Home Blog Page 2075

અમેઠી પછી રાયબરેલીથી પણ દૂર થશે ગાંધી પરિવાર?

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાજ્યસભા માટે બુધવારે નામાંકન દાખલ કરશે. જોકે એ સ્પષ્ટ નથી કે તેઓ હિમાચલ પ્રદેશથી કે રાજસ્થાનથી રાજ્યસભામાં જશે. મોટા ભાગે તેઓ રાજસ્થાનના રસ્તે રાજ્યસભામાં જાય એવી શક્યતા છે. હાલ તેઓ ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટથી લોકસભા સાંસદ છે.

જોકે હવે સવાલ એ ઊભો થાય છે કે હવે રાયબરેલીથી લોકસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીની જગ્યાએ કોણ લડશે? તેમની જગ્યાએ પ્રિયંકા ગાંધીને ટિકિટ આપવામાં આવે એવી શક્યતા છે, કેમ કે એ સીટ ગાંધી પરિવારની પરંપરાગત સીટ રહી છે.

ફિરોઝ ગાંધી, ઇન્દિરા ગાંધી, અરુણ નેહરુ અને શીલા કૌલ જેવા લોકો આ સીટથી સાસંદ રહ્યા છે. આ બધા લોકો ગાંધી પરિવારના સભ્યો હતા અથવા તેમના સંબંધી હતા. આ ઇતિહાસને ધ્યાનમાં રાખતાં કોંગ્રેસ ગાંધી પરિવારથી અલગ કોઈ પણ વ્યક્તિને આ સીટથી ઉમેદવાર નહીં બનાવવાનું પસંદ કરે. રાયબરેલી સીટ ગાંધી પરિવાર માટે રાજકીય મહત્ત્વની છે, એટલે પ્રિયંકા ગાંધીને અહીંથી તક આપવામાં આવે એવી શક્યતા છે. જોકે અત્યાર સુધી રાયબરેલી સીટને લઈને સંપૂર્ણ રીતે સ્થિતિ સ્પષ્ટ નથી થઈ.

આ પહેલાં સોનિયા ગાંધીએ વર્ષ 2009માં લોકસભા ચૂંટણી લડતાં સમયે કહ્યું હતું કે તેમની આ છેલ્લી ચૂંટણી છે, જ્યારે તેઓ સામાન્ય ચૂંટણી લડી રહ્યાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા 1999થી લોકસભાનાં સભ્ય રહ્યાં છે. આ પહેલી વાર છે કે તેઓ રાજ્યસભામાં પહોંચશે.

 

 

 

 

 

 

 

રાજકોટમાં ભારત, ઇંગ્લેન્ડની ટીમે નેટ પ્રેક્ટિસ કરી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટની શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે, પણ એ પહેલાં આજે બંને ટીમના ખેલાડીઓ એ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ઉપર નેટ પ્રેક્ટિસ કરી હતી.

રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ રમશે. વિરાટ કોહલી ટીમમાં સામેલ નથી. ભારતની ટીમ બે દિવસ પહેલાં રાજકોટ આવી પહોંચી હતી, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ અબુધાબીથી રાજકોટ ગઈ કાલે આવી હતી.

15 થી 19 ફેબ્રુઆરી સુધી ટેસ્ટ મેચ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી ગ્રાઉન્ડ ઉપર રમાશે. કાલે BCCIના સેક્રેટરી જય શાહ પણ રાજકોટ આવી રહ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડના ક્રિકેટ મેચને લઈને સૌરાષ્ટ્રના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના મોટેરા ક્રિકેટ ગ્રાઉન્ડને નરેન્દ્ર મોદી નામકરણ કરવામાં આવ્યા બાદ ગુજરાતના બીજા આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડનું નામકરણ આવતી કાલે 14મી એ BCCI ના સેક્રેટરી જય શાહને હસ્તે એક સમારોહમાં કરવામાં આવશે.

સૌરાષ્ટ્રને ક્રિકેટવિશ્વમાં એક નવી ઊંચાઈ આપનાર અને છેલ્લા છ દાયકાથી સૌરાષ્ટ્ર અને રાષ્ટ્રીય ક્રિકેટમાં મહામૂલું યોગદાન આપનાર નિરંજન શાહનું નામ રાજકોટમાં એસસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે આવતી કાલે જોડવામાં આવશે.

