જાગો જાગોજી, મારા આતમરામ…

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે: “ઠંડા પહોરે ચાલવા માંડો, નહીં તો તડકા વખતે હેરાન થશો”. બારણે ટકોરા દેતી પળને કંકુ-ચોખા લઈને પોંખી લેવાની વાત અહીં કહેવાઈ છે, કારણ કે વહી ગયેલાં નીર અને સરી ગયેલો સમય ક્યારેય પાછાં મેળવી શકાતાં નથી. ઠંડા પહોરે સોડ તાણીને સૂતો રહે છે, તેને જીવનયાત્રામાં બપોરનો આકરો તાપ વેઠવાનો વારો આવે છે. ભલે કહેવાયું કે, ‘જાગ્યા ત્યારથી સવાર’, પરંતુ જે બપોરના બાર વાગે કે સાંજના સાત વાગે જાગે છે તે સવારનો સ્ફુર્તિદાયક સૂર્યપ્રકાશ ચોક્કસ ગુમાવે છે.

લોઢું તપેલું હોય ત્યારે જ ઘણ ફટકારી દેવામાં ડહાપણ છે. લોઢું ઠરી જાય પછી સાંધો બાઝતો નથી. માટી ચાકડે ઘૂમતી હોય ત્યારે જ ઘાટ ઘડી દેવામાં શાણપણ છે. પાકે ઘડે કાંઠા ક્યારેય ચઢતા નથી. તેમ કઈંક પામવા માટે યુવાનીના ઉંબરેથી જ જીવનના મેદાનમાં છલાંગ મારવામાં સમજદારી છે. જીવનની વસંત જેવી યુવાની વીતી જાય પછી સફ્ળતાનાં પુષ્પોને ખીલવાનું અઘરું પડે છે. યુવાનીનાં વર્ષોમાં જ જીવનવિકાસ માટે વિશેષ કાળજી લેવી ઘટે છે, કારણ કે, તે સમયે ખીલતી યુવાની, વિકસતી બુદ્ધિ, શક્તિસભર ઈન્દ્રિયો છે. તેથી જ ઝવેરચંદ મેઘાણી કહે છે કે, ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ; અણદીઠી ભોમ પર, યૌવન માંડે આંખ…

વિશ્વઈતિહાસમાં ડોકિયું કરીએ તો જણાય કે યૌવનના થનગનાટે દુનિયાની તાસીર અને તસવીર બદલી છે. જેમણે જેમણે ઈતિહાસ સર્જ્યો તે બધા ઠંડા પહોરે ચાલી નીકળેલા છે. જેમ કેઃ

  • અણુશક્તિનો તાગ કાઢનાર આઈનસ્ટાઈને વિજ્ઞાનની ગૂંચ ઉકેલવાનો નિર્ધાર કર્યો ત્યારે તેઓ ૧૨ વર્ષના હતા. ૧૬માં વર્ષે સાપેક્ષવાદના સિદ્ધાંત વિષે નિબંધ લખી “ઈ ઈઝ ઈક્વલ ટુ એમસી સ્ક્વેર” સમીકરણનો પાયો નાખ્યો, 26માં વર્ષે તો સિદ્ધાંત પ્રગટ કરી દીધો.
  • ૧૨ વર્ષ અને ૮ મહિના રાજ્ય કરીને સમ્રાટ સિકંદર ૩૩માં વર્ષે અવસાન પામ્યો ત્યાં સુધીમાં તે અડધા વિશ્વનો વિજેતા બની ચૂક્યો હતો, ૭૦ નવાં શહેરો સ્થાપી ચૂક્યો હતો. નેપોલિયન ૨૯માં વર્ષે ફ્રાન્સનો સરમુખત્યાર થયેલો. વિલિયમ પીટ માત્ર ૨૪ વર્ષની વયે જ ઇંગ્લેન્ડનો વડાપ્રધાન બની ગયેલો.
  • અમેરિકાની અશ્વેત પ્રજાની જીવનકહાણી બદલી દેનાર માર્ટિન લ્યુથર કિંગે સવાબે કરોડ નાગરિકોના અધિકારોની ચળવળ ઉપાડી, ત્યારે તેઓ માત્ર ૨૬ વર્ષના હતા. આઈ હૅવ અ ડ્રીમ એ જગપ્રસિદ્ધ વક્તવ્ય આપ્યું ત્યારે તે ૩૪ વર્ષના હતા. ૩૫માં વર્ષે તો શાંતિ માટેનું શ્રેષ્ઠ નોબેલ પ્રાઈઝ તેમના ઘરની શોભા વધારતું હતું.

ન કેવળ લૌકિક માર્ગ પરંતુ અધ્યાત્મ પથ પર પણ આવાં દષ્ટાંત નજર સમક્ષ તરવરે છે, જેમ કેઃ

  • પોતાની સંતતિ અને સંપત્તિ છોડીને સિદ્ધાર્થ અદ્વિતીય સાંસ્કૃતિક ક્રાંતિના પથ પર ચાલી નીકળ્યા, ત્યારે એ વૃદ્ધ નહીં પણ યુવાન હતા. અદ્વૈત મતના પ્રણેતા શંકરાચાર્યે પોતાની સાંસ્કૃતિક યાત્રાનો પ્રારંભ યુવાનીમાં કર્યો હતો. અને સ્વામી વિવેકાનંદે શિકાગોના મંચ પર ભારતીય સંસ્કૃતિની ગરિમાની ઉદ્દઘોષણા કરી ત્યારે તેઓ ૩૦ વર્ષના હતા.
  • ભગવાન સ્વામિનારાયણે સમગ્ર ભારતની ૧૨,૦૦૦ કિ.મી.ની પદયાત્રાનો પ્રારંભ ૧૧ વર્ષે કર્યો હતો અને તે કલ્યાણ યાત્રાની પૂર્ણાહુતિ કરી ત્યારે તેઓ માત્ર ૧૮ વર્ષના હતા. ૨૧ વર્ષની ઉંમરે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી.

જીવનમાં કશુંક પામવાનો શ્રેષ્ઠ સમય એટલે યુવાની, પરંતુ જીવનના ધ્યેયને હાંસલ કરવા જેણે યુવાની ગુમાવી, તેની કિંમત ટકાના ત્રણ શેર પણ રહેતી નથી. યુવાનીને બીડી-સિગારેટના ધુમાડામાં કે ઍક્ટરો-ક્રિકેટરો પાછળ ઘેલા બની વેડફી દેનાર કોઈ યુવાનને એ વિચારથી ડૂસકું ભરાઈ આવે છે કે, “મેં હજુ સુધી કંઈ કર્યું નથી?”

“જાગો જાગોજી, મારા આતમરામ; મારે તો થાવા બેઠો છે, આ ફેરો નામ”.

રામનારાયણ વિશ્વનાથ પાઠકની આ પંક્તિ પ્રત્યેક યુવાને વિચારવાની છે. ‘મારી યુવાની વેડફાઈ તો નથી રહીને?’ આ આંતરખોજ કરવાની કળા આત્મસાત્ થઈ જાય તો જીવન સાર્થક.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)