Home Blog Page 2432

શુક્રવારે ‘રાષ્ટ્રીય સિનેમા દિવસ’ નિમિત્તે દેશભરમાં ફિલ્મો જોવા મળશે માત્ર રૂ.99માં

મુંબઈઃ આવતીકાલે દેશભરમાં પહેલી જ વાર ઉજવવામાં આવશે રાષ્ટ્રીય સિનેમા દિવસ. આ નિમિત્તે સિનેમાપ્રેમીઓને મનોરંજનનો ડોઝ મળશે માત્ર રૂ. 99માં. ફિલ્મરસિયાઓને થિયેટરો કે મલ્ટીપ્લેક્સીસમાં માત્ર રૂ. 99માં નવી કે જૂની ફિલ્મો જોવાનો મોકો મળશે. આ માટે મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને થિયેટરમાલિકોએ સાથે મળીને આ દિવસની ઉજવણી કરવાના છે.

આવતીકાલે આ ચાર નવી હિન્દી ફિલ્મો 99 રૂપિયામાં જોવાની સિનેમાપ્રેમીઓને તક મળશે. આમાંની ધક ધક અને થેંક્યૂ ફોર કમિંગ શુક્રવારથી જ રિલીઝ થાય છે.

ધક ધક (કલાકારઃ રત્ના પાઠક-શાહ, દિયા મિર્ઝા, સંજના સાંઘી અને ફાતિમા સના શેખ)

દોનો (કલાકારઃ રાજવીર દેઓલ (સની દેઓલનો પુત્ર) અને પલોમા ઠાકરિયા (પૂનમ ધિલોનની પુત્રી). આ ફિલ્મ ગઈ પાંચ ઓક્ટોબરે રિલીઝ થઈ હતી.

થેંક્યૂ ફોર કમિંગઃ (કલાકારઃ ભૂમિ પેડણેકર, શેહનાઝ ગિલ, શિબાની બેદી અને ડોલી સિંહ, અનિલ કપૂર, કરણ કુન્દ્રા)

મિશન રાનીગંજઃ (કલાકારઃ અક્ષય કુમાર, પરિણીતી ચોપરા). આ ફિલ્મ ગઈ 6 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી.

ફોર્બ્સ ઇન્ડિયાની ટોચની શ્રીમંતોની યાદીઃ મુકેશ અંબાણી ટોચ પર

નવી દિલ્હીઃ ફોર્બ્સ ઇન્ડિયાએ ભારતના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિઓની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં અબજોપતિ ઉદ્યોગપતિ અને રિલાન્યસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ફરીથી ટોચની પોઝિશન પર કબજો કર્યો છે. ફોર્બ્સ ઇન્ડિયાએ અબજોપતિ 2023ની યાદી જારી કરતાં જણાવ્યું હતું કે 92 અબજ ડોલરની નેટવર્થની સાથે અંબાણી ભારતના સૌથી શ્રીમંત વ્યક્તિ છે.

આ સાથે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 68 અબજ ડોલરની નેટવર્થની સાથે બીજા ક્રમાંકે સરક્યા છે. એની પાછળનું કારણ હિન્ડનબર્ગ રિપોર્ટ હોવાનું મનાય છે. આ સાથે ત્રીજા ક્માંકે HCLના સ્થાપક શિવ નાદર છે. HCLના શેરોમાં એક વર્ષમાં 42 ટકા ઉછાળો આવ્યો છે, જેથી નાદર બે ક્રમાંક આગળ વધીને ત્રીજા ક્રમાંકે આવી ગયા છે.

પાવર અને સ્ટીલ ગ્રુપના જિંદાલ ગ્રુપનાં સાવિત્રી જિંદાલની નેટવર્થમાં 46 ટકાનો વધારો થયો છે. આ છલાંગ સાથે તેઓ કુલ 24 અબજ ડોલરની સંપત્તિ સાથે ચોથા ક્રમાંકે જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. પાંચમા ક્માંકે એવેન્યુ સુપરમાર્કેટના રાધાકૃષ્ણ દામાણી છે. તેમની કુલ નેટવર્થ 27.6 અબજ ડોલરથી ઘટીને 23 અબજ ડોલર થઈ ગઈ છે.

ફોર્બ્સની ટોચની 100 રિચ લિસ્ટમાં એવા ઉદ્યોગપતિઓ પણ સામેલ છે, જેમની નેટવર્થમાં ઓછા સમયમાં ઝડપથી વધારો થયો છે. ફોર્બ્સની યાદીમાં વર્ષ 2023માં માત્ર ત્રણ નવા લોકોનો પ્રવેશ થયો છે.દુબઈ હેડ ક્વાર્ટરવાળી રિટેલ વેચાણ કંપની લેન્ડમાર્ક ગ્રુપનાં અધ્યક્ષ રેણુકા જગતિયાનીનો સમાવેશ થયો છે. એશિયન પેઇન્ટ્સ આ યાદીમાં બીજા ક્રમાંકે છે અને ત્રીજા ક્રમે કપડાંની એક્સપોર્ટર કંપની KPR મિલના સ્થાપક કે. પી. રામાસામીનું નામ સામેલ છે.

