રાજકોટમાં ભારત, ઇંગ્લેન્ડની ટીમે નેટ પ્રેક્ટિસ કરી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટની શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે, પણ એ પહેલાં આજે બંને ટીમના ખેલાડીઓ એ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ઉપર નેટ પ્રેક્ટિસ કરી હતી.

રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ રમશે. વિરાટ કોહલી ટીમમાં સામેલ નથી. ભારતની ટીમ બે દિવસ પહેલાં રાજકોટ આવી પહોંચી હતી, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ અબુધાબીથી રાજકોટ ગઈ કાલે આવી હતી.

15 થી 19 ફેબ્રુઆરી સુધી ટેસ્ટ મેચ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી ગ્રાઉન્ડ ઉપર રમાશે. કાલે BCCIના સેક્રેટરી જય શાહ પણ રાજકોટ આવી રહ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડના ક્રિકેટ મેચને લઈને સૌરાષ્ટ્રના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના મોટેરા ક્રિકેટ ગ્રાઉન્ડને નરેન્દ્ર મોદી નામકરણ કરવામાં આવ્યા બાદ ગુજરાતના બીજા આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડનું નામકરણ આવતી કાલે 14મી એ BCCI ના સેક્રેટરી જય શાહને હસ્તે એક સમારોહમાં કરવામાં આવશે.

સૌરાષ્ટ્રને ક્રિકેટવિશ્વમાં એક નવી ઊંચાઈ આપનાર અને છેલ્લા છ દાયકાથી સૌરાષ્ટ્ર અને રાષ્ટ્રીય ક્રિકેટમાં મહામૂલું યોગદાન આપનાર નિરંજન શાહનું નામ રાજકોટમાં એસસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે આવતી કાલે જોડવામાં આવશે.