મુંબઈમાં ઠંડી ક્યારે શરૂ થશે? હવામાન વિભાગનું અપડેટ જાણો…

મુંબઈઃ મહારાષ્ટ્રમાંથી ચોમાસાની ઋતુએ વિદાય લીધી છે તે સાથે જ ‘ઓક્ટોબર હીટ’ રૂપે ખૂબ ગરમી પડી રહી છે. આગામી કેટલાક દિવસોમાં રાજ્યમાં હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. હવામાન વિભાગે એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે આવનારા દિવસોમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 35 ડિગ્રી પર જઈ શકે છે. આમાં વિદર્ભ વિસ્તારના નાગપૂર, ચંદ્રપૂર, ગડચિરોલી, અકોલા, બુલઢાણા, અમરાવતી, મરાઠવાડા વિસ્તારના છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, નાંદેડ, ધારાશીવ અને લાતૂર જિલ્લાનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના છે. કોકણ વિસ્તારના સિંધુદુર્ગ, રાયગડ અને રત્નાગિરી જિલ્લાઓમાં તાપમાન સ્થિર રહેશે. ઉત્તર મહારાષ્ટ્રના જિલ્લાઓમાં તાપમાન ધીમે ધીમે વધશે.

તો રાજ્યમાં ઠંડીની શરૂઆત ક્યારે થશે?

રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઓક્ટોબરના આખરી સપ્તાહ સુધી ગરમીના પ્રમાણમાં વધારો થતો રહેશે. તે પછી નવેમ્બરના પહેલા અઠવાડિયાથી ગરમીનો પારો નીચે આવવાની શરૂઆત થશે અને ઠંડી વધશે.