 

 

 

 

 

પાકિસ્તાની ક્રિકેટર રિઝવાનની કમેન્ટ સામે ભાજપાના આકરા પ્રત્યાઘાત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિકેટકીપર-બેટર મોહમ્મદ રિઝવાને ગઈ કાલે હૈદરાબાદમાં શ્રીલંકા સામેની વર્લ્ડ કપ મેચમાં અત્યંત સશક્ત દાવ રમીને સદી ફટકારી હતી અને પાકિસ્તાનને વિક્રમસર્જક ચેઝ રિઝલ્ટમાં જીત અપાવી હતી. એણે પોતાની તે બેટિંગ અને ટીમની જીતને ગાઝામાં રહેતાં ભાઈઓ અને બહેનોને સમર્પિત કરતું નિવેદન પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કર્યું હતું. પરંતુ તેના વિધાનને કારણે ભારતમાં રાજકીય વિવાદ ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે, મધ્ય પૂર્વના ગાઝા સ્ટ્રીપમાંથી હમાસ ઉગ્રવાદીઓએ ઈઝરાયલ પર ભયાનક રોકેટ હુમલો કર્યો હતો. ઈઝરાયલે તેના વળતા જવાબ રૂપે બોમ્બ અને તોપમારો કરીને ગાઝા અને પેલેસ્ટાઈનમાં હમાસના અડ્ડાઓ પર આક્રમણ કર્યું હતું. એને કારણે બંને પક્ષે ઘણી જાનહાનિ થઈ છે. ભારતમાં ભાજપા શાસિત કેન્દ્ર સરકારે ઈઝરાયલને ટેકો આપ્યો છે.

રિઝવાનના નિવેદન વિશે પ્રત્યાઘાત આપતાં ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા આર.પી. સિંહે કહ્યું છે કે મોહમ્મદ રિઝવાને ટીમની જીતને ગાઝા કે પેલેસ્ટાઈનને સમર્પિત કરી તે દર્શાવે છે કે પાકિસ્તાન હંમેશાં આતંકવાદનું સમર્થક રહ્યું છે. આર.પી. સિંહે સવાલ કર્યો છે કે રિઝવાને આ જીત ઉઈગર મુસ્લિમોને સમર્પિત કેમ ન કરી? જેમની પર અત્યાચારો કરવાનો ચીન પર આરોપ છે.

ભાજપાના ઘાટકોપર (મુંબઈ)ના વિધાનસભ્ય રામ કદમે કહ્યું છે કે ક્રિકેટર રિઝવાનની કમેન્ટ પાકિસ્તાનની માનસિકતાનું પ્રતિક છે, જે આતંકવાદને સમર્થન આપે છે. આ બંને નેતાએ એમની કમેન્ટ અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉ સાથેની વાતચીત દરમિયાન કરી હતી.

કાબેલ અને સક્ષમ મહિલાઓ માટે અનામત ક્યાં?

હાલમાં જ મહિલા અનામત બિલ સંસદમાં પસાર કરવામાં આવ્યું છે, જે ચોક્કસપણે એક આવકાર્ય પગલું છે અને મહિલાઓના સશક્તીકરણમાં, મહિલાઓની જાહેર જીવનમાં ભૂમિકા વધારવામાં ઉપયોગી પુરવાર થઇ શકે એમ છે, પણ એક વાત એવી પણ છે, જે મને અંગત રીતે ખૂંચે છે. મહિલાઓને અનામત અપાય એની સામે વાંધો હોઈ જ ન શેક, પણ સાથે-સાથે મહિલાઓની યોગ્યતા કે ગુણવત્તાને આધારે પસંદગી બાબતે કોઇ સ્પષ્ટતા કેમ ક્યાંય દેખાતી નથી?

હું આ મુદ્દો એટલા માટે ઉઠાવી રહી છું, કેમ કે છેલ્લા ત્રણ દાયકાઓમાં મોટી સંખ્યામાં ભારતીય મહિલાઓ શિક્ષિત થઈ છે. કંપનીઓમાં નોકરીઓ કરતી થઈ છે અને વિવિધ ઓર્ગેનાઇઝેશનમાં લાયક હોવા છતાં નેતૃત્વની ભૂમિકામાં (ઊંચાં પદો મેળવવા) જગ્યા મેળવવા સંઘર્ષ કરી રહી છે. એ વાસ્તવિકતા છે કે ઘણી મહિલાઓ મહત્ત્વાકાંક્ષી અને સક્ષમ હોય છે તો સમાજ હંમેશ એવી મહિલાઓની મહત્વાકાંક્ષા અને ચરિત્ર પર સવાલો ઊભો કરતો રહ્યો છે અને જે લોકો વિનમ્ર, સાલસ અને રાજકીય ખટપટોમાં વ્યસ્ત હોય છે તેઓ સરળતાથી ટોચે પહોંચી જાય છે.

સાહસી અને લગનથી કામ કરતી સક્ષમ મહિલાઓમાં સ્વાભિમાનની સાથે સાથે સમાજ માટે કંઈક કરવા છૂટવાની ખેવના પણ હોય છે. તે કાર્યસ્થળે સિદ્ધાંતો અને મૂલ્યો સાથે ક્યારેય સમજૂતી નથી કરતી અને ના તો પોતે સહન કરે છે અને શોષણ થવા દે છે. આમ કરવાના બદલે પ્રતિકાર અને અપમાનનો સામનો કરવા કરીને તે સિસ્ટમમાંથી બહાર નીકળી જવાનું વધુ પસંદ કરે છે.

હજી આજે પણ જૂની પેઢીના લોકોને અને સમાજમાં જે વ્યક્તિ ઊંચા પદે બેઠી છે, તેમને કાર્યસ્થળે સક્ષમ મહિલાઓની સાથે કામ કરવાનો પર્યાપ્ત અનુભવ નથી. તેઓ અસમંજસતા અથવા અસહજ અને અસુરક્ષિતતા અનુભવે છે. હવે જોકે મહિલાઓને ઊંચાં પદો પર પ્રોત્સાહન આપવા અને તેમને સામેલ કરવા માટે સામાજિક દબાણ વધી રહ્યું હોવાથી કારણે સંસ્થા, કંપનાના બોર્ડ અને નેતૃત્વ ટીમોમાં મહિલાઓને સામેલ કરવાના પ્રયાસ કરાઇ રહ્યા છે, પણ આ ટાસ્ક પૂરો કરવા માટે કહ્યાગરી મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ જ બાબત પુરુષો માટે પણ લાગુ પડે છે.જોકે એ વિકાસ માટે એક સુવ્યવસ્થિત તંત્ર બનાવવાના ઉદ્દેશને પૂરો નથી કરતી. જ્યારે આપણી પાસે બીજા સ્તરની લીડરશિપમાં કહ્યાગરા પુરુષ અને સ્ત્રી હોય ત્યારે એ માત્ર ખુરશી ચીટકી રહેવાનો સ્વાર્થ પૂરો કરે છે. પછી એ સંગઠનાત્મક અને સામાજિક લક્ષ્ય અને જરૂરિયાતોને ધ્યાનમાં નથી લેવામાં આવતું.

