવશે, જેમાં લગભગ 14-15 સશસ્ત્ર કમાન્ડો સમગ્ર દેશમાં શિફ્ટમાં ચોવીસ કલાક તેમની સાથે રહેશે. CRPF પાસે હાલમાં તેના VIP સુરક્ષા કવચમાં 176 દિગ્ગજ છે, જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાનો સમાવેશ થાય છે.

IND Vs PAK: ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સતત 8મી જીત મેળવવા મેદાનમાં ઉતરશે

ક્રિકેટ પ્રેમીઓ ODI વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી શાનદાર મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને વચ્ચેની મેચ 14 ઓક્ટોબર, શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ દ્વારા ભારતીય ટીમ ODI વર્લ્ડ કપમાં સતત આઠમી જીત માટે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. આવો જાણીએ આ મેચમાં ટીમથી લઈને બંને ટીમોના રેકોર્ડ સુધીની કેટલીક મહત્વપૂર્ણ બાબતો.

ભારત રેકોર્ડમાં ઘણું આગળ છે

ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન કુલ સાત વખત ટકરાયા છે, જેમાં દરેક વખતે ટીમ ઈન્ડિયા જીતી છે. ODI વર્લ્ડ કપમાં બંને વચ્ચે પહેલો વિવાદ 1992માં થયો હતો. આ પછી 1996, 1999, 2003, 2011, 2015 અને 2019ના વર્લ્ડ કપમાં બંને ટીમો સામસામે આવી હતી.

તમામની નજર આ ખેલાડીઓ પર રહેશે

ભારત-પાક મેચમાં ચાહકોની નજર તમામ ખેલાડીઓ પર હશે. પરંતુ તમામની નજર ભારતીય કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, બોલર જસપ્રિત બુમરાહ, પાકિસ્તાની વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી પર રહેશે.

રોહિત શર્મા

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામેની બીજી મેચમાં 131* રનની શાનદાર ઇનિંગ રમીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2019ના વર્લ્ડ કપમાં રોહિત શર્માએ પાકિસ્તાન સામે 140 રનની ઇનિંગ રમી હતી.

વિરાટ કોહલી

આ વખતે પણ તમામની નજર પાકિસ્તાન સામે ખુલ્લેઆમ રમનાર વિરાટ કોહલી પર રહેશે. તાજેતરમાં રમાયેલા એશિયા કપમાં કોહલીએ પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં તેણે ઓસ્ટ્રેલિયા સામે 85* અને અફઘાનિસ્તાન સામે 55* રનની ઇનિંગ્સ રમી હતી.

જસપ્રીત બુમરાહ

ભારતીય મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપની પ્રથમ બે મેચમાં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં 2 અને અફઘાનિસ્તાન સામેની બીજી મેચમાં 4 વિકેટ ઝડપી હતી.

મોહમ્મદ રિઝવાન

પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને શ્રીલંકા સામે 345 રનનો પીછો કરતી વખતે ટીમને જીત અપાવવા માટે 131* (121 બોલ)ની અણનમ ઇનિંગ રમી હતી.

શાહીન આફ્રિદી

પાકિસ્તાની ફાસ્ટ બોલરો અત્યાર સુધી ટૂર્નામેન્ટની પ્રથમ બે મેચમાં કંઈ ખાસ કરી શક્યા નથી. બંને મેચમાં તેને માત્ર 1-1 વિકેટ મળી હતી. પરંતુ નવા બોલથી તે ભારત સામે શક્તિશાળી સાબિત થઈ શકે છે.

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ, શાર્દુલ ઠાક.

પાકિસ્તાન: ઈમામ ઉલ હક, ફખર ઝમાન, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, આગા સલમાન, ઉસામા મીર, અબ્દુલ્લા શફીક.

