તમે તમારા કટ્ટર શત્રુને ઓળખો છો?

દુશ્મન… ત્રણ અક્ષરનો શબ્દ. આ શબ્દનું એક ચિત્ર માનવીના મનમાં કંઈ આવું હોય છેઃ હાકોટાપડકારા કરતો, હાથમાં અસ્ત્રશસ્ત્ર લઈને મારવા માટે તત્પર, આપણામાં ભય ઊભો કરનાર, વગેરે વગેરે. આ તો સર્જાયું બહારના દુશ્મન કે શત્રુનું ચિત્ર, પરંતુ આપણી અંદર પણ એક વિકરાળ શત્રુ છુપાયેલો છે એની તમને ખબર છે આ શત્રુ ભાગ્યે જ જિતાય છે. એ અજેય છે. આવા અકલ્પનીય એનિમીનું નામ છેઃ માન. માનવીની અંદર બેઠેલો માન રૂપી શત્રુ વ્યાવહારિક જીવનમાં પ્રગટ થઈને ડગલે ને પગલે તેનું અહિત કરતો આવ્યો છે.

આ શત્રુ કઈ હદે આપણું નુકસાન કરી શકે એ આ કથા વાંચીને ખ્યાલ આવેઃ કોઈ એક દેશમાં એક મહાન શિલ્પી વસે. એ એવાં શિલ્પ-પ્રતિમા કંડારતો, જાણે હમણાં બોલી ઊઠશે. દૂરસુદૂરથી લોકો એની પાસે શિલ્પ બનાવડાવવા આવતા. કાલાંતરે શિલ્પીના મૃત્યુનો સમય નજીક આવ્યો. એણે યમના દૂતોને છેતરવાનો નિર્ણય લીધો. એણે પોતાના જેવી સાત મૂર્તિ કંડારી. સાતેસાતને એક હરોળમાં સૂવડાવી. એમાં બે મૂર્તિની વચ્ચે પોતે સૂઈ ગયો. યમના દૂતો શિલ્પીના આત્માને લેવા આવ્યા ત્યારે એકને બદલે એકસરખાં આઠ શિલ્પી (સાત શિલ્પ અને એક એ પોતે) જોઈને મૂંઝવણમાં પડી ગયા. બહુ ઝીણવટથી નિરીક્ષણ કરવા છતાં સાચો શિલ્પી ઓળખાયો જ નહીં એટલે દૂતો યમરાજ પાસે પરત ગયા અને પોતાની મૂંઝવણ વ્યક્ત કરી. યમરાજાએ એમને એક યુક્તિ બતાવી. બધું સમજીને દૂત ફરી શિલ્પીના ઘરે આવ્યા. આઠેઆઠ શિલ્પીની આસપાસ ફરી ફરીને મુખ્ય દૂત જરા મોટેથી બોલ્યાઃ ‘આ શિલ્પીએ કારીગરી તો સરસ કરી છે, પણ એક મોટી ભૂલ રહી ગઈ છે.’

તરત શિલ્પી ઊભો થઈ ગયોઃ ‘સવાલ જ નથી. હું ભૂલ કરું? ક્યાં છે ભૂલ, બતાવો?’

ખરેખર તો શિલ્પી નહીં, એનું માન ઊભું થઈ ગયું.

દૂતોએ કહ્યું: ‘આ જ તારી ભૂલ.’ પછી એના આત્માને ખેંચીને લઈ ગયા.

એટલે જ કહ્યું છે: અહં, તું જ મૃત્યુ છે. અરે, મરીને નહીં, જીવતાં પણ માનને લીધે મનુષ્ય પાપની શૃંખલા સર્જે છે. સંત તુલસીદાસજી જણાવે છેઃ દયા ધરમ કો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન; તુલસી દયા ન છોડિયે જબ લગ ઘટ મેં પ્રાન…

ધર્મના મૂળમાં દયા છે તો એની સામેના છેડાનાં કર્મ-પાપનાં મૂળમાં અભિમાન છે… તુલસીદાસજીએ અભિમાનને સૌથી મોટો દુર્ગુણ બતાવ્યો છે. ક્રૂરતાને બદલે અભિમાનને દયાવિરોધી વૃત્તિ ગણાવીને એ સૂચવે છે કે અભિમાન તો ક્રૂરતાથી પણ ચડિયાતો દુર્ગુણ છે.

અહંકારથી સ્પર્ધા-હરીફાઈનો ભાવ જાગે છે ને એમાંથી વેરની ખતરનાક વૃત્તિ ઉદભવે છે. અભિમાન પર હુમલો થતાં માણસનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠે અને તરત જ કલહનો દાવાગ્નિ સળગી ઊઠે. અહંકારના કારણે લડાયેલાં યુદ્ધોન દાખલા ઈતિહાસમાં શોધવા જવા પડે એમ નથી.

મધ્યકાલીન ઈતિહાસમાં ભારતના રાજાઓના અહ્મ અને પતનના ઘણા દાખલા જોવા મળે છે. પૃથ્વીરાજ અને જયચંદ વચ્ચેનું વેર અભિમાનનું પરિણામ છે. પૃથ્વીરાજ શાહબુદ્દીન ઘોરીના હાથે પરાજય પામ્યો એનું કારણ પણ અભિમાન!

આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારીએ તો આત્મા અને પરમાત્માના જોડાણ વચ્ચે અભિમાનનો ખડક જ અંતરાય રૂપ થઈ પડે છે. અહંકારમાંથી રાગદ્વેષ ઉદ્ભવે છે, મારા-તારાનો ભેદ સર્જાય છે અને માયાનું સર્જન થાય છે. અહંકારના નાશ સાથે માયા નાશ પામે છે, પરિણામે આત્મા બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે છે, પરંતુ માણસ અજ્ઞાનતાને કારણે ‘હું ભાવ’ છોડતો નથી.

નરસિંહ મહેતા લખે છેઃ હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા… શકટનો ભાર જેમ શ્વાન તાણે.

જીવનમાંથી ‘હુંભાવ’ દૂર થાય ત્યારે જ બ્રહ્મનો પ્રકાશ રેલાય છે. અજ્ઞાન તિમિરને હરવા માટે આ એક દિવ્ય તેજપુંજની આવશ્યક્તા છે. હું કાંઈ નથી, બધા મારાથી મોટા છે. એવી ભાવનાનો સતત આલોચ જ માનરૂપી શત્રુને હણી શકે છે.

સને ૧૯૮૬માં સારંગપુરમાં ૫. પૂ. પ્રમુખસ્વામી મહારાજનો ઈન્ટરવ્યુ લેવાતો હતો. સભામાં વિશાળ જનમેદની વચ્ચે સ્વામીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યોઃ સ્વામીજી, આપને શું થવું ગમે?” સ્વામીશ્રી તરત બોલ્યા, ‘અમને સેવક થવું ગમે.’

આમ, સેવા અને દાસત્વનો બોધ આપીને સ્વામીશ્રીએ માનરૂપી શત્રુથી પરાભવ ન પામવાનો શાશ્વત ઉપાય બતાવી દીધો.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)