પણ અહીં સવાલ એ છે કે જે પ્રોત્સાહક બદલાવ લાવી શકે એવી સંભવિત અને ટેલેન્ટ ધરાવતી વ્યક્તિઓ ખાસ કરીને સક્ષમ અને સાહસિક મહિલાઓનો સ્વીકાર કરવા માટે શું આપણે પરિપક્વ થયા છીએ?

શૈક્ષણિક ક્ષેત્રે ત્રણ દાયકા કાઢ્યા પછી મેં શિક્ષિત અને પ્રતિભાશાળી મહિલાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો જોયો છે. તેઓ ટોચનાં પદો મેળવવા માટે સક્ષમ હોવા છતાં તેમને અડચણો આવે છે.

પુરુષોની જેમ મહિલાઓ સમજૂતી કરે છે અને આગળ વધે છે અથવા ઇમાનદારી, સાહસ અને આત્મવિશ્વાસથી હરીફાઈ કરવાના પ્રયાસ કરે છે.  બિનરાજકીય, હાર્ડ વર્કિંગ, ઇમાનદાર, સાહસી પુરુષ અને મહિલા- બંને જણને કાર્યસ્થળે નજરઅંદાજ કરવામાં આવે છે.

કેટલાક પ્રોફેશનલો પસંદ કરેલા કાર્યમાં નિષ્ણાત હોય છે અને તેમને જે કોઈ કામ આપવામાં આવે એ તેઓ કાર્યક્ષમતા કરે છે. તેઓ તેમનું કામ કામના કલાકો દરમ્યાન પૂરી લગનથી અને સ્વતંત્ર રીતે કરે છે. આવા કર્મચારીઓ ઓફિસોમાં વારંવાર નથી આવતા, પણ તેમના માલિક તેમના વિશે જાણતા હોય છે અને તેઓ તેમને ઓફિસના કલાકો બહાર મળતા પણ નથી હોતા. કેટલાક પ્રોફેશનલ્સ તેમના કાર્ય અને ફેમિલી પ્રત્યે યોગ્ય સંતુલન જાળવે છે. તેઓ ખુશામતખોર અને તુષ્ટિકરણ કરતા નેતાઓથી અંતર જાળવે રાખે છે. ખરેખર આ બાબત દેશને નુકસાન કરે છે, કેમ કે કેટલાક પુરુષો અને સ્ત્રીના વિચારો અને ક્ષમતા પરિણામ લાવી આપનારા હોય છે અને ઓર્ગેનાઇઝેશનને લાભદાયક હોય છે અને સમાજ માટે જરૂરી હોય છે.

જોકે આપણે જોઈએ છીએ કે મોટા ભાગે આવા કામનું શ્રેય લેભાગુ તત્વો લઈ જાય છે અથવા તેમના રાજકીય નેતાઓ દ્વારા આંચકી લેવામાં આવે છે, કારણ કે કોઈ પણ લેભાગુ તત્વ કે બિનસક્ષમ વ્યક્તિ જેતે ઇમાનદાર, હાર્ડવર્કિંગ વ્યક્તિને ધાકધમકી આપે છે. આ રીતે ઇમાનદાર પુરષ કે સ્ત્રી નિરાશ થઈ જાય છે અને સંસ્થા છોડીને ચાલી જાય છે. આ સાથે કદાચ તે દેશ પણ છોડીને જ્યાં તેની કદર કિંમત થાય છે ત્યાં જતા રહે છે.

આ સિવાય, વાસ્તવમાં સક્ષમ અને કાબેલ વ્યક્તિ ચરિત્રવાન પણ હોય છે, કેમ કે તેઓ ક્યારેય સમાધાન નથી કરતી અને નબળા બોસ- માલિકના કોઈ પણ નિર્દેશનું પાલન નથી કરતા અને સંસ્થા, સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય એવી કોઈ કામગીરી નથી કરતા. કાબેલ લોકો હંમેશા કાર્યસ્થળે અવ્યવહાર, ગેરવર્તણૂક અને અયોગ્ય કામ બાબતે સવાલો ઉઠાવતા જ રહે છે, કેમ કે એ કાર્યો તેમને વ્યવહારુ કે મૂલ્યવિહીન લાગતાં હોય છે.

આપણે તેમને કંપનીના વોટ્સગ્રુપમાં તેમના કાર્યની ખોટી પ્રશંસા કરવા થમ્સઅપ અને ક્લેપ ઇમોજી નથી મોકલી શકતા. આપણે તેમને ગપ્પાંગોષ્ઠિ કરતા કીટલીએ ક્યારેય નથી જોતા. તેઓ તેમના બોસીઝની બિનજરૂરી પ્રશંસા કે ટીકાટિપ્પણ કરવાથી બચે છે. તેમને પાવરફુલ લોબી દ્વારા નાપસંદ કરવામાં આવે છે અને તેમને ખોટા વલણાવાળા લોકો તરીકે દર્શાવવામાં આવે છે. તેઓ ગેરવર્તન કરનારા લોકોથી દૂર રહે અને તેમને માટે તેમની સાથે કામ કરવું મુશ્કેલભર્યું હોય છે. તેમને પસંદગીનાં ઊંચા પદો પર નથી બેસાડવામાં આવતાં અને જાણીબૂજીને છોડી દેવામાં આવે છે. વાસ્તવમાં આવા પુરુષો કે સ્ત્રીઓને સાઇડલાઇન કરવામાં આવે છે. તેમને હેરાન-પરેશાન કરવામાં આવે છે.

