શું દિલ્હીમાં કોંગ્રેસ અને AAPનું ગઠબંધન તૂટશે?

દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)નું ગઠબંધન તૂટી શકે છે. AAPએ પોતે દિલ્હીમાં લોકસભાની 7માંથી 6 બેઠકો પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમજ કોંગ્રેસને માત્ર 1 સીટ આપવાના મૂડમાં છે. આમ આદમી પાર્ટી (AAP)ની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની બેઠક બાદ AAP નેતા સંદીપ પાઠકે કહ્યું કે દિલ્હીમાં અમારી સરકાર છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ અમારી સરકાર છે. હવે તે પ્રમાણે જોઈએ તો દિલ્હીમાં અમારી પાસે 6 બેઠકો છે. તેથી અમે 6 બેઠકો પર ચૂંટણી લડવા માંગીએ છીએ અને કોંગ્રેસને 1 બેઠક આપવા તૈયાર છીએ.

સંદીપ પાઠકે કહ્યું, અમે કોંગ્રેસ સાથે બે વખત બેઠકો કરી હતી, પરંતુ તેમાંથી કંઈ બહાર આવ્યું નથી. આ પછી છેલ્લા એક મહિનામાં એક પણ બેઠક થઈ નથી. પહેલા ન્યાય યાત્રાનું કારણ જણાવવામાં આવ્યું અને ત્યારપછી કંઈ કહેવામાં આવ્યું નહીં. આ બેઠક ક્યારે થશે તે અંગે કોંગ્રેસના કોઈપણ નેતાને ખ્યાલ નથી. આજે મારે ભારે હૈયે વાત કરવી છે.

ગોવા અને ગુજરાત માટે જાહેરાત

આ સાથે AAPએ ગોવા અને ગુજરાત માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી છે. સંદીપ પાઠકે કહ્યું કે સમય વિલંબને જોતા આજે વનજી કે જેઓ દક્ષિણ ગોવાના અમારા ધારાસભ્ય પણ છે તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ સાથેના ગઠબંધનને ધ્યાનમાં રાખીને અમને 1 સીટ મળે છે. એટલા માટે અમે અમારા ઉમેદવાર જાહેર કરી રહ્યા છીએ.

સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, ગુજરાતના ભરૂચમાંથી ચૈતર વસાવા અને ભાવનગરમાંથી ઉમેશભાઈ મકવાણાને ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં મહાગઠબંધનમાં અમારી 8 બેઠકો છે. અમને લાગે છે કે કોંગ્રેસ આના પર અમારું સમર્થન કરશે.” તેમણે કહ્યું કે અમે ગઠબંધન ધર્મનું પાલન કરવા માંગીએ છીએ, પરંતુ જે વિલંબ થઈ રહ્યો છે તે યોગ્ય નથી.

આમ આદમી પાર્ટી (AAP)ના આ પગલાને INDIA ગઠબંધન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આ પહેલા મમતા બેનર્જીએ પણ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ઈન્ડિયા એલાયન્સની રચના બાદ નીતિશ કુમાર અને જયંત ચૌધરીએ પોતાને કેમ્પથી અલગ કરી લીધા છે અને NDA સાથે હાથ મિલાવ્યા છે.