સુવિચાર – ૧૨ ઓક્ટોબર, ૨૦૨૩
સુવિચાર – ૧૨ ઓક્ટોબર, ૨૦૨૩
૧૨ ઓક્ટોબર, ૨૦૨૩
૧૨ ઓક્ટોબર, ૨૦૨૩
રાશિ ભવિષ્ય 12/10/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.
જાગો જાગોજી, મારા આતમરામ…
કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે: “ઠંડા પહોરે ચાલવા માંડો, નહીં તો તડકા વખતે હેરાન થશો”. બારણે ટકોરા દેતી
પળને કંકુ-ચોખા લઈને પોંખી લેવાની વાત અહીં કહેવાઈ છે, કારણ કે વહી ગયેલાં નીર અને સરી ગયેલો સમય ક્યારેય પાછાં મેળવી શકાતાં નથી. ઠંડા પહોરે સોડ તાણીને સૂતો રહે છે, તેને જીવનયાત્રામાં બપોરનો આકરો તાપ વેઠવાનો વારો આવે છે. ભલે કહેવાયું કે, ‘જાગ્યા ત્યારથી સવાર’, પરંતુ જે બપોરના બાર વાગે કે સાંજના સાત વાગે જાગે છે તે સવારનો સ્ફુર્તિદાયક સૂર્યપ્રકાશ ચોક્કસ ગુમાવે છે.
લોઢું તપેલું હોય ત્યારે જ ઘણ ફટકારી દેવામાં ડહાપણ છે. લોઢું ઠરી જાય પછી સાંધો બાઝતો નથી. માટી ચાકડે ઘૂમતી હોય ત્યારે જ ઘાટ ઘડી દેવામાં શાણપણ છે. પાકે ઘડે કાંઠા ક્યારેય ચઢતા નથી. તેમ કઈંક પામવા માટે યુવાનીના ઉંબરેથી જ જીવનના મેદાનમાં છલાંગ મારવામાં સમજદારી છે. જીવનની વસંત જેવી યુવાની વીતી જાય પછી સફ્ળતાનાં પુષ્પોને ખીલવાનું અઘરું પડે છે. યુવાનીનાં વર્ષોમાં જ જીવનવિકાસ માટે વિશેષ કાળજી લેવી ઘટે છે, કારણ કે, તે સમયે ખીલતી યુવાની, વિકસતી બુદ્ધિ, શક્તિસભર ઈન્દ્રિયો છે. તેથી જ ઝવેરચંદ મેઘાણી કહે છે કે, ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ; અણદીઠી ભોમ પર, યૌવન માંડે આંખ…
વિશ્વઈતિહાસમાં ડોકિયું કરીએ તો જણાય કે યૌવનના થનગનાટે દુનિયાની તાસીર અને તસવીર બદલી છે. જેમણે જેમણે ઈતિહાસ સર્જ્યો તે બધા ઠંડા પહોરે ચાલી નીકળેલા છે. જેમ કેઃ
- અણુશક્તિનો તાગ કાઢનાર આઈનસ્ટાઈને વિજ્ઞાનની ગૂંચ ઉકેલવાનો નિર્ધાર કર્યો ત્યારે તેઓ ૧૨ વર્ષના હતા. ૧૬માં વર્ષે સાપેક્ષવાદના સિદ્ધાંત વિષે નિબંધ લખી “ઈ ઈઝ ઈક્વલ ટુ એમસી સ્ક્વેર” સમીકરણનો પાયો નાખ્યો, 26માં વર્ષે તો સિદ્ધાંત પ્રગટ કરી દીધો.
- ૧૨ વર્ષ અને ૮ મહિના રાજ્ય કરીને સમ્રાટ સિકંદર ૩૩માં વર્ષે અવસાન પામ્યો ત્યાં સુધીમાં તે અડધા વિશ્વનો વિજેતા બની ચૂક્યો હતો, ૭૦ નવાં શહેરો સ્થાપી ચૂક્યો હતો. નેપોલિયન ૨૯માં વર્ષે ફ્રાન્સનો સરમુખત્યાર થયેલો. વિલિયમ પીટ માત્ર ૨૪ વર્ષની વયે જ ઇંગ્લેન્ડનો વડાપ્રધાન બની ગયેલો.