જો ખરેખર આપણે આવા પ્રતિભાશાળી પુરુષો અને સ્ત્રીઓની ક્ષમતાનો ઉપયોગ કરવો હોય તો શું આપણે સક્ષમ, આવા સાહસી લોકોના નેતૃત્વની ભૂમિકાઓનો સ્વીકાર કરવા માટે તૈયાર છીએ?

આપણે એ સમજવું પડશે કે નિયુક્ત કરેલી અને આગેવાની કરી રહેલી મહિલામાં યોગ્ય લાયકાત નહીં હોય તો તે પ્રતિભાશાળી મહિલાઓને આગળ વધવાની તકોને નષ્ટ કરી દેશે. આપણે ટોચે બેઠેલા સક્ષમ લોકોનો સ્વીકાર કરવાની માનસિકતામાં પરિવર્તન કરવાની જરૂર છે, પણ વિવિધ સંસ્થાઓમાં બેઠેલી પાવરફુલ લોબી યોગ્ય વ્યક્તિને યોગ્ય પદે બેસાડવા માટે અસુરક્ષા અનુભવશે અને એને ફાવવા નહીં દે.

એટલા માટે દેશના વિકાસનાં લક્ષ્યોને પૂરાં કરવા માટે કાર્યબળમાં 33 ટકા અનામત બિનરાજકીય, ઇમાનદાર, મહેનતુ મહિલાઓ હોવી જોઈએને?

(ડો. ઇન્દુ રાવ)

(લેખિકા પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, ગાંધીનગરમાં પ્રોફેસર અને ડીન તરીકે કાર્યરત છે.)

ગૃહપ્રધાન દ્વારા શહેરી સહકારી બેન્કોની સમસ્યાનો ઉકેલ લવાયો

નવી દિલ્હીઃ દેશના શહેરી સહકારી બેન્કો અને ક્રેડિટ સોસાયટીની એક ટોચની પ્રચારક સંસ્થા નેફકબ (NAFCUB) બહુ સક્રિય રૂપે તેની ભૂમિકા ભજવી રહી છે. નેફકેબ સહયોગ મંત્રાલય અને રિઝર્વ બેન્ક –બને સાથે સક્રિય રીતે જોડાયેલી સંસ્થા છે. સંસ્થા શહેરી સહકારી બેન્કોની લાંબા સમયથી ચાલી આવતી માગોનો નિવેડો લાવવા માટે દિલ્હીમાં આજે સાંજે એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ પ્રત્યે આભાર વ્યક્ત કરશે.

નેફકબ ટીમના અધ્યક્ષ જ્યોતીન્દ્ર મહેતાના નેતૃત્વમાં રાજ્ય સહકારી બેન્કો (અનુસૂચિત અને બિન અનુસૂચિત બેન્કો)નું પ્રતિનિધિત્વ કરતા 150થી વધુ પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે. દેશની ત્રણ સૌથી મોટી શહેરી સહકારી બેન્ક એટલે કે સારસ્વત સહકારી બેન્ક, કોસમોસ સહકારી અને એસવીસી સહકારી બેન્કના પ્રતિનિધિઓએ ભાગીદારીની પુષ્ટિ કરી હતી.

સંસ્થા દ્વારા વિજ્ઞાન ભવનમાં શહેરી સહકારી બેન્કોના પ્રતિનિધિઓ માટેના આયોજિત આ પ્રકારના કાર્યક્રમમાં શાહ સામે UCB સંબંધિત કેટલાય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિય કરવામાં આવ્યું હતું. બીજા આશરે 16 મહિનાના સમયગાળામાં શાહના નેતૃત્વમાં ક્ષેત્રના કેટલાય લાંબા સમયથી ચાલી આવતા મુદ્દાઓનું સમાધાન કરવામાં આવ્યું હતું.

આ સિવાય UCBથી જોડાયેલા કેટલાય અન્ય મુદ્દાઓ  જેવા કે UCBની શાખાઓ શરૂ કરવી, બાકી દેવાં માટે માટે OTSની જોગવાઈ, ડોર-સ્ટેપ બેન્કિંગ સેવાઓ પૂરી પાડવી, વ્યક્તિગત હોમ લોન સમયમર્યાદાને વધારવી અને ગોલ્ડ લોનની સમયમર્યાદા સહિત અન્ય મુદ્દાઓનું ગૃહપ્રધાન સાથેની બેઠકમાં સમાધાન કરવામાં આવ્યું હતું.

આ સિવાય સહકારી ક્ષેત્રે વિવિધ મુદ્દાઓનું સમાધાન કરવા માટે સહકારિતા મંત્રાલયના વરિષ્ઠ અધિકારી અને સહકાર મંત્રી સાથે નિયમિત આધારે વિચારવિમર્શ કરવામાં આવ્યો છે.

નેશનલ ફેેડરેશન ઓફ અર્બન કો.ઓપ.બેન્ક એન્ડ ક્રેડિટ સોસાયટી (નેફકબ)એ દેશની 1650 બેન્કો અને 6000 જેટલી ક્રેડિટ સોસાયટીઓનું એક સહકારી (કો.ઓપ.) સંગઠન છે

 

 

 

 

 

 

સિંગાપોરના ગુજરાતીઓ માણે છે બેઠાં ગરબા

નવરાત્રિ આવે અને ગુજરાતીઓના પગ થનગનાટ ન કરે એવું બને? ગુજરાતીઓ એટલે ગરબા અને ગરબા એટલે ગુજરાતીઓ. ગરબાના પાક્કા રસિયા એવા ગુજરાતીઓની કળા એવી કે તાલ કોઈપણ હોય તેને તાળી વગાડી, પગના ઠેકે ગરબાની રમઝટમાં ફેરવી દે. કેટલાકની તો સંગીત સાથે સમન્વયની ફરવાની સ્ફૂર્તિ જ આપણને ઝૂમતા કરી મૂકે. ગુજરાતીઓ ધરતીના કોઇપણ ખૂણે હોય, નવરાત્રિમાં એમની આ ધગશ ધમધમે છે. સમય પ્રમાણે ગરબે ફરવાના ઉમંગને વિવિધ ગતિ મળી–ત્રણ તાળી, બે તાળી, દોઢિયું, અઢિયું, પોપટિયું, ટીંટોડો, હીંચ, ડાકલા, હુડો, ઘુમ્મર અને સનેડો. હવે તો અગણિત પગરવ શીખવે તેવા ગરબા ગુરુઓ પણ હાજર છે.

