અમદાવાદ/કેનેડા: કોરોનાકાળમાં ઘરથી દૂર રહીને એક સમયે હિંમત હારી જનાર હાર્વીએ આજે વૈશ્વિક સ્તરે ટોપ-૧૦મુ સ્થાન મેળવ્યું છે. જાણો સાયમન ફ્રેઝર યુનિવર્સિટી (SFU)ની આ તેજસ્વી વિદ્યાર્થિનીની પ્રેરણાદાયી અને સંઘર્ષમય કહાની…
જ્યારે સપના મોટા હોય અને તેને પૂરા કરવાનો સંકલ્પ અડગ હોય, ત્યારે કોઈપણ પડકાર તમને રોકી શકતો નથી. આ વાતને સાબિત કરી બતાવી છે મૂળ અમદાવાદની અને હાલમાં કેનેડાની પ્રતિષ્ઠિત સાયમન ફ્રેઝર યુનિવર્સિટી (SFU)માં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થિની હાર્વી શાહએ. ઇકોનોમિક્સ (અર્થશાસ્ત્ર) ડિગ્રીમાં મેજર, ઇકોનોમિક ડેટા એનાલિસિસમાં કન્સન્ટ્રેશન અને સ્ટેટિસ્ટિક્સમાં માઇનર સાથે ‘ટ્રિપલ ડિગ્રી’ મેળવી ગ્રેજ્યુએટ થઈ રહેલી હાર્વીએ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને પોતાની યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે.
ગ્લોબલ પ્લેટફોર્મ પર ગુજરાતનો ડંકો
હાર્વી શાહે તાજેતરમાં જર્મનીની ઉલ્મ યુનિવર્સિટી (Ulm University) દ્વારા આયોજિત ‘બીજી ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ ઓલિમ્પિયાડ’માં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. 140થી વધુ દેશોના પ્રખર વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી આ કડક સ્પર્ધામાં આખા વેસ્ટર્ન કેનેડામાંથી ભાગ લેનાર હાર્વી એકમાત્ર વિદ્યાર્થિની હતી. ત્રણ કલાકની આ વૈશ્વિક સ્પર્ધામાં રિયલ-લાઇફ ઇકોનોમિક પ્રોબ્લેમ્સ ઉકેલીને હાર્વીએ વર્લ્ડવાઇડ ૯મુ સ્થાન (9th Globally) મેળવ્યું છે.
આ ઉપરાંત, ગુજરાત યુનિવર્સિટીની બી.કે. સ્કૂલ ફોર પ્રોફેશનલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા આયોજિત 11મા ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમમાં હાર્વીના ‘મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ’ અંતર્ગત ‘ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ’ પરના રિસર્ચ પેપરને ત્રીજો ક્રમ (Third Rank) મળ્યો હતો. હાર્વીની ગેરહાજરીમાં આ ગર્વભર્યો એવોર્ડ તેના માતાએ સ્વીકાર્યો હતો. એટલું જ નહીં, SFUના વેન્કુવર કેમ્પસમાં યોજાયેલી ‘કેનેડિયન ઇકોનોમિક્સ એસોસિએશન’ (CEA) કોન્ફરન્સમાં પોતાનું રિસર્ચ રજૂ કરવા માટે પસંદગી પામેલા જૂજ વિદ્યાર્થીઓમાં હાર્વી સામેલ હતી. 900થી વધુ પીએચડી પ્રોફેસર્સ અને સિનિયર્સની હાજરીમાં 40 મિનિટનું ઓરલ પ્રેઝન્ટેશન આપનાર તે સૌથી નાની ઉંમરની (યંગેસ્ટ અંડરગ્રેજ્યુએટ) પ્રોઝેન્ટર હતી, જે ક્ષણે તેના માતા-પિતા પણ ત્યાં રૂબરૂ હાજર રહી ભાવુક થયા હતા.
