જિંદાલ પાવર ગો ફર્સ્ટને ખરીદવાની રેસમાં સૌથી આગળ

નવી દિલ્હીઃ મહિનાઓથી બંધ પડેલી એરલાઇન ગો ફર્સ્ટ કેરિયરને ખરીદવામાં નવીન જિંદાલની જિંદાલ પાવર લિ.એ રસ દાખ્વ્યો છે. આ એરલાઇન કંપની વાડિયા ફેમિલીની માલિકીની છે અને એ દેશની સૌથી પહેલી કોમર્શિયલ એરલાઇન છે. જેણે સ્વેચ્છાએ નાદારી સંરક્ષણની માગ કરી છે.

શેરબજાર પર લિસ્ટ નહીં થયેલીં જિંદાલ પાવરે એરલાઇનને એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EoI) સુપરત કર્યું છે, જેની માલિકી વર્લ્ડ વન પ્રા. લિ.ની પાસે છે, જે જિંદાલની નજીકની કંપની છે. જોકે આ વિશે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે જિંદાલ પાવર એરલાઇનને હસ્તગત કરવા ઇચ્છે છે કે નહીં અથવા ગો ફર્સ્ટમાં વ્યૂહાત્મક મૂડીરોકાણ કરવા ઇચ્છે છે, એમ સૂત્રોએ કહ્યું હતું. કંપનીઓ દ્વારા EoI જમા કરાવવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર હતી. જિંદાલ સિવાય બે વધુ વિદેશી કંપનીઓએ EoI જમા કર્યા હતા, પરંતુ લેણદારો દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડોને પૂરા કરવામાં નિષ્ફળ રહેવાને કારણે તેમની અરજી કાઢી નાખવામાં આવી હતી. ત્યાર બાદ એરલાઇનના રિઝોલ્યુશન પ્રોફેશનલ્સે કેરિયરના વેચાણ માટે EOI આમંત્રિત કર્યા હતા.

નામ ના છાપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર, કાયદાકીય ઇકોસિસ્ટમ અને નિયામકો એરલાઇનને બચાવવા માટે કાનૂની પાસાં અને દરેક સંભવિત પ્રયાસો પર ઝડપથી આગળ વધી રહ્યા છે. એરલાઇન પાસે લેણદારોના રૂ. 20,000 કરોડથી વધુનાં લેણાં બાકી છે.

ગો ફર્સ્ટે નાણાકીય સંકટને કારણે અને એન્જિન સંબંધી સમસ્યાઓને કારણે ત્રીજી મેએ ઉડાન બંધ કરી દીધી હતી અને હાલ કંપની નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.