શું મધ્ય-પૂર્વમાં યુદ્ધ છેડાશે?: 2400નાં મોત, 5600 ઘાયલ

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસની વચ્ચે જારી જંગનો આજે છઠ્ઠો દિવસ છે. મધ્ય-પૂર્વ હાલના સમયે બારુદના ઢગલા પર બેઠું છે. ઇજિપ્ત, સાઉદી અરેબિયા અને UAE જેવા મુસ્લિમ બહુમતી દેશો એકસાથે આવવાની શક્યતા છે. સાત ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં સુન્ની હમાસ આતંકવાદીઓએ કત્લેઆમ કર્યા પછી ગાઝામાં જવાબી પગલાં જોવા મળી રહ્યાં છે. હવે એ આશંકા છે કે ઇઝરાયેલ સેના ગાઝામાં ઘૂસીને જમીની કાર્યવાહી કરવાનો આદેશ આપી શકે છે. જેથી મધ્ય-પૂર્વના દેશોમાં વધતો તણાવ મોટા જોખમનો સંકેત આપી રહ્યો છે.

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના આતંકવાદી ગ્રુપ હમાસની વચ્ચે જારી યુદ્ધમાં અત્યાર સુધી 2400 લોકોનાં મોત થયાં છે, જેમાં કેટલાય વિદેશી નાગરિકો સામેલ છે. ગાઝાપટ્ટીમાં કમસે કમ 11 સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓ, UNની સ્કૂલના 30 વિદ્યાર્થીઓ માર્યા ગયા છે. આ સાથે આ યુદ્ધમાં ઘાયલોની સંખ્યા 5600ની થઈ ગઈ છે.

ઇઝરાયેલ અને હમાસનું યુદ્ધ મધ્ય-પૂર્વ અને વિશ્વને જકડશે કે એ સીમિત રહેશે? એ સવાલનો જવાબ- ઇઝરાયેલની જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખતાં ઇરાન સમર્થિત હિજબુલ્લા આતંકવાદી સંગઠનના ઇરાદા પર નિર્ભર કરે છે. અત્યાર સુધી જોવા મળ્યું છે કે હિજબુલ્લા આતંકવાદી સંગઠને ઉત્તરી ઇઝરાયેલમાં ચેતવણી આપતા ફાયરિંગ કર્યું હતું. હિજબુલ્લા ખૂલીને હમાસને ટેકો આપશે તો શિયા બહુમતી ધરાવતું ઇરાન પણ આ યુદ્ધ કૂદે એવી શક્યતા છે. એનાથી યુદ્ધ ક્ષેત્રનં ફલક વધી જશે. ઇરાન યહૂદીઓ અને ઇઝરાયેલનું દુશ્મન છે. જો હિજબુલ્લા અને સિરિયા ફ્રન્ટ ખોલી દેશે તો આ લડાઈ મધ્ય-પૂર્વના અન્ય ભાગોમાં પણ છેડાઈ શકે છે.