અમદાવાદમાં ફેલાયો છે વર્લ્ડકપ ફીવર; ‘દર્દીઓ’નાં હોસ્પિટલોમાં ધામા

અમદાવાદઃ આઈસીસી મેન્સ ODI ક્રિકેટ વર્લ્ડ કપ-2023 સ્પર્ધામાં આવતા શનિવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કટ્ટર હરીફો – ભારત અને પાકિસ્તાન વચ્ચે રાઉન્ડ-રોબિન રાઉન્ડ મેચ રમાવાની છે. ભારતીય ખેલાડીઓ બે મેચ (ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે) જીતીને જોરદાર ફોર્મમાં છે. સામે છેડે, પાકિસ્તાન પણ એની પહેલી બે મેચ (નેધરલેન્ડ્સ અને શ્રીલંકા સામે) જીતી ચૂક્યું છે. શનિવારના મહામુકાબલા માટે અમદાવાદ શહેરમાં ક્રિકેટ-ફીવર જોરદાર રીતે ફેલાઈ ચૂક્યો છે. ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે દેશ-વિદેશમાંથી ક્રિકેટપ્રેમીઓનાં મોટાં ધાડાં શહેરમાં ઉતરી આવ્યા છે. શહેરની તમામ હોટેલ્સ, ગેસ્ટહાઉસ અનેક દિવસો પહેલાથી જ બૂક થઈ ગયા છે. ગમે તેમ કરીને શનિવારની મેચ જોવા માટે ઉત્સૂક એવા ઘણા ક્રિકેટચાહકોએ મેચની પૂર્વસંધ્યાએ – રાતવાસો કરવા માટે ઊંચી રકમ ચૂકવીને નકલી દર્દીઓ બનીને હોસ્પિટલમાં પથારી બુક કરાવી હોવાના અહેવાલ છે.

અમુક હોસ્પિટલોમાં નકલી ‘દર્દીઓ’નો ઓચિંતો ધસારો થયો છે. એક રાતનું રોકાણ કરવા કરવું પડે એવા ચેક-અપ કરાવવા માટે આ ‘દર્દીઓએ’ ચેક-અપ પેકેજીસ અંતર્ગત પથારી બુક કરાવી છે. આમ કરવું આ લોકો માટે સસ્તું છે, કારણ કે અમદાવાદની હોટેલોમાં હાલ રૂમ 20 ગણી ઊંચી, પરવડી ન શકે એવી કિંમતે મળે છે. આવા દર્દીઓ હેલ્થ ચેક-અપ્સ માટે એપોઈન્ટમેન્ટ લઈ રહ્યા છે અને હોસ્પિટલોમાં રાતવાસો કરી રહ્યા છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશને તેના સભ્યોને આવા ક્રિકેટચાહકોને ન સમાવવાની વિનંતી કરી છે, કારણ કે હોસ્પિટલો કંઈ બિન-દર્દીઓ માટે રહેવાનું સ્થળ નથી.

1,34,000 બેઠકોની ક્ષમતાવાળા મોદી સ્ટેડિયમમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોનું વેચાણ શરૂ થયું એની ગણતરીની મિનિટોમાં બધી ટિકિટો બૂક થઈ ગઈ હતી. હવે ટિકિટોના કાળાબજાર થઈ રહ્યા છે. ટિકિટો 25 ગણી ઊંચી કિંમતે બ્લેકમાં વેચાઈ રહી છે.