 

 

 

 

 

 

 

શંભુ બોર્ડર પર ખેડૂતોનો ભારે હંગામો, RPF જવાનો ઘાયલ

પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની ગેરંટી અંગે કાયદો બનાવવા સહિતની વિવિધ માંગણીઓ માટે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. દિલ્હીની સરહદો પર ખેડૂત સંગઠનો દેખાવા લાગ્યા છે. તેઓ તેમની માંગણીઓ માટે કેન્દ્ર પર દબાણ લાવવા માટે રસ્તા પર ઉતર્યા છે.

પંજાબ-હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂત સંગઠનોને દિલ્હીની સરહદો પર તૈનાત કરવામાં આવ્યા છે. 2021ના વિરોધ પ્રદર્શનની જેમ આ વખતે પણ ખેડૂતો તેમની માંગણીઓ માટે વિરોધ કરવા માટે ઉતર્યા છે. તેઓએ લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની બાંયધરી આપવા માટે કાયદો બનાવવા સહિત તેમની ઘણી માંગણીઓ સ્વીકારવા માટે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને રાજ્યોની સરહદો પર સૈનિકો દ્વારા ચુસ્ત સુરક્ષા રાખવામાં આવી છે. ખેડૂતો દ્વારા ચાલી રહેલા વિરોધને કારણે પંજાબમાં માત્ર પચાસ ટકા ઓછું ડીઝલ અને વીસ ટકા ઓછો ગેસ મોકલી શકાયો છે.

ખેડૂત આંદોલનમાં રેપિડ એક્શન ફોર્સના જવાનો ઘાયલ

ખેડૂતોના વિરોધ દરમિયાન ઘાયલ રેપિડ એક્શન ફોર્સના જવાનોને અંબાલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, પ્રદર્શનકારીઓ દ્વારા શંભુ બોર્ડર પર બેરિકેડિંગ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે, પ્રદર્શનકારીઓએ હરિયાણા પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો, જેના જવાબમાં હરિયાણા પોલીસે વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી. કાયદો દરેક માટે સમાન છે અને આપણે સૌએ તેનું સન્માન કરવું જોઈએ. પ્રદર્શનની આડમાં કોઈને ખલેલ પહોંચાડવાની મંજૂરી નથી, આવા લોકો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

ખેડૂતોના આંદોલન પર હાઈકોર્ટમાં સુનાવણી

ખેડૂતોની દિલ્હી કૂચ દરમિયાન રસ્તા રોકો અને આંદોલનમાં વિક્ષેપ સામે દાખલ કરવામાં આવેલી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ મામલે હાઈકોર્ટે કહ્યું કે દિલ્હી સરકારે પંજાબ અને હરિયાણા સાથે મળીને વિવાદનું સમાધાન કરવું જોઈએ, આ વિરોધથી કોઈને પરેશાન થવું જોઈએ નહીં. સુનાવણી આવતી કાલ સુધી મુલતવી રાખવામાં આવી છે. આ સાથે તમામ સરકારોને સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ધરમપુરના મહિલા સશક્તીકરણ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ હાજરી આપી

ધરમપુરઃ રાષ્ટ્રપતિએ પૂજ્ય ગુરુદેવ રાકેશજીના શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરની મુલાકાત લીધી હતી. અહીં ઉપસ્થિત હજારો અને ઓનલાઇન નિહાળતાં લાખો ભક્તોએ રાષ્ટ્રપતિનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કર્યું હતું. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના ટ્રસ્ટીઓ દ્વારા રાષ્ટ્રપતિનું હાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનું સુંદર સંભારણું આપતાં પૂજ્ય ગુરુદેવ રાકેશજીએ રાષ્ટ્રપતિને શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાજી અને રાજ સભાગૃહની સુંદર પ્રતિકૃતિ ભેટ આપી હતી. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના મહિલા સશક્તીરણ કાર્યક્રમની આદિવાસી બહેનોએ જાતે બનાવેલી વિશિષ્ટ ભેટ તેમને આપી હતી અને આદિવાસી લોકો દ્વારા પ્રસ્તુત થયેલા એક સુંદર ડાંગી નૃત્ય તેમણે આનંદથી માણ્યું હતું.