- અમેરિકાની અશ્વેત પ્રજાની જીવનકહાણી બદલી દેનાર માર્ટિન લ્યુથર કિંગે સવાબે કરોડ નાગરિકોના અધિકારોની ચળવળ ઉપાડી, ત્યારે તેઓ માત્ર ૨૬ વર્ષના હતા. આઈ હૅવ અ ડ્રીમ એ જગપ્રસિદ્ધ વક્તવ્ય આપ્યું ત્યારે તે ૩૪ વર્ષના હતા. ૩૫માં વર્ષે તો શાંતિ માટેનું શ્રેષ્ઠ નોબેલ પ્રાઈઝ તેમના ઘરની શોભા વધારતું હતું.

ન કેવળ લૌકિક માર્ગ પરંતુ અધ્યાત્મ પથ પર પણ આવાં દષ્ટાંત નજર સમક્ષ તરવરે છે, જેમ કેઃ
- પોતાની સંતતિ અને સંપત્તિ છોડીને સિદ્ધાર્થ અદ્વિતીય સાંસ્કૃતિક ક્રાંતિના પથ પર ચાલી નીકળ્યા, ત્યારે એ વૃદ્ધ નહીં પણ યુવાન હતા. અદ્વૈત મતના પ્રણેતા શંકરાચાર્યે પોતાની સાંસ્કૃતિક યાત્રાનો પ્રારંભ યુવાનીમાં કર્યો હતો. અને સ્વામી વિવેકાનંદે શિકાગોના મંચ પર ભારતીય સંસ્કૃતિની ગરિમાની ઉદ્દઘોષણા કરી ત્યારે તેઓ ૩૦ વર્ષના હતા.
- ભગવાન સ્વામિનારાયણે સમગ્ર ભારતની ૧૨,૦૦૦ કિ.મી.ની પદયાત્રાનો પ્રારંભ ૧૧ વર્ષે કર્યો હતો અને તે કલ્યાણ યાત્રાની પૂર્ણાહુતિ કરી ત્યારે તેઓ માત્ર ૧૮ વર્ષના હતા. ૨૧ વર્ષની ઉંમરે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી.
જીવનમાં કશુંક પામવાનો શ્રેષ્ઠ સમય એટલે યુવાની, પરંતુ જીવનના ધ્યેયને હાંસલ કરવા જેણે યુવાની ગુમાવી, તેની કિંમત ટકાના ત્રણ શેર પણ રહેતી નથી. યુવાનીને બીડી-સિગારેટના ધુમાડામાં કે ઍક્ટરો-ક્રિકેટરો પાછળ ઘેલા બની વેડફી દેનાર કોઈ યુવાનને એ વિચારથી ડૂસકું ભરાઈ આવે છે કે, “મેં હજુ સુધી કંઈ કર્યું નથી?”
“જાગો જાગોજી, મારા આતમરામ; મારે તો થાવા બેઠો છે, આ ફેરો નામ”.
રામનારાયણ વિશ્વનાથ પાઠકની આ પંક્તિ પ્રત્યેક યુવાને વિચારવાની છે. ‘મારી યુવાની વેડફાઈ તો નથી રહીને?’ આ આંતરખોજ કરવાની કળા આત્મસાત્ થઈ જાય તો જીવન સાર્થક.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
વર્લ્ડ કપ: ભારતની સતત બીજી જીત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું
વર્લ્ડ કપ-2023માં ટીમ ઈન્ડિયાની જીતનો સિલસિલો જારી રહ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બુધવારે રમાયેલી મેચમાં રોહિત બ્રિગેડે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાનો આ સતત બીજો વિજય છે. આ પહેલા તેણે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 273 રનનો ટાર્ગેટ 35 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ 131 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 84 બોલનો સામનો કર્યો હતો. રોહિતે પોતાની ઇનિંગમાં 16 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલી 55 અને શ્રેયસ અય્યર 25 રન બનાવીને અણનમ રહ્યા હતા.
