અમેરિકામાં વસતા ભારતીયો ઈઝરાયલની પડખે; હમાસના હુમલાને વખોડી કાઢ્યો

ન્યૂયોર્કઃ અમેરિકામાં વસતા ભારતીયોના એક અગ્રગણ્ય જૂથે ઈઝરાયલની જનતા પ્રતિ એકતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે હમાસ ઉગ્રવાદીઓએ ઈઝરાયલમાં નિર્દોષ નાગરિકો પર કરેલો હુમલો માનવતા વિરુદ્ધનો ગુનો છે. ઉલ્લેખનીય છે કે હમાસ ઉગ્રવાદીઓએ ગયા શનિવારે ગાઝા સ્ટ્રીપમાંથી ઈઝરાયલમાં અસંખ્ય રોકેટો છોડ્યા હતા. તે પછી ઈઝરાયલની સેનાએ વળતો હુમલો, આક્રમણ કરતાં ગાઝા અને પેલેસ્ટાઈનમાં અનેક લોકો માર્યા ગયા છે. આ યુદ્ધમાં કુલ 2,300 લોકો માર્યા ગયા હોવાનો અંદાજ છે.

‘ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ’ (FIIDS) સંસ્થાના ડાયરેક્ટર ખાંડેરાવ કાંદએ જણાવ્યું છે કે, ‘અમે ઈઝરાયલની જનતાની પડખે છીએ અને આ ઉશ્કેરણીવિહોણા અને અધમ હુમલાઓને વખોડી કાઢીએ છીએ. હમાસ અને જેહાદી આતંકવાદીઓનું લક્ષ્ય ઈઝરાયલનો નાશ કરવાનું છે. ત્યાંના નિર્દોષ નાગરિકો પરના હુમલા માનવતા વિરુદ્ધનો ગુનો છે. અમે હમાલના હુમલાઓને 2001ની 11 સપ્ટેમ્બરે અમેરિકા પર કરવામાં આવેલા આતંકવાદી હુમલાઓ સાથે સરખાવીએ છીએ. ઈઝરાયલ પરનો આ હુમલો 9/11 જેવો છે. દુનિયાના દેશોએ ઈઝરાયલનો અને શાંતિનો નાશ કરવાના લક્ષ્યમાં ઈસ્લામી અને જેહાદી આતંકવાદીઓને સફળ થવા દેવા ન જોઈએ. આપણે ઈઝરાયલની પડખે જ રહેવાનું છે અને એ સુનિશ્ચિત કરવાનું છે કે ઈસ્લામી દેશો જિહાદી આતંકવાદને ટેકો ન આપે.’