સ્વભાવ નામના દુશ્મન સાથે વેર બાંધો…

ગ્રીક ફિલૉસૉફર એરિસ્ટોટલનું આ એક વિધાન અવારનવાર ટાંકવામાં આવે છેઃ “મૅન ઈઝ અ સોશિયલ એનિમલ અર્થાત્ માણસ પણ એક રીતે જોતાં સામાજિક પ્રાણી છે. તો માનવસ્વભાવ અથવા માનવતાની વ્યાખ્યા કરતાં કોઈએ કહ્યું કે મૅન ઈઝ અ રૅશનલ ઍનિમલ અર્થાત્ મનુષ્ય એક બુદ્ધિશાળી પ્રાણી છે, તો ત્રીજાએ કહ્યું કે મૅન ઈઝ અ મ્યુઝિકલ ઍનિમલઃ મનુષ્ય એક સંગીતમય પ્રાણી છે. માનવીની, માનવસ્વભાવ વિશેની આવી કંઈકેટલી, જુદી જુદી વ્યાખ્યા વિશ્વ સમસ્તમાં થઈ છે. આના મૂળમાં માણસમાં રહેલા જુદા જુદા સ્વભાવ છે. એ સ્વભાવના અનુભવથી લોકો માણસને ઓળખતા આવ્યા છે, ઓળખાવતા આવ્યા છે, માટે આવી અનેક ઓળખાણોના સરવાળા રૂપે કહેવું હોય તો એટલું જ કહી શકાય કે મૅન ઈઝ અ ટેમ્પરામેન્ટલ ઍનિમલઃ માણસ એ મૂળ તો સ્વભાવયુક્ત પ્રાણી છે.

 

જાતજાતના ને ભાતભાતના સ્વભાવોનું ઘર એટલે માણસ પોતે! મધ જેવા મીઠા ને મરચાં જેવા તીખા સ્વભાવ એમાંથી તમને મળે. તૂરા ને બૂરા, ખારા ને ખોરા સ્વભાવ ને પણ મળી આવે તો નવાઈ નહીં પામવાની. એ તમને યાદ પણ કરશે ને તમારી સામે રિયાદ પણ કરશે. એ લાગણીઓ પણ વ્યક્ત કરશે ને માગણીઓ પણ મૂકશે. એ નિંદા માટે પણ મોં ખોલી શકે છે ને પ્રશંસા માટે પણ! એ મારવા માટે પણ હાથ લંબાવી જાણે છે ને તારવા માટે પણ.

વળી, યુગ અને જમાનાની ઓળખાણ પણ મનુષ્યના સ્વભાવ ઉપરથી કરવામાં આવે છે.

ઈજિપ્તના પિરામિડોનું ઐતિહાસિક સંશોધન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ કરતાં કેટલાક એવા અવશેષો મળી આવ્યા કે જેના પર કંઈક લખેલું હતું. પ્રાચીન લિપિના નિષ્ણાતોએ હજારો વર્ષો પૂર્વેના એ લખાણને વાંચ્યું તો તેમાં એક જગ્યાએ એમ લખેલું હતું કે ‘અત્યારે જમાનો બગડી ગયો છે. આજથી વર્ષો પહેલાંનો જમાનો ખૂબ સારો હતો.’

આશ્ચર્યની વાત તો એ છે કે આજથી હજારો વર્ષ પૂર્વે લોકો જે બોલતા હતા એવાં વિધાનો આજે પણ લોકો બોલે છે. અર્થાત્ કદાચ પ્રવૃત્તિઓ બદલાઈ હશે પણ વૃત્તિ તો એની એ જ છે. હા, સ્વભાવ કે પ્રકૃતિ એ અનાદિકાળથી આપણી સાથે જ છે.

ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગ્રંથમાં સમજાવે છે કે…જીવે જે પૂર્વજન્મના વિશે કર્મ કર્યાં છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળાં એકરસ થઈ ગયાં છે. જેમ લોઢાના વિશે અગ્નિપ્રવેશ થઈ જાય તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યા એવાં કર્મને જ સ્વભાવ કહીએ અને તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ.’

આમ, કોટિકલ્પથી આ સ્વભાવ માણસમાં લોહીની જેમ વણાઈ ગયા છે. ગંભીરતાપૂર્વક વિચારીએ તો જણાઈ આવશે વિશ્વનાં ભયાનક યુદ્ધો, પારિવારિક સંબંધોમાં તિરાડ, વ્યાવસાયિક સ્થળોમાં પક્ષપાત, શાસનમાં પડ્યુંત્ર વગેરેનાં મૂળ તો કામ, ક્રોધ, માન, મોહ, ઈર્ષ્યા જેવા માણસના સ્વભાવો જ છે. હા, દ્વિતીય વિશ્વયુદ્ધની પાછળ હિટલરનો અહંકાર હતો તો પાણિપતની પડતી માટે ભારતીય રાજાઓના શંકાળુ અને ક્રોધી સ્વભાવો હતા. રાવણના કામદોષે રામાયણના કામદોષે રામાયણ સર્જ્યું તો મહાભારતના સંગ્રામમાં દુર્યોધનનો ઈર્ષાળુ સ્વભાવ જવાબદાર હતો. સ્પષ્ટ છે કે જ્યાં સુધી આ સ્વભાવો આપણામાંથી દૂર નથી થતા ત્યાં સુધી સુખમય જીવનની કલ્પના અશક્ય છે.

આવા મહાભયાનક શત્રુને દૂર કરવાનો ઉપાય બતાવતાં વચનામૃત જણાવે છે …માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય, તે સ્વભાવ સાથે સીધું દ્રઢ વેર બાંધીને તેનું મૂળ ઊખડી જાય એવો ઉપાય કરવો. અને જ્યારે હરિની ને હરિભક્તની જે ઉપર દયા થાય ત્યારે પોતાના શત્રુ, જે કામ, ક્રોધ, લોભાદિક તેનું બળ ઘટી જાય છે. માટે સ્વભાવ સાથે અતિશય વેર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે.’

હા, અત્યાર સુધી આપણે સ્વભાવોને મિત્ર માનીને પંપાળતા રહ્યા, પરિણામે તે વધુ ગાઢ બનતા ગયા, પરંતુ જો શાશ્વત સુખ અને શાંતિ તરફ વળવું હોય તો સ્વભાવો સાથે વેર બાંધવું જ રહ્યું.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)