CWC2023. India Won by 8 Wicket(s) https://t.co/Oj9O7Gq852 #INDvAFG #CWC23
— BCCI (@BCCI) October 11, 2023
અફઘાનિસ્તાનની ઇનિંગ્સ
પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીની 80 રનની ઇનિંગના આધારે આઠ વિકેટે 272 રન બનાવ્યા હતા. શાહિદીએ અઝમતુલ્લા ઓમરઝાઈ સાથે ચોથી વિકેટ માટે 85 બોલની ઈનિંગમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 121 રનની ભાગીદારી કરી હતી. ઓમરઝાઈએ 69 બોલની ઈનિંગમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. જસપ્રીત બુમરાહે ફરી એક વખત પોતાની તીક્ષ્ણ બોલિંગથી પ્રભાવિત કરીને 10 ઓવરમાં 39 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ બે જ્યારે કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે એક-એક વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે નવ ઓવરમાં 76 રન આપીને કોઈ સફળતા મેળવી હતી.
Captain Rohit Sharma is adjudged the Player of the Match for his scintillating record-breaking century in the chase 🔝#TeamIndia register a compelling 8⃣-wicket victory over Afghanistan 👏👏
Scorecard ▶️ https://t.co/f29c30au8u#CWC23 | #INDvAFG | #MeninBlue pic.twitter.com/tlTLOk2xrF
— BCCI (@BCCI) October 11, 2023
ઓપનર ઇબ્રાહિમ ઝદરાને (22) સિરાજ સામે બીજી અને ચોથી ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા, જ્યારે રહેમાનુલ્લા ગુરબાઝે (21) પણ ઇનિંગની છઠ્ઠી ઓવરમાં આ બોલર સામે બે ચોગ્ગા ફટકાર્યા હતા. બીજા છેડેથી શાનદાર બોલિંગ કરી રહેલા બુમરાહે ઝદરાનને વિકેટકીપર લોકેશ રાહુલના હાથે કેચ કરાવ્યો હતો. પંડ્યાએ 13મી ઓવરમાં ગુરબાઝને આઉટ કરીને ભારતીય ટીમને બીજી સફળતા અપાવી હતી.
હાર્દિકનું બાઉન્સર ગુરબાઝે અંતિમ પગની બાઉન્ડ્રી પાસે ઉભેલા શાર્દુલના હાથમાં રમાડ્યું હતું. આગલી ઓવરમાં શાર્દુલે રહમત શાહ (16)ને એલબીડબ્લ્યુ આઉટ કર્યો, જેના કારણે અફઘાનિસ્તાનનો સ્કોર એક વિકેટે 63 રનથી ત્રણ વિકેટે 63 રન થઈ ગયો. આ પછી, શાહિદી અને ઓમરઝાઈએ આગામી કેટલીક ઓવરોમાં ભારતીય બોલરો સામે રક્ષણાત્મક નીતિ અપનાવી.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 16મી ઓવર પછી બંને છેડેથી બોલ સ્પિનરોને સોંપ્યો હતો. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ શરૂઆતમાં આર્થિક રીતે બોલિંગ કરી હતી. 22મી ઓવરમાં 30-યાર્ડના વર્તુળની બહાર પાંચ ફિલ્ડરો રાખવા બદલ જાડેજાના બોલને નો બોલ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ હશમતુલ્લાહ શાહિદી તેનો લાભ લઈ શક્યો ન હતો. એ જ ઓવરમાં બોલ શાહિદીના બેટની કિનારી લઈને ચાર રનમાં વિકેટની પાછળ ગયો, જે 13મી ઓવર પછી ટીમનો પ્રથમ ચાર હતો.
‘સિક્સર કિંગ’ રોહિત શર્મા વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય
રોહિત શર્માનો રેકોર્ડઃ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે માત્ર 63 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. આ રીતે રોહિત શર્મા ODI વર્લ્ડ કપ મેચોમાં ભારત માટે સૌથી ઓછા બોલમાં સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા ODI વર્લ્ડ કપ મેચોમાં ભારત માટે સૌથી ઓછા બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ કપિલ દેવના નામે હતો. કપિલ દેવે 72 બોલમાં સદી ફટકારી હતી, પરંતુ હવે રોહિત શર્માએ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

રોહિત શર્માએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા
રોહિત શર્માની વર્લ્ડ કપ મેચોમાં આ સાતમી સદી છે. આ રીતે રોહિત શર્માએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. આ પહેલા ભારત માટે વર્લ્ડ કપ મેચોમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિન તેંડુલકરના નામે વર્લ્ડ કપ મેચોમાં 6 સદી છે. રોહિત શર્મા પ્રથમ વખત વર્લ્ડ કપ 2015માં રમ્યો હતો. આ વર્લ્ડ કપમાં રોહિત શર્માએ બાંગ્લાદેશ સામે શાનદાર સદી ફટકારી હતી. આ પછી રોહિત શર્માએ વર્લ્ડ કપ 2019માં 5 સદી ફટકારી હતી. જો કે, આ રીતે ODI વર્લ્ડ કપની સાતમી સદી રોહિત શર્માના બેટમાંથી આવી છે.