આ ઉત્સાહને વેગ ત્યારે મળે જ્યારે નવરાત્રિમાં ધરતી પર આદ્યશક્તિ માઁ નું અવતરણ થાય. માઁ ના પૂજન, અર્ચનનો ભવ્ય રત્નદીપ ભારતમાં દર વર્ષે ચાર વખત પ્રગટાવાય છે – વસંત નવરાત્રિ, અષાઢ નવરાત્રિ, શરદ નવરાત્રિ અને પુષ્ય નવરાત્રિ છે.

એમાં પણ આસો માસની શારદીય નવરાત્રિ અને ચૈત્ર માસની ચૈત્રી નવરાત્રિની ઉજવણી દૈવી ભક્તિ માટે ખાસ મનાય છે. શ્રી જગદંબાની આરાધનાના ઓરતાં સદીઓ જૂની પ્રથા છે. દીપક પ્રગટાવેલી છિદ્ર વળી માટલી– ગર્ભદીપ (મૂળ સંસ્કૃત શબ્દ)ને મધ્યમાં રાખીને તેના ફરતે તાળી વગાડીને શક્તિ સ્વરૂપ આશાપુરા, મહાકાળી, જગદંબા, બહુચર દેવીઓનું સ્મરણ કરીને ગવાય તે ગરબો.

“ગગનમંડળની ગાગરડી ગુણ ગરબી રે, તેણી રમિ ભવાની રાસ ગાઉં ગુણ ગરબી રે…”

ઈ.સ. 1721માં ભાણદાસજીએ રચેલી આ ગરબીથી ગુજરાતમાં માઁ ભવાનીના ગુણગાન ગાવાની શરૂઆત થઇ એવું મનાય છે. તે પછી અનેક કવિઓએ માઁ જગદંબાની સુંદર સ્તુતિઓ, ગરબી ગરબા, લોકગીતો રચ્યા, જેમાંના ઘણા આજે પણ ગવાય છે, જ્યારે ઘણા વિસરાઈ ગયા છે.

અચ્છા, ગરબાની વાત આવે એટલે આપણને મોટા ખુલ્લા મેદાનમાં કે શરીઓમાં મોટા ગોળ સર્કલમાં ફરીને ગરબે રમતા ખેલૈયાઓનું જ દ્રશ્ય આપણી સામે આવે, બરાબર ને?

પણ આપણે ત્યાં બેઠાં ગરબાની પણ એક ભવ્ય પરંપરા છે એ ખ્યાલ છે?

આદ્યશક્તિ કુળદેવીરૂપે સર્વત્ર પૂજાય છે, પણ બેઠા ગરબા દ્વારા જગદંબાની ભક્તિ ગાવાની પ્રણાલીની શરૂઆત નાગર જ્ઞાતિના કુટુંબોથી થઈ હતી. અને આજે પણ મોટાં ભાગે બેઠા ગરબા નાગર પરિવારોમાંજ થાય છે. આ લેખિકાને ઘરે પણ છેલ્લા ૨૮ વર્ષ થી માઁ ના બેઠા ગરબા ગુંજતા આવ્યા છે.

જગતજનની જગદંબાનું સ્થાપન કરીને, નવદુર્ગાનું સ્મરણ કરીને, ગણપતિ વંદનાથી શરૂઆત કરીને જ્યારે સખીવૃંદ દ્વારા સુરીલા કંઠે, શુદ્ધ ઉચારે, સ-વિનય માં ના ગરબા ગવાય ત્યારે ત્યાં ભોળા ભવાની સોળ સ્વરૂપે ઉતરી આવ્યા હોય તેવી ભાવના અચૂક થાય છે. આદ્યશક્તિના ગરબા ભાવપૂર્ણ હોવાની સાથે સાથે તાલબદ્ધ, સૂરબદ્ધ અને લયબદ્ધ ગવાય છે. મુખ્યત્વે રાગમાં દેશ, કાફી, બાગેશ્રી, ઝીંઝોટી, કાલીંગડા, માંડ, ખમાજ અને ગારાની છાયા હોય છે અને તાલ લોકસંગીતમાં ગાવા માટે રચાયેલા છે જેમ કે દાદરા, એકતાલ, કેહેરવા અને દીપચંદી. ગરબા શાસ્ત્રીય પદ્ધતીમાં હોય કે લોક શૈલીમાં, સમૂહગાન ભક્તિના ઉમળકાને અનેરો બનાવી દે છે. આમ તો બેઠા ગરબામાં શબ્દ, સૂર, કંઠની હલક ને તાળીઓના તાલ ગરબા ગજવી મુકે છે, પણ મોટાં પાયા પર હોય, તો ગરબાની રણકને શોભાવવા ઢોલક, હાર્મોનિયમ, મંજીરા, ખંજરીની સંગત હોય છે.

ત્રિભુવનની મહારાણી જગદંબાનું અપાર તેજ અને પરચાનું વર્ણન ના કરી શકાય એટલે એમને મહામાયા કહ્યા છે.  માઁ એ નવ દિવસ સુધી દેવી દુર્ગા સ્વરૂપે મહિષાસુર સહિત અનેક આસુરી શક્તિઓ પર આક્રમણ કરીને દસમા દિવસે સંહાર કર્યો તેથી તેઓ મહિષાસુરમર્દિની કેહવાયા. આ દુર્ગા સપ્તશતી જે માર્કંડેય પુરાણનો એક ભાગ છે તેમાં લખેલું છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહિત દેવો તેમજ ઋષિમુનીઓ જેમના ગુણ ગાય છે, તે માઁ  ભવાનીની અપાર શક્તિ, અનંત રૂપ અને સહસ્ત્ર ગુણોની ગાથા ગુજરાતના ઉચ્ચ કોટીના કવિઓના ગરબામા વણાયેલી છે.

