ગુજરાત યુનિવર્સિટી ના કરી શકે માનહાનિનો કેસઃ કેજરીવાલની દલીલ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીથી જોડાયેલા માનહાનિ કેસમાં હાઇકોર્ટ આવતા મહિનાની ત્રીજી નવેમ્બરે સુનાવણી કરશે. કોર્ટના ચુકાદા પછી નક્કી થશે કે આ મામલે દિલ્હીના મુખ્ય પ્રધાન કેજીવાલ અને આપ નેતા સંજય સિંહને રાહત મળશે કે મુશ્કેલીઓ વધશે. બંને નેતાઓની સામે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. આ મામલે બંને જણને સમન્સ જારી થયા હતા. બંને નેતાઓએ સમન્સની સાથે માનહાનિ કેસને કાયદાકીય રીતે ખોટો ગણાવ્યો છે, પરંતુ સેશન કોર્ટે તમામ દલીલો ફગાવી દીધી હતી. ત્યાર બાદ બંને નેતાઓ હાઇકોર્ટમાં ધા નાખી હતી.

દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ અને આપ નેતા સંજય સિંહની અરજી પર જસ્ટિસ જે. સી. દોશીની કોર્ટમાં સુનાવણી થઈ હતી. જસ્ટિસે રાજ્ય સરકાર અને ગુજરાત યુનિવર્સિટીને નોટિસ જારી કરી છે. કેજરીવાલ અને સંજય સિંહે દલીલ કરી છે કે ગુજરાત યુનિવર્સિટીની રચના રાજ્ય સરકારે કરી છે. આવામાં યુનિવર્સિટી રાજ્યમાં આવે છે અને સ્ટેટની કોઈ માનહાનિ નથી હોતી.

તેમણે બીજી દલીલ એ કરી છે કે માનહાનિનો કેસ નથી બનતો. તેમની ત્રીજી મહત્ત્વની દલીલ એ છે યુનિવર્સિટી તરફથી જેમણે માનહાનિનો કેસ કર્યો છે એ પ્રોપર અને લીગલ નથી. જો યુનિવર્સિટીનો નિર્ણય સરકારની જગ્યાએ સેનેટ લે છે તો શું સેનેટે રજિસ્ટ્રારને માનહાનિ કેસ કરવા માટે મંજૂરી આપી છે. તેમના તરફથી આવી નવી દલીલ રજૂ કરવામાં આવી છે.

શું છે મામલો?

વડા પ્રધાન મોદીની ડિગ્રીની માહિતી આપવા માટે કેન્દ્રીય ઇન્ફોર્મેશન સેન્ટર (CIC)એ ઓર્ડર પાસ કર્યો હતો. એની સામે ગુજરાત યુનિવર્સિટી હાઇકોર્ટમાં ગઈ હતી. હાઇકોર્ટે આ વર્ષ માર્ચમાં CICના ઓર્ડરને ફગાવ્યો હતો અને કેજરીવાલ પર રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો.