નવરાત્રીઃ આયોજકોએ ભાવિકો, સહભાગીઓનાં આરોગ્યની ફરજિયાત કાળજી લેવી પડશે

મુંબઈઃ આગામી નવરાત્રી મહોત્સવ પૂર્વે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કેટલાક નવા આદેશ બહાર પાડ્યા છે અને જિલ્લા અધિકારીઓને સૂચના આપી છે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ગરબા-દાંડિયા રાસ કાર્યક્રમોનું આયોજન કરનારાઓએ સહભાગી થનાર ભાવિકો અને લોકોનાં આરોગ્યની કાળજી લેવાની રહેશે. તમામ દાંડિયા-ગરબા આયોજકો માટે કાર્યક્રમ સ્થળોએ પ્રાથમિક આરોગ્ય સુવિધા અને એમ્બ્યુલન્સ તૈનાત કરવાનું ફરજિયાત રહેશે.

શિંદે-ફડણવીસ સરકારે નવરાત્રીના તહેવારના નવ દિવસો દરમિયાન ભાવિકોના આરોગ્યને પ્રાધાન્ય આપ્યું છે. નવરાત્રી કાર્યક્રમોનું ઘણી વાર રાજકીય પક્ષો તરફથી પણ આયોજન કરવામાં આવતું હોય છે. મહાનગરપાલિકા, નગરપાલિકા તરફથી આયોજકોને પ્રાથમિક આરોગ્ય સુવિધા ઉપલબ્ધ તો કરવામાં આવે છે, પરંતુ તે છતાં ઘણી વાર આયોજકો તેની બેપરવા બનીને તેની અવગણના કરતા હોય છે. પરંતુ હવે રાજ્ય સરકાર કડક બની છે અને આયોજકો માટે કાર્યક્રમ સ્થળે પ્રાથમિક ઉપચાર સુવિધા અને તમામ તબીબી સુવિધાઓથી સુસજ્જ એમ્બ્યુલન્સ તૈનાત કરવાનું ફરજિયાત બનાવ્યું છે. ગરબા-દાંડિયા રાસ વખતે ઘણા ભાવિકો ભાન ભૂલીને નાચતા હોય છે, એને કારણે કેટલીક વાર એમના હૃદય પર અતિરિક્ત તાણ ઊભી થવાથી હૃદયરોગનો હુમલો આવવા જેવી ઘટના બનતી હોય છે. કોરોનાવાઈરસ રોગચાળા બાદ ઘણા લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોવાથી જુદી જુદી શારીરિક તકલીફોથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. તે બાબતને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન શિંદેએ તમામ જિલ્લા અધિકારીઓને સ્પષ્ટ અને કડક સૂચના આપી છે.