પાકિસ્તાની ક્રિકેટર રિઝવાનની કમેન્ટ સામે ભાજપાના આકરા પ્રત્યાઘાત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિકેટકીપર-બેટર મોહમ્મદ રિઝવાને ગઈ કાલે હૈદરાબાદમાં શ્રીલંકા સામેની વર્લ્ડ કપ મેચમાં અત્યંત સશક્ત દાવ રમીને સદી ફટકારી હતી અને પાકિસ્તાનને વિક્રમસર્જક ચેઝ રિઝલ્ટમાં જીત અપાવી હતી. એણે પોતાની તે બેટિંગ અને ટીમની જીતને ગાઝામાં રહેતાં ભાઈઓ અને બહેનોને સમર્પિત કરતું નિવેદન પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કર્યું હતું. પરંતુ તેના વિધાનને કારણે ભારતમાં રાજકીય વિવાદ ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે, મધ્ય પૂર્વના ગાઝા સ્ટ્રીપમાંથી હમાસ ઉગ્રવાદીઓએ ઈઝરાયલ પર ભયાનક રોકેટ હુમલો કર્યો હતો. ઈઝરાયલે તેના વળતા જવાબ રૂપે બોમ્બ અને તોપમારો કરીને ગાઝા અને પેલેસ્ટાઈનમાં હમાસના અડ્ડાઓ પર આક્રમણ કર્યું હતું. એને કારણે બંને પક્ષે ઘણી જાનહાનિ થઈ છે. ભારતમાં ભાજપા શાસિત કેન્દ્ર સરકારે ઈઝરાયલને ટેકો આપ્યો છે.

રિઝવાનના નિવેદન વિશે પ્રત્યાઘાત આપતાં ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા આર.પી. સિંહે કહ્યું છે કે મોહમ્મદ રિઝવાને ટીમની જીતને ગાઝા કે પેલેસ્ટાઈનને સમર્પિત કરી તે દર્શાવે છે કે પાકિસ્તાન હંમેશાં આતંકવાદનું સમર્થક રહ્યું છે. આર.પી. સિંહે સવાલ કર્યો છે કે રિઝવાને આ જીત ઉઈગર મુસ્લિમોને સમર્પિત કેમ ન કરી? જેમની પર અત્યાચારો કરવાનો ચીન પર આરોપ છે.

ભાજપાના ઘાટકોપર (મુંબઈ)ના વિધાનસભ્ય રામ કદમે કહ્યું છે કે ક્રિકેટર રિઝવાનની કમેન્ટ પાકિસ્તાનની માનસિકતાનું પ્રતિક છે, જે આતંકવાદને સમર્થન આપે છે. આ બંને નેતાએ એમની કમેન્ટ અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉ સાથેની વાતચીત દરમિયાન કરી હતી.