અમદાવાદ: શહેરના નારાયણા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સે JEE મેઈન 2026 સેશન-1ના પરિણામોમાં ફરી એકવાર ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. અમદાવાદ સેન્ટરે અદભૂત પ્રદર્શન નોંધાવ્યું છે. જેમાં સાન્વી પાટીદારે 275 માર્ક્સ સાથે ગણિતમાં 100 પર્સેન્ટાઇલ મેળવી શહેરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને ગુજરાત રાજ્યની ગર્લ્સ ટોપર તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
અમદાવાદના નારાયણા સેન્ટરમાં 8 વિદ્યાર્થીઓએ 9+ પર્સેન્ટાઇલ હાંસલ કર્યા છે. જ્યારે 25 જેટલાં વિદ્યાર્થીઓએ 99+ પર્સેન્ટાઇલ પાર કર્યું છે. બીજી તરફ 36 વિદ્યાર્થીઓએ 98+ પર્સેન્ટાઇલ મેળવીને શહેરનું નામ રોશન કર્યું છે.
1979માં ડૉ. પી. નારાયણાએ સ્થાપિત આ સંસ્થાના નિર્દેશક, ડૉ. પી. સિંધુરાએ આ ઉત્કૃષ્ટ પરિણામો અંગે જણાવ્યું કે “અમારા પરિણામો વિદ્યાર્થીઓની મહેનત અને શૈક્ષણિક આયોજનની ચોકસાઈનું પ્રતિબિંબ છે.”
JEE મેઈન્સમાં અમદાવાદની સાન્વી પાટીદાર રાજ્યમાં છોકરીઓમાં પ્રથમ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો શ્રી ખોડલધામમાં
રાજકોટ: ટેલિવિઝન જગતની લોકપ્રિય અને લાંબા સમયથી દર્શકોના દિલ પર રાજ કરતી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જાણીતા કલાકારોએ આજે સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ખોડલધામ મંદિર-કાગવડ ખાતે મા ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
17 ફેબ્રુઆરી ને મંગળવારના રોજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના જાણીતા કલાકાર કુશ શાહ (ગોલી), શરદ સાંકલા (અબ્દુલભાઈ), નીતિશ ભુલાણી (ટપુ), જતિન બજાજ (ભઈલુ)એ ખોડલધામ મંદિરે મા ખોડલના દર્શન કર્યા હતા. તમામ કલાકારોએ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને વિશેષ પૂજા-અર્ચના કરી હતી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કલાકારો મંદિરના ભવ્ય શિલ્પ સ્થાપત્ય, વિશાળ પરિસર અને સ્વચ્છતા જોઈને અત્યંત પ્રભાવિત થયા હતા.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કલાકારોનું ખેસ પહેરાવીને અને મા ખોડલની પ્રતિમા આપીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કલાકારોએ જણાવ્યું હતું કે, “અહીં આવીને એક અનોખી શાંતિ અને દિવ્ય ઊર્જાનો અનુભવ થયો છે. ગુજરાત આવીને આ અદભુત મંદિરમાં દર્શન કરવાનો લ્હાવો મળ્યો તે સૌભાગ્યની વાત છે. સમય કાઢીને દરેકે માતાજીના દર્શને જરૂર આવવું જોઈએ. અહીંયા આવીને ખૂબ જ શાંતિનો અનુભવ થયો છે. આપણા મંદિરોમાં આપણી સંસ્કૃતિ અને ધર્મના દર્શન થાય છે. શ્રી ખોડલધામ મંદિરે દર્શન કરીને અમોને ખૂબ જ અદભૂત અહેસાસ થયો છે. સમગ્ર મંદિર પરિસરમાં ખૂબ જ સુંદર સ્વચ્છતા અને વ્યવસ્થા છે. તે જોઈને પણ ખૂબ જ આનંદ થયો.” મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓએ પણ પોતાના મનપસંદ કલાકારોને રૂબરૂ જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો.
કેરળ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં પણ કોંગ્રેસમાં આંતરકલહ
નવી દિલ્હીઃ આ વર્ષે ઘણાં રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, જેમાં આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરી સામેલ છે. કોંગ્રેસને કેરળમાં સારું પ્રદર્શન કરવાની આશા છે. તામિલનાડુ અને પુડુચેરીમાં ડીએમકે સાથે ગઠબંધન હોવાથી પાર્ટીને લાગે છે કે જીતની શક્યતા મજબૂત છે. આસામમાં યુવા નેતા ગૌરવ ગોગોઇને જવાબદારી સોંપવામાં આવી છે જેથી કંઈક ચોંકાવનારાં પરિણામ મળી શકે. જ્યારે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ આ વખતે “એકલા ચાલો”ની નીતિ અપનાવી રહી છે, જ્યાં મમતા બેનર્જી સામે ભાજપ મુખ્ય પ્રતિસ્પર્ધી છે.
આસામ: ભૂપેન બોરાનું રાજીનામું અને સમાધાનનો પ્રયાસકોંગ્રેસમાં સૌથી નવું આંતરિક કલહ આસામમાં જોવા મળી રહી છે, જ્યાં પૂર્વ પ્રદેશાધ્યક્ષ ભૂપેન બોરાએ રાજીનામું આપી દીધું છે. ભૂપેન બોરા છેલ્લાં 30 વર્ષથી કોંગ્રેસમાં છે અને બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આસામમાં બોરા અને રકિબુલ હુસૈન વચ્ચે મતભેદ હોવાને કારણે તેમણે રાજીનામું આપ્યું. બાદમાં ગૌરવ ગોગોઇ, કોંગ્રેસ પ્રભારી જિતેન્દ્ર સિંહ અને રાહુલ ગાંધીના ફોન બાદ તેઓ હાલ માટે માન્યા છે. છતાં ભુપેન બોરા કોંગ્રેસમાં રહેશે કે નહીં તે સમય જ બતાવશે, કારણ કે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ તેમના માટે ભાજપના દરવાજા ખુલ્લા રાખ્યા હોવાનું કહેવાય છે.
તામિલનાડુ: ડીએમકે પર દબાણની નિવેદનબાજીથી નારાજગી
તામિલનાડુમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ છેલ્લા કેટલાક દિવસોથી ડીએમકે પર દબાણ બનાવવા માટે સત્તામાં ભાગીદારી વિશે નિવેદનો આપી રહ્યા છે. જેને કારણે ડીએમકે નેતૃત્વ નારાજ હોવાનું કહેવાય છે. ડીએમકેના એક નેતાએ કહ્યું છે કે જ્યાં સુધી કોંગ્રેસ મણિકમ ટાગોર અને પ્રવીણ ચક્રવર્તી સામે કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી તેઓ કોંગ્રેસ સાથે વાતચીત નહીં કરે. અંતિમ નિર્ણય સ્ટાલિન, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી લેશે.
કેરળ: બધું ઠીક, પરંતુ સીએમ રેસ ચાલુ
કેરળમાં હાલ પરિસ્થિતિ સ્થિર કહેવાય છે. શશિ થરુરને પણ મનાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે, છતાં મુખ્ય મંત્રી પદ માટે ઘણા દાવેદારો છે. તાજેતરમાં શશિ થરુરને કેમ્પેન કમિટીના સહ-અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે અધ્યક્ષ રમેશ ચેન્નિથલા છે. કહેવામાં આવે છે કે આ નિમણૂંક બાદ શશિ થરુર પણ મુખ્ય મંત્રી પદની રેસમાં સામેલ થયા છે. કુલ મળીને મુખ્ય મંત્રી પદ અંગે ગૂંચવણને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ આલાકમાને કહ્યું છે કે પાર્ટી સામૂહિક નેતૃત્વ હેઠળ ચૂંટણી લડશે અને મુખ્ય મંત્રીનો નિર્ણય પછી લેવામાં આવશે.
ગુજરાત સરકારે 2.19 કરોડ ખેડૂતોને ‘સોઇલ હેલ્થ કાર્ડ’ જારી કર્યા
ગાંધીનગર: ટકાઉ કૃષિને મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગ રૂપે, ગુજરાત સરકારે સોઇલ હેલ્થ કાર્ડ (SHC) યોજના હેઠળ 2.19 કરોડ ખેડૂતોને કાર્ડ જારી કર્યા. જેનો ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક માટી વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા અને પાક ઉત્પાદકતામાં સુધારો કરવાનો છે.