કવિ વલ્લભ ભટ્ટ રચિત “રંગે રમે આનંદે રમે રે, આજ નવદુર્ગા રંગે રમે, આદિત્યે આવિયા અલબેલી, મંડપમાં મતવાલા રે ભમે”, અવિનાશ વ્યાસ લિખિત “માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો”, કવિ કલાપી રચિત “એચિતી આંગણામાં આવી અલબેલડી અંબાના સ્વાગત હું શા શા કરું, ભીની મારી આંખડીને ભીની હ્રિદય પાંખડી અશ્રુ અભિષેકની ધારા કરું” તેમજ “માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ માં રે” અને “ખમ્મા રે ખમ્મા મારી માવલડીને ઝગમગ ગરબાનો ઘાટ, માડીને માથે ચંદરવો”, “રક્ષા કરો જગદંબા ભાવાની, નીસદિન રટું હું તો અંબા અંબા અંબા” જેવા ગરબા સૌન ભક્તોને માઁ ના પ્રેમભાવમાં તરબોળ કરી દે છે.

આમ તો ગુજરાતીઓ જ્યાં રહેતા હોય એવો દુનિયામા કોઈ એવો ખૂણો નહીં હોય, જ્યાં ગરબાનું આયોજન ના હોય, પણ આજે આપણે વાત કરીએ સિંગાપોરમાં રહેતા ગુજરાતીઓ અને એમના દ્વારા યોજાતા બેઠા ગરબાની પરંપરાની.

બેઠા ગરબાનું આયોજન કરવામાં સિંગાપોર ગુજરાતી સમાજ મોખરે આવે. 2022માં આ જ્યારે પહલી વાર સમાજના બધા ગુજરાતીઓ માટે આયોજિત થયું ત્યારે ઘણાને બેઠા ગરબા વિષે પહલી વાર ખબર પડી. રિયાજ કરીને સુંદર સુમેળથી ગાયક વૃંદે ક્યારેક એક ઉપાડે અને બીજા ઝીલે અને સાથે પ્રેક્ષકો પણ ઝીલી શકે એમ ગરબાના શબ્દો બધાને મળી રહે તેવી વ્યવસ્થા રાખવામાં આવી હતી.

હવે જાણીએ સિંગાપોરમાં વસતા ગુજરાતીઓ આ બેઠા ગરબા વિશે શું કહે છે:

સિંગાપુર ગુજરાતી સમાજના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બીરેન દેસાઇએ કહ્યું, “હું છેલ્લા ૩૨ વર્ષ થી ગુજરાતી સમાજ સાથે અનેક સ્તરે જોડાયલો છે ને મે જોયું છે કે સમાજના લોકોને એક સાથે લાવવા અલગ અલગ ગોઠવણી કરવી પડે છે. પણ જ્યારે હ્રદયના ઉત્સાહ થી કૈંક ગોઠવાય તો લોકો પણ તેમાં આનંદથી ભાગ લે છે ને વધુ નિકટ આવે છે જેમ અમારે ત્યાં છેલ્લા ૬૫ વર્ષ થી નવરાત્રિમાં બને છે તેમ. 200 લોકો થી શરૂઆત થઈ હતી ને હવે 2000 ને સમાવવા હોલ નાનો પડે છે. થોડા વર્ષ પેહલા સમાજના સભ્ય પારૂલબેનના પ્રસ્તાવથી ગયા વર્ષે પહેલીવાર બેઠા ગરબાનું આયોજન કર્યું. અમે 350 લોકો માટેની આશા રાખેલી અને કોઈ ફી નહોતી રાખી પણ, લગભગ 420 લોકો આવ્યા. આ વર્ષે અમે સાધારણ રકમ રાખી અને પહેલા 2 અઠવાડિયામાં 450 ટિકિટ લેવાઈ ગઈ. હવે લાગે છે કે આ આંકડો 500 સુધી પહોંચી જશે. અમે માણીએ છીએ કે સમાજને જે પ્રમાણે ભાથું પીરસીશું તે પ્રમાણે ભાવ બંધાશે તો બેઠા ગરબા તે તરફ એક સુંદર પ્રયાસ છે. માઁ ની દિવ્ય ભક્તિમાં સામૂહિક વહી જવાનો કોઈ પણ ઔપચારિકતા વગરનો ભાવ છે. ગાયકો સમાજના જ સભ્યો છે જેમણે ઉમંગથી 3-4 મહિના પ્રેક્ટિસ કરીને સમાજને માઁ ના ગરબા ઝીલાવવાની જવાબદારી લીધી છે.”

મોના વસંતલાલ કહે છેઃ

માઁ ભગવતી દુર્ગાની નવ દિવસ ઉપાસના અને આરાધનાનો તહેવાર નવરાત્રિની યાદીમાં પ્રખર મારા દાદીમા સવિતામા દર વર્ષે મારી મમ્મી અને મારા કાકી કોરેલી માટલીમાં દીપ પ્રગટાવતા. નવ દિવસ સુધી દરરોજ અમારા ઘરના ફળિયાની મધ્યે, માતાના છંદ, સ્તુતિ, ગરબા ગાવા સૌ ભેળા મળતાં.

પાંચ વર્ષની હતી ત્યારથી સૌ પ્રથમ ગરબો હું ગાતી “ અંબા આવો તો રમીએ, મા મને રમતા નહીં આવડે, મા મને રમીને …”. આમ શરૂ કરી કેટલાયે ગરબા ગાતાં. લગ્ન પછી હું સિંગાપોર આવી. અહીં દર વર્ષે સિંગાપોર ગુજરાતી સમાજમાં નવરાત્રિનું આયોજન થાય છે.

