ઇઝરાયેલની એર સ્ટ્રાઇકમાં 13 વિદેશી બંધકોનાં મોત

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસની વચ્ચે સંઘર્ષનો સાતમો દિવસ છે.  ઇઝરાયેલે ગાઝામાં હમાસના આતંકવાદીઓની જગ્યાએ હુમલા તેજ કરી દીધા છે. આ હુમલાની વચ્ચે હવે હમાસે દાવો કર્યો છે કે ઇઝરાયેલના હુમલામાં 13 ઇઝરાયેલ બંધકો માર્યા ગયા છે. એજ્જેદીન અલ કસમ બ્રિગ્રેડે એક નિવેદનમાં કહ્યું હતું કે ઇઝરાયેલના લડાકુ વિમાનોએ પાંચ સ્થળોએ કરેલા હુમલામાં વિદેશીઓ સહિત 13 બંધકો માર્યા ગયા છે.  

ઇઝરાયેલે ઉત્તરી ગાઝામાં 11 લાખ લોકોને સ્થાન છોડવાનો આદેશ આપ્યો છે, એમ UNએ માહિતી આપી હતી. UNના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇઝરાયેલની સેનાએ ઉત્તરી ગાઝાના 11 લાખ લોકોને 24 કલાકમાં ત્યાંથી જતા રહેવાના નિર્દેશ આપ્યા છે.

આ આદેશના વિનાશકારી માનવીય પરિણામો સામે આવવાનું જોખમ છે, એમ UNના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું હતું. આ આદેશ એવા સમયે આવ્યો છેજ્યારે ઇઝરાયેલે હમાસની વિરુદ્ધ વળતો પ્રહાર તેજ કર્યો છે. આ આદેશનો અર્થ એ થઈ શકે કે જમીની હુમલા તેજ કરવામાં આવશે. જોકે ઇઝરાયેલની સેનાએ આ સંબંધે કોઈ માહિતી નથી આપી. સેનાએ કહ્યું હતું કે એ જમીની હુમલાની તૈયારી કરી રહી છે, પણ આ સંબંધે હાલમાં કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.

ઇઝરાયેલના ગાઝા પર હુમલા પછી વિનાશનો એક વિડિયો સામે આવ્યો છે. આ વિડિયોમાં ઇઝરાયેલી રોકેટ્સથી નષ્ટ થયેલી ઇમારતોના કાટમાળ નીચે લોકો હજી ફસાયેલા છે. આ લોકો સતત મદદ માટે ધા નાખી રહ્યા છે, પણ તેમને બચાવવા માટે કોઈ નથી આવતું.