આ યોજના સૌપ્રથમ 2003-04માં રજૂ કરવામાં આવી હતી. જ્યારે વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ પહેલથી ગુજરાત ખેડૂતો માટે માળખાગત માટી પરીક્ષણ અને સલાહકાર કાર્યક્રમ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું. આ કાર્યક્રમનો પાછળથી 2015-16 માં દેશભરમાં વિસ્તાર કરવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, રાજ્યએ ખેડૂતોની આવક વધારવા અને જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉદ્દેશ્ય સાથે યોજનાનો અમલ ચાલુ રાખ્યો છે.
સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતોને 12 માટી પરિમાણો – નાઇટ્રોજન (N), ફોસ્ફરસ (P), પોટેશિયમ (K), pH, વિદ્યુત વાહકતા (EC), આયર્ન (Fe), કોપર (Cu), ઝીંક (Zn), ઓર્ગેનિક કાર્બન (OC), સલ્ફર (S), બોરોન (B) અને મેંગેનીઝ (Mn) ની વિગતો પ્રદાન કરે છે.
પ્રયોગશાળા વિશ્લેષણના આધારે, ખેડૂતોને યોગ્ય પ્રકાર અને ખાતરોના જથ્થા અંગે વૈજ્ઞાનિક ભલામણો મળે છે. સત્તાવાર માહિતી અનુસાર, 2003-04 અને 2010-11 વચ્ચે યોજનાના પ્રથમ તબક્કામાં ગુજરાતના 43.03 લાખથી વધુ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા હતા. 2011-12 થી 2015-16 સુધીના બીજા તબક્કા દરમિયાન, લગભગ 46.92 લાખ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા હતા. ત્રીજા તબક્કામાં, 2016-17 થી કેન્દ્ર સરકારના કાર્યક્રમ હેઠળ, રાજ્યના 1.25 કરોડથી વધુ ખેડૂતોને કાર્ડ પ્રાપ્ત થયા છે. ૨૦૨૪-૨૫માં, SHC પોર્ટલ દ્વારા કુલ ૬,૨૩,૮૪૪ માટીના નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી ૬,૨૩,૨૯૫ નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ૨૦૨૫-૨૬ માટે, ગુજરાત માટે પરીક્ષણ લક્ષ્ય ૬,૨૫,૫૧૩ નમૂના નક્કી કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૬,૧૩,૩૫૫ નમૂના એકત્રિત કરવામાં આવ્યા છે, અને ૪,૮૬,૧૪૨નું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, બાકીનાનું પરીક્ષણ ચાલી રહ્યું છે.
હાલમાં, ગુજરાતમાં કૃષિ વિભાગ હેઠળ ૧૯ માટી પરીક્ષણ પ્રયોગશાળાઓ અને એક સૂક્ષ્મ તત્વ પરીક્ષણ પ્રયોગશાળા કાર્યરત છે. દરેક પ્રયોગશાળા વાર્ષિક ૧૦,૦૦૦ થી ૧૧,૦૦૦ નમૂનાઓનું પરીક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં, સરકારી સહાયથી ગ્રામીણ સ્તરે ૨૬ ખાનગી માટી પરીક્ષણ પ્રયોગશાળાઓ સ્થાપિત કરવામાં આવી છે, જે દરેક વાર્ષિક ૩,૦૦૦ માટીના નમૂનાઓનું વિશ્લેષણ કરવા સક્ષમ છે.