 

અમદાવાદમાં ફેલાયો છે વર્લ્ડકપ ફીવર; ‘દર્દીઓ’નાં હોસ્પિટલોમાં ધામા

અમદાવાદઃ આઈસીસી મેન્સ ODI ક્રિકેટ વર્લ્ડ કપ-2023 સ્પર્ધામાં આવતા શનિવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કટ્ટર હરીફો – ભારત અને પાકિસ્તાન વચ્ચે રાઉન્ડ-રોબિન રાઉન્ડ મેચ રમાવાની છે. ભારતીય ખેલાડીઓ બે મેચ (ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે) જીતીને જોરદાર ફોર્મમાં છે. સામે છેડે, પાકિસ્તાન પણ એની પહેલી બે મેચ (નેધરલેન્ડ્સ અને શ્રીલંકા સામે) જીતી ચૂક્યું છે. શનિવારના મહામુકાબલા માટે અમદાવાદ શહેરમાં ક્રિકેટ-ફીવર જોરદાર રીતે ફેલાઈ ચૂક્યો છે. ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે દેશ-વિદેશમાંથી ક્રિકેટપ્રેમીઓનાં મોટાં ધાડાં શહેરમાં ઉતરી આવ્યા છે. શહેરની તમામ હોટેલ્સ, ગેસ્ટહાઉસ અનેક દિવસો પહેલાથી જ બૂક થઈ ગયા છે. ગમે તેમ કરીને શનિવારની મેચ જોવા માટે ઉત્સૂક એવા ઘણા ક્રિકેટચાહકોએ મેચની પૂર્વસંધ્યાએ – રાતવાસો કરવા માટે ઊંચી રકમ ચૂકવીને નકલી દર્દીઓ બનીને હોસ્પિટલમાં પથારી બુક કરાવી હોવાના અહેવાલ છે.

અમુક હોસ્પિટલોમાં નકલી ‘દર્દીઓ’નો ઓચિંતો ધસારો થયો છે. એક રાતનું રોકાણ કરવા કરવું પડે એવા ચેક-અપ કરાવવા માટે આ ‘દર્દીઓએ’ ચેક-અપ પેકેજીસ અંતર્ગત પથારી બુક કરાવી છે. આમ કરવું આ લોકો માટે સસ્તું છે, કારણ કે અમદાવાદની હોટેલોમાં હાલ રૂમ 20 ગણી ઊંચી, પરવડી ન શકે એવી કિંમતે મળે છે. આવા દર્દીઓ હેલ્થ ચેક-અપ્સ માટે એપોઈન્ટમેન્ટ લઈ રહ્યા છે અને હોસ્પિટલોમાં રાતવાસો કરી રહ્યા છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશને તેના સભ્યોને આવા ક્રિકેટચાહકોને ન સમાવવાની વિનંતી કરી છે, કારણ કે હોસ્પિટલો કંઈ બિન-દર્દીઓ માટે રહેવાનું સ્થળ નથી.

1,34,000 બેઠકોની ક્ષમતાવાળા મોદી સ્ટેડિયમમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોનું વેચાણ શરૂ થયું એની ગણતરીની મિનિટોમાં બધી ટિકિટો બૂક થઈ ગઈ હતી. હવે ટિકિટોના કાળાબજાર થઈ રહ્યા છે. ટિકિટો 25 ગણી ઊંચી કિંમતે બ્લેકમાં વેચાઈ રહી છે.

શું મધ્ય-પૂર્વમાં યુદ્ધ છેડાશે?: 2400નાં મોત, 5600 ઘાયલ

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસની વચ્ચે જારી જંગનો આજે છઠ્ઠો દિવસ છે. મધ્ય-પૂર્વ હાલના સમયે બારુદના ઢગલા પર બેઠું છે. ઇજિપ્ત, સાઉદી અરેબિયા અને UAE જેવા મુસ્લિમ બહુમતી દેશો એકસાથે આવવાની શક્યતા છે. સાત ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં સુન્ની હમાસ આતંકવાદીઓએ કત્લેઆમ કર્યા પછી ગાઝામાં જવાબી પગલાં જોવા મળી રહ્યાં છે. હવે એ આશંકા છે કે ઇઝરાયેલ સેના ગાઝામાં ઘૂસીને જમીની કાર્યવાહી કરવાનો આદેશ આપી શકે છે. જેથી મધ્ય-પૂર્વના દેશોમાં વધતો તણાવ મોટા જોખમનો સંકેત આપી રહ્યો છે.

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના આતંકવાદી ગ્રુપ હમાસની વચ્ચે જારી યુદ્ધમાં અત્યાર સુધી 2400 લોકોનાં મોત થયાં છે, જેમાં કેટલાય વિદેશી નાગરિકો સામેલ છે. ગાઝાપટ્ટીમાં કમસે કમ 11 સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓ, UNની સ્કૂલના 30 વિદ્યાર્થીઓ માર્યા ગયા છે. આ સાથે આ યુદ્ધમાં ઘાયલોની સંખ્યા 5600ની થઈ ગઈ છે.