કપિલ દેવે 72 બોલમાં સદી ફટકારી હતી
આ પહેલા કપિલ દેવે વર્લ્ડ કપ 1983માં ઝિમ્બાબ્વે સામે 72 બોલમાં સદીનો આંકડો સ્પર્શ કર્યો હતો. વર્લ્ડ કપ મેચોમાં ભારત માટે આ સૌથી ઝડપી સદી હતી, પરંતુ હવે રોહિત શર્માએ કપિલ દેવને પાછળ છોડી દીધા છે. જો કે ભારત-અફઘાનિસ્તાન મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાને જીતવા માટે 273 રનનો ટાર્ગેટ છે. સમાચાર લખાય છે ત્યાં સુધી ભારતીય ટીમે 20 ઓવરમાં 1 વિકેટે 164 રન બનાવી લીધા છે. ભારત તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલી ક્રિઝ પર છે. રોહિત શર્મા 70 બોલમાં 108 રન બનાવીને રમી રહ્યો છે. તે જ સમયે, વિરાટ કોહલી 3 બોલમાં 2 રન બનાવીને ક્રિઝ પર છે.
Video : ભારત સામેની મેચ માટે પાકિસ્તાનની ટીમ અમદાવાદ પહોંચી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. બંને ટીમો વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે. જો કે આ મેચ માટે બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે.
Pakistan team reached Ahmedabad for the clash against India….!!!
– The Greatest battle in Cricket. pic.twitter.com/Qjx2oPcFju
— Johns. (@CricCrazyJohns) October 11, 2023
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
આ પહેલા વર્લ્ડ કપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો આમને-સામને હતી. હવે આ મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ક્રિકેટ ચાહકો ભારત-પાકિસ્તાન મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે.
A note of appreciation to the Hyderabad ground staff 🤝#CWC23 | #PAKvSL pic.twitter.com/XAfWzlrxaI
— Pakistan Cricket (@TheRealPCB) October 10, 2023
પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ ટોપ પર
ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. જો કે આજે ભારત અને અફઘાનિસ્તાનની ટીમો આમને-સામને છે. બંને ટીમો વચ્ચેની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમે પોતાની પ્રથમ મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. આ પછી પાકિસ્તાની ટીમે શ્રીલંકાને હરાવ્યું. હાલમાં ન્યુઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આ સાથે જ પાકિસ્તાની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે ભારતીય ટીમ ચોથા નંબર પર છે.
પાકિસ્તાની પત્રકારોને વર્લ્ડ કપ માટે વિઝા મળ્યા
ODI વર્લ્ડ કપ વચ્ચે પાકિસ્તાન ટીમ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદમાં રમાનારી ભારત અને પાકિસ્તાન મેચને કવર કરવા માટે ઘણા પાકિસ્તાની પત્રકારોને ભારતના વિઝા મળ્યા છે. જોકે અત્યાર સુધી માત્ર પાકિસ્તાની ટીમના ખેલાડીઓને જ વર્લ્ડ કપ માટે ભારતના વિઝા મળ્યા હતા. પરંતુ હવે પત્રકારો માટે મોટી રાહત છે. એક અહેવાલ મુજબ પાકિસ્તાનના 60 થી વધુ પત્રકારોને ભારતના વિઝા મળ્યા છે. તમામ પત્રકારો અમદાવાદમાં યોજાનારી ભારત અને પાકિસ્તાન મેચને કવર કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબર શનિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. શાનદાર મેચને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

પાકિસ્તાને હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની પ્રથમ બે મેચ રમી હતી. પાકિસ્તાને બંને મેચમાં જીત નોંધાવી છે. પ્રથમ મેચ નેધરલેન્ડ સામે અને બીજી શ્રીલંકા સામે રમાઈ હતી. શ્રીલંકા સામેની મેચમાં પાકિસ્તાને ODI વર્લ્ડ કપના સૌથી મોટા લક્ષ્યનો પીછો કર્યો હતો. બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાની ટીમ 27 સપ્ટેમ્બરે ભારત પહોંચી હતી. ટીમ હૈદરાબાદ પહોંચી, જ્યાં તેણે વર્લ્ડ કપ પહેલા બંને વોર્મ-અપ મેચ રમી. હવે પાકિસ્તાન આગામી મેચ માટે અમદાવાદ જશે.

એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર થઈ હતી
આ પહેલા એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-4 સ્ટેજની મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ 228 રને જીતી લીધી હતી. ભારત તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે સદી ફટકારી હતી. બોલિંગમાં સ્પિનર કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી હતી. 2019 વર્લ્ડ કપમાં રમાયેલી મેચમાં પણ ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં આ વખતે પણ બંને વચ્ચેની સ્પર્ધા જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.
ગુજરાતમાં 14 ઓક્ટોબર બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે
ગુજરાતમાં અંબાલાલ પટેલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદની આગાહી કરી છે. જેમાં 14 ઓક્ટોબર બાદ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે. તેમજ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. તથા દિવસે ગરમી 35 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના સાથે રાતનું લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી આસપાસ રહેશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં બંને ચક્રવાતો સાથે થતા હોવાથી અરબ સાગરનો ભેજ બંગાળના ઉપસાગર તરફ જતા કદાચ અરબ સાગરનું ચક્રવાત દક્ષિણ ભારતમાં વરસાદ કરી શકે છે. પરંતુ તેની ગતિવિધિ તા.20 પછી જ ખ્યાલ આવે. હાલમાં અરબ સાગરમાં સંભવિત ચક્રવાતની હલચલ દૂર છે જે લક્ષ્યદ્વીપના ભાગો તરફ આવ્યા પછી તેની ગતિવિધિનો ખ્યાલ આવી શકે છે. સમુદ્રનું તાપમાન અન્ય ઉદ્દભવતા પરિબળોની અસર શું થાય છે તેના પર આ સંભવિત ચક્રવાતની અસર રહે. કારણકે ચોમાસું ઓટાય છે એટલે તેના પવન દક્ષિણ તરફ હડસેલાય છે.

આ ગતિવિધિના કારણે આ બાબતની અસર પણ થઈ શકે. બંગાળના ઉપસાગરમાં આંધ્ર, ઓરિસ્સા થઈને મધ્ય પ્રદેશ તરફ ચક્રવાત આવે તે નીચલા સ્તરના પવનના કારણે પાછું ઠેલાઈ શકે છે. તા.7 નવેમ્બરે પણ બંગાળના ઉપસાગર પર ચક્રવાતની અસર જોવા મળશે અને તા.16 થી 20 નવેમ્બરમાં બંગાળના ઉપસાગર ઉપર મજબૂત ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ અરસામાં દરિયા કિનારે ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા રહે. જેની અસર તળે ગુજરાતમાં વાદળવાયું આવી શકે. ચક્રવાતો બંગાળના ઉપસાગરમાં ડિસેમ્બર માસમાં પણ રહી શકે.

આ વખતે શિયાળા અંગે જોતા અલ નિનોની અસર જો થાય તો શરૂઆતનો શિયાળો હુંફાળો રહી શકે. પરંતુ 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા ઠંડી પડી શકે અને જાન્યુઆરી માસ પણ ઠંડો રહી શકે. 5મી ફેબ્રુઆરીથી ઠંડીનું જોર વધવાની શક્યતા રહેશે અને આ ઠંડી લંબાય પણ શકે છે. 12 ફેબ્રુઆરી અને તે પછી પણ ઠંડી રહી શકે છે. ફેબ્રુઆરી માસમાં લઘુત્તમ ઉષ્ણતામાન ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં 8 ડિગ્રીથી નીચું જવાની શક્યતા રહેશે. ભુજ-નલિયામાં 7 ડિગ્રી થવાની શક્યતા રહેશે.