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર વર્ષોથી દક્ષિણ ગુજરાતના આદિવાસી લોકોના ઉત્થાન માટે શિક્ષણ, આરોગ્ય, મહિલા વિકાસ વગેરે અનેક ક્ષેત્રોમાં સફળતાપૂર્વક અનેક કાર્યો કરી રહ્યું છે, જે માટે રાષ્ટ્રપતિએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના આંગણે ઊજવાયેલા આ ગૌરવપૂર્ણ પ્રસંગ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેબિનેટ મંત્રી ડો. કુબેર ડિંડોર, રાજ્ય મંત્રી  જગદીશ પંચાલ અને આદિજાતિ વિકાસ વિભાગના મુખ્ય સચિવ ડો. એસ. મુરલી ક્રિષ્નાની ઉપસ્થિતિથી શોભાયમાન હતો.

આ કાર્યક્રમમાં આગળ વધતા રાજ્યપાલે પૂજ્ય ગુરુદેવ રાકેશજીની હિન્દી સત્સંગ શ્રેણી ‘તભી ઈશ્વર પ્રસન્ન હોંગે’ અને ધ્યાન શ્રેણી ‘ક્ષમા’નું વિમોચન કર્યું હતું. રાજ્યપાલે આ શ્રેણીનો પ્રથમ સેટ રાષ્ટ્રપતિને ભેટ આપ્યો હતો. આમ આ અવસર ધર્મ, સમાજસેવા અને રાષ્ટ્રની આગેવાનીના સુભગ મિલનરૂપ બની રહ્યો હતો.

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં આવીને હું એક મહાન આધ્યાત્મિક પરંપરા પ્રત્યે મારો આદર વ્યક્ત કરું છું. શ્રીમદ્ રાજચંદ્રજીના પગલે ચાલીને પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ આધ્યાત્મિક ક્ષેત્રે અભૂતપૂર્વ કાર્ય કર્યું છે. તેમણે પોતાનું જીવન માનવજાતને શાંતિ અને સંવાદિતા તરફ દોરી જવા માટે સમર્પિત કર્યું છે. તેમનું આ ઉમદા કાર્ય માનવતાના કલ્યાણમાં મોટું યોગદાન છે. હું ઈચ્છું છું કે લોકો વિશ્વભરમાં આ સંસ્થાનાં 200થી વધુ કેન્દ્રોમાં જઈને જ્ઞાન મેળવે અને તેમના જીવનને સાર્થક કરે અને આ જ્ઞાનને સમગ્ર માનવતા સુધી પહોંચાડે.

રાજ્યપાલે પોતાના ભાવ દર્શાવતાં કહ્યું હતું કે  ભારત પ્રાચીન સમયથી આધ્યાત્મિક પરંપરાનો દેશ રહ્યો છે, શ્રીમદ્ રાજચંદ્રજી એવા વ્યક્તિત્વ છે, જે આવનારી પેઢીઓને હંમેશાં પ્રેરણા આપતા રહેશે. આદરણીય ગુરુદેવ રાકેશજી સુખ, શાંતિ અને આનંદનું વાતાવરણ સર્જવા સક્ષમ એવા શ્રીમદ્જીનાં સાર્વત્રિક મૂલ્યો ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે. આ માટે હું તેમને નમન કરું છું. આ જ દિવસે રાજ સભાગૃહમાં રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી જન મન યોજના અંતર્ગત PVTG ના ઉત્થાન માટે અન્ય એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ગુજરાતના આદિમજૂથ સમુદાયના 350થી વધુ પ્રતિનિધિઓ સાથે તેમણે બેઠક કરી હતી.

 

 

 

 

 

 

 

વેલેન્ટાઇન ડેએ GenZ વધુ ખર્ચ કરવા નથી ઇચ્છતાઃ સર્વે

નવી દિલ્હીઃ ફેબ્રુઆરીમાં સાતથી 14 ફેબ્રુ2આરી સુધી વેલેન્ટાઇન વીક ઊજવવામાં આવે છે. આવતી કાલે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે પ્રેમી યુગલ અને કપલ ઊજવશે. આ દિવસનો તેઓ બહુ આતરતાથી રાહ જોતા હોય છે. જોકે સેલિબ્રેશનના મામલે GenZ પરંપરાઓથી હટકે વિચારે છે.