મુંબઈમાં PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની મુલાકાત
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મંગળવારે ભારત પહોંચ્યા અને મુંબઈમાં વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી. આ બેઠકમાં સંરક્ષણ સહયોગ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની ધારણા છે. બંને નેતાઓ ભારત-ફ્રાન્સ નવીનતા વર્ષ 2026નું પણ લોન્ચિંગ કરશે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વહેલી સવારે મુંબઈ પહોંચ્યા અને તેમના દિવસની શરૂઆત કોસ્ટલ રોડ નજીક મરીન ડ્રાઇવ પર તેમના સુરક્ષા કર્મચારીઓ સાથે દોડીને કરી. પીએમ મોદી અને મેક્રોન ભારત-ફ્રાન્સ ઇનોવેશન યર 2026નું ઉદ્ઘાટન કરશે અને બંને દેશોના બિઝનેસ લીડર્સ, સ્ટાર્ટ-અપ્સ, સંશોધકો અને અન્ય ઇનોવેટર્સના મેળાવડાને સંબોધિત કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મેક્રોન મુંબઈના લોકભવન ખાતે એક મોટી બેઠક કરી. જ્યાં પીએમ મોદીએ તેમના મિત્ર મેક્રોનનું આલિંગન કરીને સ્વાગત કર્યું.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ભારત આવી પહોંચ્યા છે. તેઓ 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન AI ઈમ્પેક્ટ સમિટ અને દ્વિપક્ષીય સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે છે. નોંધનીય છે કે પીએમ મોદીએ તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાવવાની છે. નોંધનીય છે કે મંગળવારે ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ સોદા સહિત અનેક મોટા સોદાઓ પર હસ્તાક્ષર થઈ શકે છે. હાલમાં સમગ્ર વિશ્વ ભારત અને ફ્રાન્સ વચ્ચેના કરારો પર નજર રાખી રહ્યું છે.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના લોકભવનમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચેની મુલાકાત બાદ, ઘણા મહત્વપૂર્ણ કરારોની જાહેરાત થવાની ધારણા છે. વધુમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના જૂના સંરક્ષણ કરારને વધુ 10 વર્ષ માટે લંબાવી શકાય છે. મેક્રોનની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ સંરક્ષણ સોદાઓ પર મહોર લાગી શકે છે. આમાં સૌથી મહત્વપૂર્ણ 114 રાફેલ વિમાનનો સોદો છે. વધુમાં બંને દેશો અનેક ઘાતક મિસાઇલો માટેના સોદાઓને પણ અંતિમ સ્વરૂપ આપી શકે છે.
રાષ્ટ્રપતિ મેક્રોનની આ ભારતની ચોથી મુલાકાત છે અને મુંબઈની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. તેમણે અગાઉ માર્ચ 2018માં ભારતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ સપ્ટેમ્બર 2023માં G20 સમિટ માટે અને જાન્યુઆરી 2024માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે પાછા ફર્યા હતા. ભારત અને ફ્રાન્સ વચ્ચે 1998 થી વ્યૂહાત્મક ભાગીદારી છે, અને બંને દેશો સંરક્ષણ, ટેકનોલોજી, અવકાશ અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરે છે. આ સહયોગને આગળ વધારવા માટે આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) અનુસાર, પીએમ મોદી અને મેક્રોન વચ્ચેની વાતચીતમાં ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ થયેલી પ્રગતિની વ્યાપક સમીક્ષાનો સમાવેશ થશે.
દેશમાં AI સેક્ટરમાં બે વર્ષમાં $ 200 અબજના રોકાણની આશા: અશ્વિની વૈષ્ણવ
નવી દિલ્હીઃ દેશમાં આગામી બે વર્ષમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હિસ્સાના પાંચ લેયરમાં 200 અબજ ડોલરથી વધુનું મૂડીરોકાણ આકર્ષવા માટે તૈયાર છે, એમ આ માહિતી IT મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી હતી. ભારત AI ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે AIના વિકાસ સાથે તેના જવાબદાર વપરાશ પ્રત્યે પણ ઊંડો રસ જોવા મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે મૂડીરોકાણ AI ઇકોસિસ્ટમનાં તમામ ક્ષેત્રોમાં થઈ રહ્યું છે, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી સેક્ટરમાં. તેમણે કહ્યું હતું કે ઇન્ફ્રા લેયર અને એનર્જી લેયરમાં ભારે રોકાણના રસરુચિ દેખાઈ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સ્વચ્છ ઊર્જા સ્ત્રોતોને કારણે ભારતને મહત્વપૂર્ણ લાભ મળ્યો છે. લગભગ 51 ટકા વીજ ઉત્પાદન ક્ષમતા સ્વચ્છ સ્ત્રોતોમાંથી આવે છે, અને આ ભારત માટે મોટો લાભ છે. તેમણે જણાવ્યું હતું કે AI સ્ટેકના પાંચેય લેયરમાં મહત્વપૂર્ણ રોકાણ પ્રતિબદ્ધતાઓ જોવા મળી રહી છે, જે દેશના લાંબા ગાળાની ટેકનિકલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.