મહામારીનો પડકાર અને હોમસિકનેસ: “એક સમયે બધું છોડીને ઘરે ભાગી જવું હતું”
આજે સફળતાના શિખરે પહોંચેલી હાર્વીની આ સફર બિલકુલ સરળ નહોતી. હાર્વીનું પ્રાથમિક શિક્ષણ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ (ગુરુકુળ) અને ધોરણ ૧૧-૧૨ સાયન્સ એચ. બી. કાપડિયા ન્યૂ હાઇસ્કૂલમાંથી થયું હતું. અત્યાર સુધી તેના આખા પરિવારમાંથી કોઈ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ ગયું નહોતું. વર્ષ ૨૦૨૦-૨૧માં જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ઝપેટમાં હતું, ત્યારે હાર્વી એક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે કેનેડા ભણવા ગઈ. પરિવારથી હજારો કિલોમીટર દૂર, લોકડાઉનનો માહોલ, યુનિવર્સિટીનો કડક અભ્યાસક્રમ અને એકલતાને કારણે તે ભાંગી પડી હતી.
હાર્વી ભૂતકાળને યાદ કરતા કહે છે, “એક સમય એવો હતો જ્યારે હું બધું જ છોડીને ભારત પાછી આવી જવા વિશે વિચારતી હતી. જ્યારે તમે થાકીને ઘરે આવો અને મમ્મી-પપ્પાની હાજરી કે મમ્મીના હાથનું ગરમ જમવાનું ન મળે, ત્યારે એ એકલતા બહુ સાલે છે. પરંતુ મારા માતા-પિતાના અવિરત પ્રેમ અને સપોર્ટે મને ટકી રહેવાની તાકાત આપી.”
કમ્પ્યુટર સાયન્સથી ઇકોનોમિક્સ તરફ પ્રયાણ
હાર્વીએ SFUમાં કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી તરીકે એન્ટ્રી લીધી હતી. કારણ કે ભારતમાં સાયન્સ બેકગ્રાઉન્ડ હોવાથી પરિવારની પણ એવી ઈચ્છા હતી. પરંતુ કેનેડિયન એજ્યુકેશન સિસ્ટમમાં તમે એકસાથે બે કોર્સ સાથે ભણી શકો છો. આથી તેણે ઇકોનોમિક્સના બે ઇલેક્ટિવ કોર્સ (ECON 103 અને ECON 105) લેવાની તક મળી. ગુજરાતી હોવાના નાતે ફાઇનાન્સમાં રસ તો હતો જ, પણ આ કોર્સ પછી તેનો અર્થશાસ્ત્ર પ્રત્યેનો પ્રેમ જાગ્યો. આ વળાંક પર તેને ઇકોનોમિક્સ એડવાઇઝર આઝમ ભટ્ટીનો સાથ મળ્યો, જેમને હાર્વી પોતાની સફરના ‘મુખ્ય સ્તંભ’ માને છે. પ્રોફેસર કેવિન લાફ્રેનના કોર્સે તેના એનાલિટિકલ થિંકિંગ અને રાઇટિંગને વધુ ધારદાર બનાવ્યું. હાર્વી માને છે કે ડેટા એનાલિસિસ એ એક પ્રકારનું ‘સ્ટોરીટેલિંગ’ (વાર્તા કહેવી) છે. આજે તે R અને Python જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજનો ઉપયોગ કરીને જટિલ ડેટા સેટ્સના આધારે શાનદાર રિગ્રેસન મોડલ્સ તૈયાર કરવામાં માહિર છે. હાર્વીનું કહેવું છે, “કોમ્પ્યુટર સાયન્સમાંથી ઇકોનોમિક્સમાં જવાનો આ બદલાવ થોડો મુશ્કેલ હતો, પરંતુ પ્રોફેસર્સ, યુનિવર્સિટી સ્ટાફ અને ખાસ કરીને મારા માતા-પિતાના સંપૂર્ણ સપોર્ટને કારણે હું આગળ વધી શકી.”
માતા-પિતાના સંસ્કાર અને આધ્યાત્મિકતાનું ભાથું
હાર્વીના માતા-પિતા બંને વર્કિંગ હોવાથી તે નાનપણથી તેના દાદા-દાદી સાથે મોટી થઈ છે. તેના પેરેન્ટ્સ પોતે ગ્રેજ્યુએશનથી આગળ નહોતા ભણી શક્યા, પણ દીકરીઓ (હાર્વી અને તેની નાની બહેન) આકાશ આંબે તે તેમનું સપનું હતું. હાર્વી કહે છે, “આજના સમયમાં પણ ઘણી જગ્યાએ દીકરીઓને ભણાવવામાં નથી આવતી કે સ્વતંત્રતા નથી મળતી, તેવા સમયે મારા પેરેન્ટ્સે મારા પર વિશ્વાસ મૂકીને મને કેનેડા મોકલી. હું ભારતની દીકરીઓને કહેવા માંગુ છું કે જો હું કરી શકું છું, તો તમે પણ કરી શકો છો. આપણા બધામાં આ પાવર છે જ.”
