અમેઠી પછી રાયબરેલીથી પણ દૂર થશે ગાંધી પરિવાર?

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાજ્યસભા માટે બુધવારે નામાંકન દાખલ કરશે. જોકે એ સ્પષ્ટ નથી કે તેઓ હિમાચલ પ્રદેશથી કે રાજસ્થાનથી રાજ્યસભામાં જશે. મોટા ભાગે તેઓ રાજસ્થાનના રસ્તે રાજ્યસભામાં જાય એવી શક્યતા છે. હાલ તેઓ ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટથી લોકસભા સાંસદ છે.

જોકે હવે સવાલ એ ઊભો થાય છે કે હવે રાયબરેલીથી લોકસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીની જગ્યાએ કોણ લડશે? તેમની જગ્યાએ પ્રિયંકા ગાંધીને ટિકિટ આપવામાં આવે એવી શક્યતા છે, કેમ કે એ સીટ ગાંધી પરિવારની પરંપરાગત સીટ રહી છે.

ફિરોઝ ગાંધી, ઇન્દિરા ગાંધી, અરુણ નેહરુ અને શીલા કૌલ જેવા લોકો આ સીટથી સાસંદ રહ્યા છે. આ બધા લોકો ગાંધી પરિવારના સભ્યો હતા અથવા તેમના સંબંધી હતા. આ ઇતિહાસને ધ્યાનમાં રાખતાં કોંગ્રેસ ગાંધી પરિવારથી અલગ કોઈ પણ વ્યક્તિને આ સીટથી ઉમેદવાર નહીં બનાવવાનું પસંદ કરે. રાયબરેલી સીટ ગાંધી પરિવાર માટે રાજકીય મહત્ત્વની છે, એટલે પ્રિયંકા ગાંધીને અહીંથી તક આપવામાં આવે એવી શક્યતા છે. જોકે અત્યાર સુધી રાયબરેલી સીટને લઈને સંપૂર્ણ રીતે સ્થિતિ સ્પષ્ટ નથી થઈ.

આ પહેલાં સોનિયા ગાંધીએ વર્ષ 2009માં લોકસભા ચૂંટણી લડતાં સમયે કહ્યું હતું કે તેમની આ છેલ્લી ચૂંટણી છે, જ્યારે તેઓ સામાન્ય ચૂંટણી લડી રહ્યાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા 1999થી લોકસભાનાં સભ્ય રહ્યાં છે. આ પહેલી વાર છે કે તેઓ રાજ્યસભામાં પહોંચશે.