જવાબદાર AI તરફ પ્રયત્નો
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે જવાબદાર AI ડેવલપમેન્ટ અંગે સહમતી બની રહી છે. તેમણે કહ્યું હતું કે AIને સમાજ પ્રત્યે જવાબદાર બનાવવામાં રસ વધ્યો છે, જેથી નવી ટેક્નોલોજીના લાભ મળી શકે અને સંભવિત નુકસાન ટાળી શકાય. આ દિશામાં ધીમે-ધીમે સહમતી વિકસતી જાય છે.
તેમણે આગળ કહ્યું હતું કે અમે વૈશ્વિક નેતાઓ વચ્ચે આ બાબતે સહમતી ઊભી કરવા પ્રયત્ન કરીશું કે AIનો યોગ્ય અને લાભદાયક ઉપયોગ કેવી રીતે કરવો, જેથી માનવજાતને ફાયદો થાય અને ખોટા ઉપયોગથી થતા નુકસાનને અટકાવી શકાય.
ટેલેન્ટ ડેવલપમેન્ટ પર ખાસ ધ્યાન
મંત્રીએ જણાવ્યું હતું કે AI આધારિત ટેક્નોલોજી તરફના પરિવર્તનને સંભાળવા માટે ભારત ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. IT ઉદ્યોગ ભારતના સૌથી મોટા ટ્રેન્ડ્સમાંનો એક છે. તેમણે કહ્યું હતું કે જ્યારે ટેક્નોલોજીમાં ફેરફાર થાય છે, ત્યારે ઉદ્યોગ, શૈક્ષણિક જગત અને સરકારને મળીને તેને સંભાળવું પડે છે. હાલમાં અમે ત્રણ મોરચા પર કામ કરી રહ્યા છીએ.
14 ભૂતપૂર્વ કેપ્ટનોએ ઇમરાન ખાન માટે શહબાઝ શરીફને લખ્યો પત્ર
નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને 1992 વર્લ્ડ કપવિજેતા કેપ્ટન ઇમરાન ખાનની જેલમાં બગડતી તબિયતને કારણે વિશ્વભરના દિગ્ગજ ક્રિકેટરોમાં ચિંતા ફેલાઈ છે. મંગળવારે વિશ્વના 14 ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય કેપ્ટનોએ એક અરજી પર સહી કરીને પાકિસ્તાન સરકારને ઇમરાન ખાનને વધુ સારી તબીબી સુવિધા આપવા વિનંતી કરી છે.
સુનીલ ગાવસકર, કપિલ દેવ પણ જોડાયા
આ પત્રની ખાસ વાત એ છે કે તેમાં ભારતના દિગ્ગજ ખેલાડીઓ સુનીલ ગાવસકર અને કપિલ દેવની પણ સહી છે. તેમના સિવાય ગ્રેગ ચેપલ, ક્લાઇવ લોઇડ, સ્ટીવ વો અને ઇયાન ચેપલ જેવા મહાન કેપ્ટનોએ પણ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફને ચિઠ્ઠી લખીને ઇમરાન ખાનના માનવ અધિકારો અને આરોગ્યનું ધ્યાન રાખવાની અપીલ કરી છે.
આંખોની રોશની જવાની ભીતિ
અહેવાલો મુજબ 73 વર્ષીય ઇમરાન ખાનની જેલમાં તબિયત ખૂબ ખરાબ થઈ છે. તાજા રિપોર્ટ મુજબ તેમણે જમણી આંખની 85 ટકા દ્રષ્ટિ ગુમાવી દીધી છે. તેમના પુત્ર સુલેમાને જણાવ્યું હતું કે તેમને એક નાની કોઠડીમાં રાખવામાં આવ્યા છે, જેને ‘ડેથ સેલ’ કહેવામાં આવે છે.

પાકિસ્તાની કેપ્ટનોની રહસ્યમય ચુપ્પી
આશ્ચર્યની વાત એ છે કે જ્યાં વિશ્વના અનેક કેપ્ટનો ઇમરાનના સમર્થનમાં આવ્યા છે, ત્યાં પાકિસ્તાનના અન્ય કોઈ ભૂતપૂર્વ કેપ્ટને હજુ સુધી આ અરજી પર સહી નથી કરી. જોકે વસીમ અકરમ, વકાર યુનુસ અને શાહિદ અફ્રિદીએ સોશિયલ મિડિયા પર તેમની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી છે.
