બિહારમાં ખાનગી વાહનો પર ટોલ ટેક્સ લાગશે?

પટનાઃ બિહારમાં રાજ્યના માર્ગો (સ્ટેટ હાઈવે) પર ટોલ વસૂલાતને લઈને વધતા વિવાદ વચ્ચે મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીએ મંગળવારે સ્પષ્ટતા કરી કે રાજ્યના રસ્તા અને પૂલો પર ખાનગી વાહનો પાસેથી કોઈ ટોલ લેવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું કે પ્રસ્તાવિત શૂલ્ક માત્ર વ્યાવસાયિક (કોમર્શિયલ) વાહનો પર જ લાગુ પડશે. અરરિયા જિલ્લાના ફારબિસગંજ પ્રખંડમાં આયોજિત સહયોગ શિબિર કાર્યક્રમને સંબોધતાં મુખ્ય મંત્રીએ વિરોધ પક્ષ પર નવી નીતિ અંગે ગેરસમજ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ટોલ ટેક્સને લઈને કોઈ ગૂંચવણ નથી. બિહાર સરકારે નક્કી કર્યું છે કે ખાનગી વાહનો પર કોઈ ટોલ લાગશે નહીં. માત્ર કોમર્શિયલ વાહનો પાસેથી જ શૂલ્ક વસૂલવામાં આવશે.

આ નિવેદન બિહાર રોડ યુઝર ફી (દર નિર્ધારણ અને વસૂલાત) નિયમો, 2026 અંગેનું નોટિફિકેશન જાહેર થયાના એક દિવસ બાદ આવ્યું છે. આ નિયમોને રાજ્ય મંત્રીમંડળે પહેલી જુલાઈએ મંજૂરી આપી હતી.

નોટિફિકેશનમાં શું કહેવામાં આવ્યું છે?

જારી કરાયેલા નિયમોમાં વિવિધ પ્રકારનાં વાહનો માટે પ્રતિ કિલોમીટર શૂલ્ક નક્કી કરવામાં આવ્યું હતું. નોટિફિકેશન મુજબ:

  • કાર, જીપ અને વેન માટે રૂ. 25 પ્રતિ કિલોમીટર
  • હળવા વ્યાવસાયિક વાહનો માટે રૂ. 2 પ્રતિ કિલોમીટર
  • બસ અને ટ્રક માટે રૂ. 25 પ્રતિ કિલોમીટર
  • ભારે મલ્ટી-એક્સલ વાહનો માટે એક્સલ (ધરી)ની સંખ્યા પ્રમાણે રૂ. 65થી રૂ. 8.10 પ્રતિ કિલોમીટર સુધી ઉપયોગ શૂલ્ક

આ ઉપરાંત, સૂચિત પૂલો, બાયપાસ અને અન્ય માર્ગ માળખાઓ પર અલગથી શુલ્ક વસૂલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

વિવાદ કેમ થયો?

નોટિફિકેશનમાં કાર જેવાં ખાનગી વાહનો માટે પણ શૂલ્ક દરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેથી વિરોધ પક્ષે આરોપ લગાવ્યો કે સરકાર સામાન્ય લોકો પર ટોલનો નવો બોજ મૂકી રહી છે. જોકે મુખ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ખાનગી વાહનોને આ વ્યવસ્થાથી સંપૂર્ણપણે બહાર રાખવામાં આવશે.