વેલેન્ટાઇન વીકના ખતમ થતાં વેલેન્ટાઇન ડે ઊજવવામાં આવશે. વેલેન્ટાઇન ડેએ યુવા અલગ પ્રકારે વિચારે છે. તેઓ મોંઘી ગિફ્ટની જગ્યાએ ભાવનાઓ દર્શાવવામાં વધુ વિશ્વાસ કરે છે. એક સોશિયલ ડિસ્કવરી પ્લેટફોર્મના સર્વેમાં બહાર આવ્યું છે કે GenZ (1997થી 2012માં જન્મેલા યુવા) ઓથેન્ટિક હોવા પર વધુ વિશ્વાસ કરે છે. તેઓ પ્રેમની કેટલીક ક્ષણોને સાથે વિતાવવા અને યોગ્ય રીતો પર વધુ વિશ્વાસ કરે છે.હંચ (Hunch) એપના પોલ મુજબ સર્વેમાં 7929 GenZ યુઝર્સમાંથી મોટા ભાગના આશે 63 ટકા યુવા પૈસા ખર્ચવામાં રસ નથી ધરાવતા.

આ યુવાઓએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે એ તેમના માટે પહેલી પ્રાથમિકતા નથી. તેઓ નકામા ખર્ચથી બચવું પસંદ કરે છે. જોકે આશરે 18.4 ટકા યુવાઓ વેલેન્ટાઇન ડેએ પૈસા ખર્ચવા માટે તૈયાર હતા. જેઓ ગજા ઉપરાંત પૈસા ખર્ચવા તૈયાર હતા.

વેલેન્ટાઇન ડેને લોકો બે પ્રકારે ઊજવે છે. એમાં એકમાં ઓનલાઇન ડેટિંગ સામેલ છે, જ્યાં લોકો ઓનલાઇન પ્રેમ શોધે છે. આનો લાભ લઈને લેભાગુ તત્ત્વો તમને એક નકલી ડેટિંગ સાઇટ પર લાવે છે અને પછી તમારી માહિતી એકત્ર કરીને તમને છેતરપિંડીનો શિકાર પણ બનાવવામાં આવે છે, જેથી સાવધાન રહેવું જરૂરી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કેન્દ્ર સરકારે ખેડૂતોની 10 માગ સ્વીકારી, ત્રણ પર ચર્ચા જારી

નવી દિલ્હીઃ દિલ્હીમાં ખેડૂત સંગઠનોએ લોકસભા ચૂંટણી પહેલાં ફરી એક વાર કેન્દ્ર સરકારને તાકાતનો પરચો બચાવ્યો હતો. કેન્દ્ર સરકારે આંદોલન કરી રહેલા ખેડૂતો તરફથી રાખવામાં આવેલી 13 માગોમાંથી 10 માગોને લીલી ઝંડી આપી દીધી છે. ખેડૂત નેતાઓની સાથે બે તબક્કાની વાતચીતમાં 10 માગોને સરકારે સોમવાર રાત્રે જ વાતચીતમાં લીલી ઝંડી આપી દીધી હતી. બાકી બચેલી ત્રણ માગો પર પણ આપસમાં ચર્ચા કરીને વિચાર કરવાનું આશ્વાસન ખેડૂતોને આપવામાં આવ્યું છે.

બીજી બાજુ, પંજાબના ખેડૂતોના દિલ્હી ચલોની વચ્ચે ઉત્તર પ્રદેશના ખેડૂત સંગઠનોએ પણ કમર કસી  લીધી હતી. દિલ્હીમાં ખેડૂતોના જમાવડા હોવાની સંભાવના જોતાં સરકારે 12 માર્ચ સુધી કલમ 144 લાગુ કરી દીધી હતી. દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોડાએ રસ્તાઓ પર કોઈ પણ પ્રકારની રેલી અથવા જુલૂસ કાઢવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમણે રાજધાનીમાં ખેડૂત સંગઠનોના ઘૂસવાના અંદેશાને જોતાં ઠેકઠેકાણે સુરક્ષા દળોને તહેનાત કર્યા હતા. 