ગાયક વૃંદમાં બેસી જગજનની માતા જગદંબાના ગરબા ગાવાનો એ અનુભવ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. બેલાબેન નાનસીના નેતૃત્વ હેઠળ ગુજરાતી સમાજમાં સૂર-તાલબધ્ધ બેઠા ગરબાનું આયોજન થયું અને ઓડિયન્સમા બેઠેલા તમામ લોકોએ તાળીઓથી ગરબા વધાવ્યા. માઁ ની પ્રચંડ શક્તિનો એક ઔલોકિક અનુભવ થયો. માતાની સ્તુતિ, કુળદેવીનો ગરબો, માતાના ભક્તિભાવથી ભરેલા ધીમી લયના, મધ્યમ લયના અને ચલતીમા ગરબા, થાળ, આરતી ગાવાનો અનુભવ ખૂબ જ સુંદર રહ્યો. બેઠા ગરબામાં શ્રોતાવર્ગ અને પ્રૌઢ તથા મોટી ઉંમરના શ્રોતાઓ પણ સહભાગી થઈ શકે છે. આ બદલાતા આધુનિક દોરમાં આપણી સંસ્કૃતિ, બેઠાં ગરબાની પરંપરા સિંગાપોરમાં જળવાઈ રહી છે. સિંગાપોર ગુજરાતી સમાજ દ્વારા બેઠા ગરબાનું આયોજન આ વર્ષે પણ થયું છે ને માઁ ની કૃપા થકી દર વર્ષે થશે.

મિહિર સેલરકા કહે છેઃ

પાંચ ઉપાષય દેવોમાં માતાજીની ગણના વિશિષ્ટ રીતે થાય છે. બેઠા ગરબા એક ઉજળી પરંપરા છે જ્યાં માઇ ભક્તો એક તાંતણે બંધાય છે. મહાકવિ કાલિદાસે કહ્યું છે કે “ઉત્સવ પ્રિય: ખલુ મનુષ્યા” – તેમ ગુજરાત-ભારતની બહાર પણ આ ઉત્સવ ખૂબજ ઉમંગ થી આજે પણ ઉજવાય છે. એનું એક કારણ એ પણ છે કે જગદંબા એ સમસ્ત જન-સમુદાયને જોડનારી મહા-શક્તિ છે અને એટલેજ વિભિન્ન ધર્મોમાં તેનો મહિમા ખૂબ ગવાયો છે.

ગુજરાતની ઉમદા સંસ્કૃતિના ધરોહર સમી બેઠા ગરબાની પ્રણાલીમાં ભાગ લઈ ભક્તિ દ્વારા અંબે મા ના પ્રાકૃત ગુણો સ્વમાં પ્રગટે એનો ગર્વ છે!

સ્નેહલ નાગર કહે છેઃ

માઁ ના પ્રેમમાં તરબતર થઇ સમગ્ર ગરબા મંડળના સ્વરે આનંદ અને ભક્તિનો અનુભવ એટલે “બેઠા ગરબા”. દર વર્ષે ભાદરવા માસમાં – બાંસવાડા થી અંબાજી – સતત દસ દિવસો સુધી સૌ ચાલતા જઈને અંબાજીના શક્તિપીઠ પર જગત જનની માઁ અંબાના જય ઘોષ સાથે પ્રેમ અને ભાવ થી માઁ ને મળવાનો આનંદ નાદ એટલે “બેઠા ગરબા”.

નાગરોનો વારસો અને ઓળખ, એવા આ બેઠા ગરબાનો મેં આ બંને સ્વરૂપોમાં બાળપણ થી અનુભવ કર્યો છે. અમે દર શુભ પ્રસંગે અમારા ગરબા મંડળ અને પરિવારજનો સાથે માતાજીનું પ્રેમ પૂર્વક આહ્વાન કરતા અને ગરબા સ્વરૂપે પોતાની લાગણીયોને માતાજીની સમક્ષ રજુ કરીને એક અલગ આનંદ અનુભવતા.

મારું સૌભાગ્ય છે કે મારી માઁ સાથેની યાદો, સિંગાપોર ગુજરાતી સમાજ દ્વારા આયોજિત બેઠા ગરબા થકી જાગ્રત રહી છે.

(પારુલ ત્રિવેદી-શાહ, સિંગાપોર)

 

સિંગાપોરના ગુજરાતીઓ કઇ રીતે માણે છે બેઠાં ગરબા એની વિડીયો ઝલક માટે કરો ક્લિકઃ

જિંદાલ પાવર ગો ફર્સ્ટને ખરીદવાની રેસમાં સૌથી આગળ

નવી દિલ્હીઃ મહિનાઓથી બંધ પડેલી એરલાઇન ગો ફર્સ્ટ કેરિયરને ખરીદવામાં નવીન જિંદાલની જિંદાલ પાવર લિ.એ રસ દાખ્વ્યો છે. આ એરલાઇન કંપની વાડિયા ફેમિલીની માલિકીની છે અને એ દેશની સૌથી પહેલી કોમર્શિયલ એરલાઇન છે. જેણે સ્વેચ્છાએ નાદારી સંરક્ષણની માગ કરી છે.

