રાજ્યમાં ૩૧ જુલાઈએ ૮ જિલ્લામાં ‘રેડ એલર્ટ’, વહીવટી તંત્ર-સુરક્ષા દળો હાઈએલર્ટ પર

ગાંધીનગર: હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા અત્યંત વધવાની શક્યતા છે. ખાસ કરીને ૩૧ જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદને પગલે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે.આગામી વરસાદી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ‘વેધર વૉચ ગ્રુપ’ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના તમામ સંબંધિત વિભાગો, જિલ્લા કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને હાઈ એલર્ટ પર રહેવા અને સાધનો તથા ટીમોનું મેપિંગ કરી તુરંત એક્શન મોડમાં આવવા સૂચના આપવામાં આવી.

વરસાદની આગાહી 

  • તા. ૨૯ અને ૩૦ જુલાઈ: પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી.

  • તા. ૩૧ જુલાઈ: અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ‘ઓરેન્જ એલર્ટ’.

  • તા. ૧ ઓગસ્ટ: ઉત્તર ગુજરાતમાં ‘ઓરેન્જ એલર્ટ’ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા.જાનમાલના રક્ષણ માટે વહીવટી તંત્રની ખાસ સૂચનાઓ

ભારે પવન અને વરસાદના કોમ્બિનેશનથી થતા અકસ્માતો અટકાવવા માટે માર્ગ અને મકાન વિભાગને મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના હોર્ડિંગ્સ, બેનર્સ તથા જર્જરિત બિલ્ડિંગોને તાત્કાલિક હટાવવા જણાવાયું છે. કાચા મકાનો, ઝૂંપડપટ્ટી અને મજૂર વર્ગ વધુ પ્રભાવિત થતો હોવાથી કોઈપણ ચેતવણી કે આપત્તિના સંદેશા નીચલા સ્તર સુધી સમયસર પહોંચાડવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

બચાવ અને રાહત કામગીરી

રાહત કમિશનરે જણાવ્યું હતું કે રાજ્યમાં વિષમ વરસાદી પેટર્ન જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદ દરમિયાન પૂરની પરિસ્થિતિ પહેલા જ અગાઉથી ૫૩,૬૦૦થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પૂરના પાણીમાં ફસાયેલા ૯,૬૦૦થી વધુ નાગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.બેઠકમાં NDRF, SDRF, કોસ્ટગાર્ડ, આર્મી, નેવી, આરોગ્ય, વન, કૃષિ અને મહેસૂલ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓએ હાજરી આપી હતી.