BKUના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ચેતવણી આપી હતી કે જો ખેડૂતો પર એક પણ લાકડી ફટકારવામાં આવી તો આંદોલન હદથી વધુ વધી જશે. દેશ આઝાદ થયાં 90 વર્ષ લાગ્યાં હતાં. હવે આ દેશ આંદોલનથી જ બચશે. આ આંદોલનથી કોઈ અટકચાળું કર્યું તો આ આંદોલન વધી જશે. તો મોટા ઉદ્યોગપતિઓની અદ્રશ્ય સરકાર છે એ વાત નહીં કરે, એ બસ માત્ર આંદોલનનું જ સાંભળે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ખેડૂત આંદોલન: હરિયાણાની શંભુ બોર્ડર પર સ્થિતિ વણસી

ખેડૂતોના આંદોલનને કારણે હરિયાણાના શંભુ બોર્ડર પર હંગામો થયો છે. હરિયાણા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ ખેડૂતો સરહદથી આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ હવે પોલીસે સતત ટીયર ગેસના શેલ છોડ્યા છે. હવે અહીં યુદ્ધ જેવી સ્થિતિ છે અને સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે.

મળતી માહિતી મુજબ, જ્યારે યુવક શંભુ બોર્ડર પર પહોંચ્યો અને સ્થળ પરથી બેરિકેડ હટાવ્યા તો પોલીસે જવાબી કાર્યવાહી કરી. પોલીસ ડ્રોન દ્વારા સરહદની બીજી તરફ નજર રાખી રહી હતી. તે જ સમયે, ડ્રોનથી લગભગ 12:30 ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. હરિયાણા પોલીસે શંભુ બોર્ડર પર ખેડૂતો માટે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યો છે. હરિયાણા પોલીસે જાહેરાત કરી અને કહ્યું કે ‘જ્યાં સુધી ખેડૂત નેતાઓ નહીં આવે ત્યાં સુધી કોઈને વધવા દેવામાં આવશે નહીં. કોઈને એસપી કે ડીસી સાથે વાત કરવી હોય તો
‘9729990500’ નંબર પર સંપર્ક કરી શકાય છે.

ઘટનાસ્થળે પહોંચેલા યુવકો અને અન્ય લોકોએ મોં પર રૂમાલ બાંધેલા છે અને ટીયરગેસની અસરથી બચવા માટે દેખાવકારો દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સ્થળ પર પાણીના ટેન્કર પણ રાખવામાં આવ્યા છે, જેથી ટીયર ગેસની અસર ઓછી કરી શકાય. પોલીસે લગભગ 15-20 મિનિટ સુધી ટીયર ગેસના શેલ છોડ્યા અને તેના કારણે ખેડૂતો સ્થળ પરથી લગભગ 100 મીટર પાછળ ખસી ગયા.

જો કે, આગળ વધવાના પ્રયાસો ચાલુ છે. પરંતુ જેવી કોઈ પણ સરહદ તરફ આગળ વધે છે, પોલીસ ગોળીબાર કરે છે. નજીકમાં ટીયરગેસના શેલ પડતાની સાથે જ ખેડૂતો તેના પર માટી પણ નાખી રહ્યા છે, જેથી તેની અસર ઓછી થઈ શકે. અહીં અંબાલા રેન્જના આઈજી સિબાસ કવિરાજ કહે છે કે જો ખેડૂતો ટ્રેક્ટર લઈને આગળ વધશે તો તેમને જવા દેવામાં આવશે નહીં. પરંતુ જો તેઓ બસ કે ટ્રેનમાં જાય તો તેમનું સ્વાગત છે.

AIIMનો સાતમો પદવીદાન સમારોહ યોજાયો

અમદાવાદઃ અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ (AIIM)નો ૨૦૨૧-૨૩ બેચના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ સોમવારે યોજાયો હતો, જેમાં AICTE દ્વારા માન્ય બે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેનેજમેન્ટ (PGDM) અભ્યાસક્રમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ અને કાનૂનનો સમાવેશ થતો હતો.

આ દીક્ષાંત સમારોહમાં કુલ ૫૬ વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેનેજમેન્ટ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ) અભ્યાસક્રમના અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં મેનેજમેન્ટ (કાયદો)ના ૧૦ વિદ્યાર્થીઓ સ્નાતક થયા છે. બુરીગરી સાંઇપ્રસાદીને તેમના તેજસ્વી શૈક્ષણિક પ્રદર્શન માટે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

AIIMને ૨૦૨૨થી અદાણી યુનિવર્સિટીમાં પરિવર્તિત કરવા સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેનેજમેન્ટ (PGDM) (ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ) અભ્યાસક્રમને MBA (ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ)માં રૂપાંતરિત કરવામાં આવ્યો છે. MBAના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. (IM)ના MBA જયવર્ધન મિત્તલ, મયંક મહેતા અને  અવિનાશ યાદવને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક કામગીરી માટે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.

