આઇસી15 ઇન્ડેક્સમાં 452 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ વિશ્વની ભૂરાજકીય પરિસ્થિતિની અસર તળે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.29 ટકા (452 પોઇન્ટ) ઘટીને 34,652 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,104 ખૂલ્યા બાદ 35,109ની ઉપલી અને 34,253ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના ડોઝકોઇન સિવાયના બધા કોઇન ઘટ્યા હતા, જેમાંથી અવાલાંશ, એક્સઆરપી, પોલીગોન અને પોલકાડોટમાં 1થી 4 ટકાની રેન્જમાં ઘટાડો નોંધાયો હતો.

દરમિયાન, યુનાઇટેડ કિંગડમના અલગ અલગ રાજકીય પક્ષોના સભ્યોએ એનએફટીના સર્જકોનું કોપીરાઇટના ભંગથી રક્ષણ કરવા માટે પગલાં ભરવાનો અનુરોધ કર્યો છે. એમણે એનએફટીના ઉપયોગ સંબંધે આચારસંહિતા ઘડવાની વિનંતી કરી છે. બીજી બાજુ, ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગનું નિયમન કરવા માટે સાયપ્રસ મની લોન્ડરિંગ કાયદામાં ફેરફાર કરી રહ્યું છે. એણે ક્રીપ્ટોકરન્સી સર્વિસ પ્રોવાઇડર્સનું ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

જે. પી. મોર્ગને બ્લેકરોક દ્વારા વપરાતી બ્લોકચેઇન કોલેટરલ સિસ્ટમ – ટોકનાઇઝ્ડ કોલેટરલ નેટવર્કનો ઉપયોગ શરૂ કર્યું છે. આ સિસ્ટમની મદદથી શેરનું ટોકનાઇઝેશન કરવામાં આવશે અને ઓવર ધ કાઉન્ટર ડેરિવેટિવ્ઝ સોદાઓના કોલેટરલ માટે બાર્કલેઝને એ ટ્રાન્સફર કરવામાં આવશે.