શેરબજાર પર લિસ્ટ નહીં થયેલીં જિંદાલ પાવરે એરલાઇનને એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EoI) સુપરત કર્યું છે, જેની માલિકી વર્લ્ડ વન પ્રા. લિ.ની પાસે છે, જે જિંદાલની નજીકની કંપની છે. જોકે આ વિશે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે જિંદાલ પાવર એરલાઇનને હસ્તગત કરવા ઇચ્છે છે કે નહીં અથવા ગો ફર્સ્ટમાં વ્યૂહાત્મક મૂડીરોકાણ કરવા ઇચ્છે છે, એમ સૂત્રોએ કહ્યું હતું. કંપનીઓ દ્વારા EoI જમા કરાવવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર હતી. જિંદાલ સિવાય બે વધુ વિદેશી કંપનીઓએ EoI જમા કર્યા હતા, પરંતુ લેણદારો દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડોને પૂરા કરવામાં નિષ્ફળ રહેવાને કારણે તેમની અરજી કાઢી નાખવામાં આવી હતી. ત્યાર બાદ એરલાઇનના રિઝોલ્યુશન પ્રોફેશનલ્સે કેરિયરના વેચાણ માટે EOI આમંત્રિત કર્યા હતા.

નામ ના છાપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર, કાયદાકીય ઇકોસિસ્ટમ અને નિયામકો એરલાઇનને બચાવવા માટે કાનૂની પાસાં અને દરેક સંભવિત પ્રયાસો પર ઝડપથી આગળ વધી રહ્યા છે. એરલાઇન પાસે લેણદારોના રૂ. 20,000 કરોડથી વધુનાં લેણાં બાકી છે.

ગો ફર્સ્ટે નાણાકીય સંકટને કારણે અને એન્જિન સંબંધી સમસ્યાઓને કારણે ત્રીજી મેએ ઉડાન બંધ કરી દીધી હતી અને હાલ કંપની નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.

 

 

 

 

 

કોરાનાના 35 નવા કેસો, એક પણ જણનું મોત નહીં      

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 35 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,99,473 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.દેશમાં અત્યાર સુધી 5,32,035 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,096 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 342 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 18,437 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.55 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,73,014 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 128 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

બિહારમાં નોર્થઈસ્ટ એક્સપ્રેસના 21 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા; ચારનાં મરણ

પટનાઃ દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી આસામના કામખ્યા જતી નોર્થઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનને ગઈ કાલે રાતે બિહારના બુક્સર જિલ્લાના રઘુનાથપુર સ્ટેશન નજીક ભીષણ અકસ્માત નડ્યો હતો. ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાર જણ માર્યા ગયા છે અને બીજાં 50 જણ જખ્મી થયાં છે. અકસ્માતની જાણ થતાં અનેક સ્થાનિક રહેવાસીઓ કમનસીબ ટ્રેનપ્રવાસીઓની મદદે દોડી ગયા હતા. ગંભીર રીતે ઈજા પામેલા લોકોને પટનાની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દુર્ઘટનાના કારણ વિશે તપાસ હાથ ધરવામાં આવી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે બચાવ કામગીરી પૂરી થઈ ગઈ છે. પાટા પરથી ખડી પડેલા ડબ્બાઓને હટાવી લેવામાં આવ્યા છે. પ્રવાસીઓને સ્પેશિયલ ટ્રેન દ્વારા એમના મુકામે પહોંચાડવામાં આવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, હજી ગયા જૂન મહિનાની 20 તારીખે ઓડિશાના બાલાસોરમાં બે એક્સપ્રેસ ટ્રેનો અને એક ગૂડ ટ્રેનને સાંકળતો ભયંકર ટ્રેન અકસ્માત થયો હતો જેમાં 296 જણ માર્યા ગયા હતા, 176 જણને ગંભીર ઈજા થઈ હતી જ્યારે 451 જણને સામાન્ય પ્રકારની ઈજા થઈ હતી.

અમેરિકામાં વસતા ભારતીયો ઈઝરાયલની પડખે; હમાસના હુમલાને વખોડી કાઢ્યો

ન્યૂયોર્કઃ અમેરિકામાં વસતા ભારતીયોના એક અગ્રગણ્ય જૂથે ઈઝરાયલની જનતા પ્રતિ એકતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે હમાસ ઉગ્રવાદીઓએ ઈઝરાયલમાં નિર્દોષ નાગરિકો પર કરેલો હુમલો માનવતા વિરુદ્ધનો ગુનો છે. ઉલ્લેખનીય છે કે હમાસ ઉગ્રવાદીઓએ ગયા શનિવારે ગાઝા સ્ટ્રીપમાંથી ઈઝરાયલમાં અસંખ્ય રોકેટો છોડ્યા હતા. તે પછી ઈઝરાયલની સેનાએ વળતો હુમલો, આક્રમણ કરતાં ગાઝા અને પેલેસ્ટાઈનમાં અનેક લોકો માર્યા ગયા છે. આ યુદ્ધમાં કુલ 2,300 લોકો માર્યા ગયા હોવાનો અંદાજ છે.

‘ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ’ (FIIDS) સંસ્થાના ડાયરેક્ટર ખાંડેરાવ કાંદએ જણાવ્યું છે કે, ‘અમે ઈઝરાયલની જનતાની પડખે છીએ અને આ ઉશ્કેરણીવિહોણા અને અધમ હુમલાઓને વખોડી કાઢીએ છીએ. હમાસ અને જેહાદી આતંકવાદીઓનું લક્ષ્ય ઈઝરાયલનો નાશ કરવાનું છે. ત્યાંના નિર્દોષ નાગરિકો પરના હુમલા માનવતા વિરુદ્ધનો ગુનો છે. અમે હમાલના હુમલાઓને 2001ની 11 સપ્ટેમ્બરે અમેરિકા પર કરવામાં આવેલા આતંકવાદી હુમલાઓ સાથે સરખાવીએ છીએ. ઈઝરાયલ પરનો આ હુમલો 9/11 જેવો છે. દુનિયાના દેશોએ ઈઝરાયલનો અને શાંતિનો નાશ કરવાના લક્ષ્યમાં ઈસ્લામી અને જેહાદી આતંકવાદીઓને સફળ થવા દેવા ન જોઈએ. આપણે ઈઝરાયલની પડખે જ રહેવાનું છે અને એ સુનિશ્ચિત કરવાનું છે કે ઈસ્લામી દેશો જિહાદી આતંકવાદને ટેકો ન આપે.’