ધ ઇન્ફ્રાવિઝન ફાઉન્ડેશનના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી વિનાયક ચેટર્જીના મુખ્ય મહેમાનપદે અને અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન ડો. પ્રીતિ જી. અદાણી તેમ જ AIIMના ડિરેક્ટર અને અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. રવિ પી. સિંહના અધ્યક્ષપદે યોજાયેલા AIIMના ૭મા દીક્ષાંત સમારોહ પ્રસંગે શિક્ષણ અને ઉદ્યોગ જગતના મહાનુભાવોએ હાજરી આપી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતાં વિનાયક ચેટર્જીએ કહ્યું હતું કે આજે ​​કારકિર્દીની સૌથી મોટી તક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેમાં દેશનાં મહત્તમ સંસાધનોનું તેમાં રોકાણ કરવામાં આવે છે. આ સંસ્થાએ તમારામાં અભિગમ, આશાવાદ અને આત્મવિશ્વાસ જેવા જીવન કૌશલ્યોના સમૂહનું સિંચન કર્યુ હશે,  જે તમને તમારા ઉત્તરીય તારો શોધવામાં મદદ કરશે.  

ડો. પ્રીતિ જી. અદાણીએ જણાવ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ વૈશ્વિક અર્થતંત્રની કરોડરજ્જુ છે  અને ભારતીય અર્થતંત્ર તે માટે ભિન્ન નથી. તમારી કારકિર્દીનો આરંભ કરવા માટે આ અતિ ઉત્તેજક સમય છે અને અત્યારે ભારત એ સ્થાને છે ત્યારે તમે જીવનભરની તક માટે સજ્જ છો. તમે અહીંથી પ્રાપ્ત કરેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટથી લઈને વ્યૂહાત્મક વિચારસરણી સુધી અને જટિલ કાયદાકીય માળખાને સમજવાથી લઇને નાણાકીય અને વિશ્લેષણાત્મક ટેક્નિકોમાં નિપુણતા મેળવવા સુધીનાં કૌશલ્યો અને જ્ઞાન સાથે આપ સૌને આવતી કાલના અગ્રણી અને સંશોધકો બનવા માટે સજ્જ કર્યા છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

શું દિલ્હીમાં કોંગ્રેસ અને AAPનું ગઠબંધન તૂટશે?

દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)નું ગઠબંધન તૂટી શકે છે. AAPએ પોતે દિલ્હીમાં લોકસભાની 7માંથી 6 બેઠકો પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમજ કોંગ્રેસને માત્ર 1 સીટ આપવાના મૂડમાં છે. આમ આદમી પાર્ટી (AAP)ની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની બેઠક બાદ AAP નેતા સંદીપ પાઠકે કહ્યું કે દિલ્હીમાં અમારી સરકાર છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ અમારી સરકાર છે. હવે તે પ્રમાણે જોઈએ તો દિલ્હીમાં અમારી પાસે 6 બેઠકો છે. તેથી અમે 6 બેઠકો પર ચૂંટણી લડવા માંગીએ છીએ અને કોંગ્રેસને 1 બેઠક આપવા તૈયાર છીએ.

સંદીપ પાઠકે કહ્યું, અમે કોંગ્રેસ સાથે બે વખત બેઠકો કરી હતી, પરંતુ તેમાંથી કંઈ બહાર આવ્યું નથી. આ પછી છેલ્લા એક મહિનામાં એક પણ બેઠક થઈ નથી. પહેલા ન્યાય યાત્રાનું કારણ જણાવવામાં આવ્યું અને ત્યારપછી કંઈ કહેવામાં આવ્યું નહીં. આ બેઠક ક્યારે થશે તે અંગે કોંગ્રેસના કોઈપણ નેતાને ખ્યાલ નથી. આજે મારે ભારે હૈયે વાત કરવી છે.