કેપ્ટનોની માગ: રમતની ભાવનાનું સન્માન કરો
એક રિપોર્ટ મુજબ દિગ્ગજ કેપ્ટનોએ પોતાના પત્રમાં લખ્યું છે કે અમે, અમારી-અમારી રાષ્ટ્રીય ક્રિકેટ ટીમોના ભૂતપૂર્વ કેપ્ટનો, પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને વિશ્વ ક્રિકેટની મહાન હસ્તી ઇમરાન સાથે કરવામાં આવતા વર્તન અને તેમની કસ્ટડીની પરિસ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ.
ક્રિકેટમાં ઇમરાન ખાનનું યોગદાન વિશ્વભરમાં પ્રશંસનીય છે. કેપ્ટન તરીકે તેમણે પાકિસ્તાનને 1992 ક્રિકેટ વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત અપાવી હતી. આ જીત કુશળતા, દૃઢતા, નેતૃત્વ અને રમતભાવનાનું પ્રતીક હતી, જેને સરહદો પાર પેઢીઓને પ્રેરણા આપી છે. અમે પાકિસ્તાન સરકારને વિનમ્ર અપીલ કરીએ છીએ કે તેમને તેમની પસંદગીના નિષ્ણાત ડોક્ટરો દ્વારા તરત અને નિયમિત તબીબી તપાસ ઉપલબ્ધ કરાવવામાં આવે.
‘હું મારો ધર્મ નહીં બદલું…’ ધ કેરલા સ્ટોરી 2 શાનદાર ટ્રેલર રિલીઝ
ફિલ્મ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહે 2023 માં ‘ધ કેરળ સ્ટોરી’ નામની ફિલ્મ રિલીઝ કરી હતી, જેમાં ધાર્મિક પરિવર્તન સંબંધિત વાર્તા દર્શાવવામાં આવી હતી. હવે, ત્રણ વર્ષ પછી, તે ફિલ્મનો બીજો ભાગ રિલીઝ થવા જઈ રહ્યો છે. પહેલા ભાગમાં, વાર્તા ફક્ત કેરળ પર કેન્દ્રિત હતી, પરંતુ આ વખતે એવું નથી. જ્યારે ‘ધ કેરળ સ્ટોરી 2’નું ટીઝર રિલીઝ થયું, ત્યારે ખબર પડી કે ફિલ્મમાં અન્ય રાજ્યોની વાર્તા પણ સામેલ કરવામાં આવશે. હવે નિર્માતાઓએ આ ચિત્રનું ટ્રેલર રિલીઝ કર્યું છે.
ટ્રેલરની શરૂઆતમાં, સ્ક્રીન પર લખ્યું છે, આ ફિલ્મ ઘણી સાચી ઘટનાઓથી પ્રેરિત છે.” પછી એક વોઇસઓવર વાગે છે, જેમાં કહેવામાં આવે છે, ઇન્શાઅલ્લાહ, આગામી 25 વર્ષોમાં, આખું ભારત ઇસ્લામિક રાજ્ય બનશે. અને સમગ્ર ભારતમાં શરિયા લાગુ કરવામાં આવશે.” ત્યારબાદ એક પુરુષ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતો જોવા મળે છે કે તેની પુત્રી, દિવ્યા, માત્ર 16 વર્ષની છે અને તેને ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જોકે, તેની પુત્રી તેને કહે છે, “તમે સમજી શકતા નથી, પપ્પા. મારો રાશિદ એવો નથી.”
પછી, મધ્યપ્રદેશ અને કેરળની એક વાર્તા બતાવવામાં આવી છે. ટ્રેલર મુજબ, છોકરીઓને પ્રેમના વચન દ્વારા તેમનો ધર્મ પરિવર્તન કરાવવા માટે લલચાવવામાં આવે છે. આ ટ્રેલરમાં, એક છોકરી એક છોકરાને કહેતી પણ જોવા મળે છે કે તે પોતાનો ધર્મ નહીં બદલે. ટ્રેલરના અંતે, લખ્યું છે, “તમારી પુત્રી તેમનું લક્ષ્ય બને તે પહેલાં…” અને ત્યારબાદ ફિલ્મની રિલીઝ તારીખ.
