મુંબઈ, ઠાણે, કચ્છમાં EDની મોટી કાર્યવાહી; 315 કરોડની સંપત્તિ જપ્ત

મુંબઈઃ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)ના અમલદારોએ વિવિધ બેન્કો સાથે છેતરપીંડી કરવાના અને મની લોન્ડરિંગ પ્રકરણમાં મહારાષ્ટ્રમાં અનેક સ્થળે આજે દરોડા પાડ્યા છે. મહારાષ્ટ્રના મુંબઈ, ઠાણે, જળગાંવ અને સિલ્લોડમાં તેમજ ગુજરાતના કચ્છ જિલ્લામાં અમલદારોએ દરોડા પાડીને રૂ. 315 કરોડની કિંમતની 70 સંપત્તિ જપ્ત કરી છે. આમાં સોના-ચાંદીના દાગીના, સોનાની બિસ્કિટનો પણ સમાવેશ થાય છે. અમલદારોએ રાજમલ લખીચંદ જ્વેલર્સ પ્રાઈવેટ લિમિટેડ, આર.એલ. ગોલ્ડ પ્રા.લિ. અને મનરાજ જ્વેલર્સ પ્રા.લિ. કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. અમલદારોએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ભૂતપૂર્વ ખજાનચી અને ભૂતપૂર્વ રાજ્યસભા સદસ્ય ઈશ્વરલાલ શંકરલાલ જૈન, એમના પુત્ર મનીષ જૈનની સંપત્તિ જપ્ત કરી છે. સીબીઆઈ તપાસ એજન્સી દ્વારા નોંધવામાં આવેલી 3 એફઆઈઆર અંતર્ગત ઈડી અમલદારોએ આ દરોડા પાડ્યા છે. એફઆઈઆરમાં મનરાજ જ્વેલર્સ અને એના પ્રમોટરો, ડાયરેક્ટરો અને ગારન્ટરોમાં ઈશ્વરલાલ જૈન લાલવાની, મનીષ જૈન લાલવાની, પૂસાદેવી ઈશ્વરલાલ જૈન લાલવાની અને નીતિકા મનીષ જૈન લાલવાનીના આરોપી તરીકે નામ છે. એફઆઈઆરમાં એવો આરોપ છે કે ઉક્ત કંપનીઓ અને એમના ડાયરેક્ટર અને પ્રમોટરોએ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે ક્રિમિનલ ષડયંત્ર, છેતરપીંડી કરી છે.


ઉક્ત જ્વેલર્સ કંપનીઓએ વિવિધ બેન્કો સાથે છેતરપીંડી કરીને બેહિસાબ સંપત્તિ જમા કરી હોવાનો આરોપ છે. રાજમલ લખીચંદ ગ્રુપના નાશિક, ઠાણે, જળગાંવસ્થિત શોરૂમ, ઓફિસો, આવાસ સહિત 13 ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે. અધિકારીઓએ અનેક મહત્ત્વના દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.