સાઈકલથી સેમિકન્ડક્ટર: મુરુગપ્પા ગ્રુપ હવે સાણંદમાં ચીપ બનાવશે

ભારતના ઔદ્યોગિક ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. જે ગ્રુપે એક સમયે દેશને ઘર-ઘરમાં જાણીતી ‘હર્ક્યૂલિસ’ સાઈકલ આપી હતી, તે મુરુગપ્પા ગ્રુપ હવે દેશના સેમિકોન મિશનને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સજ્જ બન્યું છે. વર્ષ 1949માં ચેન્નઈ સ્થિત મુરુગપ્પા ગ્રુપ દ્વારા યુ.કે.ની ટ્યૂબ ઇન્વેસ્ટમેન્ટ્સ કંપની સાથે ભાગીદારી કરીને ‘ટીઆઈ સાઇકલ્સ ઓફ ઇન્ડિયા’ની સ્થાપના કરવામાં આવી હતી. આ જ કંપનીની ટીઆઇ સાઇકલ્સ ‘એ’ ફેક્ટરીનો શુભારંભ વર્ષ 1951માં મદ્રાસ રાજ્યના તત્કાલીન ગવર્નર અને ભાવનગર રજવાડાના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલના હસ્તે થયો હતો. જ્યાંથી દેશની પ્રખ્યાત હર્ક્યૂલિસ સાઈકલનું નિર્માણ શરૂ થયું હતું.

સાણંદ ખાતે રૂપિયા 7,600 કરોડના પ્લાન્ટનો પ્રારંભ
હવે આ જ ગ્રુપની સબસિડરી કંપની ‘CG સેમિ પ્રા. લિમિટેડ’ દ્વારા ગુજરાતના સાણંદ ખાતે ₹7,600 કરોડના રોકાણ સાથે અદ્યતન OSAT સુવિધા શરૂ કરવામાં આવી છે, જેનું કમર્શિયલ પ્રોડક્શન 4 જુલાઈ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું છે. સાણંદ ખાતે સ્થાપિત આ પ્લાન્ટમાં CG સેમિની સાથે જાપાનની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રોઇલેક્ટ્રોનિક્સ સંયુક્ત ભાગીદારી ધરાવે છે, જેમાં મુખ્ય શેરહોલ્ડિંગ CG સેમિનું છે. આ સુવિધામાં ઉત્પાદિત થનારી સેમિકન્ડક્ટર ચીપ્સનું વેચાણ દેશ તેમજ વિદેશમાં કરવામાં આવશે, જેમાં જાપાનની કંપની દ્વારા ચીપ ખરીદવાની સાથે ટેક્નોલોજીકલ સહયોગ પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટ ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ એક ક્રાંતિકારી કદમ સાબિત થશે.

ફેક્ટરી ફ્લોર પર નારી શક્તિનો દબદબો
આ પ્રોજેક્ટની સૌથી મહત્વની અને નોંધપાત્ર બાબત મહિલા સશક્તિકરણ પ્રત્યેનો તેમનો અનોખો અભિગમ છે. કંપનીના અધિકારીઓ જણાવ્યા અનુસાર, ફેક્ટરી ફ્લોર પર પ્લાન્ટ ઓપરેશન અને મશીનરી સંભાળવાની મોટાભાગની જવાબદારી મહિલા કર્મચારીઓ દ્વારા નિભાવવામાં આવી રહી છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલી મહિલા કર્મચારીઓને આ અદ્યતન પ્લાન્ટમાં ઓપરેશનલ કામગીરી માટે કંપની દ્વારા મલેશિયા ખાતે ૩ મહિનાની વિશેષ પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવી હતી, જેનાથી તેઓ હવે સ્વતંત્ર રીતે મશીન ઓપરેશન્સ સંભાળવા માટે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સજ્જ થઈ છે.

મહિલા એન્જિનિયરોના ઉત્સાહવર્ધક અનુભવો
પ્લાન્ટમાં કાર્યરત વિવિધ રાજ્યોની યુવા મહિલા એન્જિનિયરો આ તકથી અત્યંત ઉત્સાહિત છે. નવસારીની રહેવાસી અને એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈ.સી.નો અભ્યાસ કરનાર શ્રેયા પટેલ તથા સુરેન્દ્રનગરની જાનવી પાટડીયા અહીં પ્રોસેસ ક્વોલિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. શ્રેયા જણાવે છે કે સામાન્ય ચીપના ઉપયોગથી શરૂ થયેલી તેમની ઉત્સુકતા આજે તેને બનાવવાની પ્રક્રિયા સુધી પહોંચી છે અને તેઓ ડિફેક્ટ ડિટેક્શન જેવી મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. મલેશિયામાં લાઇવ પ્લાન્ટ તાલીમ મેળવનાર જાનવી જણાવે છે કે સ્ક્રેચમાંથી પ્લાન્ટ બનતો જોવો અને તેમાં કામ કરવું એ એક નવો અને પડકારજનક અનુભવ છે.

આ ઉપરાંત, કેરળના વાયનાડની વૈષ્ણવી પાલ (કેમિકલ એન્જિનિયર) પ્લાન્ટમાં ઇલેક્ટ્રોલાઇટ પ્લેટિંગની કામગીરી સંભાળી રહી છે, જેનું માનવું છે કે તાલીમ અને એક્સપોઝરથી તેનો આત્મવિશ્વાસ ખૂબ વધ્યો છે. કેરળની સાન્ડ્રા ઈ.કે. જણાવે છે કે આ સુવિધામાં જોડાયા બાદ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ પ્રત્યેનો તેનો દ્રષ્ટિકોણ સાવ બદલાઈ ગયો છે. ઈન્દોરની ઈ.સી. એન્જિનિયર આકાંક્ષા તંવર પ્રોસેસ એન્જિનિયર તરીકે કામ કરી રહી છે અને તેને વિદેશ તાલીમ મેળવી સેમિકન્ડક્ટર જેવા ઉભરતા ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવાનો આનંદ છે. આમ, સાણંદનો આ પ્લાન્ટ ટેક્નોલોજીના વિકાસ સાથે નારી શક્તિના સશક્તિકરણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.