“ધ કેરળ સ્ટોરી 2” 27 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પહેલા ભાગનું દિગ્દર્શન સુદિપ્તો સેન દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે, આ વખતે, ફિલ્મનું દિગ્દર્શન કામાખ્યા નારાયણ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્કા ગુપ્તા, અદિતિ ભાટિયા અને ઐશ્વર્યા ઓઝા મુખ્ય ભૂમિકાઓ ભજવે છે. મન્નન શાહે ફિલ્મ માટે પૃષ્ઠભૂમિ સંગીત આપ્યું છે. મનોજ મુન્તાશીરે ગીતો લખ્યા છે. ત્રણ વર્ષ પહેલાં રિલીઝ થયેલી “ધ કેરળ સ્ટોરી” બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. ₹15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં ₹300 કરોડની કમાણી કરી હતી. હવે, વિપુલ અમૃતલાલ શાહની નવી ફિલ્મ કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું બાકી છે.
ભારત-અમેરિકા ટ્રેડ ડિલ તરફ એક ડગલું આગળ વધ્યા
ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે, ભારતના મુખ્ય વાટાઘાટકાર અને વાણિજ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ, દર્પણ જૈનના નેતૃત્વમાં એક ટીમ 23 ફેબ્રુઆરીએ વોશિંગ્ટન જશે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આ મુલાકાતનો હેતુ વચગાળાના કરારના કાનૂની પાસાઓને અંતિમ સ્વરૂપ આપવાનો છે. બંને પક્ષો માર્ચ 2026 સુધીમાં કરાર પર હસ્તાક્ષર કરવા માટે પ્રયત્નશીલ છે. જો કે, કોઈ કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી, કારણ કે કાનૂની પ્રક્રિયામાં કેટલાક પડકારો ઉભા થઈ શકે છે, જેને બંને દેશો સંયુક્ત રીતે ઉકેલશે. હાલમાં, બંને દેશોની ટીમો વર્ચ્યુઅલી ચર્ચા કરી રહી છે. વોશિંગ્ટનમાં રૂબરૂ બેઠક પછી જ સોદાનું સંપૂર્ણ ચિત્ર અને વિગતો બહાર આવશે.

આ મહિનાની શરૂઆતમાં, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સે વચગાળાના વેપાર કરારની જાહેરાત કરતું સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. આ નિવેદન કરારની રૂપરેખા આપે છે. તે ફક્ત જાહેર કરવામાં આવ્યું છે, હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. આ કરાર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, જેમાં ટેરિફ ઘટાડવા, વેપાર અસંતુલનને દૂર કરવા અને આર્થિક સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અંતિમ કરાર પર હસ્તાક્ષર થયા પછી જ વિગતવાર શરતો અને ફાયદા સ્પષ્ટ થશે. સરકાર માર્ચ 2026 સુધીમાં બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને કરાર પર હસ્તાક્ષર કરવાનો લક્ષ્યાંક રાખે છે.

યુનાઇટેડ સ્ટેટ્સે પહેલાથી જ કરાર તરફ કેટલાક મોટા પગલાં લીધાં છે. યુનાઇટેડ સ્ટેટ્સે રશિયાના ક્રૂડ ઓઇલની ભારતની ખરીદી પર લાદવામાં આવેલા 25% દંડાત્મક ટેરિફને પહેલાથી જ દૂર કરી દીધો છે. વધુમાં, ભારતીય માલ પર પારસ્પરિક ટેરિફ 25% થી ઘટાડીને 18% કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ અઠવાડિયે અમલમાં આવવાની અપેક્ષા છે. જો વિલંબ થાય છે, તો ભારતીય ટીમ વોશિંગ્ટનમાં આ મુદ્દા પર ચર્ચા કરશે. વધુમાં, ઘણા ઉત્પાદનો પર પહેલાથી જ શૂન્ય ટેરિફ છે.
ભારતના કૃષિ ક્ષેત્ર માટે નવી તકો ખુલશે
નિષ્ણાતો માને છે કે યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન સાથેના આ વેપાર કરારો ભારતના કૃષિ ક્ષેત્ર માટે આશરે $400 બિલિયનના મૂલ્યની નવી તકો ખોલી શકે છે. ભારતની યુનાઇટેડ સ્ટેટ્સમાં કૃષિ નિકાસ હાલમાં $2.8 બિલિયન છે, જે નોંધપાત્ર રીતે વધવાની સંભાવના ધરાવે છે. વધુમાં, ભારત તેના કાપડ ઉદ્યોગ માટે કપાસની આયાત પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.