ભારતમાં સ્ટેટ લેવલે ચેસ રમનાર હાર્વીના જીવનમાં આધ્યાત્મિકતાનો બહુ મોટો ફાળો છે. તે કહે છે, “હું ભગવાન શ્રીકૃષ્ણની સેવામાં બહુ માનું છું. હું જ્યાં પણ જાઉં, મારો કન્હૈયો મારી સાથે હોય છે. જ્યારે જીવનમાં એવું લાગે કે હવે બધું પૂરું થઈ ગયું, ત્યારે ભગવાન પરની શ્રદ્ધા જ મને સ્થિર રાખે છે. મુશ્કેલ સમયમાં કોઈ અદ્રશ્ય હાથ મને પડવા દેતો નથી.”
નેટવર્કિંગ, લીડરશિપ અને ભવિષ્યના સપના
હાર્વીએ માત્ર ક્લાસરૂમ પૂરતું ધ્યાન ન આપ્યું પરંતુ કેમ્પસની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે SFU ઓપોર્ચ્યુનિટી ફેસ્ટ અને કોમ્યુનિટી મિક્સરમાં વોલન્ટિયર અને લીડર તરીકે કામ કર્યું. આ ઉપરાંત, કેનેડાના પ્રતિષ્ઠિત ‘YWCA યંગ વુમન લીડરશિપ પ્રોગ્રામ’ માટે આખા પ્રોવિન્સમાંથી પસંદ થનારી તે એકમાત્ર યુવતી હતી, જ્યાં તેણે અન્ડરપ્રિવિલેજ્ડ સ્ત્રીઓને ફાઇનાન્સિયલ નોલેજ આપ્યું અને બદલામાં કેનેડિયન ગવર્મેન્ટ તરફથી સર્ટિફિકેટ મેળવ્યું.
હવે તેનું અન્ડરગ્રેજ્યુએશન પૂરું થયું છે અને માસ્ટર્સ (ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ/ઇન્ટરનેશનલ ફાઇનાન્સ) માટે સ્કોલરશિપ સાથે તેની પાસે ૩ આંતરરાષ્ટ્રીય ઓફર્સ ઓલરેડી છે. પરંતુ માસ્ટર્સ શરૂ કરતા પહેલાં તે ઘણા વર્ષો પછી ભારતમાં આવીને પરિવાર સાથે દિવાળી ઉજવવા માંગે છે.
અંતિમ ધ્યેય: “ભારત માટે કંઈક કરવું છે”
હાર્વીનું અંતિમ સપનું દેશ માટે યોગદાન આપવાનું છે. તે કહે છે, “હું ભવિષ્યમાં ભારત પાછી આવીને ભારત સરકાર સાથે કામ કરવા ઈચ્છું છું. જેમ પીએમ મોદી કહે છે કે ‘ભારતનો સુવર્ણકાળ ભારતનું યુથ જ લાવશે’, તેમ હું પણ ભારતની પ્રગતિનો એક નાનો ભાગ બનવા કટિબદ્ધ છું.”
હાર્વીની આ સફળતા પર ગર્વ વ્યક્ત કરતા તેના એડવાઇઝર આઝમ ભટ્ટી કહે છે: “દરેક વિદ્યાર્થીના જીવનમાં પડકારો આવે છે, પણ હાર્વી જેવી સક્સેસ સ્ટોરીઝ જોવી એ આનંદની વાત છે. તેણે પોતાની નબળાઈઓને બાજુ પર મૂકી, પોતાની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને દરેક તકનો ભરપૂર લાભ લીધો.” હાર્વી શાહની આ સફર વિદેશમાં જઈને પોતાના સપના સાકાર કરવા માંગતા દેશના તમામ વિદ્યાર્થીઓ માટે એક સાચી દીવાદાંડી છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)