ઇઝરાયેલ અને હમાસનું યુદ્ધ મધ્ય-પૂર્વ અને વિશ્વને જકડશે કે એ સીમિત રહેશે? એ સવાલનો જવાબ- ઇઝરાયેલની જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખતાં ઇરાન સમર્થિત હિજબુલ્લા આતંકવાદી સંગઠનના ઇરાદા પર નિર્ભર કરે છે. અત્યાર સુધી જોવા મળ્યું છે કે હિજબુલ્લા આતંકવાદી સંગઠને ઉત્તરી ઇઝરાયેલમાં ચેતવણી આપતા ફાયરિંગ કર્યું હતું. હિજબુલ્લા ખૂલીને હમાસને ટેકો આપશે તો શિયા બહુમતી ધરાવતું ઇરાન પણ આ યુદ્ધ કૂદે એવી શક્યતા છે. એનાથી યુદ્ધ ક્ષેત્રનં ફલક વધી જશે. ઇરાન યહૂદીઓ અને ઇઝરાયેલનું દુશ્મન છે. જો હિજબુલ્લા અને સિરિયા ફ્રન્ટ ખોલી દેશે તો આ લડાઈ મધ્ય-પૂર્વના અન્ય ભાગોમાં પણ છેડાઈ શકે છે.

 

 

 

 

ગુજરાત યુનિવર્સિટી ના કરી શકે માનહાનિનો કેસઃ કેજરીવાલની દલીલ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીથી જોડાયેલા માનહાનિ કેસમાં હાઇકોર્ટ આવતા મહિનાની ત્રીજી નવેમ્બરે સુનાવણી કરશે. કોર્ટના ચુકાદા પછી નક્કી થશે કે આ મામલે દિલ્હીના મુખ્ય પ્રધાન કેજીવાલ અને આપ નેતા સંજય સિંહને રાહત મળશે કે મુશ્કેલીઓ વધશે. બંને નેતાઓની સામે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. આ મામલે બંને જણને સમન્સ જારી થયા હતા. બંને નેતાઓએ સમન્સની સાથે માનહાનિ કેસને કાયદાકીય રીતે ખોટો ગણાવ્યો છે, પરંતુ સેશન કોર્ટે તમામ દલીલો ફગાવી દીધી હતી. ત્યાર બાદ બંને નેતાઓ હાઇકોર્ટમાં ધા નાખી હતી.

દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ અને આપ નેતા સંજય સિંહની અરજી પર જસ્ટિસ જે. સી. દોશીની કોર્ટમાં સુનાવણી થઈ હતી. જસ્ટિસે રાજ્ય સરકાર અને ગુજરાત યુનિવર્સિટીને નોટિસ જારી કરી છે. કેજરીવાલ અને સંજય સિંહે દલીલ કરી છે કે ગુજરાત યુનિવર્સિટીની રચના રાજ્ય સરકારે કરી છે. આવામાં યુનિવર્સિટી રાજ્યમાં આવે છે અને સ્ટેટની કોઈ માનહાનિ નથી હોતી.

તેમણે બીજી દલીલ એ કરી છે કે માનહાનિનો કેસ નથી બનતો. તેમની ત્રીજી મહત્ત્વની દલીલ એ છે યુનિવર્સિટી તરફથી જેમણે માનહાનિનો કેસ કર્યો છે એ પ્રોપર અને લીગલ નથી. જો યુનિવર્સિટીનો નિર્ણય સરકારની જગ્યાએ સેનેટ લે છે તો શું સેનેટે રજિસ્ટ્રારને માનહાનિ કેસ કરવા માટે મંજૂરી આપી છે. તેમના તરફથી આવી નવી દલીલ રજૂ કરવામાં આવી છે.

શું છે મામલો?

વડા પ્રધાન મોદીની ડિગ્રીની માહિતી આપવા માટે કેન્દ્રીય ઇન્ફોર્મેશન સેન્ટર (CIC)એ ઓર્ડર પાસ કર્યો હતો. એની સામે ગુજરાત યુનિવર્સિટી હાઇકોર્ટમાં ગઈ હતી. હાઇકોર્ટે આ વર્ષ માર્ચમાં CICના ઓર્ડરને ફગાવ્યો હતો અને કેજરીવાલ પર રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો.