મુંબઈમાં બે દિવસ વરસાદી વાતાવરણ રહેવાની આગાહી

મુંબઈઃ ઉત્તર દિશામાં રાજસ્થાનના ઉત્તર-પશ્ચિમ ખૂણે પર સ્થિત પશ્ચિમી વાવાઝોડા અને દક્ષિણ દિશામાં તામિલનાડુમાં સર્જાયેલા ચક્રવાતની વાતાવરણને કારણે વરસાદી વાતાવરણ નિર્માણ થયું છે. આને કારણે આજે અને આવતીકાલે બે દિવસ મુંબઈ ઉપરાંત ઠાણે, કોકણ, નાશિક, પુણે, સાતારા, સોલાપૂર, સાંગલી, કોલ્હાપૂર જેવા જિલ્લાઓમાં આકાશ વાદળછાયું રહેવાની અને અમુક ઠેકાણે મુસળધાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગના પુણે કાર્યાલયના વડા અને વિજ્ઞાની કે.એસ. હોસાળીકરે કરેલા ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે કોલ્હાપૂર સહિત કોકણ સમુદ્રકિનારા પટ્ટી પર 24 કલાકમાં મુસળધાર વરસાદ પડવાની આગાહી છે. અમુક ભાગોમાં મેઘગર્જના સાથે વરસાદ પડશે. કોકણ વિસ્તારમાં બેથી ત્રણ દિવસ સુધી મુસળધાર વરસાદ પડી શકે છે. 18 ઓક્ટોબર સુધી દેશના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. તે પછી ઠંડીનું પ્રમાણ વધશે. મુંબઈમાં આજે અને આવતીકાલે આકાશ વાદળછાયું રહેશે. તાપમાન 33-34 ડિગ્રી રહેશે, પણ બુધવારથી તાપમાન ફરી વધી શકે છે.