ગોવા અને ગુજરાત માટે જાહેરાત

આ સાથે AAPએ ગોવા અને ગુજરાત માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી છે. સંદીપ પાઠકે કહ્યું કે સમય વિલંબને જોતા આજે વનજી કે જેઓ દક્ષિણ ગોવાના અમારા ધારાસભ્ય પણ છે તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ સાથેના ગઠબંધનને ધ્યાનમાં રાખીને અમને 1 સીટ મળે છે. એટલા માટે અમે અમારા ઉમેદવાર જાહેર કરી રહ્યા છીએ.

સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, ગુજરાતના ભરૂચમાંથી ચૈતર વસાવા અને ભાવનગરમાંથી ઉમેશભાઈ મકવાણાને ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં મહાગઠબંધનમાં અમારી 8 બેઠકો છે. અમને લાગે છે કે કોંગ્રેસ આના પર અમારું સમર્થન કરશે.” તેમણે કહ્યું કે અમે ગઠબંધન ધર્મનું પાલન કરવા માંગીએ છીએ, પરંતુ જે વિલંબ થઈ રહ્યો છે તે યોગ્ય નથી.

આમ આદમી પાર્ટી (AAP)ના આ પગલાને INDIA ગઠબંધન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આ પહેલા મમતા બેનર્જીએ પણ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ઈન્ડિયા એલાયન્સની રચના બાદ નીતિશ કુમાર અને જયંત ચૌધરીએ પોતાને કેમ્પથી અલગ કરી લીધા છે અને NDA સાથે હાથ મિલાવ્યા છે.

અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા, કોંગ્રેસને મોટો ફટકો

લોકસભા ચૂંટણી 2024 પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ કોંગ્રેસને ઝટકો આપતા ભાજપમાં જોડાઈ ગયા છે. અશોક ચવ્હાણ મંગળવારે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. દેવેન્દ્ર ફડણવીસને અશોક ચવ્હાણને ભાજપનું પ્રાથમિક સભ્યપદ મળ્યું. ભાજપમાં જોડાયા બાદ અશોક ચવ્હાણે કહ્યું, આજે મારી નવી શરૂઆત છે, મારે મોદીજીની પ્રેરણાથી કામ કરવાનું છે… એટલે જ હું આજે ભાજપમાં જોડાઈ રહ્યો છું. તેમણે એમ પણ કહ્યું કે, તેમને વિકાસ જોઈએ છે. કામ કરવું પડશે. સકારાત્મક કામ કરવું પડશે… અને આપણે એ સુનિશ્ચિત કરવા માટે કામ કરવું પડશે કે આવનારી ચૂંટણીમાં ભાજપને મહત્તમ તાકાત મળે.

તમને જણાવી દઈએ કે અશોક ચવ્હાણે એક દિવસ પહેલા એટલે કે સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. માનવામાં આવે છે કે ભાજપ અશોક ચવ્હાણને રાજ્યસભામાં મોકલશે. અશોક ચવ્હાણે સોમવારે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.

ભાજપમાં જોડાતા પહેલા અશોક ચવ્હાણે શું કહ્યું?

ભાજપમાં જોડાતા પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે મંગળવારે કહ્યું હતું કે તેઓ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાશે. તેમણે પત્રકારોને કહ્યું, ‘હું આજે મુંબઈમાં બીજેપી કાર્યાલય જઈને તેમાં (ભાજપ) જોડાઈ રહ્યો છું. આજે મારા જીવનમાં એક નવી રાજકીય કારકિર્દીની શરૂઆત છે.’ જ્યારે ચવ્હાણને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ તેમને કોઈ ફોન કર્યો છે, તો તેમણે જવાબ આપ્યો ન હતો.

રાજીનામાનું કારણ આપ્યું નથી

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસબી ચવ્હાણના પુત્ર અશોક ચવ્હાણ (65) એ સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ છોડવું એ તેમનો સ્વતંત્ર નિર્ણય છે અને તેમના નિર્ણય માટે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ બાબા સિદ્દીકી અને મિલિંદ દેવરાએ પણ થોડા દિવસો પહેલા પાર્ટી છોડી દીધી હતી. ચવ્હાણ મરાઠવાડા ક્ષેત્રના નાંદેડ જિલ્લાના રહેવાસી છે. તેઓ 2014-19 દરમિયાન કોંગ્રેસના રાજ્ય એકમના વડા પણ હતા. તેમણે ભોકર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું અને નાંદેડ લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ પણ રહી ચુક્યા છે.